યુક્રેન યુદ્ધ : હજારો હોમાયા બાદ રશિયાના કબજામાંથી સ્વતંત્ર કરાયેલા શહેરની મુલાકાત

પૂર્વ યુક્રેનના એક શહેર લાયમૅનને ગત સપ્તાહના અંતે જ રશિયનો પાસેથી પાછું લેવાયું હતું
ઇમેજ કૅપ્શન, પૂર્વ યુક્રેનના એક શહેર લાયમૅનને ગત સપ્તાહના અંતે જ રશિયનો પાસેથી પાછું લેવાયું હતું
    • લેેખક, ઓર્લા ગ્યુએરિન દ્વારા
    • પદ, બીબીસી ન્યૂઝ, લાયમૅન
લાઇન
  • રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે યુક્રેન એક પછી એક વિસ્તારો પર ફરી કબજો કરતું જઈ રહ્યું છે
  • આ જ કડીમાં તેનું અગાઉ રશિયા દ્વારા કબજે કરી લેવાયેલ નગર લાયમૅન આવે છે
  • લાયમૅનમાં પાંચ હજાર રશિયન સૈનિકોને ઘેરીને વિસ્તાર પર યુક્રેને કબજો કર્યો છે, પરંતુ તેમાં ઘણા હોમાઈ ગયા છે
લાઇન

જીત પણ બેસ્વાદ લાગી શકે છે.

પૂર્વ યુક્રેનના એક શહેર લાયમૅનમાં પણ કંઈક આવું જ છે. આ શહેર ગત સપ્તાહના અંતે જ રશિયનો પાસેથી પાછું લેવાયું હતું.

શહેરની સળગી ગયેલ ઇમારતોની બહાર રસ્તા પર કાટમાળ વિખેરાયેલો પડ્યો છે. ઇમારતોનાં ક્ષતિગ્રસ્ત ધાબાં પરથી મૅટલ નીચે ઝૂલી રહ્યું છે. અમુક નાગરિકો બહાર નીકળી રહ્યા છે. શેરીમાં કૂતરાં જેટલા જ માણસો દેખાઈ રહ્યા છે. યુદ્ધ પહેલાં આ શહેરની વસતિ 20 હજાર હતી.

અમને મળેલા અમુક લોકો સતત બૉમ્બમારાથી હેબતાયેલા અને અવઢવનો સમય પત્યો છે કે કેમ તે અંગે અચોક્કસ લાગ્યા.

રસ્તા પર ત્યારે વધુ લોકો દેખાયા જ્યારે યુક્રેનની સેના પોતાનાં વાહનોમાં શહેરની બહાર નીકળી રહી હતી. તેઓ પોતાના હાથ હલાવી અભિવાદન સ્વીકારી રહ્યાં હતાં અને ચિચિયારીઓ પાડી રહ્યા હતા.

રશિયાને હરાવવા માટે હોમાઈ ગયેલા લોકોના પુરાવા પાસેથી તેઓ નીકળી ગયા હતા.

પાસે જ પાંચ રશિયન સૈનિકોના મૃતદેહ પડ્યા છે. હવે મૃતદેહો પર ડાઘ દેખાવા લાગ્યા છે, શરીર વાંકા વળી ગયાં છે. એક સમય હતો કે આ મૃતકો કોઈના પતિ અને કોઈના પુત્ર તરીકે જીવિત હતા.

તેમના મૃતદેહો પર હજુ યુનિફોર્મ હતા, બૂટ પણ હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ ફરીથી યુદ્ધ લડવા ઊભા થશે. એવું લાગી રહ્યું હતું કે તેઓ ભાગવાના પ્રયાસ કરી રહ્યા હતા તેથી તેમને મારી નખાયા.

નજીક જ અમને રશિયન સૈનિકોના યુનિફોર્મ, સ્લીપિંગ બૅગ અને રૅશન પૅકનો એક ઢગલો દેખાયો. ત્યાં જ એક આર્મી બૅકપૅક પડ્યો હતો, જેના પર નામ લખાયેલું હતું. અમને નથી ખબર કે તેના માલિકનું શું થયું.

યુક્રેનના માનવતાવાદી ગ્રૂપના બે સ્વયંસેવકો સાવચેતીથી અને શાંતિથી મૃતદેહોને નંબર આપી રહ્યા છે. તેમજ એવી કોઈ વસ્તુની શોધમાં છે જે મૃતકોને ઓળખ આપી શકે.

તેઓ રોડ આવેલ ખાણથી થોડે દૂર જ આ કામ કરી રહ્યા હતા. તેમના પર હજુ રશિયાની સેનાનો ખતરો તો છે જ. રશિયન સૈન્ય આ હારને 'વધુ ફાયદાવાળી જગ્યાએ પાછા ફરવા'ની ક્રિયા ગણાવી રહ્યું છે.

આ દરમિયાન સ્વયંસેવકો કાળી બૅગમાં સૈનિકોના મૃતદેહોને કાળજીપૂર્વક ભરી રહ્યા છે અને તેમને દૂર હઠાવી રહ્યા છે.

રશિયન સૈનિકોનાં મૃત શરીર શેરીમાં જ હતાં
ઇમેજ કૅપ્શન, રશિયન સૈનિકોનાં મૃત શરીર શેરીમાં જ હતાં

કબજે કરાયેલ રશિયન T72 ટૅન્ક ઉપર યુક્રેનનો ધ્વજ જોવા મળી રહ્યો છે, તે રસ્તા પર પાર્ક કરાયેલ છે.

યુક્રેનના એક સૈનિક સ્મિત સાથે કહે છે કે, "અમે જીતવાના છીએ, મને ખૂબ સારું લાગી રહ્યું છે."

અહીં જે થયું એ માત્ર વ્લાદિમીર પુતિન માટે હાર નથી. તે નાલેશી છે. ગત શુક્રવારે જ તેમણે યુક્રેનના ચાર વિસ્તારોને રશિયામાં જોડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 'આ વિસ્તારો હંમેશાં રશિયન રહેશે.'

તેના એક દિવસ બાદ યુક્રેનની સેના લાયમૅનમાં હતી અને રશિયાના સૈનિકો પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યા હતા.

યુક્રેન અનુસાર લાયમૅનમાં પાંચ હજાર જેટલા રશિયન સૈનિકોને ઘેરી લેવાયા હતા. અમને ખ્યાલ નથી કે કેટલાને પકડી લેવાયા અને કેટલાનાં મૃત્યુ થયાં.

યુક્રેનના સંરક્ષણમંત્રાલયે એક ટ્વીટમાં જણાવ્યું કે લાયમૅનમાં તહેનાત તમામ રશિયન સૈનિકો 'કાં તો મૃત્યુ પામ્યા છે કાં તો પકડી લેવાયા છે.'

વ્યૂહરચનાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ મનાતું આ નગર નજીકના લુહાન્સ્ક વિસ્તારના દરવાજા સમાન છે, જે હાલમાં રશિયાના કબજામાં છે. યુક્રેન આગળ વધવાની આશા રાખી રહ્યું છે, અહીંની જીતથી તેમનું મનોબળ વધ્યું છે.

લેના અને દસ વર્ષીય રેડિયોન શાંતિ અને પાણીના સપ્લાયની આશા રાખે છે. અમે માતાપુત્રને કૂવામાંથી પાણી ભરતાં સમયે મળ્યા.

પીછેહઠ સમયે રશિયાની સેનાએ ટૅન્ક પાછળ છોડી દીધી
ઇમેજ કૅપ્શન, પીછેહઠ સમયે રશિયાની સેનાએ ટૅન્ક પાછળ છોડી દીધી

લેના કહે છે કે, "મને લાગે છે કે હવે તે શાંતિપૂર્ણ હશે. બધાએ ઘણું સહન કર્યું છે. સૌથી મુશ્કેલ કામ બૉમ્બમારાથી બચવાનું હતું. અમે ભોંયરામાં રહીને પ્રાર્થના કરતાં. પરિસ્થિતિ હજુ પણ તાણગ્રસ્ત છે, પરંતુ મોટા ભાગે હું ખુશ છું."

રેડિયોન સ્કૂલે નથી જઈ શક્યાં, પરંતુ તેમણે યુદ્ધના પાઠ શીખ્યાં. તેમનો ચહેરો ખિન્ન લાગી રહ્યો છે. તેમણે કહ્યું કે, "લાયમૅનમાં થોડો બીકનો માહોલ હતો. કારણ કે બૉમ્બમારો સતત ચાલી રહ્યો હતો. યુદ્ધ ઘણું ખરાબ હોય છે કારણ કે લોકો તેમાં મૃત્યુ પામે છે. હવે હું મનમાં શાંતિ અનુભવું છું."

પરંતુ હજુ સુધી કેટલાક આઘાતમાં હોય તેવું લાગે છે. જેમ કે 66 વર્ષીય નાદિયા. તેઓ શેરીમાં એકલાં હતાં, ધીમી ગતિએ ચાલી રહ્યાં હતાં, જાણે કે તેઓ આસપાસના માહોલ અને પરિસ્થિતિને ઓળખી ન શકી રહ્યા હોય.

તેમની પાસે અમારા માટે એક પ્રશ્ન હતો.

તેમણે પૂછ્યું, "અમારા પર બૉમ્બમારો શા માટે થઈ રહ્યો છે."

"મેં કંઈ ખરાબ નથી કર્યું. મેં કોઈને નથી માર્યા, મેં ચોરી નથી કરી. મને નથી ખબર પડી રહી કે આવું કેમ થઈ રહ્યું છે. કદાચ તમે કહી શકો. અમે સારી રીતે જીવી રહ્યાં હતાં, બધું ઠીક હતું, અમે કામ કરતાં હતાં. અને એક જ ક્ષણમાં બધું પલટાઈ ગયું."

નગરની શેરીમાં રશિયન સમર્થિત નારાથી દીવાલો ચિતરાયેલી છે.

કંઈક આવી જ હાલત બસ શેલ્ટરની પણ છે.

બંધ દુકાનની સામેના ભાગે "CCCP" લખાયેલું છે. ક્રીલિક વર્ણમાળામાં તે USSR છે, જેનો અર્થ થાય છે 'યુનિયન ઑફ સોવિયટ સોશિયાલિસ્ટ રિપબ્લિક્સ.'

રાષ્ટ્રપતિ પુતિન ભલે ગમે તેટલું સોવિયેટ યુનિયનને પુન:જીવિત કરવા માગે, લાયમૅનની નાકામીના અંશો તેમના પરાજયના પુરાવા આપે છે.

યુક્રેને હવે ગતિ પકડી છે અને તેમને ખબર છે કે હવે તેમણે ઝડપ કરવી પડશે.

પશ્ચિમ પાસેથી હથિયારોની મદદ પણ હવે તેની પાસે છે. ઠંડીની ઋતુમાં યુદ્ધ વધુ મુશ્કેલ બનાવાનું છે. આ શિયાળામાં વધુ ને વધુ ક્ષેત્રો જીતી લેવાની તક થોડા સમય માટે જ છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન