મ્યાનમારઃ ગૃહ યુદ્ધમાં હવાઈ હુમલાથી પોતાના જ નાગરિકોના જીવ લેવાની ઘાતક યુક્તિ

- લેેખક, જોનાથન હેડ
- પદ, દક્ષિણ પૂર્વ એશિયા સંવાદદાતા
નવ વર્ષની ઝિન વે ફ્યો ગયા વર્ષની 16 સપ્ટેમ્બરે સ્કૂલે જવા રવાના થઈ ત્યારે તેના કાકાએ ભેટ આપેલા નવા સેન્ડલથી બહુ રાજી હતી.
મધ્ય મ્યાનમારના લેત યેત કોને ગામમાં રહેતી ઝિને કાકાને એક કૉફી બનાવી આપી હતી અને સેન્ડલ પહેરીને ઘરથી દસ મિનિટના અંતરે આવેલી સ્કૂલે જવા રવાના થઈ હતી. તેના કાકાના જણાવ્યા મુજબ, ઝિન રવાના થયાની ગણતરીની મિનિટોમાં જ બે હેલિકૉપ્ટરો ગામ પર ચકરાવો લેતા જોવા મળ્યાં હતાં અને તેમાંથી અચાનક ગોળીબાર શરૂ થયો હતો.
ઝિન અને તેના સહાધ્યાયીઓ સ્કૂલમાં પહોંચીને ઠરીઠામ થતા હતા ત્યાં કોઈએ બૂમ પાડીને જણાવ્યું હતું કે હેલિકૉપ્ટરો આવી રહ્યાં છે. સ્કૂલ પર રૉકેટો અને દારૂગોળો ઝીંકવામાં આવતાં તેઓ ભયભીત થઈને છુપાવા દોડવા લાગ્યા હતા.
હવાઈ હુમલો શરૂ થયો ત્યારે જે શિક્ષક વર્ગખંડમાં હતા તેમણે કહ્યું હતું કે, “શું કરવું તે સમજાતું ન હતું. મને હેલિકૉપ્ટરનો અવાજ પહેલાં સંભળાયો ન હતો, પરંતુ ગોળીબાર તથા સ્કૂલ પર ઝીંકવામાં આવતા બૉમ્બના ધડાકા સંભળાયા હતા.”
એક શિક્ષકાએ કહ્યું હતું કે, “સ્કૂલની મુખ્ય ઇમારતમાં જે બાળકો હતાં તેઓ ઘાયલ થયાં હતાં અને તેઓ બીજે ક્યાંક છુપાઈ જવા માટે આમતેમ દોડવા લાગ્યાં હતાં.”
આ શિક્ષિકા તેમના વર્ગમાંનાં બાળકોને આમલીના એક મોટા ઝાડ પાછળ સંતાડવામાં સફળ થયાં હતાં.
એ ઘટનાના એક સાક્ષીએ કહ્યું હતું કે, “તેમણે સ્કૂલની દીવાલ પારથી ગોળીબાર કર્યો હતો અને તેમાં બાળકો ઘવાયાં હતાં. મુખ્ય ઇમારતમાંથી તૂટી પડેલા ટુકડાઓ આગલી ઇમારત પર પડ્યા હતા અને તેમાં પણ બાળકો ઘવાયાં હતાં. ભોંય પર મોટાં બાકોરાં પડી ગયાં હતાં.”
‘ક્રોકોડાઇલ’નો હુમલો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના પર રશિયન બનાવટના બે એમઆઈ-35 હેલિકૉપ્ટર ગનશીપમાંથી હુમલો કરવામાં આવ્યો હતો. ભયાનક દેખાવ અને રક્ષણાત્મક બખતર હોવાને કારણે એ હેલિકૉપ્ટરોને ‘ફ્લાઇંગ ટૅન્ક’ અને ‘ક્રોકોડાઇલ’ એવાં નામ આપવામાં આવ્યાં છે. આવી હેલિકૉપ્ટર ગનશીપમાં શક્તિશાળી રેપિડ-ફાયર તોપ તથા અનેક રૉકેટ છોડી શકતા પોડ સહિતનાં સંખ્યાબંધ શસ્ત્રો હોય છે. આ શસ્ત્રો માત્ર માણસો કે વાહનોને જ નહીં, પરંતુ સૌથી મજબૂત ઇમારતો માટે પણ વિનાશકારી હોય છે.
મ્યાનમારના લશ્કરે આંગ સાન સુ ચીની ચૂંટાયેલી સરકારને હાંકી કાઢ્યા પછીનાં બે વર્ષથી દેશમાં ચાલતા ગૃહ યુદ્ધમાં હવાઈ હુમલાઓ નવી અને ઘાતક યુક્તિ બન્યા છે.
હવાઈ દળ દ્વારા લગભગ આખા દેશમાં આવા હવાઈ હુમલા કરવામાં આવે છે. હવાઈ દળ પાસેનાં વિમાનોની સંખ્યા તાજેતરનાં વર્ષોમાં વધીને 70 થઈ છે અને એ પૈકીના મોટાભાગના રશિયા તથા ચીનમાં નિર્મિત છે.
મ્યાનમારમાં કોઈ માહિતી મેળવવાનું હવે શક્ય નથી એટલે આવા હવાઈ હુમલામાં કુલ કેટલા લોકો માર્યા ગયા છે તેનો તાગ મેળવવો મુશ્કેલ છે અને આ સંઘર્ષના મૃત્યુઆંકથી બહારનું જગત લગભગ અજાણ છે.

મ્યાનમારમાં ગૃહયુદ્ધમાં હવાઈ હુમલા સૈન્ય માટે ઘાતક યુક્તિ બન્યા

- મ્યાનમારમાં ગૃહયુદ્ધને પગલે સેના પર અવારનવાર સામાન્ય નાગરિકોનાં મૃત્યુ નિપજાવવાના આરોપ લાગે છે
- પરંતુ હવે આ હુમલા વધુ તીવ્ર અને ઘાતક બની ગયા છે
- સૈનિકો ગરીબ ગામડાંમાં શાળાઓ પર હુમલા કરી રહ્યા હોવાના આરોપ લાગી રહ્યા છે
- હવાઈ હુમલાના પગલે કેટલાંક બાળકોનાં મૃત્યુ પણ થયાં હતાં
- વર્ષ 2021માં સૈન્યવિદ્રોહ થકી આંગ સાન સૂ ચી સરકાર પાસેથી સત્તા આંચકી લીધી હતી, ત્યારથી સેના અને વિદ્રોહી દળોમાં સંઘર્ષ ચાલી રહ્યો છે
- મ્યાનમારમાં કોઈ માહિતી મેળવવાનું હવે શક્ય નથી એટલે આવા હવાઈ હુમલામાં કુલ કેટલા લોકો માર્યા ગયા છે તેનો તાગ મેળવવો મુશ્કેલ છે અને આ સંઘર્ષના મૃત્યુઆંકથી બહારનું જગત લગભગ અજાણ છે.

‘ક્રોકોડાઇલ’નો હુમલો

ઇમેજ સ્રોત, EPA
તેમના પર રશિયન બનાવટના બે એમઆઈ-35 હેલિકૉપ્ટર ગનશીપમાંથી હુમલો કરવામાં આવ્યો હતો. ભયાનક દેખાવ અને રક્ષણાત્મક બખતર હોવાને કારણે એ હેલિકૉપ્ટરોને ‘ફ્લાઇંગ ટૅન્ક’ અને ‘ક્રોકોડાઇલ’ એવાં નામ આપવામાં આવ્યાં છે. આવી હેલિકૉપ્ટર ગનશીપમાં શક્તિશાળી રેપિડ-ફાયર તોપ તથા અનેક રૉકેટ છોડી શકતા પોડ સહિતનાં સંખ્યાબંધ શસ્ત્રો હોય છે. આ શસ્ત્રો માત્ર માણસો કે વાહનોને જ નહીં, પરંતુ સૌથી મજબૂત ઇમારતો માટે પણ વિનાશકારી હોય છે.
મ્યાનમારના લશ્કરે આંગ સાન સુ ચીની ચૂંટાયેલી સરકારને હાંકી કાઢ્યા પછીનાં બે વર્ષથી દેશમાં ચાલતા ગૃહ યુદ્ધમાં હવાઈ હુમલાઓ નવી અને ઘાતક યુક્તિ બન્યા છે.
હવાઈ દળ દ્વારા લગભગ આખા દેશમાં આવા હવાઈ હુમલા કરવામાં આવે છે. હવાઈ દળ પાસેનાં વિમાનોની સંખ્યા તાજેતરનાં વર્ષોમાં વધીને 70 થઈ છે અને એ પૈકીના મોટાભાગના રશિયા તથા ચીનમાં નિર્મિત છે.
મ્યાનમારમાં કોઈ માહિતી મેળવવાનું હવે શક્ય નથી એટલે આવા હવાઈ હુમલામાં કુલ કેટલા લોકો માર્યા ગયા છે તેનો તાગ મેળવવો મુશ્કેલ છે અને આ સંઘર્ષના મૃત્યુઆંકથી બહારનું જગત લગભગ અજાણ છે.

‘જો માથું ઉઠાવશો તો મળશે મોત’

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્કૂલ પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો હતો એ જાણવા માટે બીબીસીએ ઘટનાના સંખ્યાબંધ સાક્ષીઓ, ગ્રામજનો તથા અનેક પરિવારો સાથે ફોન પર વાત કરી હતી.
ઘટનાના સાક્ષીઓએ કહ્યું હતું કે સતત અડધી કલાક સુધી ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેને લીધે સ્કૂલની દીવાલ તથા છતનો હિસ્સો તૂટી ગયો હતો. એ પછી બે હેલિકૉપ્ટરમાંથી ઊતરેલા સૈનિકો નજીક આવ્યા હતા અને તેમણે બચી ગયેલા લોકોને બહાર આવવાનો તથા જમીન પર બેસી જવાનો આદેશ આપ્યો હતો. તેમણે લોકોને ધમકી આપી હતી કે માથું ઉઠાવીને ઉપર નજર કરશે તો તેમની હત્યા કરવામાં આવશે. એ પછી સૈનિકોએ ગામમાં સૈન્યનો કોઈ વિરોધી છે કે કેમ તે બાબતે લોકોને પૂછપરછ શરૂ કરી હતી.
સ્કૂલની મુખ્ય ઇમારતની અંદર ત્રણ બાળકોની લાશ પડી હતી. તેમાં એક ઝિન વે ફ્યોની લાશ હતી. બીજી લાશ સાત વર્ષની સુ યતિ હલિંગની અને તેની મોટી બહેનની હતી. તેમનાં માતા-પિતા કામની શોધમાં, અહીંના ઘણા લોકોની માફક થાઇલૅન્ડ ગયાં હતાં અને બન્ને બહેનનો ઉછેર તેમનાં દાદી કરતાં હતાં. અન્ય બાળકો બહુ ખરાબ રીતે ઘાયલ થયેલાં હતાં. કેટલાકનાં અંગ કપાઈ ગયાં હતાં. ઘાયલ બાળકો પૈકીની સાત વર્ષની ફોન તાય ઝા પીડાઈ રહી હતી.
બાળકોનાં શરીરના ટુકડા એકઠા કરવા માટે સૈનિકોએ પ્લાસ્ટિકના બિન લાઇનરોનો ઉપયોગ કર્યો હતો. કમસેકમ 12 ઘાયલ બાળકો તથા શિક્ષકોને સૈન્યની બે ટ્રકમાં નજીકના યે-યૂ શહેરની હૉસ્પિટલે લઈ જવામાં આવ્યાં હતાં. બાદમાં વધુ બે બાળકો મૃત્યુ પામ્યાં હતાં. ગામ નજીકના ખેતરોમાં તરુણ વયના એક અને પુખ્ત વયના સાત લોકોને સૈનિકોઓ ઠાર માર્યા હતા.

યોજનાબદ્ધ હુમલા
આ દેશમાં લાંબા સમયથી આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. બર્માનું સૈન્ય સ્વાતંત્ર્ય મળ્યા બાદ છેક 1948થી વિવિધ અલગતાવાદી જૂથો સામે લડતું રહ્યું છે, પરંતુ તેમાં અત્યાર સુધી ટેકનૉલૉજીનો ખાસ ઉપયોગ થતો ન હતો. તેમાં મુખ્યત્વે પાયદળના સૈનિકો વિવાદિત સરહદી પ્રદેશોમાં વિદ્રોહીઓ સામે સતત લડતા હતા. એ યુદ્ધ મોટાભાગે જમીન પર જ લડાતું રહ્યું હતું.
હવાઇ દળે તેની પ્રથમ એમઆઈ-31 ગનશિપ 2012માં મેળવ્યા પછી તરત જ કાચિન રાજ્યમાં વિદ્રોહીઓ સામે પહેલી વાર હવાઈ શસ્ત્રોનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. મ્યાનમારમાં દસ વર્ષના લોકશાહી શાસન દરમિયાન શાન અને રખાઈન રાજ્યોમાં સતત ચાલતા રહેલા આંતરિક સંઘર્ષ દરમિયાન પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.
જોકે, ફેબ્રુઆરી, 2021ના બળવા પછી કથિત પીપલ્સ ડિફેન્સ ફોર્સ અથવા પીડીએફના લોકોએ કરેલા હુમલાઓમાં સૈન્યે મોટાપાયે જાનહાનિનો સામનો કરવો પડ્યો છે. બળવા પછી શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શનને સૈન્ય દ્વારા કચડી નાખવામાં આવ્યા બાદ પીડીએફની રચના થઈ હતી.
પીડીએફના કાર્યકરોના માર્ગ પરના હુમલામાં મોટી જાનહાનિને પગલે સૈન્યને હવાઈ દળનો ટેકો લેવો પડ્યો છે. જમીન પર હુમલો કરતાં પહેલાં સૈન્ય યોગ્ય વિમાન દ્વારા, લેટ યેટ કોનેમાં કર્યો તેમ બૉમ્બમારો કરે છે. તેમાં ગનશિપ સૈનિકો પહોંચે તે પહેલાં લક્ષ્યસ્થાનો ઉડાવી દે છે અથવા વિરોધી દળના લોકો હાથમાં આવે તો તેમને પકડી લે છે.

હવાઈ હુમલાનું પ્રમાણ વધ્યું

આર્મ્ડ કોન્ફ્લિક્ટ લૉકેશન ઍન્ડ ઇવેન્ટ ડેટા (એસલેડ) પ્રોજેક્ટ નામના કોન્ફ્લિક્ટ મૉનિટરિંગ ગ્રૂપે એકઠી કરેલી માહિતીના બીબીસીએ કરેલા વિશ્લેષણ મુજબ, ફેબ્રુઆરી 2021થી જાન્યુઆરી 2023 દરમિયાન મ્યાનમારમાં લશ્કરે કમસેકમ 600 હવાઈ હુમલા કર્યા હતા.
એ હુમલામાં કેટલી જાનહાનિ થઈ હતી તેનો તાગ મેળવવાનું મુશ્કેલ છે. સૈન્ય સામેના વિરોધનું નેતૃત્વ કરતી ગુપ્ત રાષ્ટ્રીય એકતા સરકાર (એનયુજી)ના અનુમાન અનુસાર, સશસ્ત્ર દળોના હવાઈ હુમલામાં ઑક્ટોબર 2021થી સપ્ટેમ્બર 2022 દરમિયાન 155 નાગરિકો માર્યા ગયા હતા.
પ્રતિકાર જૂથો પાસે પૂરતાં શસ્ત્રો નથી અને તેમની પાસે હવાઈ હુમલા સામે વળતો હુમલો કરવાની ક્ષમતા પણ નથી. પ્રતિકાર જૂથો હવાઈ હુમલો કરવા માટે કન્ઝ્યુમર ડ્રોનનો ઉપયોગ કરે છે. તેઓ લશ્કરી વાહનો તથા થાણાઓ પર મર્યાદિત હવાઈ હુમલા કરે છે.
સૈન્યે લેત યેત કોનને નિશાન શા માટે બનાવ્યું હતું એ સ્પષ્ટ થયું નથી. તે આશરે 3,000 લોકોની વસ્તી ધરાવતું ગરીબ ગામ છે અને મોટાભાગના લોકો ચોખા કે મગફળીની ખેતી કરે છે. આ ગામ મધ્ય મ્યાનમારના સૂકા પ્રદેશમાં આવેલું છે અને અહીં ચોમાસા સિવાયની મોસમમાં પાણી મેળવવાનું મુશ્કેલ છે.
ડેપાયિન નામના જિલ્લામાં પ્રતિકાર જૂથ મજબૂત સ્થિતિમાં છે. ડેપાયિનમાં સૈન્ય તથા પીડીએફ વચ્ચે અનેક સશસ્ત્ર અથડામણ થઈ છે, પરંતુ લેત યેત કોનમાં આવું ક્યારેય બન્યું નથી. કુલ 268 પૈકીના 112 હુમલા ડેપાયિન જ્યાં આવેલું છે તે દક્ષિણ સગાઇંગમાં કરવામાં આવ્યા હતા.
સૈન્ય સરકારના એક પ્રવક્તાએ સ્કૂલ પરના હુમલા બાદ જણાવ્યું હતું કે સૈનિકો પીડીએફના અને કચિન ઈન્ડિપેન્ડન્સ આર્મી (કેઆઈએ)ના લડવૈયાઓ બાબતે તપાસ કરવા માટે ગામમાં ગયા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાના બધા સાક્ષીઓએ બીબીસી સાથેની વાતમાં તેનો ઇનકાર કર્યો હતો. સ્કૂલમાં અલગતાવાદી પ્રવૃત્તિ થતી હોવાનો એકેય પુરાવા સૈન્યે રજૂ કર્યો નથી.

સૈન્યશાસનના વિરોધીઓ દ્વારા ચલાવાતી શાળાઓ પૈકી એક
ગામના ઉત્તર છેડે આવેલા બૌદ્ધ મઠમાં માત્ર ત્રણ મહિના પહેલાં તે સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. તેમાં આશરે 240 વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા. સ્થાનિક રહેવાસીઓએ બીબીસીને જણાવ્યું હતું કે આ સ્કૂલ, સૈન્યશાસનનો વિરોધ કરતા લોકો દ્વારા ડેપાયિનમાં ચલાવવામાં આવતી 100થી વધુ શાળા પૈકીની એક છે.
શિક્ષકો તથા આરોગ્ય કર્મચારીઓ સવિનય કાનૂનભંગ ચળવળના પ્રારંભિક ટેકેદારો હતા. બળવાના વિરોધમાં લેવામાં આવેલા એક મોટા પગલામાં સરકારી કર્મચારીઓએ નવી લશ્કરી સરકારને તમામ પ્રકારનો સહકાર આપવાનું બંધ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેના પરિણામે હવે સંખ્યાબંધ સ્કૂલો તથા આરોગ્ય કેન્દ્રોનું સંચાલન સરકાર નહીં, પણ સમુદાયો કરે છે.
ફોન તાય ઝેના માતાએ જણાવ્યું હતું કે તેમનો દીકરો સ્કૂલ ગયાના અર્ધા કલાક પછી તેમણે ગોળીબાર તથા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો, પરંતુ ઝિનના કાકાની માફક ફોન તાય ઝેએ પણ એવું ધાર્યું હતું કે હેલિકૉપ્ટર ગનશીપના હુમલાનું નિશાન સ્કૂલ નહીં હોય.
તેમણે કહ્યું હતું કે, “ગોળીબારનો જોરદાર અવાજ આવતો બંધ થયો પછી હું સ્કૂલ તરફ આગળ વધી હતી. ત્યાં જઈને જોયું તો બાળકો તથા પુખ્ત વયના લોકો જમીન પર નીચું માથું કરીને ઉભડક બેઠા હતા. જે લોકો માથું ઊંચુ કરતા હતા તેમને સૈનિકો લાત મારતા હતા.”
ફોન તાય ઝેનાં માતાએ તેમના દીકરાને છોડી મૂકવા સૈનિકોને આજીજી કરી હતી, પણ સૈનિકોએ ઇનકાર કર્યો હતો. એક સૈનિકે તેમને કહ્યું હતું કે, “તમારા સ્વજનને ઠાર કરવામાં આવે ત્યારે જ તમને ચિંતા થાય છે, પરંતુ અમારા લોકો સાથે એવું બને છે ત્યારે તમે ગણકારતા નથી.”
એ પછી તેમણે તેમના પુત્ર ફોન તાય ઝેનો પોકાર સાંભળ્યો હતો અને સૈનિકોએ તેમને ધ્વસ્ત થયેલા વર્ગખંડમાં જવાની છૂટ આપી હતી.
ફોન તાય ઝેનાં માતાએ કહ્યું હતું કે, “મારો દીકરો લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. તેની આંખો ધીમેથી ઝબકતી હતી. તેણે મને કહેલું કે મમ્મી, મને મારી નાખ. મેં તેને કહ્યું હતું કે બધું ઠીક થઈ જશે. તારે મરવાનું નથી.”
તેમણે ઉમેર્યું હતું કે, “તમે મારા દીકરા સાથે આવું કેવી રીતે કરી શકો એવું બરાડીને હું જોરથી રડી પડી હતી. બૌદ્ધ મઠના આખા મેદાનમાં સંપૂર્ણ મૌન ફેલાઈ ગયું હતું. હું બરાડી ત્યારે તેના પડઘા ઇમારતોમાં પણ પડ્યા હતા. એક સૈનિકે બરાડીને મને એ રીતે ચિત્કાર નહીં કરવા અને હું જે અવસ્થામાં હતી એ જ અવસ્થામાં બેસી રહેવા જણાવ્યું હતું. તેથી હું વર્ગખંડમાં આશરે પોણી કલાક મારા સંતાનને હાથમાં લઈને બેઠી રહી હતી. મેં ત્યાં બીજાં ત્રણ બાળકોની લાશ જોઈ હતી. એ કોનાં સંતાનો હતા તેની મને ખબર નથી. હું તેમના ચહેરા જોઈ શકી ન હતી.”
એ પછી થોડા સમયમાં ફોન તાય ઝેનું મૃત્યુ થયું હતું. સૈનિકોએ ફોન તાય ઝેની લાશ તેની માતાને સોંપવાનો ઇનકાર કર્યો હતો અને લાશને લઈ ગયા હતા. ઝિન ન્વે ફ્યો અને સુ યતિની લાશો પણ, તેમના પરિવારો પોતાનાં સંતાનોને છેલ્લી વાર જોઈ શકે એ પહેલાં, સૈનિકો પોતાની સાથે લઈ ગયા હતા અને તેને ગુપ્ત રીતે અગ્નિદાહ આપ્યો હતો.

જ્યારે માતાપિતાએ હુમલાના સમાચાર સાંભળ્યા...

આ ગામ પર સૈનિકોએ હુમલો કર્યાના સમાચાર સાંભળવા મળ્યા ત્યારે સુ યતિનાં માતા-પિતા ગામથી હજાર કિલોમીટર દૂર થાઇલૅન્ડમાં ઇલેક્ટ્રોનિકસ ઉપકરણોના એક કારખાનામાં કામ કરતાં હતાં.
સુ યતિના પિતાએ કહ્યું હતું કે, “મને અને મારી પત્નીને પારાવાર પીડા થઈ હતી. અમે કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતાં ન હતાં. વળી સમાચાર મળ્યા ત્યારે બપોરના અઢી વાગ્યા હતા. તેથી કામ છોડીને જવાનું શક્ય ન હતું. સાથી કામદારોએ, શું થયું છે એવું પૂછ્યું ત્યારે મારી પત્ની આંસુ રોકી શકી ન હતી અને રડવા લાગી હતી. તે દિવસે અમે રાબેતા મુજબ ઓવરટાઇમ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમ લીડરને જણાવ્યું હતું કે અમે અમારી રૂમમાં જઈ રહ્યા છીએ.”
એ દિવસે મોડી સાંજે તેમને સુ યતિના દાદીએ ફોન કૉલ કરીને જણાવ્યું હતું કે સુ યતિનું મોત થયું છે.
લેત યેત કોને પરના આક્રમણની જગતભરમાં ઝાટકણી કાઢવામાં આવી હતી. તેમ છતાં હવાઈ હુમલા ચાલુ રહ્યા હતા.
23 ઑક્ટોબરે કેઆઈએના વિદ્રોહની વર્ષગાંઠની સ્મૃતિમાં કાચિન રાજ્યમાં યોજાયેલા એક સંગીતસમારંભ પર હવાઈ દળનાં જેટ વિમાનોએ બૉમ્બમારો કર્યો હતો.
તે હુમલામાંથી બચી ગયેલા લોકોએ જણાવ્યું હતું કે ત્યાં એકત્ર થયેલી વિશાળ જનમેદની પર ત્રણ બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા. તેમાં કેઆઈએના વરિષ્ઠ કમાન્ડરો તથા લોકપ્રિય કચિન ગાયક સહિતના 60 લોકોનાં મોત થયાં હતાં. એ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બચાવવાના કામમાં સૈન્યએ વિક્ષેપ સર્જ્યો હતો. તેથી પછીના દિવસોમાં પણ બીજા ઘણા લોકો માર્યા ગયા હોવાની સંભાવના છે.
દેશના બીજા છેડે થાઇલૅન્ડની સરહદ નજીક આવેલા દક્ષિણ કરેન રાજ્યમાંની સીસાની એક ખાણ પર હવાઈ દળે 15 નવેમ્બરે કરેલા બૉમ્બમારામાં ત્રણ ખાણિયાનાં મોત થયાં હતાં અને આઠ અન્ય ઘાયલ થયા હતા. સૈન્યશાસનના પ્રવક્તાએ તે હુમલાને વાજબી ઠરાવતાં એવી દલીલ કરી હતી કે ત્યાં ગેરકાયદે ખાણકામ થતું હતું અને તે વિસ્તાર વિદ્રોહી કરેન નેશનલ યુનિયનના અંકુશ હેઠળનો છે.
હવાઈ દળે ભારતની સરહદને અડીને આવેલા વિદ્રોહી ચિન નેશનલ ફ્રન્ટના મુખ્ય થાણા પર હજુ ગયા મહિને જ બૉમ્બમારો કર્યો હતો. કરેન સ્ટેટમાંનાં બે ચર્ચ હવાઈ હુમલાનું નિશાન બન્યાં હતાં અને પાંચ નિર્દોષ લોકોનાં મોત થયાં હતાં.

ચીન અને રશિયા આપી રહ્યાં છે સાથ

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વના ઘણા દેશોએ મ્યાનમારના લશ્કરી શાસકો સાથેના સંબંધ કાપી નાખ્યા છે, પરંતુ રશિયા તથા ચીન તેમને સતત ટેકો આપી રહ્યાં છે. તેના પરિણામે લશ્કરી શાસનના હવાઈ હુમલાની ક્ષમતામાં વધારો થયો છે.
ખાસ કરીને રશિયા મ્યાનમારના લશ્કરી શાસકોનું સૌથી મોટું વિદેશી ટેકેદાર બન્યું છે. રશિયામાં નિર્મિત એમઆઈ-35 અને યાક-130 ગ્રાઉન્ડ ઍટેક જેટ વિમાનો વિદ્રોહીઓ સામેની કાર્યવાહીમાં કેન્દ્રસ્થાને છે. ચીને મ્યાનમારને તાજેતરમાં આધુનિક એફટીસી-2000 ટ્રેનરો, વિમાનો પૂરાં પાડ્યાં છે અને તે પણ જમીન પર હુમલા માટે એકદમ અનુકૂળ છે.
આવા હુમલામાં જંગી જાનહાનિને કારણે યુદ્ધ ગુનાઓની તપાસ કરતા કોર્ટનું ધ્યાન ખેંચાયું છે. મ્યામનારનાં સશસ્ત્ર દળો પર ભૂતકાળમાં પણ આવા ગુના આચરવાના આરોપ મૂકવામાં આવતા રહ્યા છે.
2017માં પાયદળ પર રોહિંગ્યા લોકોની સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હવે એર પાવરના ઉપયોગને કારણે નવા પ્રકારના અત્યાચાર કરવામાં આવી રહ્યા છે.
લેત યેત કોનેના હુમલામાંથી બચી ગયેલા લોકો માટે દુઃસ્વપ્નનો અંત 16 સપ્ટેમ્બરના આક્રમણ પછી આવ્યો નથી. તેમના જણાવ્યા મુજબ, એ દિવસે જે બન્યું હતું તે જોયા પછી તેમનાં સંતાનો તથા પુખ્ત વયના કેટલાક લોકો હજુ પણ આઘાતમાં છે. સૈન્ય ગામને સતત નિશાન બનાવી રહ્યું છે. ગામ પર ત્રણ વખત હુમલા કરવામાં આવ્યા છે અને અનેક ઘરને આગ ચાંપી દેવામાં આવી છે.
આ ગરીબ સમુદાય છે. તેમની પાસે પુનર્નિમાણનાં સંસાધન નથી અને તેઓ તેમનાં ઘરનું નિર્માણ ફરી કોઈ રીતે કરશે તો પણ સૈનિકો ક્યારે આવીને તેને ફરી આગ ચાંપી દેશે એ જાણતા નથી.
એક સ્થાનિક વિદ્રોહી નેતાએ કહ્યું હતું કે, “માતા-પિતા માટે સંતાનો જ સર્વસ્વ હોય છે. અમારાં સંતાનોની હત્યા કરીને સૈન્યે અમને માનસિક રીતે ખતમ કરી નાખ્યા છે. હવે પછી ક્રાંતિનું યુદ્ધ ચાલુ રાખવા માટે મને ખુદને પણ જોરદાર પ્રેરણાની જરૂર પડશે, એવું લાગે છે.”
સુ યતિનાં માતા-પિતા હજુ પણ થાઇલૅન્ડમાં છે. તેઓ દીકરીના મૃત્યુ પછી મ્યાનમાર પાછા ફરી શક્યાં નથી. તેમના પ્રવાસ કરવાનું પોસાય તેમ નથી અને દીકરીના બહેતર જીવન માટે તેઓ જે નોકરી કરવા ગયાં હતાં તે નોકરી ગુમાવવાનું જોખમ પણ તેઓ લઈ શકે તેમ નથી.
સુ યતિનાં માતાએ કહ્યું હતું કે, “અમે ઘણું બધું વિચારી રાખ્યું હતું. મેં વિચારેલું કે અહીંથી પાછા જઈશું અને બાકીનું જીવન દીકરીઓ સાથે ખુશખુશાલ પસાર કરીશું. હું તેમને જે ખાવું હશે તે રાંધી આપીશ. મારાં ઘણાં સપનાં હતાં. અમે અભણ છીએ, પરંતુ મારી દીકરીઓ ભણીગણીને મોટી થાય તેવી મારી ઇચ્છા હતી. દીકરીઓના જીવનમાં નવો અધ્યાય શરૂ થવાનો હતો. અમે એટલા દૂર છીએ કે મારી દીકરીને પ્રેમ કે ઉષ્મા પણ આપી શક્યાં નહીં. હવે સદાને માટે ચાલી ગઈ છે.”
પૂરક માહિતીઃ બીબીસી બર્મીઝ
ડેટા વિશ્લેષણઃ બેકી ડાલે
નિર્માણઃ લુલુ લુઓ, ડોમિનિક બેઇલી
ડિઝાઇનઃ લિલી હૈના

















