હૈદરાબાદ: "મારા પતિએ 11 મહિલા સાથે લગ્ન કર્યાં, એક જ શેરીમાં ત્રણ ઘરમાં ત્રણ પત્નીને રાખતો"
- લેેખક, સુરેખા અબ્બુરી
- પદ, બીબીસી સંવાદદાતા
"મેં જે પૈસા ભેગા કર્યા હતા એ ઉપરાંત સગાંસંબંધીઓ પાસેથી પણ દેવું કરીને મારા પતિને પૈસા આપ્યા હતા. એ કહેતો હતો કે બધા જ પૈસા પાછા આપી દેશે. પણ મેં તો તેને મારું શરીર પણ આપી દીધું હતું, એનું શું?"

ઇમેજ સ્રોત, UGC
આ વ્યથા છે વૈદેહી (આગ્રહથી નામ બદલવામાં આવ્યું છે)ની. તેમનો આક્ષેપ છે કે તેમના પતિ અદાપા શિવશંકર બાબુએ તેમને દગો આપ્યો છે. અદાપા શિવશંકર પર અત્યાર સુધીમાં આઠ લગ્ન કરવાનો આરોપ છે.
વૈદેહી એ આઠ મહિલાઓ પૈકીનાં એક છે.
વૈદેહી કહે છે, "મને જ્યારથી ખબર પડી કે મારા પતિએ કેટલીય મહિલાઓ સાથે લગ્ન કર્યાં છે ત્યારથી હું તેને સજા અપાવવાના પ્રયત્નોમાં લાગી છું."
13મી જુલાઈએ હૈદરાબાદ પ્રેસ ક્લબમાં બે મહિલાએ પત્રકારપરિષદ યોજીને શિવશંકરે તેમની સાથે લગ્ન કરીને બાદમાં છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.
વૈદેહી કહે છે, "કોંડાપુરમાં મારા ફ્લેટની આસપાસ માત્ર બે શેરી દૂર એક તરફ એક પરિવાર રહે છે, તો 200 મીટર દૂર બીજો પરિવાર- આ બંને પરિવાર તેમના છે."
પત્રકારપરિષદમાં મહિલાઓએ કહ્યું, "તેણે અત્યાર સુધી 11 મહિલાઓ સાથે લગ્ન કર્યાં છે. અમો 8 લગ્નની માહિતી એકત્ર કરી લીધી છે."
વૈદેહી આગળ જણાવે છે, "શિવશંકરે એક લગ્ન કર્યાંના થોડા મહિનામાં જ બીજાં બે લગ્ન કરી લીધાં. ખબર પડી જતા એક પત્નીને કોઈ વાંધો પડતો અને તે પોલીસ ફરિયાદ કરતી તો તે બીજી પત્નીને પોલીસસ્ટેશન લાવીને જામીન કરાવતો અને પૈસા પરત કરી દેવાનો વાયદો કરતો. આ એમનો ધંધો થઈ ગયો છે. આ હવે બંધ થવું જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કોણ છે અદપા શિવશંકર બાબુ?

અદપા શિવશંકર બાબુ આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં આવેલા બેથાપુડીમાં રહે છે અને એક ખાનગી કંપનીમાં કામ કરે છે.
વૈદૈહી કહે છે, "2018માં તેમણે મંગલગિરિ વિસ્તારની એક મહિલા સાથે લગ્ન કર્યાં હતાં. બાદમાં તે હૈદરાબાદ જતો રહ્યો. તે પછી તેણે છૂટાછેડા લીધેલી મહિલાઓ પર ફોકસ કર્યું હતું. તે મૅટ્રિમોનિયલ વેબસાઇટ અને ઍપ્લિકેશનો પર ડિવૉર્સી, નોકરિયાત મહિલાઓને ટાર્ગેટ કરતો, તેમના મોબાઇલ નંબર મેળવીને તેમની સાથે વાત કરતો હતો. પછી તે છૂટાછેડા લીધેલી મહિલાઓનાં માતા-પિતા સાથે પણ વાત કરતો હતો. જ્યારે તેના પરિવાર વિશે પૂછવામાં આવતું તો શિવશંકર તેઓ જીવિત ન હોવાનું જણાવતો હતો અને ખુદ ડિવૉર્સી હોવાનું અને તેને એક પુત્રી હોવાનું પણ કહેતો હતો અને પછી એક બાળકની મુલાકાત પણ કરાવતો હતો."
"પછી તે કોઈને તેની કાકી અને કાકાની ભૂમિકા ભજવવા તૈયાર કરી લેતો હતો અને મહિલા સાથે લગ્ન કરી લેતો હતો. તે પછી, તે બહુ ચાલાકી વાપરીને તેની પાસેથી પૈસા પડાવી લેતો. લગ્નના દોઢ મહિના પછી તે મહિલાને નોકરી છોડવા માટે દબાણ કરતો. દરમિયાન, તેણે જે સ્ત્રી સાથે અગાઉ લગ્ન કર્યાં હતાં તે શંકા કરવા લાગે તો તેને કહેતો કે તારી પાસેથી લીધેલા પૈસા પાછા આપી દઈશ. પૈસા પરત કરી દેવાનો વાયદો એ આધારે કરતો કે તેની નવી પત્ની તેને પૈસા આપશે."
વૈદેહી કહે છે, "નવી પત્નીને કહેતો કે તેને થોડા પૈસાની જરૂર છે. આમ કરીને તે પૈસા લઈ લેતો અને તેમાંથી એક ભાગ જે તેના પર શંકા કરતી તે પત્નીને આપી દેતો. જ્યારે નવી પત્ની પૈસા માગવા લાગતી ત્યારે તે નવી મહિલા સાથે મિત્રતા કરતો અને લગ્ન કરી લેતો. આ રીતે તેણે અત્યાર સુધી 11 મહિલાઓ સાથે લગ્ન કર્યાં છે."
પીડિત મહિલાઓએ કહ્યું કે અત્યાર સુધીમાં તેઓ 8 મહિલાઓની માહિતી એકત્ર કરવામાં સફળ રહ્યાં છે.
તેઓ કહે છે કે કેટલીક મહિલાઓ એ ડરથી આગળ નથી આવી રહી કે તેઓ એક વખત છૂટાછેડા લઈ ચૂકી છે અને જો આ મામલો હવે પ્રકાશમાં આવશે તો તેનાથી તેમની બદનામી થઈ જશે.
વર્શિની (વિનંતી પર બદલાયેલું નામ) પણ શિવશંકર સાથે પરણેલી મહિલાઓ પૈકીનાં એક છે.
વર્શિનીએ બીબીસીને કહ્યું, "શિવશંકરે નવેમ્બર 2021માં મારી સાથે લગ્ન કર્યાં હતાં. તેણે વૈદેહી સાથે 2022ના ફેબ્રુઆરીમાં લગ્ન કર્યાં. અમે એપ્રિલ 2022માં લગ્નની નોંધણી પણ કરાવી હતી. તેણે એ જ મહિનામાં બીજી સ્ત્રી સાથે પણ લગ્ન કર્યાં. તે મહિલા હવે ગર્ભવતી છે. અમે તેમને જાણ પણ કરી. પણ તે શિવશંકર સાથે જતી રહી."
વર્શિની રડતાં રડતાં કહે છે, "છૂટાછેડા પછી નવું જીવન શરૂ કરવા માગતી અમારા જેવી સ્ત્રીઓ સાથે શિવશંકર છેતરપિંડી કરી રહ્યો છે. અમારે સારું કમાતો પતિ જોઈએ છે અને અમારાં માતા-પિતા ઇચ્છે છે કે તેમની પુત્રીનું ભવિષ્ય સારું હોય. અમારાં માતા-પિતા વિચારે છે કે અમે તેની સાથે સુરક્ષિત હોઈએ, તે જ તેમના માટે પૂરતું છે. શિવશંકરે આ લાગણીઓનો ગેરલાભ ઉઠાવ્યો છે."

મહિલાઓ કેવી રીતે તેની વાતમાં આવી જતી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
મહિલાઓ કહે છે કે "જ્યારે તે આ મહિલાઓને મળતો ત્યારે કહેતો કે તે દર મહિને લાખો કમાઈ રહ્યો છે."
"તે પછી, જેમ જેમ પ્રારંભિક પરિચય લગ્ન તરફ આગળ વધતો જાય તેમ તે બનાવટી પે-સ્લિપ અને આઈડી કાર્ડ તૈયાર કરતો. આ રીતે, તે માત્ર મહિલાને જ નહીં પરંતુ તેના પરિવારને પણ સમજાવી લેતો."
આ મહિલાઓનું કહેવું છે કે શિવશંકરે તેમની સાથે દગો કર્યો છે.
વૈદેહી કહે છે, "લગ્નના એક મહિનાની અંદર જ તે મહિલા પર એમ કહીને નોકરી છોડી દેવાનું દબાણ કરતો કે તેને તે કામ કરે છે તે પસંદ નથી. તેને ડર હતો કે જો મહિલા કામ કરતી રહે તો તેના બહારના જીવનની વાસ્તવિકતા ખુલ્લી પડી જશે."
"ધીમે ધીમે તે એક વાર્તા ઘડતો કે તેને વિદેશ જવાનો મોકો મળ્યો છે અને તેની કંપની ટૂંક સમયમાં તેને બહાર મોકલી રહી છે. તે તેને એવી ખાતરી આપતો કે વિદેશમાં બધા મોજથી રહીશું. તે પછી તે કહેતો કે તેનો પાસપોર્ટ ખોવાઈ ગયો છે અને એટલે તેનો અમેરિકાપ્રવાસ વિલંબિત થઈ રહ્યો છે."
"દરમિયાન તે એવું ઠસાવતો કે કંપનીએ પૈસા આપવાનું બંધ કરી દીધું છે અને હવે બધા દસ્તાવેજો પાછા મેળવવા માટે લાખો ખર્ચવા પડશે. આ રીતે તે માત્ર મહિલાઓ પાસેથી પૈસા પડાવતો એટલું જ નહીં તેની પત્ની પણ તેમના સંબંધીઓ પાસેથી પૈસા ઉછીના લાવી આપતી. આ રીતે તેણે દરેક મહિલા પાસેથી 25-30 લાખ રૂપિયા ભેગા કર્યા છે."

મહિલાઓને કેવી રીતે શંકા ગઈ?

વર્શિની સાથે લગ્ન કર્યાં પછી શિવશંકરે તેને કહ્યું કે તેની કંપની તેને પ્રોજેક્ટ વર્ક માટે અમેરિકા મોકલી રહી છે.
તેણે વર્શિનીને પણ સાથે લઈ જવાનું કહીને તેના લગ્નની નોંધણી કરાવી લીધી. સાથે તેણે એ આશ્વાસન પણ આપ્યું કે તે તેમની બહેનને પણ અમેરિકામાં નોકરી અપાવી દેશે.
આમ કહીને તેણે વિઝા પ્રક્રિયા માટે પૈસાની જરૂરની વાત કરી. પછી વર્શિની અને તેમનાં માતા-પિતા પાસેથી પૈસા ઉછીના લીધા. થોડા દિવસો પછી તેણે કહ્યું કે તેનો અમેરિકા જવાનો કાર્યક્રમ સ્થગિત થઈ ગયો છે.
પૈસા પરત ન કરવા પર સાસરિયાઓ તેમને પૂછવા લાગ્યા. અનેક કારણો આપીને તે વાત ટાળતો હતો. જ્યારે તેના વર્તન પર શંકા ગઈ ત્યારે તેમણે ઊંડી પૂછપરછ કરી પછી તેણે બેજવાબદારીપૂર્વક કહી દીધું કે પોલીસ ફરિયાદ કરવી હોય તો કરી દો.
આ અંગે વર્શિની અને તેમનાં માતા-પિતાએ મેડક જિલ્લાના રામચંદ્રપુરમ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તેને પોલીસસ્ટેશન બોલાવ્યો. તો તે વૈદેહીને લઈને પોલીસસ્ટેશન પહોંચ્યો અને વૈદેહીને તેની પત્ની તરીકે ઓળખાવી.
આટલું જ નહીં તેણે ખોટું બોલીને વૈદેહીને મનાવી પણ લીધી. તેણે વૈદેહીને કહ્યું કે વર્શિનીએ જ તેની સાથે દગો કર્યો હતો અને વૈદેહીને પોલીસસ્ટેશનમાં તેની પડખે ઊભા રહેવા આજીજી કરી હતી.
તેણે વૈદેહીના મોઢે બોલાવ્યું કે વર્શિની અને તેમનાં માતા-પિતાના પૈસા ચૂકવવાની જવાબદારી આજથી મારી (વૈદેહીની) છે.
જોકે, વૈદેહીને પણ ધીમે ધીમે તેના પર શંકા થવા લાગી.
વૈદેહીએ કહ્યું, "તે રોજ કહેતો હતો કે તેને નાઈટ શિફ્ટમાં કામ કરવું છે. એક મહિલા સાથે વાત કરતો અને પૂછતા જવાબ આપતો કે તે તેની ક્લાયન્ટ છે. તે છુપાઈને બીજો ફોન વાપરતો હતો, જેને તે કારમાં મૂકી રાખતો હતો. મેં તેને બાથરૂમમાં પણ ખાનગીમાં વાત કરતા સાંભળ્યો હતો. જ્યારે મેં તેના હાથમાંથી ફોન છીનવી લીધો અને મહિલા સાથે વાત કરી તો તેણે કહ્યું કે તે તેની (શિવશંકરની) પત્ની છે. આ જાણીને હું ચોંકી ગઈ. વર્શિની સાથે વાત કરી. જ્યારે અમે બંનેએ વધુ તપાસ કરી ત્યારે અમને ખબર પડી કે નજીકની શેરીઓમાં તેના બીજા ત્રણ પરિવાર છે."
વૈદેહી કહે છે, "અમને ખબર પડી કે તે 2018થી મહિલાઓના જીવન સાથે રમત રમી રહ્યો છે. મહિલાઓએ તેની સામે ભૂતકાળમાં પણ કેસ કર્યા છે."
શિવશંકર સામે 2018 અને 2019માં કુકટપલ્લી અને હૈદરાબાદમાં બે કેસ નોંધાયા હતા, જ્યારે આંધ્રપ્રદેશના અનંતપુરમમાં એક કેસ લગ્ન કરવાનો અને બાદમાં છેતરપિંડીનો હતો.
પીડિતાઓએ જણાવ્યું કે તેમની વિરુદ્ધ કેપીએચબી, આરસી પુરમ, ગાચીબાવલી, એસઆર નગર પોલીસસ્ટેશન અને હૈદરાબાદના અનંતપુરમ પોલીસસ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા હતા.

શિવશંકરનું શું કહેવું છે?

આ મહિલાઓએ તેના પર લગ્ન અને છેતરપિંડીનો આરોપ લગાવ્યા બાદ તેણે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે તે ફરાર નથી પરંતુ આંધ્રપ્રદેશના ગુંટુરમાં છે.
તેણે વીડિયોમાં કહ્યું છે કે, "એ ખોટી વાત છે કે તેણે 8-11 મહિલાઓ સાથે લગ્ન કર્યાં છે. મારાં સાસરિયા અને એક વ્યક્તિ એવું ઇચ્છતી હતી કે હું એક કંપની બનાવીને લોકો સાથે છેતરપિંડી કરું. હું તેમની વાત પર સંમત ન થયો તો તેમણે બે મહિલાઓને મારી સામે ફરિયાદ કરવા માટે તૈયાર કરી. જો મેં તેની સાથે લગ્ન કર્યાં હોય તો હું તેને સાબિત કરવા કહું છું. જો મેં તેની પાસેથી 60 લાખ રૂપિયા લીધા હોય તો તે પુરાવા આપે. મેં માત્ર એક જ વાર લગ્ન કર્યાં છે, અમારા વચ્ચે અણબનાવ થયો, તેથી અમે અલગ રહીએ છીએ. અમે હજી છૂટાછેડા લીધા નથી. આજની તારીખે હું અન્ય એક મહિલા લિવ-ઇન રિલેશનશિપમાં રહું છું."

પોલીસ શું કહે છે?
આ અંગે પોલીસ અત્યાર સુધી મૌન છે. તેઓ માત્ર એટલું જ કહી રહ્યા છે કે તેઓ તેની તપાસ કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે શિવશંકર વિરુદ્ધ અનેક પોલીસસ્ટેશનોમાં કેસ નોંધાયેલા હોવાથી તેઓ હજુ પણ તે મહિલાઓની વિગતો એકત્રિત કરવાની પ્રક્રિયામાં અટવાયેલા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














