સોવિયેટ સંઘે 269 મુસાફરો ભરેલા એ કોરિયન વિમાનને કેમ તોડી પાડ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
31 ઑગસ્ટ 1983ની રાત્રે ન્યૂયૉર્કના જ્હૉન એફ કૅનેડી ઍરપોર્ટ પર 23 વર્ષીય યુવતી ઍલિસ એફરાએમસન ઍબ્ટે કોરિયન ઍરલાઇન્સની સિયોલ જનારી ફ્લાઇટ 007માં બેસતા પહેલા પોતાના પિતા હાન્સ એફરાએમસન ઍબ્ટને ભેટી પડી હતી. આ ફ્લાઇટ જ્યારે ઇંધણ ભરાવવા માટે અલાસ્કામાં એનકોરેજમાં રોકાયું તો ઍલિસે તેમના પિતા સાથે વાત પણ કરી હતી. આ ફ્લાઇટમાં સવાર 61 અમેરિકનોમાં અમેરિકન કૉંગ્રેસના સભ્ય લૅરી મૅકડોનલ્ડ પણ સામેલ હતા.
વિમાને જ્યારે સવારે ચાર વાગ્યે એનકોરેજથી સિયોલ માટે ઉડાન ભરી ત્યારે ચાલકદળે તેને ઑટોપાઇલટ મોડમાં નાખી દીધું. ચાલકદળને બિલકુલ અંદાજ ન હતો કે તે દિવસે વિમાનનું ઑટોપાઇલટ કામ નહીં કરે. થોડા સમય બાદ વિમાન પોતાના નિર્ધારિત રસ્તા પરથી ભટકીને સોવિયેટ ક્ષેત્ર તરફ વધવા લાગ્યું હતું. સિયોલ જવાને બદલે તે 245 ડિગ્રી વળીને તીરની જેમ સોવિયેટ સંઘના પૂર્વ તટ તરફ આગળ વધી રહ્યું હતું.
થોડા સમય બાદ યાત્રીઓને ઍડ્રેસ સિસ્ટમ પર એક વિમાનકર્મીનો અવાજ સંભળાયો, "દેવીઓ અને સજ્જનો, આપણે ત્રણ કલાકમાં સિયોલના ગિંપો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર પહોંચીશું. હાલ સિયોલમાં સવારના ત્રણ વાગ્યા છે. લૅન્ડ કરતા પહેલાં અમે નાસ્તો સર્વ કરીશું."
પરંતુ આ વિમાન ક્યારેય સિયોલમાં ઊતરી શક્યું નહીં.

સોવિયેટ સંઘે 269 મુસાફરો ભરેલા એ કોરિયન વિમાનને કેમ તોડી પાડ્યું હતું?

- એ વિમાન 31 ઑગસ્ટ 1983ની રાત્રે ન્યૂયૉર્કના જ્હૉન ઍફ કૅનેડી ઍરપોર્ટ પરથી સિયોલ જઈ રહ્યુ હતું
- 26 મિનિટ બાદ વિમાનના કપ્તાન ચુન બયંગ ઇને 'ઇમરજન્સી ડિસેન્ટ'ની જાહેરાત કરી અને વિમાનકર્મીઓને પોતાના ઑક્સિજન માસ્ક પહેરી લેવાનો આદેશ આપ્યો
- કોરિયન ઍરલાઇન્સની ફ્લાઇટ 007 સોવિયેટ સીમા સુધી પહોંચી તો તે પોતાના નિર્ધારિત રસ્તાથી અંદાજે 200 કિલોમિટર ભટકી ગઈ હતી. રશિયાના ડોલિન્સ્ક સોકોલ ઍરબેઝ પરથી કમાન્ડરોએ તરત જ બે સુખોઈ એસયૂ-15 વિમાનો આ ફ્લાઇટને રોકવા માટે મોકલ્યા હતા
- કોરિયન વિમાન કામચાકટાના વિસ્તારને પાર કરીને આંતરરાષ્ટ્રીય સમુદ્ર વિસ્તારમાં આવી ગયું પરંતુ જ્યારે તે બીજી વખત સોવિયેટ નિયંત્રણવાળા સખાલિન ક્ષેત્રમાં પ્રવેશ્યું તો સોવિયેટ વાયુસેનાને લાગ્યું કે આ વિમાન કોઈ સૈન્યમિશન પર છે
- જ્યારે ટોક્યોના ઍર ટ્રાફિક કન્ટ્રોલે કોરિયન વિમાનને 35 હજાર ફૂટની ઉંચાઈ પર જવા માટે કહ્યું અને વિમાને તેનું પાલન કર્યું તો સોવિયેટ અધિકારીઓના મનમાં સ્પષ્ટ થઈ ગયું કે આ વિમાન તેમની પહોંચથી બચવા માટે ઉપર જઈ રહ્યું છે અને ત્યારે જ નક્કી થઈ ગયું કે એ વિમાનને સોવિયેટ સીમાની બહાર ન જવા દેવામાં આવે
- ઓસીપોવિચ યાદ કરે છે કે "મને વિમાન નષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મેં મારું લક્ષ્ય પૂરું કર્યું." એક સોવિયેટ કમાન્ડરે બાદમાં સ્વીકાર કર્યું કે તેમને એ વિમાન કોઈ પણ ભોગે પાડી દેવાનો આદેશ હતો, ભલે તે સોવિયેટ સીમાની બહાર નીકળીને આંતરરાષ્ટ્રીય સીમામાં કેમ ન ચાલ્યું જાય


વિમાનપોતાના રસ્તા પરથી 200 કિલોમિટર ભટક્યું

ઇમેજ સ્રોત, Getty Images
26 મિનિટ બાદ વિમાનના કપ્તાન ચુન બયંગ ઇને 'ઇમરજન્સી ડિસેન્ટ'ની જાહેરાત કરી અને વિમાનકર્મીઓને પોતાના ઑક્સિજન માસ્ક પહેરી લેવાનો આદેશ આપ્યો. જેવું જ વિમાન સોવિયેટ સીમા નજીક પહોંચ્યું, તેના પર સોવિયેટ સૈન્ય ઠેકાણાઓ પરથી નજર રાખવામાં આવી હતી. આ વિસ્તારમાં અમેરિકન જાસૂસી વિમાન બૉઇંગ આરસી 135 પહેલેથી નજર રાખી રહ્યા હતા. આ વિમાન બિલકુલ બિનસૈન્ય ફ્લાઇટ જેવા જ લાગતા હતા.
તેમના પર ઇલૅક્ટ્રોનિક ગિયર્સ લાગેલા રહેતા હતા અને તેઓ કૉમર્શિયલ ફ્લાઇટોના રૂટની આસપાસ જ ફરતા રહેતા હતા. કોરિયન ઍરલાઇન્સની ફ્લાઇટ 007 સોવિયેટ સીમા સુધી પહોંચી તો તે પોતાના નિર્ધારિત રસ્તાથી અંદાજે 200 કિલોમિટર ભટકી ગઈ હતી. રશિયાના ડોલિન્સ્ક સોકોલ ઍરબેઝ પરથી કમાન્ડરોએ તરત જ બે સુખોઈ એસયૂ-15 વિમાનો આ ફ્લાઇટને રોકવા માટે મોકલ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
સોવિયેટ પાઇલટ કર્નલ ગેનાડી ઓસીપોવિચે 1988માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, "હું એ બોઇંગ 747 વિમાનને જોઈ શકતો હતો જેમાં ડબલ ડેકર બારીઓ હતી. સૈનિક માલવાહક વિમાનોમાં આ પ્રકારની બારીઓ હોતી નથી. મારી સમજમાં ન આવ્યું કે આ ક્યા પ્રકારનું વિમાન છે પરંતુ મારી પાસે વિચારવાનો સમય ન હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મારે મારું કામ કરવાનું હતું. હું એ વિમાનના પાઇલટને આંતરરાષ્ટ્રીય કોડનું સિગ્નલ આપીને કહેવા લાગ્યો કે તેમણે અમારી વાયુસીમાનું ઉલ્લંઘન કર્યું છે પરંતુ સામેની બાજુથી કોઈ જવાબ આવ્યો નહીં."

અમેરિકન જાસૂસી વિમાન આરસી-135 પહેલેથી જ સક્રિય

ઇમેજ સ્રોત, Getty Images
એક તરફ સોવિયેટ લૅફ્ટનન્ટ જનરલ વેલેન્ટિન વેરેનિકોવે જણાવ્યું કે સોવિયેટ વાયુસેનાએ ચમકતા ટ્રેસર્સ ફાયર કરીને કોરિયન પાઇલટને જાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઉડ્ડયન મામલાના વિશેષજ્ઞ પીટર ગ્રિયર ઍરફોર્સ પત્રિકાના એક જાન્યુઆરી 2013માં છપાયેલા પોતાના લેખ 'ધ ડૅથ ઑફ કોરિયન ઍરલાઇન્સ ફ્લાઇટ 007'માં લખે છે, "લગભગ તે જ સમયે અમેરિકન વાયુસેનાનું આરસી-135 વિમાન એ જ વિસ્તારમાં ઊડી રહ્યું હતું. જાસૂસી ઉપકરણોથી સજ્જ આ વિમાનને કામચાકટા વિસ્તારમાં સોવિયેટ સંરક્ષણ વ્યવસ્થાની જાસૂસી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી."
"આ પ્રકારના અભિયાનોમાં અમેરિકન વિમાન સોવિયેટ સીમા નજીક સુધી તો જતાં હતાં પણ તેઓ સાવધાની રાખતાં હતાં કે તેને પાર ન કરે. કોઈ એક બિંદુ પર સોવિયેટ ઍર ટ્રાફિક કન્ટ્રોલરને ગેરસમજ થઈ કે કોરિયન ફ્લાઇટ પણ કદાચ અમેરિકાનું જાસૂસી વિમાન છે."
"પહેલાં સોવિયેટ સંઘે આ વિમાનને ઇન્ટરસૅપ્ટ કરવા માટે ચાર મિગ-23 વિમાન મોકલ્યા હતા પરંતુ આ વિમાનોમાં પૂરતું ઈંધણ ન હોવાથી તેમને પાછા બોલાવી લીધા હતા."

રેડિયો સંપર્કને લઈને બે અલગ-અલગ વાત

ઇમેજ સ્રોત, Getty Images
એક તરફ ફ્લાઇટ 007ના કૉકપિટમાં વિમાનકર્મીઓને એ અંદાજ પણ નહોતો કે સોવિયેટ વિમાન તેમની સાથેસાથે ઊડી રહ્યાં છે. પહેલાં કોરિયન વિમાન કામચાકટાના વિસ્તારને પાર કરીને આંતરરાષ્ટ્રીય સમુદ્ર વિસ્તારમાં આવી ગયું પરંતુ જ્યારે તે બીજી વખત સોવિયેટ નિયંત્રણવાળા સખાલિન ક્ષેત્રમાં પ્રવેશ્યું તો સોવિયેટ વાયુસેનાને લાગ્યું કે આ વિમાન કોઈ સૈન્યમિશન પર છે.
સોવિયેટ વાયુસેના પેહેલેથી આ વિસ્તારમાં અમેરિકન નૌસેનાના યુદ્ધજહાજોના સૈન્ય અભ્યાસથી હેરાન હતી અને તે દિવસે એ જ વિસ્તારમાં કેટલીક મિસાઇલોનું પરીક્ષણ પણ કરવામાં આવવાનું હતું. જેથી સોવિયેટ સૈનિકો 'પહેલા શૂટ કરો, પછી સવાલ કરો'વાળા મોડમાં ચાલ્યા ગયા હતા.
બાદમાં આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું, "સોવિયેટ વિમાનોએ કોરિયન વિમાન સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ન હતો. સોવિયેટ પાઇલટોએ બિનસૈનિક વિમાનને ઇન્ટરસૅપ્ટ કરવાના આઈસીએઓના દિશાનિર્દેશોનું પાલન કર્યું નહોતું." પરંતુ પાઇલટનું કહેવું હતું કે તેમણે ઇમરજન્સી માટે રિઝર્વ રેડિયો ફ્રિક્વન્સી પર કોરિયન વિમાન સાતે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોરિયન વિમાનના કૉકપીટમાં તેને કોઈ સાંભળી રહ્યું ન હતું.
જ્યારે ટોક્યોના ઍર ટ્રાફિક કન્ટ્રોલે કોરિયન વિમાનને 35 હજાર ફૂટની ઊંચાઈ પર જવા માટે કહ્યું અને વિમાને તેનું પાલન કર્યું તો સોવિયેટ અધિકારીઓના મનમાં સ્પષ્ટ થઈ ગયું કે આ વિમાન તેમની પહોંચથી બચવા માટે ઉપર જઈ રહ્યું છે અને ત્યારે જ નક્કી થઈ ગયું કે એ વિમાનને સોવિયેટ સીમાની બહાર ન જવા દેવામાં આવે.
ઓસીપોવિચ યાદ કરે છે કે "મને વિમાન નષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મેં મારું લક્ષ્ય પૂરું કર્યું." એક સોવિયેટ કમાન્ડરે બાદમાં સ્વીકાર કર્યું કે તેમને એ વિમાન કોઈ પણ ભોગે પાડી દેવાનો આદેશ હતો, ભલે તે સોવિયેટ સીમાની બહાર નીકળીને આંતરરાષ્ટ્રીય સીમામાં કેમ ન ચાલ્યું જાય.

મિસાઇલ અથડાયા પછી પણ વિમાન 12 મિનિટ ઊડતું રહ્યું

ઇમેજ સ્રોત, Getty Images
નવ સપ્ટેમ્બરે માર્શન નિકોલાઈ ઓઘરકોવે મૉસ્કોમાં પત્રકારપરિષદ યોજીને સ્વીકાર્યું કે "એક વિમાનને સોવિયેટ ક્ષેત્રમાં પાડી દેવામાં આવ્યું છે પરંતુ તેને પાડી દેવાનાં તેમની પાસે પૂરતાં કારણો હતાં. ભલે એ વિમાન આરસી-135 હોય કે બૉઇંગ 747, આ વિમાન ચોક્કસપણે એક સૈન્ય મિશન પર હતું."
ત્યાર બાદ સોવિયેટ સંઘે ક્યારેય એ માહિતી સાર્વજનિક કરી નથી કે તેમને વિમાનનો કાટમાળ, ફ્લાઇટ ડેટા રૅકોર્ડર અથવા તો માર્યા ગયેલા લોકોના મૃતદેહ મળ્યા છે કે નહીં.
વિમાનમાં સવાર લોકોના પરિવારજનોને મૃતદેહ વગર પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર કરવા મજબૂર થવું પડ્યું. શીતયુદ્ધ સમાપ્ત થયા બાદ સોવિયેટ સંઘનું વિઘટન થયું તો ફ્લાઇટ 007 ઉડાવી દેવાના કેટલાક વિવરણ સામે આવ્યા હતા.
વર્ષ 1992માં ઉચ્ચ કક્ષાની બેઠક બાદ રશિયાએ કૉકપીટ વૉઇસ રૅકોર્ડરની વાતચીત જાહેર કરી હતી. ત્યાર બાદ જ લોકોને પહેલી વખત ખબર પડી હતી કે કોરિયન વિમાન હવામાં નષ્ટ થયું ન હતું.
ટોક્યોના સમયાનુસાર સવારે ત્રણ વાગીને 26 મીનિટે ઓસીપોવિચે કોરિયન વિમાન પર બે એએ-3 મિસાઇલ છોડી હતી. સોવિયેટ મિસાઇલના કેટલાક ટુકડા વિમાનની પાછળના ભાગે વાગ્યા હતા. જેનાંથી વિમાનની ચારમાંથી ત્રણ હાઇડ્રોલિક સિસ્ટમ નષ્ટ થઈ ગઈ હતી. તેમ છતાં કૅબિનમાં પ્રેશર ઓછું થયું ન હતું અને વિમાનના ચારેય ઍન્જીનોએ ઉડાન યથાવત રાખી હતી.
ઓસીપોવિચે નીચે કન્ટ્રોલરૂમમાં સંદેશ મોકલ્યો, 'ધ ટાર્ગેટ ઇઝ ડિસ્ટ્રોય્ડ.' પરંતુ ત્યાર સુધી આ વિમાન નષ્ટ થયું નહોતું. ક્ષતિગ્રસ્ત વિમાને ત્યાર બાદ 12 મિનિટ સુધી ઉડાન યથાવત રાખી હતી. વિમાનના પાઇલટોએ તેને નિયંત્રણમાં લેવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ વિમાન સખાલિનના પશ્ચિમમાં મોનેરૉન દ્વીપ પાસે સમુદ્રમાં પડી ગયું હતું અને તેમાં સવાર તમામ મુસાફરો મૃત્યુ પામ્યા હતા.

વિમાન 1600 ફૂટ સુધી નીચે આવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
12 મિનિટ સુધી ખતરા સામે ઝઝૂમ્યું હોવા છતાં કોરિયન વિમાને કોઈ 'મે ડે' સંકેત મોકલ્યો ન હતો.
સેમર હર્શ પોતાના પુસ્તક "ધ ટાર્ગેટ ઇઝ ડિસ્ટ્રોઇડ"માં લખે છે, "મિસાઇલ હુમલાની 40 સૅકન્ડ બાદ ફ્લાઇટ 007એ ટોક્યો ઍર ટ્રાફિક કન્ટ્રોલને એક સંદેશ મોકલ્યો હતો. જેના થોડાક જ શબ્દો સ્પષ્ટ સંભળતા હતા. 'રૅપિડ કમ્પ્રેશન ઍન્ડ ડિસેંડિંગ ટૂ વન ઝીરો થાઉઝન્ડ.'
અર્થાત અમે વિમાનને 10 હજાર ફૂટ પર લઈ જઈ રહ્યા છે જ્યાં મુસાફરો ડિપ્રેશરાઇઝ્ડ હવામાં શ્વાસ લઈ શકે."

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ તે ક્ષણે પણ એ વાતનો કોઈ સંકેત ન હતો કે પાઇલટને ખબર હતી કે તેમના વિમાન પર મિસાઇલથી હુમલો થયો છે.
જાપાનની રડાર ટ્રૅકિંગથી ખબર પડી છે કે કેએએલ 007 આગામી ચાર મીનિટો સુધી 16 હજાર ફૂટ સુધી નીચે આવી ગયું હતું.
એ ઉંચાઈ પર કદાચ પાઇલટે વિમાનની નીચે ઉતરવાની ગતિ નિયંત્રિત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ ત્યાર સુધી વિમાન તેમના નિયંત્રણ બહાર થઈ ગયું હતું.
અંતિમ ચરણમાં વિમાને પીઠ પર વળ્યું અને પાઇલટે ઍન્જિનની શક્તિનો ઉપયોગ કરીને અકસ્માત ટાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાર સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

અમેરિકાએ કરી આકરી ટીકા

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે વિમાન પાડી દેવાની ઘટનાની જાણ અમેરિકા સુધી પહોંચી તો અમેરિકન રાષ્ટ્રપતિ રોનલ્ડ રીગને તેને 'નરસંહાર' અને માનવતા વિરુદ્ધનો અપરાધ ગણાવ્યો હતો.
અમેરિકન વિદેશમંત્રી જ્યૉર્જ શુલ્ટ્ઝે પત્રકારપરિષદ યોજીને સોવિયેટ કાર્યવાહીની આકરી નિંદા કરી હતી.
રાષ્ટ્પતિ રીગને રાષ્ટ્રજોગ સંબોધન કરીને સોવિયેટ પાઇલટ ઓસીપોવિચનો ઑડિયો ટેપ સંભળાવી હતી જેમાં તેઓ કહી રહ્યા હતા કે તેમને વિમાનની અંદર ઝબકતી લાઇટો દેખાઈ રહી છે.
ત્યાર બાદ તરત જ એક સોવિયેટ અધિકારીએ અમેરિકન વિદેશ મંત્રાલયમાં આવીને જ્યોર્જ શુલ્ટ્ઝને જણાવ્યું કે તેમણે વિમાનને સોવિયેટ ક્ષેત્રમાં આવવાને લઈને ચેતાવણી આપી હતી.

ઇમેજ સ્રોત, RANDOM HOUSE
ત્યાર બાદ વિમાન સંભવત રીતે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. સોવિયેટ નેતા યૂરી આંદ્રોપોવે તો અમેરિકા પર જાસૂસી માટે કોરિયન વિમાનોનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાને શીતયુદ્ધના અંતિમ તબક્કાની સૌથી ખતરનાક ઘટના જાહેર કરવામાં આવી હતી. પ્રશ્નો ઊઠે છે કે આખરે સોવિયેટ સંઘની મિસાઇલોએ આ વિમાનને નિશાન કેમ બનાવ્યું?
પીટર ગ્રિયરે પોતાના લેખ 'ધ ડેથ ઓફ કોરિયન ઍરલાઇન ફ્લાઇટ 007'માં લખ્યું છે, "નેશનલ સિક્ટોરિટી એજન્સીના ઇન્ટરસૅપ્ટથી ખ્યાલ આવે છે કે સોવિયેટ સંઘે હકીકતમાં આ વિમાનને એક જાસૂસી વિમાન આરસી-135 સમજ્યું હતું. જે એ દિવસોમાં સખાલિનના તટની આસપાસ સતત ચક્કર મારી રહ્યું હતું."

ઇમેજ સ્રોત, Getty Images
ગુપ્ત ઇતિહાસકાર મૅથ્યૂ એમ એડનું પણ માનવું છે કે એ દિવસોમાં સોવિયેટ વાયુ સંરક્ષણ વ્યવસ્થાનું સ્તર ઘણું પડી ગયું હતું. તેમણે પોતાના પુસ્તક 'ધ સિક્રેટ સૅન્ટરી'માં લખ્યું છે, "કેએલએલ વિમાનને પાડી દીધા બાદ જે વાત સૌથઈ વધુ સામે આવી છે એ છે સોવિયેટ વાયુ સંરક્ષણ વ્યવસ્થાનું ખરાબ પ્રદર્શન."

અનેક કૉન્સપિરસી થિયરી સામેઆવી

ઇમેજ સ્રોત, NEWSWEEK
આ ઘટનાના ત્રીસ વર્ષ બાદ તેની સાથે જોડાયેલા એક પ્રશ્નને બાદ કરતા લગભગ તમામ પ્રશ્નોના જવાબ મળી ગયા છે. તે એક પ્રશ્ન છે કે એ ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોનું શું થયું? રશિયનો આજદીન સુધી દાવો કરે છે કે તેમને એક પણ મૃતદેહ મળ્યો નથી. આ દરમિયાન કેટલીક કૉન્સપિરસી થિયરીઓમાં કહેવામાં આવ્યું છે કે સોવિયેટ સંઘે આ વિમાનમાં સવાર ચાર લોકોને બચાવી લીધા હતા અને વર્ષો સુધી તેમને બંધક બનાવીને રાખ્યા હતા.
વર્ષ 2001માં છપાયેલ બર્ટ શલૉસબર્ગના પુસ્તક 'રૅસ્ક્યૂ 007'માં કેટલાક પ્રત્યક્ષદર્શીઓને એ કહેતા દર્શાવવામાં આવ્યા છે કે તેમણે સાઇબેરિયાની જેલમાં બંધ આ મુસાફરોને જોયા છે.
પરંતુ 007 ઉડાનમાં સવાર મુસાફરોનું દાયકાઓ સુધી પ્રતિનિધિત્વ કરનારા વકીલ હુઆનીતા મડોલે કહ્યું કે ઘણા લોકો પોતાના પ્રિયજનો માટે એક કહાણી પર ભરોસો રાખવા માગે છે પરંતુ આ વાતના અન્ય કોઈ પુરાવા મળતા નથી.
બીજી થિયરીમાં કહેવામાં આવ્યું છે કે સોવિયેટ લોકોએ જાણીજોઈને મૃતદેહોને નષ્ટ કરી દીધા જેથી ઘટનાના કોઈ પુરાવા બાકી ન રહે પરંતુ મડોલનું માનવું છે કે આ માત્ર એક થિયરી જ હોઈ શકે છે.

પાઇલટની ભૂલ

ઇમેજ સ્રોત, Getty Images
નાગરિક ઉડ્ડયન સંગઠનના રિપોર્ટમાં આ ઘટના માટે કોરિયન ઍરલાઇન્સના પાઇલટને દોષી ઠેરવવામાં આવ્યા છે પરંતુ આ વિમાનના પાઇલટ ચુન બ્યુંગ ઇન એક અનુભવી પાઇલટ હતા અને વર્ષ 1972થી કોરિયન ઍરલાઇન્સ માટે વિમાન ઉડાવતા હતા.
ખ્યાતનામ પત્રકાર સેમર એમ હર્શ પોતાના પુસ્તક 'ધ ટાર્ગેટ ઇઝ ડિસ્ટ્રોઇડ'માં લખે છે, "તેમનો સેફ્ટી રૅકોર્ડ સારો હતો. એ પહેલા તેમની ત્રણ વખત દક્ષિણ કોરિયન રાષ્ટ્રપતિ ચુન દૂ હ્યાનની સરકારી યાત્રામાં બૅકઅપ પાઇલટ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેમના સાથી પાઇલટ સન ડૉન્હ હ્યિનની ઉંમર 47 વર્ષ હતી અને તેઓ છેલ્લાં ચાર વર્ષથી કોરિયન ઍરલાઇન્સની સાથે હતા અને બોઇંગ 747 વિમાન પર 3500 કલાક વીતાવી ચૂક્યા હતા."

ઑટોપાઇલટમાં ખરાબી

ઇમેજ સ્રોત, Getty Images
કૉકપિટ ઇન્ફર્મેશન સિસ્ટમના નાસાના પૂર્વ વિશેષજ્ઞ આસફ દેગાની પોતાના પુસ્તક 'ટેમિંગ એચએએલ ડિઝાઇનિંગ ઇન્ટરફેસીસ બિયૉન્ડ 2001'માં લખે છે, "ઑટોપાઇલટ સંભવિત રીતે 'હેડિંગ મોડ'માં હતું. આ સેટિંગ વિમાનને મૅગ્નેટિક કંપાસ આધારે ઉડાન ભરવાનો નિર્દેશ આપે છે. જેની સચોટતા ઊંચાઈ પ્રમાણે 15 ડિગ્રી સુધી બદલાઈ શકે છે. વિશ્વાસ કરવામાં આવે છે કે આ ઑટોપાઇલટ મોડના કારણે જ વિમાન સોવિયેટ વાયુક્ષેત્રમાં જઈ પહોંચ્યું હતું."
"પણ જો ઑટોપાઇલટ આઈએનએસ અંતર્ગત ઊડી રહ્યું હોત તો એ વિમાને અન્ય રસ્તો લીધો હોત. તે સંભવત રીતે સોવિયેટ વાયુ સીમા પાસે જરૂર પહોંચતું પરંતુ અંદર ન પ્રવેશતું. કદાચ કોરિયન ઍરલાઇન્સના પાઇલટોથી એ ભૂલ થઈ કે તે સમજી રહ્યા હતા કે તેઓ આઈએનએસ મોડમાં ઊડી રહ્યા છે."
બોઇંગ 747 ઑટોપાઇલટ મોડમાં ઉડાવતી વખતે આ પ્રકારની સમસ્યા નવી નથી. આ પ્રકારની ઘટનાઓના પહેલા ડઝનબંધ મામલા સામે આવી ચૂક્યા છે.

માર્યા ગયેલા લોકોની યાદમાં સ્મારક

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટનાનાં પાંચ વર્ષ બાદ આ જ રીતે અમેરિકાના યુએસએસ વિંસેનેસ વિમાને તેહરાનથી દુબઈ જઈ રહેલા ઈરાન ઍરના ઍરબસ એ300 વિમાનને તોડી પાડ્યું હતું.
અમેરિકન નૌસેનાએ ભૂલથી આ વિમાનને ફાઇટર જેટ સમજીને તેના પર મલો કર્યો હતો. આ ઘટનામાં 290 મુસાફરો અને વિમાનકર્મીઓ માર્યા ગયા હતા. કેએલએલ વિમાન હાદસામાં માર્યા ગયેલા લોકોના સન્માનમાં રશિયાના સખાલિન દ્વીપ પર એક નાનકડું સ્મારક બનાવવામાં આવ્યું છે.
આ રીતે જાપાનમાં વક્કાનાઈમાં પણ તેમની યાદમાં 90 ફૂટ ઊંચો મિનાર બનાવવામાં આવ્યો છે. જ્યાં સમુદ્રતટ પર વહીને આવેલી તેમની કેટલીક વસ્તુઓ રાખવામાં આવી. આ મિનારમાં માર્યા ગયેલા તમામ 269 લોકોની યાદમાં સફેદ પથ્થર અને કાળા આરસના બે ટુકડા લગાવવામાં આવ્યા હતા. જેના પર તમામ મુસાફરોના નામ લખેલા છે.
કોરિયન વિમાન 007ના અવશેષ હાલમાં પણ સખાલિન દ્વીપની પાસે સમુદ્રતટમાં દફન થયેલી હાલતમાં છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













