ચીનના અબજપતિઓ કેમ અદૃશ્ય થઈ રહ્યા છે?

બાઓ ફેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનના અબજપતિ બાઓ ફેન અદૃશ્ય થતા ફરી એક વખત શી જિનપિંગની ચીનના અર્થતંત્રને કાબૂમાં લેવાની ઘેલછા પર પ્રકાશ પડ્યો છે.
    • લેેખક, પીટર હોસ્કિન્સ
    • પદ, બિઝનેસ રિપોર્ટર

ચીનના ટેકનૉલૉજી ક્ષેત્રના અબજપતિ બાઓ ફેન ગયા મહિને ગુમ થયા બાદથી એક બાબતને લઈને ફરીથી ચર્ચા જાગી છે કે ચીની અબજપતિઓ અચાનક અદૃશ્ય કેમ થઈ જાય છે?

'ચાઇના રૅનેસાં હોલ્ડિંગ્સ'ના સ્થાપક બાઓ ફેન ચીનમાં ટેકનૉલૉજી ક્ષેત્રનું મોટું માથું ગણાય છે કારણ કે તેમના ગ્રાહકોમાં ઇન્ટરનેટ જાયન્ટ્સ ટૅન્સેન્ટ, અલીબાબા અને બાઇડુ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

બાઓ ફેન ગુમ થયાના દિવસો બાદ તેમની કંપનીએ નિવેદન જાહેર કર્યું હતું કે 'બાઓ પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાના સંલગ્ન સત્તાધીશો દ્વારા હાથ ધરાઈ રહેલી તપાસમાં સહકાર આપી રહ્યા છે.'

જોકે, એક બાબતને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કે ક્યા પ્રકારની તપાસ ચાલી રહી છે અને બાઓ ફેન હાલ ક્યાં છે?

તેમના ગુમ થવાનાં રહસ્ય પર એટલા માટે ચર્ચા થઈ રહી છે કારણ કે તાજેતરના વર્ષોમાં અલીબાબાના સ્થાપક જૅક મા સહિત ઘણા ચીની અબજપતિઓ અદૃશ્ય થવાના કિસ્સા સામે આવ્યા છે.

અબજપતિઓ ગુમ થવાના કિસ્સા ચર્ચામાં રહે છે પણ ચીનમાં એવા સેંકડો કિસ્સા છે જેમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શનોમાં ભાગ લેનારા લોકો ગુમ થયા હોય અને તેની નોંધ પણ ન લેવાઈ હોય.

બાઓ ફેન અદૃશ્ય થતા ફરી એક વખત શી જિનપિંગની ચીનના અર્થતંત્રને કાબૂમાં લેવાની ઘેલછા પર પ્રકાશ પડ્યો છે.

ચીનની રબર સ્ટૅમ્પ સંસદ તરીકે ઓળખાતી વાર્ષિક નેશનલ પીપલ્સ કૉંગ્રેસમાં ગયા અઠવાડિયે જ દેશના નાણાકીય નિયમનકારી પ્રણાલીમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી. આ ફેરફાર વર્ષો બાદ કરવામાં આવ્યા છે.

મોટા ભાગનાં નાણાકીય ક્ષેત્રોની દેખરેખ માટે એક નવા નાણાકીય નિયમનકારી તંત્રની રચના કરવામાં આવશે. સત્તાધીશોનું કહેવું છે કે તેનાથી ચીનની વિવિધ કંપનીઓ દ્વારા છટકબારીનો ઉપયોગ કરીને થતી ટ્રિલિયન ડૉલર્સની બચતને દૂર કરાશે.

રેડ લાઇન
  • ચીનના ટેક્નૉલૉજી ક્ષેત્રના અબજપતિ બાઓ ફેન ગયા મહિને ગુમ થયા.
  • બાઓની કંપનીએ જણાવ્યું હતું કે 'બાઓ પીપલ્સ રિપ્બલિક ઑફ ચાઇનાના સંલગ્ન સત્તાધીશો દ્વારા હાથ ધરાઈ રહેલી તપાસમાં સહકાર આપી રહ્યા છે.'
  • તાજેતરના વર્ષોમાં અલીબાબાના સ્થાપક જૅક મા સહિત ઘણા ચીની અબજપતિઓ અદૃશ્ય થવાના કિસ્સા સામે આવ્યા છે.
  • માર્ચ 2020માં અબજપતિ રિયલ ઍસ્ટેટ ટાયકૂન રેન ઝિકિયાંગે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને કોરોના મહામારી દરમિયાન કરેલી કામગીરી માટે 'જોકર' કહ્યા બાદ તેઓ ગુમ થઈ ગયા હતા.
  • એ વર્ષના અંતે એક દિવસની સુનાવણી બાદ તેમને ભ્રષ્ટાચારના આરોપસર 18 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.
  • ચીનની સરકાર કહે છે કે દેશના કેટલાક સૌથી ધનાઢ્ય લોકો સામે લેવાયેલા પગલાં સંપૂર્ણપણે કાયદાકીય આધારો પર છે અને તેઓ ભ્રષ્ટાચારને જડમૂળમાંથી ખતમ કરવા માટે આમ કરી રહ્યા છે.
  • જાણકારોના મતે હવે શી જિનપિંગ અને કૉમ્યુનિસ્ટ પાર્ટી એ તાકાત પાછી મેળવવા માગે છે અને એમ કરવામાં ક્યારેક ચીનની સરકાર રહસ્યમય કાર્યવાહી કરે છે.
રેડ લાઇન

પાંચથી વધુ અબજપતિઓ ગુમ થયા

જૅક મા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જૅક મા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

માત્ર 2015માં પાંચથી વધુ ચીની અબજપતિઓ ગુમ થયા હતા. જેમાં ફોસુન ઇન્ટરનેશનલ ગ્રૂપના અધ્યક્ષ ગુઓ ગુઆંગચાંગનો સમાવેશ થાય છે. જે અંગ્રેજી પ્રીમિયર લીગ ફૂટબૉલ ક્લબ વૉલ્વરહૅમ્પટન વૉન્ડરર્સના માલિક છે.

તેઓ ડિસેમ્બર 2015માં ગુમ થયા હતા. તેઓ પાછા દેખાયા બાદ તેમની કંપનીએ જાહેરાત કરી હતી કે તેઓ તપાસમાં મદદ કરી રહ્યા છે.

બે વર્ષ બાદ ચાઇનીઝ-કૅનેડિયન બિઝનેસમૅન ઝિયાઓ જિઆન્હુઆનની હૉંગકોંગની લક્ઝુરિયસ હૉટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ચીનના સૌથી ધનિક લોકોમાંના એક જિઆન્હુઆનને ગયા વર્ષે ભ્રષ્ટાચારના આરોપસર જેલની સજા ભોગવવી પડી હતી.

માર્ચ 2020માં અબજપતિ રિયલ ઍસ્ટેટ ટાયકૂન રેન ઝિકિયાંગે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને કોરોના મહામારી દરમિયાન કરેલી કામગીરી માટે 'જોકર' કહ્યા બાદ તેઓ ગુમ થઈ ગયા હતા.

એ વર્ષના અંતે એક દિવસની સુનાવણી બાદ તેમને ભ્રષ્ટાચારના આરોપસર 18 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.

ચીનના સૌથી ચર્ચિત ગુમ થયેલા અબજપતિ હતા અલીબાબાના સ્થાપક જૅક મા. તે સમયે ચીનના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ચીનના નાણાકીય નિયમનકારોની ટીકા કરી કર્યા બાદ 2020ના અંતમાં ગુમ થઈ ગયા હતા.

તેઓ બે વર્ષ સુધી ચીનમાં દેખાયા ન હતા. જોકે, તેમના પર કોઈ ગુનો દાખલ કરાયો ન હતો.

જૅક મા હાલ ક્યાં છે તેને લઈને કોઈ સ્પષ્ટ માહિતી નથી પણ તેઓ જાપાન, થાઇલૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં દેખાયા હોવાના તાજેતરના અહેવાલો છે.

ગ્રે લાઇન

‘ચોક્કસ સંદેશા મોકલવા માટે કાર્યવાહી થાય છે’

બાઓ ફેન

ઇમેજ સ્રોત, Getty Images

ચીનની સરકાર ભારપૂર્વક જણાવે છે કે દેશના કેટલાક સૌથી ધનાઢ્ય લોકો સામે લેવાયેલા પગલાં સંપૂર્ણપણે કાયદાકીય આધારો પર છે અને તેઓ ભ્રષ્ટાચારને જડમૂળમાંથી ખતમ કરવા માટે આમ કરી રહ્યા છે.

ચીનની આ કાર્યવાહી દાયકાઓના ઉદારીકરણની પૃષ્ઠભૂમિ સામે પણ આવે છે. જેના લીધે તે વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે.

તેમની નીતિથી જ તેઓ દેશમાં સંખ્યાબંધ અબજપતિઓનું જૂથ ઊભું કરવામાં સફળ રહ્યાં અને આ અબજપતિઓ પોતાની અઢળક સંપત્તિની તાકાતથી દેશમાં અને વિશ્વમાં એક આગવું સ્થાન બનાવી શક્યા.

જાણકારો અનુસાર, હવે શી જિનપિંગ અને કૉમ્યુનિસ્ટ પાર્ટી એ તાકાત પાછી મેળવવા માગે છે અને એમ કરવામાં ક્યારેક રહસ્યમય કાર્યવાહી કરી બેસે છે.

મોટા ઉદ્યોગોનો, તેમાં પણ ખાસ કરીને ટૅક્નોલોજી ક્ષેત્રના મોટા ઉદ્યોગોનો સર્વાંગી વિકાસ શી જિનપિંગ અગાઉના નેતાઓના કાર્યકાળ દરમિયાન થયો હતો.

આ પહેલાં ચીનનું ધ્યાન સૈન્ય, મોટા ઉદ્યોગો અને સ્થાનિક સરકારો સહિત સત્તાના પરંપરાગત કેન્દ્રો પર હતું.

આ ક્ષેત્રો પર ચુસ્ત પકડ જાળવી રાખતી વખતે શી જિનપિંગે અર્થતંત્રને પોતાના નિયંત્રણ હેઠળ લાવવામાં ધ્યાન વિસ્તૃત કર્યું છે. તેમની સામાન્ય સમૃદ્ધિ નીતિએ મોટા ભાગના અર્થતંત્રમાં મોટા ક્રેકડાઉન જોયા છે, જેમાં ટેક્નૉલૉજી ઉદ્યોગ ખાસ સ્ક્રુટિની હેઠળ આવે છે.

ધ ઇકોનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના નિક મૅરોએ બીબીસીને જણાવ્યું હતું કે "કેટલીકવાર, ચોક્કસ ઉદ્યોગ કે ચોક્કસ જૂથ વિરુદ્ધ આ પ્રકારની ઘટનાઓ એક વ્યાપક સંદેશ મોકલવા માટે કરવામાં આવે છે."

તેમણે ઉમેર્યું, "અંતે તે અર્થતંત્રના ચોક્કસ ભાગ પર નિયંત્રણ અને સત્તાનું કેન્દ્રીકરણ કરવાના પ્રયાસને પ્રતિબિંબિત કરે છે. જે છેલ્લા એક દાયકામાં જિનપિંગની શાસનશૈલીનું મુખ્ય લક્ષણ છે."

વૈશ્વિક સલાહકાર પેઢી અલબ્રાઇટ સ્ટોનબ્રિજ ગ્રૂપના ચીન અને ટેકનૉલૉજી પૉલિસીના વડા પૉલ ટ્રિઓલો જણાવે છે, "ચીન એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે મોટા ટેકનૉલૉજી પ્લૅટફૉર્મ્સ તેમની બ્રાન્ડ્સ અને પ્રભાવ એટલી હદ સુધી ન ફેલાવે કે તેના પર લગામ લગાવવી મુશ્કેલ બની જાય."

ચીન અબજપતિ ગુમ

ચીનની વ્યાપક નીતિઓ

ચીન

ઇમેજ સ્રોત, LINTAO ZHANG/GETTY IMAGES

સામાન્ય સમૃદ્ધિની ચાવી એ પણ છે કે કાયદો અમીર અને ગરીબ બંનેને એકસરખો લાગુ પડવો જોઈએ.

ચીનનું કહેવું છે કે આ નીતિનો ઉદ્દેશ્ય વધતી જતી સંપત્તિના તફાવતને ઘટાડવાનો છે. જેનાથી ઘણા લોકો સંમત છે.

આ એક મુખ્ય મુદ્દો છે જો તેને સંબોધવામાં ન આવે તો કૉમ્યુનિસ્ટ પાર્ટીની સ્થિતિને નબળી પાડી શકે છે.

ચીનમાં વધતી જતી અસમાનતાના કારણે શી જિનપિંગને અલ્ટ્રા-ડાબેરીઓના દબાણનો સામનો કરવો પડી શકે છે.

અબજપતિઓના ગુમ થવાનું રહસ્ય અને ચીનના વ્યવસાય પ્રત્યેના અભિગમ અંગેની વ્યાપક ચિંતાઓ નોંધપાત્ર અણધાર્યા પરિણામો લાવી શકે છે.

કેટલાક નિરીક્ષકો સૂચવે છે કે સરકાર નવી વ્યાવસાયિક પ્રતિભાને અટકાવવાનું જોખમ ધરાવે છે.

પૉલ ટ્રિઓલો જણાવે છે, "ચીન માટે ટેક્નૉલૉજી ક્ષેત્રના અબજપતિઓને લક્ષ્ય બનાવવા માટેનું જોખમ આગામી જૅક મા બનવાની આશા રાખતા સાહસિકો પર દબાણ લાવી રહ્યું છે."

શી જિનપિંગ બિઝનેસ સેન્ટિમેન્ટને ડરાવવાના જોખમથી વાકેફ દેખાય છે અને ગયા અઠવાડિયે નેશનલ પીપલ્સ કૉંગ્રેસના પ્રતિનિધિઓને આપેલા ભાષણમાં તેમણે ચીન માટે ખાનગી ક્ષેત્રનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

પરંતુ તેમણે ખાનગી સાહસો અને ઉદ્યોગસાહસિકોને સમૃદ્ધ અને જવાબદાર, સમૃદ્ધ અને ન્યાયી તેમજ સમૃદ્ધ અને પ્રેમાળ બનવાનું આહ્વાન કર્યું હતું.

નવા નાણાકીય તંત્રની જાહેરાત ઉપરાંત, બૅન્કરોને ગયા મહિને ચેતવણી પણ આપવામાં આવી હતી કે તેઓ તેમના પશ્ચિમી સમકક્ષોનાં ઉદાહરણોને અનુસરે નહીં.

ટીકાકારો તેને પુરાવા તરીકે જુએ છે કે શી જિનપિંગ તેમની દૃષ્ટિમાં નાણાકીય વ્યવસ્થા ધરાવે છે.

નિક મૅરો જણાવે છે, "તાજેતરના મહિનાઓમાં અમે ચીનમાં વરિષ્ઠ અધિકારીઓ માટે મહેનતાણું અને બોનસ યોજનાઓ તેમજ મૅનેજમૅન્ટ અને જુનિયર સ્ટાફ વચ્ચેના પગારના તફાવતના સંદર્ભમાં સામાન્ય સમૃદ્ધિ એજન્ડાના સંકેતો નાણાકીય સેવાઓમાં વહેતા જોયા છે."

હવે એ જોવું રહ્યું કે શી જિનપિંગની અબજપતિઓ સામેની કાર્યવાહીથી તેમને સત્તા પર તેમની પકડને નોંધપાત્ર રીતે મજબૂત કરવામાં મદદ મળશે કે નહીં.

રેડ લાઇન
રેડ લાઇન