કોણ છે રશિયાની કટ્ટરપંથી રાષ્ટ્રવાદી શક્તિઓ જે પુતિનને 'મહાયુદ્ધ' તરફ ખેંચી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, યૂલ્સ સર્ગેઈ ફેડિઉનિન
- પદ, ધ કન્વર્સેશન

- રશિયાએ યુક્રેન પર ફેબ્રુઆરીમાં હુમલો કર્યો હતો. હાલમાં યુક્રેનનાં અનેક શહેરો પર રશિયાએ મિસાઇલ હુમલો કર્યો છે જેમાં 19 જેટલા લોકોનું મૃત્યુ થયું છે.
- રાષ્ટ્રપતિ પુતિને હાલમાં જ રશિયામાં લાખો લોકો જે સેના સાથે સંકળાયેલા રહ્યા હોય તેમને મોરચા પર મોકલવાની વાત કરી હતી.
- રશિયામાં આ જાહેરાતનો વિરોધ થયો હતો ત્યારે તેનું સમર્થન પણ કરવાવાળા નેતાઓ છે.
- કોણ છે એ રાષ્ટ્રવાદી શક્તિઓ જે યુક્રેન પર મોટા પાયે કાર્યવાહીની તરફેણમાં છે?

24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો ત્યારથી દેશના રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિને યુદ્ધની હકીકત અને ભયાનકતાને ઢાંકવાનો પ્રયત્ન કર્યો છે.
યુક્રેન પર કરેલા આક્રમણને સ્પેશિયલ ઑપરેશનનું નામ આપવામાં આવ્યું છે અને કોઈ પણ આ સંઘર્ષને યુદ્ધનું નામ આપી રહ્યું છે તેની સામે થતી કાર્યવાહી એ વાતને મહત્ત્વ આપવા માટે થઈ રહી છે કે આ એક ટૂંક સમયનો સંઘર્ષ છે.રશિયા જાણે યુદ્ધ અને શાંતિ વચ્ચેની રેખાને ભૂંસી નાખવા માગે છે.
21 સપ્ટેમ્બરના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આપેલા ભાષણમાં પણ તેમણે આ જ પ્રયાસ કર્યો હતો. તેમણે યુક્રેન પર કરેલા આક્રમણને 'આંશિક મોબિલાઇઝેશન' ગણાવ્યું હતું.
પરંતુ યુક્રેને જે આક્રામકતાથી આ સંઘર્ષમાં રશિયાને જવાબ આપ્યો છે તે કંઈક અલગ જ કહાણી જણાવે છે.
યુક્રેન સામેની લડાઈમાં વધુ તાકાત ઝોકવા માટે હાલમાં વ્લાદિમીર પુતિને સેના સાથે સંકળાયેલા લોકોને મોરચા પર મોકલવાની જાહેરાત કરી હતી, તેનો હજારો રશિયનોએ વિરોધ કર્યો હતો પરંતુ રશિયાની દક્ષિણપંથી શક્તિઓ માને છે કે રશિયા હજુ ખૂલીને મેદાનમાં નથી આવ્યું.
દેશની દક્ષિણપંથી વિચારધારના લોકોની માગ છે કે રશિયા ખૂલીને મોરચો માંડે. તેઓ યુક્રેનનાં શહેરોમાં ભયંકર બૉમ્બમારો અને પરમાણુ હથિયારોના વપરાશની પણ તરફેણમાં છે.
કોઈ છે રશિયાની કટ્ટર રાષ્ટ્રવાદી શક્તિઓ. આ રાષ્ટ્રવાદી શક્તિઓ જે માને છે તે ક્રેમલિનની યુદ્ધની રણનીતિમાં કેટલું મહત્ત્વનું સ્થાન ધરાવે છે?

રશિયાના કટ્ટર રાષ્ટ્રવાદીઓ કોણ છે

ઇમેજ સ્રોત, Getty Images
રશિયામાં આમ તો કોઈ પોતાને ખૂલીને કટ્ટર દક્ષિણપંથી હોવાનો દાવો નથી કરતું જોકે દક્ષિણપંથીઓનું ગઠબંધન છે જેમાં ઑર્થોડૉક્સ ફન્ડામેન્ટલિસ્ટ્સ (રૂઢિચુસ્ત કટ્ટરપંથીઓ), રાષ્ટ્રવાદી વિપક્ષ જેમકે નેશનલ ડેમોક્રેટ્સ અને નિયો-નાઝીસ અને તથાકથિત "દેશભક્ત" નાગરિક લશ્કરી દળો, મિલિટરી બ્લૉગર્સ અને ડોનબાસ વેટરન્સ પણ સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રાષ્ટ્રવાદીઓમાં સામેલ ઇગોર ગિરકિન જેઓ સ્ત્રેલકૉફ (શૂટર)ના નામથી પણ ઓળખાય છે, 2014માં સ્વઘોષિત દોન્ત્સ્ક પીપલ્સ રિપબ્લિકના સંરક્ષણમંત્રી રહી ચૂક્યા છે.
રાજકારણમાં સામેલ આ કટ્ટરપંથીઓ સંસદમાં પ્રતિનિધિત્વ નથી ધરાવતા. 1990ના દાયકામાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ વ્લાદિમીર ઝિરિનૉવ્સ્કી (1946-2022) પાર્ટી કટ્ટરપંથી-રાષ્ટ્રવાદી પાર્ટી હતી પરંતુ તેઓ પાછળથી કઠપૂતલી વિપક્ષ એવા વામપંથી દળમાં સામેલ થઈ ગયા હતા.
ક્રેમલિને રશિયામાં કેટલીક દક્ષિણપંથી ચળવળોને ખતરનાક ગણાવીને તેમના પર પ્રતિબંધો લાદ્યા છે. આ દક્ષિણપંથી ચળવળો કેટલીક વખત તેમના કટ્ટરવાદને કારણે હિંસક હોવાનું પણ કહેવાય છે અને રશિયામાં વિપક્ષની રાષ્ટ્રવાદી પાર્ટીઓને રજિસ્ટ્રેશનની પણ મંજૂરી આપવામાં નથી આવી.
જોકે આ રાષ્ટ્રવાદી પાર્ટીઓના પ્રવક્તાઓને રશિયન મીડિયામાં મત વ્યક્ત કરવાની પરવાનગી હોય છે. સરકાર તેમને ભલે પ્રોત્સાહન ન આપતી હોય પરંત તેમને સંપૂર્ણપણ ખતમ નથી થવા દેતી, બસ એક શરતે હોય છે કે તેઓ સરકાર પ્રત્યે વફાદાર રહે.
ગણ્યાગાંઠ્યા દક્ષિણપંથી નેતાઓને છોડીને મોટાભાગના નેતાઓ યુક્રન સામે લડાઈ શરૂ કરવા માટે સરકારનાં વખાણ કર્યાં હતાં. તેમનું કહેવું હતું કે રશિયાએ પશ્ચિમ અને તેનાં અવનત મૂલ્યોથી પોતાને આઝાદ કર્યું છે. દક્ષિણપંથી નેતાઓ યુક્રેન સામે લડાઈને રશિયાની મહાનતાને પુનઃસ્થાપિત કરવા અને રશિયાને બચાવવા સાથે જોડે છે.
વ્લાદિમીર પુતિને હાલમાં સેના સાથે સંકળાયેલા લાખો લોકોને મોરચે મોકલવાની હાકલ કરી હતી, મોટા ભાગના રાષ્ટ્રવાદી નેતાઓએ તેનું સ્વાગત કર્યું હતું. પુતિનની જાહેરાતને બિરદાવતા કેટલાક નેતાઓએ કહ્યું હતું કે (સેના સાથે સંકળાયેલા લોકોની) આ સંખ્યા ખૂબ નાની છે અને નિર્ણય મોડો લેવામાં આવ્યો.

મહાયુદ્ધની માગ

ઇમેજ સ્રોત, Getty Images
માર્ચ 2022માં યુક્રેનની રાજધાની કિએવની આસપાસથી રશિયન સેનાની વાપસી અને ત્યાર બાદ લડાઈના વિભિન્ન મોરચે રશિયાને મળેલી નિષ્ફળતાએ રશિયન મિલિટરી કમાંડની કમીઓને ઉજાગર કરી હતી જેની કમાન સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઇગુના હાથમાં છે. ત્યાર બાદ રશિયન નેતૃત્વની ભારે ટીકા થઈ હતી.
પરિણામસ્વરૂપે રાષ્ટ્રવાદીઓની માગ છે કે રશિયા યુક્રેન પર વધુ આકરા પ્રહાર કરે. કેટલાક નેતાઓનું કહેવું હતું કે હવે "સ્પેશિયલ ઑપરેશન"ને ખતમ કરીને "સંપૂર્ણ યુદ્ધ" શરૂ કરવાનો સમય આવી ગયો છે.
રશિયામાં રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા બે જૂથોએ આ માગ કરી છે.
રશિયન રાષ્ટ્રવાદની પ્રથમ શાખા સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા સાથે જોડાયેલી છે. તે પશ્ચિમના દેશો સામે રશિયાની મહાનતા પર વધુ ભાર મૂકે છે અને વિવિધ સ્લાવિક અને બિન-સ્લાવિક જનસંખ્યા અને સ્થળો પર રશિયાની સત્તા સ્થાપિત કરવાની કવાયતને પ્રોત્સાહન આપે છે.
જેમાં રશિયાને એક સામ્રાજ્ય તરીકે જોવામાં આવે છે જે તેની સરહદોને પૂર્વ સોવિએટ યુનિયનના ક્ષેત્રો સુધી વિસ્તારવા માગે છે.
બીજી શાખા નૃવંશકેન્દ્રી (એથનોસેન્ટ્રિક) છે, જેની મુખ્ય નિસબત રશિયન લોકોનું હિત છે. આ શાખા રશિયન ફેડરેશનને "અતિ બહુરાષ્ટ્રીય" માને છે અને તેને રશિયા રાષ્ટ્રમાં બદલવા માગે છે.
આ શાખા શાંતિપૂર્ણ રીતે, પરંતુ જરૂર પડે તેના માટે સૈન્ય શક્તિનો ઉપયોગ કરીને અગાઉ પોતાની સત્તામાં રહેલી સરહદોને ફરીથી પોતાના કબજામાં કરવાની સમુદ્ધરણવાદની નીતિની હિમાયતી છે.
આ બન્ને રાષ્ટ્રીય વિચારોનું પ્રતિબિંબ યુક્રેનમાં થઈ રહેલા યુદ્ધના સંદર્ભે જોવા મળી રહ્યું છે.
પાડોશી દેશો તરફના રશિયાના અભિગમમાં સામ્રાજ્યવાદી અને નૃવંશકેન્દ્રી વિચારધારા દેખાય છે.
સામ્રાજ્યવાદીઓ રશિયાની સત્તા અને તેના ક્ષેત્રીય વિસ્તરણ પર ભાર મૂકે છે, જ્યારે એથનોસેન્ટ્રિક રાષ્ટ્રવાદીઓનું ધ્યાન એક સાંસ્કૃતિક અને માનવવંશીય સમુદાય તરીકે રશિયન (અથવા રશિયન ભાષા બોલતા યુક્રેનિયન લોકો)ના રક્ષણ પર છે.
પુતિનના શાસનના ટીકાકાર ગણાતા એથનોસેન્ટ્રિક રાષ્ટ્રવાદીઓ માટે દેશના શત્રુ યુક્રેનિયન લોકો અને તેમની મૂળભૂત રીતે રશિયન ઓળખને નકારી કાઢ્યા બાદ બનેલી ઓળખ છે.
ઉદાહરણ તરીકે વરિષ્ઠ રાષ્ટ્રવાદી ઍલેક્ઝેન્ડર સેવાસ્ત્યાનોવ ભારપૂર્વક કહે છે કે "એવી દરેક બાબત જે રશિયન હોય તેનો સીધો વિરોધ કરવાના યુક્રેનિયન પ્રોજેક્ટ" એ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો એક ઘટક છે."
એટલે સુધી કે યુક્રેનિયન લોકો અને સત્તાધિશો રશિયનો પ્રત્યે "ભારોભાર નફરત ધરાવે છે", અને "યુક્રેનને નાઝીવાદી માનસિકતામાંથી બહાર કાઢીને તેનું પુનઃ રશિયનીકરણ કરવું એ એક તાકિદનું કામ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













