અમેરિકાએ યુક્રેનને અત્યાર સુધીમાં કુલ કેટલી આર્થિક, લશ્કરી સહાય આપી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બ્રાન્ડન ડ્રેનોન
- પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગ્ટન ડીસી
ગયા સપ્તાહે કીએવની સરપ્રાઈઝ મુલાકાત વખતે યુક્રેનને લગભગ અડધો અબજ ડૉલરની લશ્કરી સહાયની જાહેરાત અમેરિકાના પ્રમુખ જો બાયડને કરી હતી.
આ સહાય રશિયા સામેના યુદ્ધમાં અમેરિકાએ યુક્રેનને આપેલી અબજો ડૉલરની સહાય ઉપરાંતની છે. અમેરિકન સંસદ એટલે કૉંગ્રેસે માત્ર 2022માં જ 112 અબજ ડૉલર ફાળવ્યા હતા.
નાણાં ખર્ચના સંદર્ભમાં યુક્રેનને સૌથી વધુ યોગદાન અમેરિકાએ આપ્યું છે, પરંતુ રશિયાના આક્રમણના એક વર્ષ પછી કેટલાક અમેરિકનોને એ વાતનું આશ્ચર્ય છે કે આ પૈસા જાય છે ક્યાં અને આ સહાયથી કોઈ અર્થ સરે છે ખરો?

અમેરિકાએ યુક્રેનને કેટલા ડૉલર આપ્યા?

યુક્રેન મળતી સહાય પર નજર રાખતી કીલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ વર્લ્ડ ઇકૉનૉમીના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયે બાઈડને યુક્રેનને સહાયની જાહેરાત કરી એ પહેલાં અમેરિકાએ યુક્રેનને લગભગ 80 અબજ ડૉલરની સહાય કરી હતી.
અમેરિકાએ આપેલી સહાયમાં 46.6 અબજ ડૉલર સૈન્ય મદદનો સમાવેશ થાય છે. અમેરિકા અન્ય કોઈ પણ દેશ કરતાં વધુ સહાય આપી રહ્યું છે. 5.1 અબજ ડૉલરની સૈન્ય સહાયતા સાથે બ્રિટન બીજા ક્રમે અને 10.12 અબજ ડૉલરની સહાય સાથે યુરોપિયન સંઘ ત્રીજા સ્થાને છે.
અલબત્ત, આ માત્ર લશ્કરી સહાય છે. તેમાં અન્ય પ્રકારની સહાયનો સમાવેશ થતો નથી.

આટલાં નાણાં જાય છે ક્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
લશ્કરી સહાયનો ઉપયોગ ડ્રોન્સ, ટૅન્ક્સ, મિસાઈલ્સ અને બીજી યુદ્ધસામગ્રી તેમજ તાલીમ, લૉજિસ્ટિક્સ અને ગુપ્તચર મદદની ચુકવણી માટે કરવામાં આવે છે. માનવીય અને નાણાકીય મદદની ગણતરી તેમાં થતી નથી.
માનવીય મદદમાં યુદ્ધને કારણે વિસ્થાપિત થયેલા યુક્રેનના નાગરિકો માટે ભોજન સહાય, પીવાનું શુદ્ધ પાણી, તબીબી સામગ્રી અને અન્ય જરૂરી ચીજોનો સમાવેશ થાય છે. નાણાકીય સહાય વડે યુક્રેન સરકાર તેના કર્મચારીઓ, આરોગ્યકર્મીઓ અને શિક્ષકોને પગાર ચૂકવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાએ યુક્રેનને કરેલી સહાયમાં અડધોઅડધ હિસ્સો લશ્કરી મદદનો છે. માનવતાવાદી સહાય પેટે તેણે 3.96 અબજ ડૉલર અને નાણાકીય સહાય પેટે તેણે 26.73 અબજ ડૉલર આપ્યા છે.

અન્ય દેશો યુક્રેન માટે કેટલો ખર્ચ કરે છે?

ઇમેજ સ્રોત, EPA
કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ની ટકાવારીના સંદર્ભમાં સહાયની ગણતરી કરવામાં આવે તો અમેરિકા સૌથી મોટું વ્યયકર્તા નથી.
કીલ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા મુજબ, એ સંદર્ભમાં એસ્ટોનિયા ટોચ પર છે. તેણે તેની જીડીપીના 1.1 ટકા જેટલી સહાય કરી છે. બીજી બાજુ અમેરિકાએ તેની જીડીપીના 0.4 ટકા જેટલી સહાય કરી છે.
જોકે, યુક્રેનને ડૉલર સાટે ડૉલર સંદર્ભે સહાય કરવાના વૈશ્વિક પ્રયાસનું નેતૃત્વ અમેરિકા કરે છે અને તે આ બાબતમાં પાંચમો દાતા દેશ છે.

કુલ આંકડો કેટલો છે?
કીવ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા મુજબ, રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં દુનિયાભરમાંથી નાણાં ઠલવાઈ રહ્યાં છે અને તેમાં અમેરિકા મોખરે છે. તેમ છતાં પાછલા સંઘર્ષની તુલનામાં આ પ્રમાણ બહુ ઓછું છે.
જર્મન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કીવે કહ્યું હતું કે "દાખલા તરીકે, અમેરિકાએ 2001 પછી અફઘાન યુદ્ધ બાદના તેના ખર્ચની તુલનામાં પ્રતિ વર્ષ ત્રણ ગણો વધુ ખર્ચ કર્યો છે. જર્મનીએ 1990-91ના અખાત યુદ્ધમાં મિત્રરાષ્ટ્રોને આપેલી સહાય કરતાં ત્રણ ગણી વધુ સહાય યુક્રેનને કરી છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













