ચીનની અમેરિકાને સીધી ચેતવણી, 'બ્રૅક મારો નહીં તો ટકરાવ થશે'

શી જિનપિંગ અને જો બાઇડન

ઇમેજ સ્રોત, Reuters

શું દુનિયાની બે મહાશક્તિ ચીન અને અમેરિકા વચ્ચે આવનારા દિવસોમાં ટકરાવ જોવા મળી શકે છે?

ચીનની સરકારનું માનીએ તો તેની શક્યતા સતત વધી રહી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વિદેશમંત્રી ગૅંગે મંગળવારે અનેક આરોપ મૂકતા અમેરિકાને 'કઠેડા'માં ઊભા કરવાની કોશિશ કરી હતી.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આરોપ મૂક્યો કે અમેરિકા તેમના દેશને 'રોકવા, ઘેરવા અને દબાવવાની કોશિશ' કરી રહ્યું છે. માટે ચીન સામે અનેક પડકારો આવી ગયા છે.

ચીનના વિદેશમંત્રી ચિન ગૅંગે બંને દેશના સંબંધોમાં આવેલી 'કડવાશ' માટે અમેરિકાની નીતિઓને જવાબદાર ગણાવી અને ચેતવણી આપી કે "જો અમેરિકાએ બ્રૅક ન મારી તો સંઘર્ષ થઈ શકે છે."

બીજી તરફ ચીને રશિયા સાથે કારોબારને લઈને મહત્ત્વના નિર્ણયની જાણકારી આપી છે. હવે બંને દેશ વચ્ચે કારોબાર માટે અમેરિકન ડૉલર અને યુરોનો ઉપયોગ નહીં કરાય.

જોકે ચીને રશિયા તરફ વધતી નીકટતા અંગે સ્પષ્ટતા પણ આપી અને કહ્યું કે આ કોઈ 'ગઠજોડ' નથી. આ કોઈના વિરોધ માટે અને ત્રીજા પક્ષને નિશાન બનાવા માટે નથી.

બીબીસી ગુજરાતી

શી જિનપિંગનો અમેરિકા પર 'સીધો હુમલો'

શી જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આરોપ લગાવ્યો કે અમેરિકાની આગેવાનીમાં પશ્ચિમી દેશ ચીનને 'રોકવા' અને 'દબાણ'ની પૂરજોશ કોશિશમાં લાગેલા છે. તેનાથી ચીનની પ્રગતિ સામે અભૂતપૂર્વ પડકારો ઊભા થયા છે.

ચીનના સરકારી મીડિયા અનુસાર, રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષ "અત્યંત અસામાન્ય અને અભૂતપૂર્વ" રહ્યાં છે.

તેમણે કહ્યું કે વિકાસની દૃષ્ટિએ ચીનની બહારનું વાતાવરણ ઝડપથી બદલાઈ રહ્યું છે. અનિશ્ચિત અને અણધાર્યાં કારણોમાં વધારો થયો છે.

છેલ્લાં બે વર્ષમાં ચીનના વિકાસને આ જ ક્રમમાં જોવો જોઈએ.

બીબીસી ગુજરાતી

ચીનના વિદેશમંત્રીએ શું કહ્યું?

ચીનના વિદેશમંત્રી

ઇમેજ સ્રોત, EPA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચીનના વિદેશમંત્રી ચિન ગૅંગે પણ કહ્યું કે ચીનના 'ઉદયને રોકવા'ના અમેરિકન પ્રયાસ સફળ નહીં થાય.

ચીની સંસદના સત્રની બીજી બાજુ પ્રથમ વાર્ષિક પ્રેસ-કૉન્ફરન્સમાં ચીનના વિદેશમંત્રીએ કહ્યું કે ચીન તેનાં મુખ્ય હિતોનો મજબૂતિથી બચાવ કરશે.

ચિન ગૅંગે ડિસેમ્બરમાં વિદેશમંત્રી તરીકે વાંગ યીનું સ્થાન લીધું હતું.

તેમણે કહ્યું કે ચીન વર્ચસ્વ સ્થાપવાના પ્રયાસો, બ્લૉક પૉલિટિક્સ અને એકપક્ષીય પ્રતિબંધોનો વિરોધ કરશે.

તેમણે કહ્યું કે ચીન વિશે અમેરિકન વિચારધારામાં 'ગંભીર સમસ્યાઓ' છે. 'ચીનને રોકવા અને દબાવાથી અમેરિકા મહાન નહીં બને અને તે ચીનની પ્રગતિને રોકી શકશે નહીં.'

ચીનના વિદેશમંત્રી ચિન ગૅંગે કહ્યું, "અમેરિકા દાવો કરે છે કે તે ચીનને સ્પર્ધામાંથી બહાર કરવા માગે છે પરંતુ સંઘર્ષ નથી ઇચ્છતું."

હકીકત એ છે આ કથિત 'હરીફાઈ'નું કારણ એ છે કે ચીનને હર કોઈ મામલામાં દબાવી દેવામાં આવે.

તેમણે ચીન અને અમેરિકાની તુલના ઑલિમ્પિક રેસમાં ભાગ લઈ રહેલા બે ખેલાડી સાથે કરતા કહ્યું, "જો એક ખેલાડી પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર ધ્યાન આપવાની જગ્યાએ હંમેસાં અન્ય ખેલાડીને રોકવાની અને તેને ઈજા પહોંચાડવા અંગે વિચારે તો તેને સ્વસ્થ હરીફાઈ નહીં કહેવાય, પરંતુ તેને ફાઉલ કહેવાશે."

ચિન ગૅંગે કહ્યું, "જો અમેરિકા બ્રૅક નહીં લગાવે અને ખોટા રસ્તે ઝડપથી આગળ વધશે તો કોઈ પણ રેલિંગ તેને પાટા પરથી ઊતરવાથી નહીં રોકી શકે. એ નક્કી છે કે સંઘર્ષ અને ટકરાવ થઈને રહેશે."

તેમણે કહ્યું કે ચીન આ રીતના મુકાબલાને સંપૂર્ણ રીતે ફગાવી છે. આ આંખ બદલીને રમાતો જુગાર છે. તેમાં બંને દેશના લોકોના પાયાનાં હિતોની સાથે માનવતા પણ દાવ પર લાગેલી છે.

બીબીસી ગુજરાતી

ગુબ્બારા સાથે જોડાયેલા વિવાદ પર ચીનના વિદેશમંત્રીએ શું કહ્યું?

જો બાઇડન અને શી જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

તેઓએ અમેરિકાના આકાશમાં ઊડતા ચીનના માનવરહિત ગુબ્બારાને અમેરિકાના ફાઈટર વિમાનો દ્વારા પાડવાની તાજેતરની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેઓએ અમેરિકા પર આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો અને તેને પાડવા માટે અયોગ્ય બળનો ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો.

બીબીસી ગુજરાતી

તાઇવાન પર અમેરિકાને સલાહ

ચીન અને અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ચીનના વિદેશમંત્રીએ તાઇવાનના મુદ્દા પર પણ વાત કરી હતી. ચીનના વિદેશમંત્રીએ કહ્યું કે તાઇવાન સાથે જોડાયેલા પ્રશ્નનો ઉકેલ ચીનના લોકોએ જ કાઢવો પડશે. તેમાં અન્ય કોઈ દેશે દખલ ન કરવી જોઈએ.

તેમણે કહ્યું કે તાઇવાન ચીનનો અવિભાજ્ય હિસ્સો છે. તેમણે સવાલ કર્યો કે અમેરિકા યૂક્રેનની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાની વાત કરે છે, તો ચીનની સંપ્રભુતાનું સન્માન કેમ કરતું નથી.

તાઇવાન સાથે જોડાયેલા એક સવાલ પર તેમણે કહ્યું કે તાઇવાન સ્ટ્રેટની બંને બાજુનો વિસ્તાર એક જ પરિવારનો હિસ્સો છે. તેને ચીન કહેવામાં આવે છે.

ચીનના વિદેશમંત્રીએ કહ્યું કે બંને બાજુનાં લોકો ભાઈ-બહેન છે.

બીબીસી ગુજરાતી

ચીન-રશિયાનું ડૉલર-યુરોથી અંતર

શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

મંગળવારે ચીને કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતા સંકેત આપ્યો હતો કે તે રશિયા સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માગે છે. તેમાં સૌથી મહત્ત્વનો નિર્ણય એ છે કે બંને દેશો વચ્ચે કારોબાર માટે અમેરિકી ડૉલર અને યુરોનો ઉપયોગ કરવામાં નહીં આવે.

આવા નિર્ણયો દ્વારા પણ ચીને અમેરિકાને પણ મજબૂત સંકેત આપવાના પ્રયાસ કર્યા હતા.

ચીનના વિદેશમંત્રીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સંબંધોના સંદર્ભમાં ચીન અને રશિયા એક સારું ઉદાહરણ રજૂ કરી રહ્યા છે. તેમના ગાઢ દ્વિમાર્ગીય સંબંધોને ‘શીતયુદ્ધના દૃષ્ટિકોણથી જોવું યોગ્ય નથી.’

ચીન અને રશિયા વચ્ચે કારોબાર માટે અમેરિકી ડૉલર અને યુરોનો ઉપયોગ ન કરવાના નિર્ણય અંગે પૂછવામાં આવતા સવાલ પર ચીનના વિદેશમંત્રી ચિન ગૅંગે કહ્યું કે ચીન એવી મુદ્રાનો ઉપયોગ કરશે જે અસરકારક, સુરક્ષિત અને ભરોસાપાત્ર હોય.

તેમણે કહ્યું કે, “મુદ્રાનો ઉપયોગ એકતરફી પ્રતિબંધો લાદવા માટે ટ્રમ્પકાર્ડ તરીકે ન થવો જોઈએ.”

રશિયાના મીડિયા રિપોર્ટ અનુસાર ગયા મહિને પ્રથમ વખત ચીનની મુદ્રા યુઆન રશિયાના માર્કેટમાં અમેરિકી ડૉલરને પાછળ છોડીને સૌથી વધુ કારોબાર કરનારી મુદ્રા બની ગયું છે.

બજારના ટર્નઓવરમાં યુઆનનો હિસ્સો લગભગ 40 ટકા છે, જ્યારે યુએસ ડૉલરનો હિસ્સો 38 ટકાથી થોડો વધારે છે.

બીબીસી ગુજરાતી

યુક્રેન યુદ્ધ મુદ્દે અમેરિકાને ઘેર્યું

શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન

ઇમેજ સ્રોત, Reuters

ચીનના વિદેશમંત્રીએ યુક્રેન યુદ્ધ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે યુક્રેન સંકટ યુરોપની સુરક્ષા સાથે જોડાયેલી સમસ્યાઓને સામે લાવે છે.

તેમણેકહ્યું કે આની પાછળ એક ‘અદૃશ્ય હાથ’ દેખાઈ રહ્યો છે, જે સંકટને આમંત્રિત કરવાનો પ્રયાસ કરે છે.

ચિન ગૅંગે કહ્યું કે યુક્રેન સંકટ એક વળાંક પર છે. તેના ઉકેલ માટે શાંતિ અને સંવાદની જરૂર છે.

તેમણે કહ્યું કે શાંતિમંત્રણા સંબંધિત પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવી જોઈએ અને તમામ પક્ષોની ચિંતાઓનું ધ્યાન રાખવું જોઈએ.

બીબીસી ગુજરાતી

‘ચીનની વર્તમાન નીતિ ચાલુ રહેશે’

કોવિડ 19ની સ્થિતિમાં સુધારો થયો ત્યારથી ચીને અન્ય દેશો સાથે સંપર્કો વધાર્યા છે. ચીને ‘રાજનૈતિક ગતિવિધિઓ’ની ઝડપ વધારી દીધી છે.

ચીનના વિદેશમંત્રી ચિન ગૅંગે કહ્યું કે તેમનો દેશ ‘આધિપત્ય જમાના’ના કોઈ પણ પ્રયત્ન અને ‘પાવર પૉલિટિક્સ’ વિરુદ્ધ છે. ચીન શીતયુદ્ધ જેવી માનસિકતા, જૂથ આધારિત અથડામણ, નિયંત્રણ અથવા દમનની વિરુદ્ધ છે.

ચીની વિદેશમંત્રીએ કહ્યું કે ચીનની કૂટનીતિમાં 'દયા અને ભલાઈ'ની કોઈ કમી નથી, પરંતુ 'વરુઓ' સાથે મુકાબલો કરતા ચીની ડિપ્લોમેટ્સ પાસે 'પોતાની માતૃભૂમિની રક્ષા કરવા' તેમના સામે બાથ ભીડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

ચીનના વિદેશમંત્રીએ કહ્યું કે ચીન સુરક્ષા અને વિકાસ સાથે જોડાયેલા પોતાનાં હિતોની રક્ષા કરશે. તેમણે કહ્યું કે ચીન તેના જૂના મિત્રો સાથે પોતાના સંબંધોને જાળવી રાખવાની સાથે તેને વધુ મજબૂત પણ બનાવશે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી