હાઈબ્રિડ યુદ્ધ શું છે? જેનાથી નાટો અને યુરોપિયન યુનિયનની ઊંઘ કેમ હરામ થઈ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફ્રેંક ગાર્ડનર
- પદ, બીબીસી સંરક્ષણ સંવાદદાતા
જમીન નીચે રહસ્યમય વિસ્ફોટ, અનામ સાયબર હુમલા અને પશ્ચિમી દેશોના લોકતંત્રને બદનામ કરવા માટે ચલાવવામાં આવતું ગુપ્ત ઑનલાઇન અભિયાન. આ બધા 'હાઈબ્રિડ જોખમો'નો હિસ્સો છે.
લડાઈની આ નવી રીત પર કામ કરી રહેલા એક કેન્દ્રની બીબીસીએ તાજેતરમાં મુલાકાત લીધી હતી. હાઈબ્રિડ યુદ્ધની આ નવી રીતભાતથી નાટો અને યુરોપિયન યુનિયનની ચિંતા વધી ગઈ છે.
હાઈબ્રિડ વૉરફેર આખરે શું છે આ સવાલના જવાબમાં યુરોપિયન સેન્ટર ઑફ ઍક્સેલન્સ ફૉર કાઉન્ટરિંગ હાઈબ્રિડ થ્રેટ્સ (હાઈબ્રિડ સીઓઈ)નાં ડિરેક્ટર તિજા તિલિકેનને કહ્યું હતું કે "હાઈબ્રિડ વૉરફેર વાસ્તવમાં ઇન્ફૉર્મેશન સ્પેસનું મેન્યુઅલ છે."
તેનો અર્થ કોઈ દેશના મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરનો હુમલો થાય. ફિનલૅન્ડના હેલસિંકીમાં આ સેન્ટરની સ્થાપના ચાર વર્ષ પહેલાં કરવામાં આવી હતી.
તિજા તિલિકેનને કહ્યું હતું કે "હાઈબ્રિડ વૉરફેરનું જોખમ બહુ અસ્પષ્ટ હોય છે. એ કારણસર જ, જે દેશો પર આ પ્રકારના હુમલા કરવામાં આવે છે, તેમણે તેનાથી બચવામાં કે તેનો જવાબ આપવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે."
હાઈબ્રિડ યુદ્ધના જોખમે હવે વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું છે. તેથી તમામ દેશોની ચિંતામાં વધારો થયો છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બાલ્ટિક સમુદ્રમાં પાણી નીચે થયેલા વિસ્ફોટને કારણે નોર્ડ સ્ટ્રીમ ગૅસ પાઇપલાઇનમાં કાણું પડી ગયું હતું.
ડેનમાર્ક અને સ્વીડનના તટ વચ્ચેની આ પાઇપલઇનને મોટું નુકસાન થયું હતું. આ પાઇપલાઇન રશિયાથી જર્મની સુધી ગેસ પહોંચાડવા માટે બનાવવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિસ્ફોટ પછી રશિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે એ ઘટનામાં તેનો કોઈ હાથ નથી, પરંતુ પશ્ચિમી દેશોને શંકા હતી કે વિસ્ફોટ રશિયાએ જ કરાવ્યો હશે, જેથી તે યુક્રેનને ટેકો આપતા જર્મનીની ગેસ સપ્લાય બંધ કરીને તેના સજા કરી શકે.


- હાઈબ્રીડ યુદ્ધના જોખમે હવે વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું છે, તેથી તમામ દેશોની ચિંતામાં વધારો થયો છે
- ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બાલ્ટિક સમુદ્રમાં પાણી નીચે થયેલા વિસ્ફોટને કારણે નોર્ડ સ્ટ્રીમ ગેસ પાઇપલાઇનમાં કાણું પડી ગયું હતું
- હાઈબ્રિડ યુદ્ધ મારફત ચૂંટણીમાં પણ હસ્તક્ષેપ કરી શકાય છે
- રશિયાએ હિલેરી ક્લિન્ટનને અમેરિકાનાં પ્રમુખ બનતા રોકવા માટે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં આ પ્રકારની ઝુંબેશ ચલાવી હતી. જોકે, રશિયા તેનો ઇનકાર કરતું રહ્યું છે
- હાઈબ્રિડ યુદ્ધની મહત્ત્વની એક રીત કુપ્રચાર કરવાની છે, દેશના એક વર્ગના લોકોને અનુકૂળ હોય તેવા વૈકલ્પિક અને ખોટા નેરેટિવનો પ્રચાર તેમાં કરવામાં આવે છે

ચૂંટણીમાં હસ્તક્ષેપનું જોખમ

ઇમેજ સ્રોત, Getty Images
હાઈબ્રિડ યુદ્ધ મારફત ચૂંટણીમાં પણ હસ્તક્ષેપ કરી શકાય છે. 2016ની અમેરિકાની ચૂંટણી પછી રશિયાએ ત્યાંની ચૂંટણી પ્રક્રિયામાં દખલબાજી શરૂ કરી હતી, એ વાત બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવી છે.
રશિયાએ હિલેરી ક્લિન્ટનને અમેરિકાનાં પ્રમુખ બનતા રોકવા માટે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં આ પ્રકારની ઝુંબેશ ચલાવી હતી. જોકે, રશિયા તેનો ઇનકાર કરતું રહ્યું છે.
તેમાં પુતિન સરકાર સમર્થિત સાયબર કાર્યકરોના નિયંત્રણ હેઠળના એકાઉન્ટ્સ મારફત ઑનલાઇન બોટ્સનો ઉપયોગ કરીને જોરદાર કુપ્રચાર કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. એ માટે સેન્ટ પીટર્સબર્ગમાંની 'ટ્રોલ ફેક્ટરીઓ' રાત-દિવસ કામ કરતી હોવાનું પણ કહેવાય છે.
હાઈબ્રિડ યુદ્ધની મહત્ત્વની એક રીત કુપ્રચાર કરવાની છે. દેશના એક વર્ગના લોકોને અનુકૂળ હોય તેવા વૈકલ્પિક અને ખોટા નેરેટિવનો પ્રચાર તેમાં કરવામાં આવે છે. યુક્રેન પર રશિયાના હુમલા પછી આવી પ્રવૃત્તિ વધુ વેગવાન બની છે.
માત્ર રશિયા જ નહીં, પરંતુ પશ્ચિમના કેટલાક દેશ પણ મોસ્કોની એ દલીલને સાચી માનવા લાગ્યા છે કે યુક્રેન પરનું આક્રમણ આત્મરક્ષા માટે કરવામાં આવતી કાર્યવાહી છે.
નાટો તથા યુરોપિયન યુનિયને હાઈબ્રિડ યુદ્ધના જોખમને પારખવા માટે તથા તેમાંથી બચવામાં મદદ કરવા માટે ફિનલેન્ડમાં હાઈબ્રિડ સીઓઈની રચના કરી છે. આ સંદર્ભમાં ફિનલૅન્ડની પસંદગી રસપ્રદ છે.
1940માં રશિયા સામેની એક ટૂંકી લડાઈમાં હાર્યા પછી ફિનલૅન્ડ નિષ્પક્ષ બની ગયું હતું, પરંતુ રશિયા અને ફિનલૅન્ડ વચ્ચે 1300 કિલોમીટર લાંબી સરહદ છે. તેથી ફિનલૅન્ડ ડરેલું છે અને ઝડપથી પશ્ચિમના દેશોની નજીક જઈ રહ્યું છે. ફિનલૅન્ડે નેટોમાં સામેલ થવા માટે ગત વર્ષે અરજી કરી હતી.

કેવી રીતે કામ કરે છે હાઈબ્રિડ યુદ્ધવિરોધી કેન્દ્ર?

ઇમેજ સ્રોત, AFP/AP
મેં એક ઠંડી, બરફીલી સવારે મેં હાઈબ્રિડ સીઓઈની મુલાકાત લીધી હતી. તેનું કામકાજ ફિનલૅન્ડના સંરક્ષણ મંત્રાલય નજીકની એક ઑફિસમાંથી થાય છે. તે સોવિયેત રશિયાના જમાનાની ઇમારતમાં બનેલા રશિયન દૂતાવાસની નજીક પણ છે.
સેન્ટરનાં ડિરેક્ટર તિજા તિલિકેનન અહીં 40 વિશ્લેષકો અને સંબંધિત વિષયના જાણકારોની એક ટીમ સાથે કામ કરે છે તથા તેમનું નેતૃત્વ પણ કરે છે.
સંબંધિત વિષયોના જાણકારો નાટો તથા યુરોપિયન યુનિયનના દેશોના છે. તેમાં બ્રિટનના સંરક્ષણ મંત્રાલયના એક નિષ્ણાતનો પણ સમાવેશ થાય છે. તેમને થોડા દિવસ માટે ત્યાં બોલાવવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે હાલ તેમનો ફોકસ એરિયા આર્કટિક છે. ત્યાં ભવિષ્યમાં આ પ્રકારના હાઈબ્રિડ યુદ્ધનું જોખમ સર્જાવાની શક્યતા જણાય છે.
તેમણે કહ્યું હતું કે "હાલ ઊર્જાના અનેક સ્રોત ઊભરી રહ્યા છે. વિશ્વની મહાસત્તાઓ પોતાના હિતના રક્ષણ માટે વધારે સક્રિય બને તેવી પ્રબળ સંભાવના છે. તેની સાથે માહિતીમાં ભેળસેળનો સિલસિલો પણ પૂરબહારમાં ચાલી રહ્યો છે."
તેમને કહેવા મુજબ, "રશિયાની દલીલ એવી છે કે આર્કટિક સંઘર્ષ ક્ષેત્ર બહારનો એક ખાસ પ્રદેશ છે. તેમાં કશું ખોટું થતું નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે રશિયા ત્યાં પોતાનું લશ્કરી થાણું બનાવી રહ્યું છે."
તિજા તિલિકેનના જણાવ્યા અનુસાર, વાસ્તવિક યુદ્ધ અને હાઈબ્રિડ યુદ્ધ વચ્ચે ફરક એ છે કે હાઈબ્રિડ યુદ્ધમાં ક્યારેય સામસામી, સાક્ષાત લડાઈ થતી નથી. હાઈબ્રિડ યુદ્ધ તદ્દન ગુપ્ત રીતે લડાતું હોય છે, પણ તે ઓછું ખતરનાક નથી.
આ પ્રકારની લડાઈ છદ્મ હોય છે. તેમાં કરવામાં આવતા હુમલા પાછળ કોનો હાથ છે તે જાણવાનું મુશ્કેલ હોય છે. 2007માં એસ્ટોનિયા પર કરવામાં આવેલો ભયાનક સાયબર હુમલો આવી જ લડાઈનો હિસ્સો હતો.

કેટલું મોટું જોખમ?

ઇમેજ સ્રોત, HYBRIDCOE
બાલ્ટિક સમુદ્રમાંથી પસાર થતી એક પાઈપલાઈનમાં ગત વર્ષે વિસ્ફોટ થયો હતો. તે કૃત્યના કરવૈયાઓએ સુનિશ્ચિત કર્યું હતું કે એ કામ કોણે કર્યું છે તેનો એકેય પુરાવો ન મળે. આ પ્રકારે નુકસાન કરી શકાય એવી ઘણી રીત છે.
સેન્ટરમાં એક હેન્ડબુકમાં ચિત્ર દ્વારા તે દર્શાવવામાં આવ્યું છે. તેમાં સમુદ્રમાં હાઈબ્રિડ યુદ્ધની ધમકી આપવાની સંભવિત રીતોની વિગત આપવામાં આવી છે. તેમાં કાલ્પનિકથી માંડીને સંભવિત યુદ્ધની દસ સ્થિતિનો ઉલ્લેખ પણ છે.
હેન્ડબુકમાં પાણીની અંદર શસ્ત્રોના ગુપ્ત ઉપયોગથી માંડીને દ્વીપની ચારે તરફ એક કન્ટ્રોલ ઝોન જાહેર કરવાની અને કોઈ સમુદ્રમાં સાંકડી પટ્ટીને બંધ કરવાની વ્યૂહરચનાનો ઉલ્લેખ પણ છે.
આ સેન્ટરમાં કામ કરતી ટીમે વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તે ઘટના યુક્રેન પરના હુમલા પહેલાં અઝોવ સમુદ્રમાં રશિયાએ કરેલી કાર્યવાહીની હતી.
ઑક્ટોબર, 2018 અને એ પછી મારિયોપોલ તથા બર્દિયાંસ્ક ખાતેના પોતાના બંદરોથી કેર્ચ સામુદ્રધુની તરફ આગળ વધવા માટે યુક્રેનનાં જહાજોનું નિરીક્ષણ રશિયન અધિકારીઓએ કર્યું હતું.
વલ્નરબિલિટીઝ ઍન્ડ રેઝિલિયન્સના ડિરેક્ટર જુક્કા સેવોલેનેને જણાવ્યુ હતું કે આ નિરીક્ષણને કારણે યુક્રેનનાં જહાજો લગભગ બે સપ્તાહ સુધી અહીં રોકાવું પડ્યું હતું. તેનાથી યુક્રેનને મોટું આર્થિક નુકસાન પણ થયું હશે.

જોરદાર દુષ્પ્રચાર

ઇમેજ સ્રોત, Reuters
દુષ્પ્રચારના આ દૌરમાં સેન્ટરના નિષ્ણાતોને આશ્ચર્યજનક પરિણામ જોવા મળી રહ્યું છે. યુરોપના અનેક દેશોમાં હાથ ધરવામાં આવેલા જનમત સર્વેક્ષણના પરિણામ બાદ તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે નાટોના અનેક સભ્ય દેશો ઘણા લોકોમાં રશિયાનું માહિતી દુષ્પ્રચારનું આ યુદ્ધ વિજયી બનતું દેખાઈ રહ્યું છે.
જર્મનીમાં પણ નાગરિકોનો એક મોટો હિસ્સો માનવા લાગ્યો છે કે યુક્રેન પરનો રશિયાનો હુમલો નાટોની ભડકાવતી કાર્યવાહીના જવાબમાં કરવામાં આવ્યો છે. બન્ને દેશ વચ્ચે ચાલતી લડાઈમાં રશિયાની આ દલીલને વધુને વધુ લોકો સ્વીકારી રહ્યા છે.
સ્લોવાકમાં હાથ ધરવામાં આવેલા જનમત સર્વેક્ષણમાં ભાગ લેનારા 30 ટકાથી વધુ લોકોએ સ્વીકાર્યું હતું કે યુક્રેનની લડાઈ પશ્ચિમી દેશોની ભડકાવતી કાર્યવાહીનું પરિણામ છે. હંગેરીમાં 18 ટકા લોકો માને છે કે યુક્રેનમાં રશિયનભાષી લોકો પરના અત્યાચારને લીધે યુદ્ધ છેડાયું છે.
ચેક રિપબ્લિકના એક વરિષ્ઠ વિશ્લેષક જેકબ કાલેંસ્કી રશિયાના દુષ્પ્રચાર અભિયાનને દબાવવા માટે પાણી સંબંધી ઉદાહરણ આપે છે.

ઇમેજ સ્રોત, Reuters
તેમણે કહ્યું હતું કે "હું રશિયાના દુષ્પ્રચાર અભિયાનને અત્યાધુનિક ગણતો નથી. તેમને સાયબર સ્પેસમાં આકર્ષક સંદેશાઓને કારણે નહીં, પરંતુ સંખ્યાબળને કારણે સફળતા મળી રહી છે."
"આવા લોકોને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક્સેસ આપવાનો કોઈ અર્થ નથી. દરેક દેશ નવા જળ ક્ષેત્રમાં પ્રવેશવામાં સફળ થવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તેમને પાણી ઝેરીલું બનાવવાની છૂટ આપી શકાય નહીં."
તિલિકેનને જણાવ્યું હતું કે તેમના સેન્ટરની ભૂમિકા આ પ્રકારના હાઈબ્રિડ યુદ્ધના જોખમોના મુકાબલાની રીત શોધવા પૂરતી સીમિત નથી. સેન્ટરની જવાબદારી આ પ્રકારના જોખમનું આકલન કરીને તેની માહિતી આપવાની અને તેના મુકાબલાની તાલીમ આપવાની છે.
હાલ તો યુરોપમાં આ પ્રકારનો પડકાર સતત વધી રહ્યો છે અને તેનો સામનો કરવો જરૂરી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














