એ મહિલા જેમણે મૅક-અપ અને ક્રાઇમની કહાણીઓ થકી કારકિર્દી ઘડી

    • લેેખક, ડિયરબેલ જોર્ડન
    • પદ, બિઝનેસ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ

કેટલાક લોકો માટે યૂટ્યૂબ ચેનલ પર મૅક-અપના ટ્યૂટોરિયલ વીડિયો જોવા કરતાં બીજી ઘણી સારી એવી વસ્તુઓ છે જેનાથી તેમને મગજની શાંતિ મળે છે.

તો બીજી તરફ કેટલાક એવા લોકો છે જેઓ એવા મૅક-અપ વીડિયો પણ પસંદ કરે છે જેમાં હત્યાઓ, હત્યારાઓ અને ગુનાખોરીની દાસ્તાન હોય.

બૈલી સેરિયનની યૂટ્યૂબ ચેનલના 6 મિલિયન કરતાં વધુ સબ્સ્ક્રાઈબર્સ છે

ઇમેજ સ્રોત, BAILEY SARIAN

ઇમેજ કૅપ્શન, બૈલી સેરિયનની યૂટ્યૂબ ચેનલના 6 મિલિયન કરતાં વધુ સબ્સ્ક્રાઈબર્સ છે

સાંભળીને વિચારતા થઈ ગયા હશો કે ખરેખર શું આવું હોય?

આવું એ 6.4 મિલિયન લોકો નહીં વિચારે જેઓ બૈલી સેરિયનની યૂટ્યૂબ ચેનલના સબ્સ્ક્રાઇબર છે. તેઓ એક લૉસ એન્જલસસ્થિત મૅક-અપ કલાકાર છે જેઓ ગુનાખોરીની કહાણીઓ પણ સંભળાવે છે.

તેમના યૂટ્યૂબ વીડિયોમાં આ બંને એકદમ વિપરીત વસ્તુઓ જોવા મળે છે. તેમની સિરીઝનું નામ છે મર્ડર, મિસ્ટ્રી અને મૅક-અપ.

એક શોખ સાથે શરૂ કરેલો વ્યવસાય હવે તેમની કારકિર્દી બની ગયો છે અને તે અમેરિકામાં નેટફ્લિક્સ પર પણ ડીલ કરી ચૂક્યો છે.

33 વર્ષીય બૈલીને પણ આશ્ચર્ય થયું કે યૂટ્યૂબ અને સાચી ગુનાની કહાણીઓ તેમની નોકરીનો ભાગ બની ગઈ છે.

તેઓ બીબીસી સાથે વાત કરતાં જણાવે છે, “મને લાગ્યું કે યૂટ્યૂબ પરથી કમાણી કરવી એક ખૂબ જ સારો વિચાર સાબિત થશે. તેનાથી હું મારા ખર્ચ ઉપાડી શકીશ. હવે મારી ચેનલના છ મિલિયન કરતાં વધારે સબ્સ્ક્રાઇબર છે. તે ખૂબ વધારે છે. મને ક્યારેય ખબર ન હતી કે જે આજે મારી પાસે છે તે ક્યારેય થશે.”

તેમના વીડિયો શૂટ કરવાની જગ્યા ખૂબ જ સાદી છે. બૈલી કૅમેરાની સામે બેસે છે, મૅક-અપ લગાવે છે અને સાચી ગુનાહિત કહાણીઓ વિશે વાત કરે છે.

દરેક વીડિયો બનાવવા માટે ઘણા સંશોધનની જરૂર પણ પડે છે. એટલા માટે હવે બૈલીએ પોતાની મદદ માટે એક કર્મચારીને નોકરી પણ આપી છે. તેઓ કોર્ટની ટ્રાન્સ્ક્રિપ્ટ તેમજ પોલીસના ઇન્ટરવ્યૂની મદદથી માહિતી મેળવે છે.

સિરીઝનો સૌથી જાણીતો વીડિયો અમેરિકાના જાણીતા સીરિયલ કિલર જેફરી ડેહમર વિશે છે, જેણે 1978થી 1991 વચ્ચે 17 પુરુષો અને યુવાનોની હત્યા કરી નાખી હતી. આ કહાણી કહેતા સમયે બૈલીએ લીલી આંખનો લૂક ધારણ કર્યો છે.

એ વીડિયોને 22 મિલિયન વખત જોવામાં આવ્યો છે. માહિતી માટે જોઈએ તો ટીવી ડ્રામા લાઇન ઑફ ડ્યૂટીને યુકેમાં 12.8 મિલિયન લોકો દ્વારા જોવામાં આવ્યો હતો જે એક રેકર્ડ હતો.

કુલ જોવા જઈએ તો બૈલીના યૂટ્યૂબ વીડિયો અત્યાર સુધી 800 મિલિયન વખત જોવામાં આવ્યા છે.

સિરિયલ કિલર જેફરી ડેહમર સાથે સંકળાયેલો વીડિયો બૈલી સેરિયનની યૂટ્યૂબ ચેનલ પર સૌથી વધુ વખત જોવાયો છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સિરિયલ કિલર જેફરી ડેહમર સાથે સંકળાયેલો વીડિયો બૈલી સેરિયનની યૂટ્યૂબ ચેનલ પર સૌથી વધુ વખત જોવાયો છે

પણ આવા વીડિયો શા માટે કામ કરે છે? તેનો ચોક્કસ જવાબ તો બૈલી પાસે પણ નથી.

તેઓ કહે છે, “સાચું કહું તો એ એક એવી વસ્તુ છે જેની મને હજુ સુધી સમજ પડી હતી લોકો આ પ્રકારના વીડિયો શા માટે પસંદ કરી રહ્યા છે.”

વ્યંગાત્મક રીતે આ આખી વસ્તુ આકસ્મિક હતી.

ત્રણ વર્ષ પહેલાં બૈલીએ સુંદરતા સાથે સંકળાયેલો વીડિયો પોતાની ચેનલ પર પોસ્ટ કર્યો હતો. તેમણે તે ચેનલ 2013માં શરૂ કરી હતી.

તેઓ પ્રૉફેશનલ મૅક-અપ આર્ટિસ્ટ તરીકે નોકરી કરતાં અને સાથે યૂટ્યૂબ વીડિયો બનાવતાં હતાં.

તેમણે બ્યુટી સબ્સ્ક્રિપ્શન કંપની ઇપ્સી સાથે કરાર તોડ્યો અને હવે કમાણી માટે તેઓ યૂટ્યૂબ પર જ નિર્ભર હતાં. જોકે, તેઓ છૂટક કામ કરતાં રહેતાં હતાં.

વર્ષ 2018માં કોલોરાડોની એક વ્યક્તિ ક્રિસ વૉટ્સની ખૂબ ચર્ચા થઈ હતી જેમને પોતાનાં ગર્ભવતી પત્ની શેનન અને બે દીકરી બેલા અને સેલેસ્ટની હત્યા માટે આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.

આ એવી ઘટના હતી જેણે આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. પરંતુ બૈલી જાણવા માગતાં હતાં કે એક સારો એવો પતિ પોતાના પરિવારને મારવા પર કેમ ઊતરી આવ્યો હતો.

તેઓ આ વિશે વાત કરતાં થોડાં ગભરાયેલાં હતાં. ઑનલાઇન જો કોઈ તમારી મજાક ઉડાવે તો તે ખરેખર મજાક નથી હોતો. તેનો સામનો કરવા તેમણે એ કર્યું જે તેઓ હંમેશાં કરતાં આવ્યાં છે. તેમણે પોતાનો મૅક-અપ લગાવ્યો.

તેઓ કહે છે, “હું એ માત્ર એ માટે કરી રહી હતી કે કૅમેરાની સામે બેસીને માત્ર બોલવાનું મને વિચિત્ર લાગતું હતું. હું મારી જાતને વ્યસ્ત રાખવા માગતી હતી.”

તેમને મળતી પ્રતિક્રિયાઓ મુદ્દે હજુ પણ તેઓ ગભરાયેલાં હતાં. તેમને શંકા હતી કે લોકોની પ્રતિક્રિયા ખૂબ ખરાબ હશે.

તેઓ કહે છે, “હું મૅક-અપ કરી રહી હતી અને સાથે ખતરનાક ક્રાઇમ વિશે વાત કરી રહી હતી. તેનો એકબીજા સાથે કોઈ સંબંધ જ નથી.”

લાઇન

એ મહિલા જેઓ મૅક-અપ કરવાની સાથે ક્રાઇમ સ્ટોરી સંભળાવી ફૅમસ બન્યાં - સંક્ષિપ્તમાં

લાઇન
  • બૈલી સેરિયનની સિરીઝનું નામ છે મર્ડર, મિસ્ટ્રી અને મૅક-અપ.
  • ત્રણ વર્ષ પહેલાં બૈલીએ સુંદરતા સાથે સંકળાયેલો વીડિયો પોતાની ચેનલ પર પોસ્ટ કર્યો હતો. તેમણે તે ચેનલ 2013માં શરૂ કરી હતી.
  • કોરોના મહામારી દરમિયાન બૈલી સેરિયનના સબ્સ્ક્રાઈબરમાં વધારો થયો, કેમ કે દુનિયા લૉકડાઉનમાં હતી અને લોકો પોતાનો સમય પસાર કરવા માટે ટીવી સિરીઝ, ફિલ્મ અથવા બીજી કોઈ વસ્તુનો સહારો લેતા હતા..
  • તેઓ પોતાની ચેનલ પર સત્ય ઘટના પર આધારિત ગુનાખોરીની કહાણીઓ લોકોને જણાવે છે
  • તેમને કેવી રીતે આવ્યો આ અનોખો વિચાર? કેમ તેમની ચેનલની લોકપ્રિયતા વધી રહી છે? જાણવા માટે વાંચો.
લાઇન
બૈલી કહે છે કે ક્રાઇમની કહાણી સંભળાવતા તેમણે મૅક-અપ લગાવવાનું ચાલુ કર્યું જેથી તેમને ગભરાટ ન થાય

ઇમેજ સ્રોત, BAILEY SARIAN

ઇમેજ કૅપ્શન, બૈલી કહે છે કે ક્રાઇમની કહાણી સંભળાવતા તેમણે મૅક-અપ લગાવવાનું ચાલુ કર્યું જેથી તેમને ગભરાટ ન થાય

24 કલાકની અંદર પરિણામ કંઈક અલગ જોવા મળ્યું અને લોકોના જોવાનો આંકડો ઉપર જઈ રહ્યો હતો. તે વૉટ્સના વીડિયોને આશરે 10 મિલિયન વ્યૂ મળ્યા હતા.

બૈલી કહે છે, “મને લાગ્યું કે ચલો ફરી એક વખત પ્રયાસ કરું અને કોઈ નવી કહાણી લઉં. જોઉં કે તે એ જ રીતે ચાલે છે કે નહીં. અને તે વીડિયો પણ સારો ચાલ્યો અને હું તે રીતે વીડિયો બનાવતી રહી. દર અઠવાડિયે મને સબ્સ્ક્રાઈબરમાં ફાયદો થતો રહ્યો અને તેમની સંખ્યા વધતી રહી.”

યુકેના મનોચિકિત્સક ડૉ. રૂથ ટલ્લી (જેમણે ગંભીર ક્રાઇમ કેસો પર કામ કર્યું છે)નું માનવું છે કે બૈલીનું આ સંયોજન કામ કરી જાય છે, કેમ કે આપણે આજકાલ ખૂબ વધારે વીડિયો જોઈએ છીએ.

આપણી એક આંખ આપણા કામ પર હોય છે અને બીજી ફોન કે ટેબ્લેટ તરફ.

તેઓ કહે છે, “એક તરફ તેઓ એવું કરે છે જે લોકોને આકર્ષિત કરે છે. તે કામ છે મૅક-અપ. લોકો તે તત્ત્વ જોવામાં રસ ધરાવે છે. અને સાથે જ તે એક કહાણી પણ કહે છે. આપણે ક્રાઇમ વિશે વિચારીએ છીએ જેની તે વાત કરી રહી છે. તેના સિવાય વીડિયોમાં એવું પણ હોય છે જે જોવા માટે આકર્ષે છે.”

આ વસતીવિષયક પણ છે. જાન્યુઆરીથી જૂન 2020 સુધી યૂટ્યૂબ પર ક્રાઇમ સંબંધિત વીડિયો જોનારા લોકોમાં 60 ટકા મહિલાઓ હતી.

બૈલી કહે છે કે તેમના વધુ પડતા વીડિયો મહિલાઓ દ્વારા જોવામાં આવે છે. તેમાં મહિલાઓની ઉંમર 25થી 35ની વચ્ચે હોય છે. ત્યાર બાદ 18થી 25 વર્ષના જૂથમાં આવતી છોકરીઓ પણ તેમના વીડિયો જુએ છે.

ડૉ. ટલ્લી કહે છે, “મહિલાઓ આવા વીડિયો પ્રત્યે શા માટે આકર્ષાય છે તેના વિશે ખૂબ ઓછી માહિતી છે. વીડિયોના ભાગમાં એ પણ જણાવવામાં આવે છે કે બેચેની સામે કેવી રીતે લડવું અને કેવી રીતે પોતાની જાતને રક્ષણ આપવું. આવું એ માટે પણ હોઈ શકે કે કેટલીક મહિલાઓને સિસ્ટમ પર ભરોસો હોતો નથી.”

બૈલી કહે છે, “જ્યારે હું કોઈ ચીજથી ડરેલી હોઉં છું. હું તેનો નિકાલ શોધવાનો પ્રયાસ કરું છું. તેનાથી બેચેનીમાંથી રાહત મેળવવામાં મદદ મળે છે. એટલે જ કદાચ મને તેની આદત પડી ગઈ છે.”

કોરોના મહામારી દરમિયાન પણ તેમના સબ્સ્ક્રાઈબરમાં વધારો થયો, કેમ કે દુનિયા લૉકડાઉનમાં હતી અને લોકો પોતાનો સમય પસાર કરવા માટે ટીવી સિરીઝ, ફિલ્મ અથવા બીજી કોઈ વસ્તુનો સહારો લેતા હતા.

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માર્ચ 2020માં નેશનલ ઇમર્જન્સી જાહેર કરી હતી. ત્યારે બૈલી પાસે માત્ર 7,80,000 સબ્સ્ક્રાઈબર્સ હતા. પરંતુ વર્ષના અંત સુધી તે આંકડો 3.5 મિલિયન સુધી પહોંચ્યો હતો અને હવે આજના દિવસે તે આંકડો ડબલને પાર કરી ગયો છે.

બૈલી કહે છે, “તેમાં જોવા જેવું કંઈ જ નથી. બધા લોકો યૂટ્યૂબ પર હતા અને લોકોએ મારી ચેનલ શોધવાનું શરૂ કર્યું. એક સાથે મારા ઘણા વીડિયો જોયા અને તેની સાથે મને ઘણા મૅસેજ તેમજ કૉમેન્ટ મળી હતી. લોકો કહેતા કે ક્વૉરેન્ટીનમાં મેં તેમને મદદ કરી છે.”

વીડિયોની મદદથી તેમની કારકિર્દીનો રસ્તો પણ મોકળો બન્યો છે. તેઓ હાલ અમેરિકાની પ્રોડક્શન કંપની વ્હીલહાઉસ ડીએનએ સાથે કામ કરી રહ્યાં છે જેમાં તેઓ ઍવૉર્ડ જીતી ચૂકેલા પોડકાસ્ટ અને વીડિયો સિરીઝ ડાર્ક હિસ્ટ્રી પર કામ કરે છે. એપિસોડમાં “હુ સ્ટૉલ ગ્રાન્ડમાઝ બૉડી? ધ ડૉક્ટર્સ રાયટ્સ ઑફ 1788”નો સમાવેશ થાય છે.

તેમની પાસે નેટફ્લિક્સની પણ ડીલ છે. તેઓ કહે છે કે તે ડીલ તેમને એ માટે મળી, કેમ કે આ કંપનીમાંથી કોઈએ મારી ચેનલ જોઈ હતી.

સાચી ક્રાઇમની કહાણીઓ પાછળ તે સાચા પીડિતોની વાત પણ કરે છે. શું બૈલીને એવું લાગે છે કે તેઓ શોષણકારી છે?

2018માં ક્રિસ વૉટ્સે તેમનાં પત્ની અને બે દીકરીઓના કરેલા મર્ડરની કહાણી સાથે બૈલીએ આ કામ શરૂ કર્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2018માં ક્રિસ વૉટ્સે તેમનાં પત્ની અને બે દીકરીઓના કરેલા મર્ડરની કહાણી સાથે બૈલીએ આ કામ શરૂ કર્યું હતું.

2018માં ક્રિસ વૉટ્સે તેમનાં પત્ની અને બે દીકરીઓના કરેલા મર્ડરની કહાણી સાથે બૈલીએ આ કામ શરૂ કર્યું હતું.

તેઓ કહે છે, “હવે જ્યારે મારી ચેનલ વિકસી છે, મને લાગે છે કે મારા પર હું જે કહું છું તેના વિશે વધારે જવાબદારી છે. તો મારું ધ્યાન હત્યારા પર હોય છે અને પીડિતો વિશે વધારે વાત નથી કરતી અથવા તેમની તસવીરો નથી બતાવતી.”

“મને લાગે છે કે હું તેમના વિશે વાત નથી કરી શકતી, જ્યાં સુધી હું તેમના પરિવાર સાથે સીધી વાત ન કરું. તેમણે લાંબું જીવન જીવ્યું હોય છે. તેમને એક વસ્તુ માટે કેમ યાદ રાખવા?”

તેમનો કેટલાક કેસો સાથે સંકળાયેલા લોકોએ સંપર્ક પણ કર્યો છે.

તેઓ કહે છે, “મને સારો પ્રતિસાદ મળ્યો છે અને તેઓ તેમાં વધુ ઉમેરો કરવા માગે છે.”

તેઓ કહે છે કે જો કોઈ વ્યક્તિ ક્રાઇમ સાથે જોડાયેલી હોય અને તેમને વીડિયો વાંધાજનક લાગ્યો હોય તો તેઓ વીડિયો કોઈ સવાલ વગર હટાવી દેશે.

તો હવે આગળ શું? તો બૈલી કહે છે કે તેમની પાસે બીજી એક ડાર્ક હિસ્ટ્રી સિરીઝ છે જે 3 ઑગસ્ટના રોજ બહાર પડશે. તેઓ મર્ડર, મિસ્ટ્રી ઍન્ડ મૅક-અપને મોટા પ્લૅટફૉર્મ પર જતા જોવા માગે છે.

અંતે તેઓ કહે છે, “મને ખબર નથી આગળ શું થશે. હું બસ જેમ જીવન ચાલે છે તેમ આગળ ચાલતી જઉં છું.”

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ