યુક્રેન જેવો નાનો દેશ રશિયા જેવી 'મહાશક્તિ'ને યુદ્ધમાં હરાવી દેશે?

રશિયન ટેંક

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/SHUTTERSTOCK

ઇમેજ કૅપ્શન, રશિયન ટેંક
    • લેેખક, પવનસિંહ અતુલ
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન

શું ખરેખર યુક્રેન આગળ વધી રહ્યું છે?

લાઇન
  • યુક્રેનનો દાવો, ખેરસોનમાં રશિયન સુરક્ષાને પાર કરી રહ્યા છે સૈનિકો
  • યુક્રેને દેશના પૂર્વી વિસ્તારના ઘણા વિસ્તારોને રશિયા પાસેથી ફરી જીતવાનો દાવો કર્યો છે.
  • રશિયાએ કહ્યું છે કે તેમણે જાતે સેનાઓ પાછળ હઠાવી છે જેથી ફરી રાઉન્ડ-અપ થઈ શકે.
  • શું તે યુક્રેનની મજબૂત થતી સ્થિતિનો સંકેત છે કે રશિયાની વ્યૂહરચના?
  • યુક્રેન અને રશિયા માટે આ યુદ્ધમાં શું હશે સફળતાનું માપદંડ?
લાઇન

ગત 200 વર્ષમાં એક બહુ મોટા અને એક બહુ નાના દેશ વચ્ચે યુદ્ધમાં નાના દેશની જીતની ટકાવારી કેટલી હશે? જો મોટા દેશની વસતી નાના દેશ કરતાં 10 ગણી વધારે હોય તો શું તમને લાગે કે મોટા દેશની જીત પાક્કી ગણાય?

મોટા ભાગના લોકોને લાગશે કે મોટા દેશના વિજયની શક્યતા 100 ટકા છે.

જાણીતા અમેરિકન લેખક મૅલ્કમ ગ્લેડવેલ પોતાના પુસ્તક 'ડેવિડ ઍન્ડ ગોલાયથ : અંડરડૉગ્સ, મિસફિટ્સ ઍન્ડ ધ આર્ટ ઑફ બૅટલિંગ જાયન્ટ્સ'માં લખે છે, "રાજકીય નિષ્ણાત ઇવાન ઍરેંગગ્વીન-ટૉફ્ટે એ એક અધ્યયનમાં સાબિત કર્યું છે કે મોટા દેશની જીતની ટકાવારી 71.5 ટકા છે. એટલે કે આશરે એક તૃતીયાંશ વખત વિજય નાના રાષ્ટ્રને મળ્યો. જો યુદ્ધમાં નાના દેશે પરંપરાગત લડાઈ ન લડતાં ગેરીલાયુદ્ધ યુદ્ધ લડ્યું, તો એના જીતવાની સંભાવના 63.6 ટકા પહોંચી ગઈ."

શું યુક્રેન ઇતિહાસના આ એક તૃતીયાંશ દેશોની યાદીમાં આવી શકશે, જેણે પોતાના કરતાં ઘણા મોટા વિરોધીઓ ભોંય ભેંગા કરી નાખ્યા હતા.

રશિયા કમ્યુનિસ્ટ સુપરપાવર સોવિયેટ સંઘની વિશાળ સૈન્યશક્તિનું ઉત્તરાધિકારી છે. 70 વર્ષ સુધી અમેરિકા અને પશ્ચિમની આંખમાં આંખ મિલાવીને તેની સેનાએ પોતાનું નામ ઊભું કર્યું હતું.

એક જમાનો હતો જ્યારે મૉસ્કોમાં કમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વ પાસે દુનિયાને ઘણી વખત બરબાદ કરી શકતા પરમાણુ હથિયારોનું બટન હતું. એ કાળ શીતયુદ્ધનો યુગ ગણાતો હતો.

એ સેના, જેના પરાક્રમ આખી દુનિયાએ જોયા હતા અને જેણે હિટલરના નાઝી પ્રશાસનને નેસ્તનાબૂદ કરવામાં અગ્રણી ભૂમિકા નિભાવી હતી, એણે 1980ના દાયકામાં અફઘાનિસ્તાનમાં પહેલી વખત હારનો સ્વાદ ચાખ્યો હતો.

નેટો અને યુરોપીય સંઘની ચેતવણી છતાં રશિયાએ આ વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ યુક્રેનમાં પોતાની સેના મોકલી દીધી. રશિયાએ પોતાના આ પગલાને 'મિલિટરી કૅમ્પેઇન' ગણાવ્યું પરંતુ યુક્રેને તેને હુમલો ગણાવ્યો.

કદાચ રશિયાને આશા હતી કે નબળું યુક્રેન તેની સૈન્યશક્તિની સામે કેટલાક દિવસોમાં ભાંગી પડશે અને સૈન્યઅભિયાન પોતાના ઉદ્દેશની પૂર્તિ કરી લેશે.

વાયુ, થળ અને જળમાર્ગે રશિયાએ પ્રારંભિક કલાકોમાં યુક્રેનને અસહાય કરી દીધું અને એવું લાગ્યું કે બસ થોડા જ દિવસોમાં યુક્રેનનું અસ્તિત્વ જોખમાઈ જશે.

પશ્ચિમ દેશો અને અમેરિકા રશિયાની ટીકા કરી રહ્યા હતા. તેના પર આર્થિક પ્રતિબંધ લગાવી રહ્યા હતા પરંતુ શીતયુદ્ધના જમાનાથી અઘોષિત નિયમો અંતર્ગત તેઓ સીધા યુદ્ધમાં સામેલ નહોતા થઈ રહ્યા.

કારણ કે જો નેટો આ યુદ્ધમાં જોડાત તો યુદ્ધનાં પરિણાણો સંપૂર્ણપણે બદલાઈ જાત.

line

નેટોને કોણે રોક્યું?

સોવિયેત સંઘના યુગનું પોસ્ટર રશિયન સૈનિકને જર્મનીમાં નાઝીઓ પરના વિજયના હીરો તરીકે વર્ણવે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોવિયેત સંઘના યુગનું પોસ્ટર રશિયન સૈનિકને જર્મનીમાં નાઝીઓ પરના વિજયના હીરો તરીકે વર્ણવે છે.

તેનો સરળ જવાબ છે યુદ્ધ ફેલાવાના ડરે. પશ્ચિમી નેતાઓના મગજમાં એ ડર છે કે ક્યાંક રશિયા યુક્રેનમાં પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરી દે અથવા યુક્રેનનો સંઘર્ષ એક મોટા યુરોપીયન યુદ્ધમાં ના ફેરવાઈ જાય.

સીધા યુદ્ધમાં સામેલ થવા સિવાય પશ્ચિમી દેશો પાસે એક જ વિકલ્પ હતો, યુક્રેનને સૈન્ય મદદ કરવાનો.

અમેરિકા અને યુરોપ બંનેએ નેટોના નિયમો અંતર્ગત, યુક્રેનને ગોળા-બારુદ અને અન્ય નાનાં હથિયારો આપવાનું શરૂ કર્યું.

આ હથિયારોમાં HIMARS એટલે M142 હાઈ મોબિલિટી આર્ટિલરી રૉકેટ સિસ્ટમ પણ સામેલ હતી. આ એક પગલાએ યુદ્ધમાં નિર્ણાયક અસર ઊભી કરી.

આ સિસ્ટમ લાંબા અંતરનો હુમલો કરવા સક્ષમ છે. રશિયા પણ જાણતું હતું કે હિમાર રૉકેટ તેમના માટે સમસ્યારૂપ બની શકે, એટલે જ એણે અમેરિકાના આ પગલાની ટીકા પણ કરી હતી.

લાઇન

પશ્ચિમી દેશોએ યુક્રેનને શું-શું આપ્યું છે?

લાઇન
  • અત્યાર સુધી 30 કરતાં વધારે પશ્ચિમી દેશ યુક્રેનને સૈન્ય મદદ આપી ચૂક્યા છે. તેમાં યુરોપીયન યુનિયનની એક અબજ યુરો અને અમેરિકાની 1.7 અબજ ડૉલરની સહાય સામેલ છે.
  • અત્યાર સુધી મદદ હથિયારો સુધી મર્યાદિત હતી જેમાં દારૂગોળો, અને રક્ષાત્મક ઉપકરણો આપવામાં આવ્યાં. ઉદાહરણ તરીકે ટૅન્કરોધક અને મિસાઇલરોધક ડિફેન્સ સિસ્ટમ.
  • ખભા પર રાખીને પ્રહાર કરતી જેવલિન મિસાઇલ જે ગરમીને ઓળખી કાઢતા રૉકેટ છોડે છે.
  • સ્ટિંગર મિસાઇલો પણ યુક્રેનને આપવામાં આવી છે જેને સૈનિક સહેલાઈથી લઈ જઈ શકે છે.
  • અફઘાનિસ્તાન-સોવિયેટ યુદ્ધમાં તેનો ઉપયોગ સોવિયેટ વિમાનોને તોડી પાડવા માટે કરવામાં આવતો હતો.
  • સ્ટારસ્ટ્રીક પોર્ટેબલ ઍર ડિફેન્સ સિસ્ટમ. બ્રિટનમાં બનેલી આ સિસ્ટમ સહેલાઈથી લઈ જઈ શકાય છે.
  • નાટો સભ્યોને એ ડર છે કે જો યુક્રેનને ટૅન્ક અને યુદ્ધવિમાનો આપવામાં આવ્યાં તો તેનાથી સંઘર્ષમાં નાટોના સામેલ થવાનો ખતરો છે.
  • જોકે, તે છતાં ચેક રિપબ્લિકે યુક્રેનને ટી-72 ટૅન્ક મોકલી છે.
લાઇન
line

યુક્રેનનું બિન-પરંપરાગત યુદ્ધ

ગ્રાફિક્સ

પશ્ચિમી દેશો પાસેથી મળતી મદદ અને વચ્ચે-વચ્ચે રશિયનું જોખમ હોવા છતાં કેટલાય નેતાઓની મુલાકાતે યુક્રેનની હિંમત જાળવી રાખી.

પશ્ચિમ દેશ દરેક અવસર પર યુક્રેનના રાષ્ટ્રપતિ અને પૂર્વ કૉમેડિયન ઝૅલેન્સ્કીને મંચ આપતા રહ્યા. તેમણે સંયુક્ત રાષ્ટ્રથી માંડીને યુરોપીય સંસદને પણ સંબોધિત કરી.

જોકે, આ બધાથી અલગ યુક્રેન યુદ્ધ લડવાની રીતમાં અસાધારણ પરિવર્તન લાવ્યું. રશિયન સેના સામે ખુલ્લા મેદાનમાં લડવાના બદલે યુદ્ધના શરૂઆતી દિવસો બાદ યુક્રેનની સેના યુદ્ધને શહેરી વિસ્તારોમાં લઈ આવી.

સામાન્ય જનતાને રાઇફલો અને નાનાં રૉકેટ લૉન્ચર આપવામાં આવ્યાં. યુક્રેનના વિરોધનું કેન્દ્ર ખુલ્લાં મેદાનોને બદલે ગીચ વસતી ધરાવતા શહેરી વિસ્તાર બની ગયા.

રશિયાએ કિએવ અને ખારકિએવ જેવાં મોટાં શહેરો પર તાબડતોડ હવાઈ હુમલા કર્યા અને હજુ પણ આવા હુમલા થતા રહે છે. પરંતુ રશિયન સેના કદાચ આ યુદ્ધને શહેરોમાં લડવાની યોજના સાથે આવી નહોતી.

રશિયા માટે વિજય ત્યારે જ ગણાશે જ્યારે યુક્રેન હારશે, પરંતુ આ યુદ્ધને લાંબુ ખેંચવામાં અને રશિયાને જીતવા ન દેવા માટે યુક્રેનને ઓછું આંકી શકાય એમ નથી.

યુદ્ધના અંતિમ પરિણામ વિશે બંને પક્ષોના અલગ ઉદ્દેશ આ યુદ્ધને અલગ બનાવે છે.

બીજી મહત્ત્વની વાત સામાન્ય જનતાની યુક્રેનની સેના સાથે ખભેથી ખભો મિલાવીને લડવાની છે, રશિયાને કદાચ તેની આશા પણ નહોતી.

ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધી દ્વિપ્રો નદીમાં ખૂબ પાણી વહી ગયું છે. યુક્રેન કદાચ રશિયાને એક નિર્ણાયક જીતનો સ્વાદ ચાખવા નહી દે.

line

શું પલટાઈ રહી છે બાજી?

ગ્રાફિક્સ

છેલ્લા કેટલાક દિવસોમાં યુક્રેનની સેનાએ જાહેરાત કરી હતી કે તેણે પૂર્વ યુક્રેનમાં રશિયન કબજા હેઠળના ત્રણ હજાર વર્ગ કિલોમિટરના વિસ્તારને પાછો મેળવી લીધો છે.

જો આ દાવો સાચો સાબિત થાય તો છેલ્લા 48 કલાકોમાં જ યુક્રેનની સેનાએ રશિયા પાસેથી છોડાવેલા વિસ્તારને ત્રણ ગણો કરી લીધો છે.

જોકે, બીબીસી યુક્રેનના આ દાવાની સ્વતંત્રરૂપે પુષ્ટિ કરી શકતું નથી કેમ કે જે વિસ્તારોને ફરી જીતવાની ઘોષણા કરવામાં આવી રહી છે ત્યાં પત્રકારોને જવાની પરવાનગી નથી.

શનિવારે યુક્રેનની સેના દેશના પૂર્વમાં રશિયન કબજો ધરાવતા લિઝુમ અને કુપિયાંસ્કમાં પ્રવેશી હતી. આ શહેરોના માધ્યમથી રશિયન સેના સુધી લૉજિસ્ટિક્સ અને હથિયાર પહોંચતાં રહ્યાં છે. આ એક રીતે પૂર્વ યુક્રેનમાં રશિયન યુદ્ધ મશીનરી માટે સપ્લાઈ ટાઉન છે.

રશિયન સંરક્ષણ મંત્રાલયે પણ લિઝુમ અને કુપિયાંસ્કથી પાછળ હઠવાની વાતને સ્વીકારી છે. પરંતુ મંત્રાલયનું કહેવું છે કે તેણે આવું ફરી એક વખત એકજૂથ થવા માટે કર્યું છે.

રશિયન સંરક્ષણ મંત્રાલયે બલાક્લિયા નામના વધુ એક શહેરમાંથી પોતાની સેના હઠાવવાની જાહેરાત કરી છે. યુક્રેનની સેના શુક્રવારે આ શહેરમાં દાખલ થઈ હતી.

યુક્રેનના કાઉન્ટર ઍટેકની ગતિ રશિયાને નવાઈ પમાડી રહી છે. પુતિનના ઘોર સમર્થક, ચેચેન લીડર રમઝાન કાદિરોવ પુતિનની રણનીતિ પર સવાલ ઊઠાવતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા ઍપ ટેલિગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા એક સંદેશમાં કાદિરોવે લખ્યું છે કે 'જો યુદ્ધમાં રશિયા નબળું પડે તો તેઓ દેશના નેતૃત્વ પાસેથી સ્પષ્ટતા માગી શકે છે.'

બીજી તરફ યુક્રેને આરોપ લગાવ્યો છે કે રશિયા પૂર્વના વિસ્તારોમાં મૂળભૂત માળખાને નિશાન બનાવીને એક મોટા ક્ષેત્રને અંધકારમાં ધકેલી રહ્યું છે.

બીબીસી સંવાદદાતા જેરેમી બોવેન 1994-95માં થયેલા ચેચેનયુદ્ધને કવર કરી ચૂક્યા છે.

તેમને લાગે છે કે રશિયાને જ્યારે કોઈ વિરોધી ટક્કર આપતું દેખાય તો એ પોતાના ભારે શક્તિશાળી ફાયરપાવર (હવાઈ અને મિસાઇલ હુમલા)નો ઉપયોગ કરે છે. પૂર્વ યુક્રેનમાં પણ કદાચ આવું જ થઈ રહ્યું છે.

આ પહેલાં ખારકિએવ અને કિએવમાં રશિયન હવાઈ હુમલામાં પણ એ જ થયું છે.

અંતે જે કંઈ પૂર્વ યુક્રેનમાં થઈ રહ્યું છે તે ખૂબ મહત્ત્વપૂર્ણ છે કેમ કે રાજધાની કિએવથી રશિયન સેના પાછળ હઠ્યા બાદ આ એક મોટી ઘટના હશે.

line

જોખમ

વીડિયો કૅપ્શન, રશિયા-યુક્રેન યુદ્ધ : સેંકડો યુક્રેનિયન યુદ્ધ કેદીઓને કેમ રશિયા મોકલાયા?

તો આખરે રશિયાએ યુક્રેન પર હુમલો કેમ કર્યો?

રશિયાને એ વાત પસંદ નથી કે યુક્રેન યુરોપીયન સંઘની નજીક જાય અને પછી નેટોના સૈન્યગઠબંધનનો ભાગ બની જાય.

રશિયાનું માનવું છે કે યુક્રેનના નેટો અને યુરોપીયન સંઘમાં સામેલ થવાથી એની સુરક્ષા સામે ખતરો ઊભો થશે. પોતાના કટ્ટર-પ્રતિદ્વંદ્વી સૈન્યગઠબંધનને પોતાના દરવાજા પર જોવું રશિયાને મંજૂર નથી.

યુક્રેન પર આક્રમણ કરીને રશિયાએ સાબિત કરી દીધું કે તે આવું થતું અટકાવવા માટે કોઈ પણ જોખમ ખેડવા તૈયાર છે.

આ યુદ્ધમાં યુક્રેનને નિર્ણાયક જીત મળવી લગભગ અશક્ય છે. હાલ જે પણ સરસાઈ તેને મળી રહી છે તે દેશના પૂર્વમાં છે, જ્યાં રશિયા-સમર્થિત અલગતાવાદી સક્રિય છે.

યુક્રેનના બાકી વિસ્તારોમાં હજુ પણ યુદ્ધ ચાલુ છે. રશિયન સેનાને આખા દેશમાંથી બહાર કાઢવી યુક્રેન માટે અઘરી છે.

રશિયાને નિર્ણાયક જીત ન મળવા દેવી જ કદાચ એક રીતે યુક્રેનની જીત હશે. કેમ કે રશિયા માત્ર એ જ સ્થિતિને પોતાનો વિજય જીત ગણાવી શકે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીને હઠાવીને કિએવમાં પોતાની પંસદની વ્યક્તિને સત્તામાં બેસાડી શકે. તેવું એણે 90ના દાયકામાં દક્ષિણના રાજ્ય ચેચેન્યામાં કર્યું હતું.

જોકે, યુક્રેનને મળી રહેલી પશ્ચિમી દેશોની મદદ, યુક્રેની સેનાના જુસ્સો, ઝૅલેન્સ્કીની લોકપ્રિયતા અને થાકી રહેલી રશિયન વૉર-મશીનરીના કારણે આવું શક્ય જણાતું નથી.

line

યુક્રેન સામે પડકાર

યુક્રેનની સેના અને સામાન્ય લોકોની મિલિશિયા દ્વારા આવી ઘણી રશિયન ટેન્કોનો નાશ કરવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, EPA/OLEG PETRASYUK

ઇમેજ કૅપ્શન, યુક્રેનની સેના અને સામાન્ય લોકોની મિલિશિયા દ્વારા આવી ઘણી રશિયન ટેન્કોનો નાશ કરવામાં આવ્યો છે.

અત્યાર સુધી પશ્ચિમી હથિયારોના સહારે યુક્રેને રશિયાને અહીં સ્થાન જમાવવા ન દીધું પરંતુ જો તે રશિયાને સાવ બહાર ખદેડવા માગતું હોય તો તેણે કંઈક મોટું કરવું પડશે.

હાલ યુક્રેનના મોટો ભાગના નાગરિકો રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીને યુદ્ધના હીરો માની રહ્યા છે પરંતુ તેમણે રશિયાના હુમલાની તૈયારીઓ માટે ટીકાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને અમેરિકા તરફથી વારંવાર ચેતવણી છતાં ઝૅલેન્સ્કીએ પગલાં લેવાની એમ કહીને ના પાડી દીધી કે તેનાથી ડર ઊભો થશે અને યુક્રેનની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચશે.

યુક્રેનની સામેના પડકારોનું અન્ય એક ઉદાહરણ 'કિએવ ઇન્ડિપૅન્ડેન્ટ'ના ન્યૂઝરૂમમાં જોવા મળે છે.

અંગ્રેજી ભાષાની આ ન્યૂઝ વેબસાઇટે હુમલાના કેટલાંક અઠવાડિયાં પહેલાં જ પોતાનું કામ શરૂ કર્યું હતું.

વેબસાઇટનાં ઍડિટર-ઇન-ચીફ ઓલગા રુદેંકોએ કહ્યું, "ફેબ્રુઆરી (જ્યારે યુદ્ધ શરૂ થયું હતું)માં જ્યારે સ્થિતિ ઘણી અનિશ્ચિત હતી ત્યારે અમે જાણતાં નહોતા કે આખા દેશ પર હુમલો થશે અને અમે જીવતા રહીશું કે કેમ? આજે પણ અહીં રહેવું, સ્વતંત્રતા ઉજવવાની તક મળવી, આનાથી બધુ સાર્થક લાગી રહ્યું છે."

હાલ જ થયેલી એક સમજૂતીથી યુક્રેનને ફરી એક વખત કાળા સમુદ્રના રસ્તે અનાજની નિકાસને મંજૂરી મળી હતી. યુદ્ધ શરૂ થયા બાદથી એને કૂટનિતિક સફળતા માનવામાં આવતી હતી. કેટલાક લોકો તેને શાંતિની સંધિની શરૂઆત તરીકે જોઈ રહ્યા હતા. પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસની લડાઈમાં યુક્રેને પલટવારની ક્ષમતાને પ્રદર્શિત કરી છે.

એટલું તો નક્કી છે કે પોતાની સ્વતંત્રતા જાળવી રાખવા માટે યુક્રેન હજુ પણ બીજા દેશોની મદદના ભરોસે રહેશે. પરંતુ એમ પણ કહી શકાય છે કે રશિયા કદાચ જ એ ઉદ્દેશોની પૂર્તિ કરી શકશે કે જેના માટે તેણે યુક્રેનમાં સેના મોકલવાનું જોખમ લીધું હતું.

line

જીત હિંમતની કે શક્તિની?

ડેવિડ અને ગોલાયથની વાર્તામાં આધુનિક યુદ્ધ માટેના ઘણા પાઠ છે.

ઇમેજ સ્રોત, CORBIS/CORBIS VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ડેવિડ અને ગોલાયથની વાર્તામાં આધુનિક યુદ્ધ માટેના ઘણા પાઠ છે.

બાઇબલમાં ડેવિડ અને ગોલાયથની કહાણીમાં એક ગરીબ ભરવાડ ડેવિડ પોતાનાથી ઘણા મોટા યોદ્ધા ગોલાયથને હરાવી દે છે.

ગોલાયથ પાસે ઢાલ, તલવાર, ભાલો, સૈનિકનો પોશાક અને સૈન્યશક્તિ હતી.

તે એક ભીમકાય અનુભવી યોદ્ધા હતો જેણે ઘણી લડાઈઓ લડી હતી. ડેવિડની પાસે માત્ર ગોફણ અને પાંચ પથ્થર હતાં.

અમે ઉપર લખ્યું તેમ, અમેરિકન લેખક મેલ્કમ ગ્લેડવેલે 'ડેવિડ ઍન્ડ ગોલાયથ : અંડરડૉગ્સ, મિસફિટ્સ ઍન્ડ ધ આર્ટ ઑફ બૅટલિંગ જાયન્ટ્સ' નામનું ચર્ચિત પુસ્તક લખ્યું છે.

તેમનો તર્ક છે, "આપણે ડેવિડનાં હથિયાર અને તેમની આવડત પર શંકા કરીએ છીએ પણ ગોલાયથની ખામીઓ પર નજર નાખતા નથી. બાઇબલમાં લખ્યું છે કે ગોલાયથ એક સહાયકની મદદથી યુદ્ધ કરવા ડેવિડ પાસે પહોંચ્યો હતો. બાઇબલમાં એ પણ લખ્યું છે કે ગોલાયથ ખૂબ ધીમે ચાલી રહ્યો હતો. તેને કદાચ દૂરનું દેખાતું નહોતું."

"જે વસ્તુ ગોલાયથને મજબૂત બનાવતી હતી તે જ તેની સૌથી મોટી નબળાઈ પણ હતી. તેમાં આપણા માટે એક મહત્ત્વનો પાઠ છે."

"મોટા દેખાતા લોકો હંમેશાં એટલા મજબૂત કે શક્તિશાળી નથી હોતા જેટલો એક સાધારણ ગોફણવાળો ભરવાડ હોય."

રશિયા અને યુક્રેનના યુદ્ધમાં બાઇબલની આ કહાણી સાથે કોઈ સમાનતા હોય કે ન હોય પરંતુ એક શક્તિશાળી યોદ્ધા માટે પણ, યુદ્ધમાં પોતાના દુશ્મનની શક્તિનું ખોટું આકલન મોતને નોતરનારું નિવડી શકે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન