મ્યાનમારઃ ‘મને ગોળી મારવાની તક પહેલાં મળશે તો હું તારી હત્યા જરૂર કરીશ, દીકરા’

મ્યાનમાર હિંસા
ઇમેજ કૅપ્શન, “પિતા તરીકે તું મને એક તક આપીશ, પરંતુ હું તને છોડવાનો નથી. અમને તારી ચિંતા છે.”
    • લેેખક, કો કો ઓંગ, શાર્લોટ એટવૂડ અને રેબેકા હેન્શ્કેક
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

પિતા ચેતવણી આપતાં કહે છે, “મને ગોળી મારવાની તક પહેલાં મળશે તો હું તારી હત્યા જરૂર કરીશ.”

તેઓ મ્યાનમારના સૈન્યમાં કામ કરતા તેમના પુત્ર સાથે વાત કરી રહ્યા છે.

ફેબ્રુઆરી 2021માં મ્યાનમારની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને હાંકી કાઢવામાં આવી પછીના સશસ્ત્ર પ્રતિરોધમાં બો ક્યાર યિન જોડાયા હતા. એ પછીના ઘાતક ગૃહયુદ્ધે તેમના પરિવારને વિભાજિત કરી દીધો હતો.

હવે તેઓ લશ્કરી શાસકો સામે લડી રહ્યા છે અને તેમનો પુત્ર એ શાસકો માટે કામ કરે છે.

જંગલમાં વડના વૃક્ષ નીચે બેઠેલા બો ક્યાર યિન તેમના પુત્ર ન્યી ન્યીને કહે છે, “પિતા તરીકે તું મને એક તક આપીશ, પરંતુ હું તને છોડવાનો નથી. અમને તારી ચિંતા છે.”

ન્યી ન્યી પ્રત્યુત્તર આપે છે, “પિતાજી, હું પણ તમારા માટે ચિંતિત છું. મને સૈનિક બનવા તમે જ પ્રોત્સાહિત કર્યો હતો.”

બો ક્યાર ચિનના બે પુત્ર સૈન્યમાં કામ કરે છે. મોટો દીકરો હવે તેમના ફોન કૉલનો જવાબ આપતો નથી.

બો ક્યોર યિન તેમના પુત્રને લશ્કર છોડવાની વિનંતી કરતાં કહે છે, “સૈન્ય ઘરોનો નાશ કરે છે, તેમને આગ ચાંપી દે છે. તેઓ લોકોની હત્યા કરે છે, તેઓ વિરોધ પ્રદર્શનકર્તાને ઠાર કરે છે. બાળકોને કારણ વિના મારી નાખે છે, સ્ત્રીઓ પર બળાત્કાર કરે છે. એ બધાની તને કદાચ ખબર નહીં હોય.”

ન્યી ન્યી તેમના પિતાના આદર સાથે જવાબ આપે છે, “એ તમારો દૃષ્ટિકોણ છે, પિતાજી. અમારો દૃષ્ટિકોણ અલગ છે.”

આવા ઇનકાર છતાં સૈન્ય દ્વારા કરવામાં આવતો અત્યાચાર વ્યાપક અને બહુ સારી રીતે નોંધાયેલો છે.

પુત્ર સાથે ફોન પર વાત કર્યા બાદ બોન ક્યાર યિન કહે છે, “હું મારા બન્ને પુત્રોને સૈન્ય છોડી આવવા સમજાવું છું, પરંતુ તેઓ મારી વાત સાંભળતા જ નથી. તેથી અમારી વચ્ચે યુદ્ધ થશે તો નસીબનો બળિયો હશે તે જીતશે.”

તેઓ કહે છે, “મુઠ્ઠીભર કઠોળમાં બે-ત્રણ દાણા સખત હોય છે. પરિવારમાં પણ એવું જ હોય છે. કેટલાક સારા ન હોય તે શક્ય છે.”

બો ક્યાર યિન અને તેમનાં પત્ની યિન યિન મિન્ટને આઠ સંતાનો છે. તેમના બે દીકરા લશ્કરમાં જોડાયા તેનો તેમને ગર્વ હતો.

બન્ને દીકરાના લશ્કરી પદવીદાન સમારંભના ફોટોગ્રાફ્સ પિતાએ સ્મૃતિચિહ્ન તરીકે સાચવી રાખ્યા છે. બન્ને દીકરા અધિકારી બન્યા છે.

મ્યાનમાર

ઇમેજ સ્રોત, BBC/DAVIES SURYA

ઇમેજ કૅપ્શન, આઠ સંતાનો પૈકી બે દીકરા લશ્કરમાં જોડાયા તેનો તેમને ગર્વ હતો.

તેઓ જણાવે છે કે દીકરાઓ સૈનિક હોય તે બહુ ગર્વની વાત છે. આ એ સમયની વાત છે, જ્યારે મધ્ય મ્યાનમારના આ વિસ્તારના લોકોએ પોતાના ગામમાં સૈન્યનું ફૂલોથી સ્વાગત કર્યું હતું.

યિન યિન મિન્ટ જણાવે છે કે અમારા બન્ને દીકરા ભણીગણીને સૈન્યમાં જોડાઈ શકે એટલા માટે પૈસા કમાવા આખો પરિવાર ખેતરોમાં કામ કરતો હતો.

મ્યાનમારનાં સશસ્ત્ર દળો તત્માદો નામે ઓળખાય છે અને તત્માદોમાં નોકરી કરવા મળે તે ગૃહયુદ્ધ પહેલાં પરિવારના સામાજિક તથા આર્થિક દરજ્જા બહેતર બનાવતું કામ ગણાતું હતું, પરંતુ ગયા વર્ષના બળવાએ બધું બદલી નાખ્યું.

લોકશાહી તરફી નિશસ્ત્ર વિરોધ પ્રદર્શનકર્તાઓ પર સૈન્ય નિર્દયતાપૂર્વક તૂટી પડ્યું એ પોતાની સગી આંખે નિહાળ્યું ત્યારથી બો ક્યાર યિન સૈન્યને ટેકો આપતા નથી અને દીકરાઓને સૈન્ય છોડી દેવા સમજાવે છે.

તેઓ સવાલ કરે છે, “વિરોધપ્રદર્શન કરી રહેલા લોકોને સૈન્યએ ગોળીબાર કરીને મારી શું કામ નાખ્યા? શા માટે તેમના પર અત્યાચાર કર્યો? તેઓ લોકોની કારણ વગર હત્યા શા માટે કરે છે?”

તેઓ જણાવે છે કે આ બધું જોઈને તેઓ અત્યંત હતાશ થઈ ગયા છે.

સૈન્યે બળવો કર્યો તે પહેલાં બો ક્યાર યિન ખેડૂત હતા અને તેમણે હાથમાં ક્યારેય બંદૂક પકડી ન હતી. હવે તેઓ નાગરિક લશ્કરી દળના નેતા છે.

તેઓ પીપલ્સ ડિફેન્સ ફોર્સિસ (પીડીએફ) તરીકે ઓળખાતા એક નેટવર્કનો હિસ્સો છે. પીડીએફ અત્યંત સુસજ્જ સૈન્ય સામે લોકશાહીની પુનર્સ્થાપના માટે લડી રહ્યું છે.

તેઓ સૈનિકોનો ઉલ્લેખ ‘કૂતરા’ તરીકે કરે છે. આ શબ્દ મલેશિયામાં અત્યંત અપમાનજનક ગણાય છે.

બો ક્યાર યિન કહે છે, “કૂતરાંની ટુકડી અહીં આવે છે ત્યારે મહિલાઓ પર બળાત્કાર કરે છે, બધાં ઘર બાળી નાખે છે અને સંપત્તિ લૂંટી જાય છે. અમે તેમનો સામનો કરીએ છીએ.”

બો ક્યાર યિન આશરે 70 લડવૈયાના જૂથનું નેતૃત્વ કહે છે. આ લોકશાહી તરફી લડવૈયા ખુદને વાઇલ્ડ ટાઇગર કહે છે. તેમની પાસે માત્ર ત્રણ ઑટોમેટિક રાઈફલ છે.

બો ક્યાર યિનના અન્ય ચાર દીકરા તેમની સાથે રહીને સૈન્ય સામે લડે છે, જ્યારે લશ્કરમાં કામ કરતા બે દીકરા બળવાખોરોના થાણાથી આશરે 50 કિલોમીટર દૂર ફરજ બજાવે છે.

યિન યિન મિન્ટ કહે છે, “અમે અમારા સૈનિક દીકરાઓ પર વિશ્વાસ રાખ્યો હતો, પરંતુ હવે તેઓ જ અમને હેરાન કરી રહ્યા છે.”

ગ્રે લાઇન

ગોળીઓનો વરસાદ

મ્યાનમાર

ઇમેજ સ્રોત, DAVIES SURYA

ઇમેજ કૅપ્શન, “ગોળીબાર એટલો જોરદાર હતો કે ધોધમાર વરસાદ પડતો હોય તેવો અવાજ આવતો હતો.”
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફેબ્રુઆરીના અંત ભાગમાં એક સવારે ત્રણ વાગ્યે બો ક્યાર યિનના પીડીએફ યુનિટને બાજુના ગામમાંથી કોઈએ ફોન કરીને જણાવ્યું હતું કે સૈન્ય તેમના પર દરોડો પાડવા આવી રહ્યું છે.

પીડીએફ યુનિટને એ લોકોએ વિનંતી કરી હતી કે “અમારે મદદ જોઈએ છે. કૂતરાં અમારા ગામમાં પ્રવેશી ચૂક્યાં છે. અહીં આવો અને મદદ કરો. અમારા માટે લડવૈયાઓ મોકલો.”

બો ક્યોર યિનના બીજા નંબરના મોટા દીકરા મિન ઓંગ સૌથી પહેલા ત્યાં જવા તૈયાર થઈ ગયા હતા. તેમનાં માતા જાણતા હતાં કે દીકરાને અટકાવી શકાશે નહીં. તેથી તેમણે દીકરો સલામત પાછો ફરી તે માટે પ્રાર્થના કરી હતી.

વાઇલ્ડ ટાઇગર્સનો કાફલો મોટરબાઇક્સ પર બેસીને રવાના થયો હતો. બો ક્યાર યિન હંમેશની માફક તેનું નેતૃત્વ કરતા હતા અને દીકરા મિન ઓંગ સાથે પહેલી મોટરબાઇક પર સવાર થયા હતા.

તેઓ તેમના જાણીતા સલામત માર્ગે આગળ વધ્યા હતા. બો ક્યોર યિનના અન્ય પુત્ર મિન નાઈંગ કહે છે, “આજુબાજુ મોટા ઝાડ કે જેની આડશ લઈ શકાય એવું કશું જ ન હતું.”

તેમના કહેવા મુજબ, “લશ્કરના સૈનિકો અમારા પર ધાણીફૂટ ગોળીબાર કરતા હતા. અમારો જંગ જીવલેણ હતો. અમારી પાસે તેમના જેવાં આધુનિક હથિયાર ન હતાં.”

બો ક્યોર યિને પોતાની ટુકડીના લોકોને પીછેહઠ કરવાનો આદેશ આપ્યો હતો. તેઓ ચોખાના પૂળા પાછળ છુપાઈ ગયા હતા.

બો ક્યાર યિને કહ્યું, “તેમના પૈકીનું કોઈ મને જાણતું હોય એવું લાગતું હતું. મેં તેમના તરફ ગોળીબાર કરીને ભાગવાનું શરૂ કર્યું હતું અને તેમની સામે લડતાં-લડતાં દોડતો રહ્યો હતો.”

યિન યિન મિન્ટ કૅમ્પમાં બધાના પાછા આવવાની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં હતાં. શું થઈ રહ્યું છે એ તેમને સંભળાતું ન હતું.

તેમણે રડતાં-રડતાં કહ્યું, “ગોળીબાર એટલો જોરદાર હતો કે ધોધમાર વરસાદ પડતો હોય તેવો અવાજ આવતો હતો.”

મ્યાનમાર

ઓચિંતા હુમલાના કલાકોમાં જ લશ્કરે મૃતકોના ફોટોગ્રાફ્સ ફેસબુક પર પોસ્ટ કર્યા હતા અને સાથે બડાઈ મારી હતી કે તેમણે 15 લોકોને મારી નાખ્યા.

યિન યિન મિન્ટને એ સમયે સમજાયું હતું કે તેમનો સૌથી પ્રિય દીકરો મિન ઓંગ ગુમાવી દીધો છે.

યિન યિન મિન્ટ કહે છે, “મારો દીકરો મારું બહુ ધ્યાન રાખતો હતો. તે રસોડું સાફ કરી આપતો હતો. મારાં કપડાં ધોઈ આપતો હતો. સુકાઈ ગયેલાં કપડાં દોરી પરથી લાવી આપતો હતો. એ ખરેખર સારો હતો.”

જૂનમાં સૈનિકોએ આ પરિવારનું ઘર, ગામમાંનાં બીજાં 150 ઘર સાથે બાળી નાખ્યું હતું અને સંપત્તિ સહિતનું બધું રાખ કરી નાખ્યું હતું. સમગ્ર દેશમાં અને ખાસ કરીને મધ્ય મ્યાનમારમાં સૈનિકોએ આવા હુમલા કર્યા હતા.

પ્રતિકારમાં બો ક્યાર યિનની ભૂમિકા વિશે લશ્કર જાણતું હતું તે નક્કી છે. તેમના પુત્રો સૈન્યમાં કામ કરે છે એ તેઓ જાણે છે કે કેમ તે સ્પષ્ટ થયું નથી.

મ્યાનમાર

યિન યિન મિન્ટ બધું ગુમાવી ચૂક્યાં છે અને હકીકતના સામનાનો પ્રયાસ કરી રહ્યાં છે.

તેઓ કહે છે, “મારું ઘર બાળી નાખવામાં આવ્યું છે અને મારો દીકરો મૃત્યુ પામ્યો છે. આ ખરેખર અસહ્ય છે. હું અત્યંત અસ્વસ્થ છું. એવું લાગે છે કે હું પાગલ થઈ ગઈ છું.”

સૈન્યે સત્તા કબજે કરી એ પછી સમગ્ર મ્યાનમારમાં 11 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયાં છે અને કમસે કમ 30,000 મકાનોને આગ ચાંપવામાં આવી છે.

આસિસ્ટન્સ ઍસોસિયેશન ફૉર પૉલિટિકલ પ્રિઝનર્સના જણાવ્યા મુજબ, બળવો થયા પછી 2,500થી વધુ લોકોની સલામતી દળોએ હત્યા કરી છે.

એસ્લેડ નામના કૉન્ફ્લિક્ટ મૉનિટરિંગ ગ્રૂપના આંકડા મુજબ, બન્ને તરફનો કુલ મૃત્યુઆંક 10 ગણો વધારે હોવાનો અંદાજ છે. લડાઈમાં પોતાને નુકસાન થયું હોવાનું સૈન્યે સ્વીકાર્યું છે, પરંતુ તેની વિગત જાહેર કરી નથી.

મિન ઓંગનો મૃતદેહ મેળવવા માટે પરિવારે બે દિવસ સુધી પ્રયાસ કર્યા હતા, પરંતુ તે વિસ્તારમાં સૈનિકો ફેલાયેલા હોવાથી એ શક્ય બન્યું ન હતું.

ગ્રે લાઇન

‘હું તને કે બીજા કોઈને છોડીશ નહીં’

મ્યાનમાર

બો ક્યાર યિન માને છે કે લોકોનો આખરે વિજય થશે અને તેઓ પારિવારિક ઘરનું નિર્માણ ફરીથી કરશે, પરંતુ ગૃહયુદ્ધ વકરવાની સાથે તેમનું એ સપનું સાકાર થવું મુશ્કેલ લાગે છે.

તેમના બે દીકરા સૈન્ય છોડવાનો ઈનકાર કરે છે. તેમનો પરિવાર વિભાજિત છે. આવી જ સ્થિતિ દેશની છે.

બો ક્યાર યિન તેમના સૈનિક દીકરાને કહે છે, “તું અમારી પાસે આવે એવું અમે ઇચ્છીએ છીએ. તેથી અમે સૈન્ય સામે લડતા નથી. કૂતરા જેવા તારા નેતાઓ અન્યાય કરે છે એટલે અમે લડી રહ્યા છીએ. તમારા કારણે અમે તમારો ભાઈ ગુમાવ્યો છે.”

ન્યી ન્યી જવાબમાં જણાવે છે કે ભાઈનું મોત થયાનું તેઓ જાણે છે.

બો ક્યાર યિન ગુસ્સે થઈને તેમને કહે છે, “અહીં આવ અને તારા ગામની દશા જોઈ લે. બધું રાખ થઈ ગયું છે. અમે તમારા ફોટોગ્રાફ્સ પણ બચાવી શક્યા નથી. હવે મને બહુ પીડા થાય છે.”

બો ક્યાર યિન દીકરાને ચેતવણી આપતાં કહે છે, “તું મારા વિસ્તારમાં આવીને લડાઈ શરૂ કરીશ તો હું તને કે બીજા કોઈને છોડવાનો નથી. હું લોકોની પડખે જ રહીશ, તારી સાથે નહીં.”

(આ રિપોર્ટમાં તમામ નામ તથા સ્થળોની વિગત લોકોની સલામતી ખાતર ગુપ્ત રાખવામાં આવ્યાં છે)

રેડ લાઇન
રેડ લાઇન