યુક્રેન : કિએવમાં બૉમ્બમારા વચ્ચેથી ભાગીને પરણવા ભારત આવનાર યુવતીની કહાણી
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
ગયા મહિને યુક્રેનની રાજધાની કિએવમાં બૉમ્બમારો શરૂ થયો ત્યારે એન્ના હોરોદેત્સ્કાએ ભાડાના ઘરને તાળું માર્યું અને ભારત આવી ગયાં. તેમની સાથે માત્ર બે ટી-શર્ટ અને એક કૉફી મશીન હતું. તેમનાં દાદીએ લગ્નની ભેટ તરીકે આ કૉફી મશીન તેમને આપ્યું હતું.
આઈટી કંપનીમાં કામ કરતાં 30 વર્ષનાં એન્ના 17 માર્ચે દિલ્હી ઍરપૉર્ટ પર આવી પહોંચ્યાં ત્યારે તેમનું સ્વાગત કરવા માટે 33 વર્ષના અનુભવ ભસીન હાજર હતા. વકીલ તરીકે કામ કરતા અનુભવ ભસીન સાથે એકાદ વર્ષથી એન્ના પ્રેમમાં પડ્યાં હતાં.

ઇમેજ સ્રોત, ANUBHAV BHASIN
એન્નાનું સ્વાગત ઢોલ વગાડીને કરવામાં આવ્યું અને અનુભવે પોતાની સાથે લગ્ન કરી લેવાની દરખાસ્ત મૂકી. એન્નાએ હા પાડી એટલે ત્યાં જ તેમની આંગળીમાં વીંટી પહેરાવી દીધી.
ગત રવિવારે દિલ્હીમાં જ ભારતીય પરિવારજનોની હાજરીમાં બંનેનાં લગ્ન પણ લેવાઈ ગયાં. તેમનાં લગ્નને કાયદેસર માન્યતા મળે તે માટે આ મહિને બાદમાં તેઓ લગ્નને રજિસ્ટર પણ કરાવી લેવાનાં છે. એન્નાને એક વર્ષના વિઝા મળ્યા છે તેમાં કારણ પણ આ જ અપાયું હતું - ભારત આવીને "અનુભવ ભસીન સાથે લગ્ન કરવાં".
એન્ના અગાઉ ભારતની મુલાકાતે આવ્યાં હતાં ત્યારે ઑગસ્ટ 2019માં એક બારમાં જ અનાયાસે બંનેની મુલાકાત થઈ હતી. બંનેએ એક બીજાના નંબરો લીધા અને ઇન્સ્ટાગ્રામમાં પણ મિત્રો બન્યાં અને પછી થવાનું હતું તે જ થયું - બંને એક બીજાના પ્રેમમાં પડી ગયાં.
ભૌગોલિક રીતે જુદા જુદા ખંડોમાં રહેતાં બંને પ્રેમીઓ વચ્ચે ધીમે ધીમે પ્રેમ પાંગરવા લાગ્યો અને વચ્ચે કોરોના મહામારીને કારણે પણ બંને મળી શક્યાં નહીં. રોગચાળો દૂર થવા લાગ્યો અને વિમાનથી પ્રવાસ શરૂ થયો, પણ ત્યાં જ રશિયાએ યુક્રેન પર આક્રમણ કરી દીધું.
અનુભવ કહે છે, "2019ના વર્ષના અંત ભાગ સુધીમાં અમે સતત એક બીજાના સંપર્કમાં રહીને વાતો કરતાં રહ્યાં હતાં."

ઇમેજ સ્રોત, ANUBHAV BHASIN
માર્ચ 2020 અન્ના તેમનાં એક બહેનપણી સાથે ફરી ભારતની મુલાકાતે આવ્યાં હતાં અને અનુભવ બંનેને આગ્રામાં તાજમહલ જોવા માટે લઈ ગયા હતા. પ્રેમના આ પ્રતીક જેવા સ્થાપત્યની મુલાકાત પછી તેઓ રોડ ટ્રિપ આગળ વધારીને રાજસ્થાન પણ ફરી આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે જ વખતે અચાનક ભારતમાં લૉકડાઉન જાહેર થયું એટલે તેમણે બંને સખીઓને દિલ્હીમાં પોતાના ઘરે જ રહેવા જણાવ્યું.
અનુભવ કહે છે, "આ સમયગાળામાં અમે ખરેખર વધારે નજીક આવ્યાં. અમને થયું કે અમે એક બીજાને ગમવા લાગ્યાં છીએ. માત્ર આકર્ષણથી વધારે કંઈક છે એવું અમને લાગ્યું. તે પછી તે કિએવ જતી રહી, પણ અમે રોજ વીડિયો કૉલ કરીને સંપર્કમાં રહેતાં હતાં."
તે પછીની તેમની મુલાકાત ફેબ્રુઆરી 2021માં દુબઈમાં થઈ. "આ મુલાકાત પછી અમારા સંબંધોમાં એક વળાંક આવ્યો અને અમને ખ્યાલ આવ્યો કે હવે આ સંબંધોને નક્કર સ્વરૂપ આપવો જોઈએ".
ઘટનાઓ ઝડપથી આકાર લેવા લાગી - ઑગસ્ટમાં અનુભવ કિએવની મુલાકાતે ગયા અને ડિસેમ્બરમાં એન્ના ફરી દિલ્હીની મુલાકાતે આવ્યાં.
એન્ના કહે છે, "મારી એ મુલાકાતનો છેલ્લો દિવસ હતો ત્યારે અનુભવનાં માતાએ કહ્યું કે અમારે માર્ચ મહિનામાં લગ્ન કરી લેવાં જોઈએ. અમે લગ્ન કરવા માટે વિચારવા લાગ્યાં હતાં ખરાં, પણ આટલી જલદી તે ઘડી આવી પહોંચશે તેનો અંદાજ નહોતો. મને પણ થયું કે લગ્ન કરી જ લેવાં જોઈએ."
અનુભવ હિન્દુ છે, જ્યારે એન્ના ખ્રિસ્તી છે એટલે તેમનાં લગ્ન સ્પેશ્યલ લૉ હેઠળ કોર્ટમાં રજિસ્ટર કરાવવાં જરૂરી હતાં. અનુભવ કહે છે કે એ બધી વિધિઓ કરવામાં મહિનો લાગી જતો હોય છે.
તેથી બંનેએ નક્કી કર્યું હતું કે માર્ચના અંત ભાગમાં એન્ના ભારત આવશે અને લગ્ન રજિસ્ટર કરાવવા માટેની વિધિઓ કરી લેશે અને તેના થોડા મહિના બાદ એન્ના ભારત રહેવા આવી જશે.
પરંતુ અચાનક યુક્રેનમાં યુદ્ધ આવી પડ્યું.
એન્ના કહે છે, "ડિપ્લોમસી નિષ્ફળ ગઈ છે તે અમે જાણતાં હતાં, પણ તોય લાગતું હતું કે યુદ્ધ ટાળી શકાશે. અમને એવું પણ હતું કે સરહદ પર લડાઈ થશે અને રાજધાની કિએવ સલામત રહેશે."
"પરંતુ 24 ફેબ્રુઆરીએ હું મોટા ધડાકાના અવાજ સાથે જાગી ગઈ. મને થયું કે મને સ્વપ્ન આવ્યું છે કે શું?" ત્યાં જ મેં અનુભવનો મૅસેજ અને બીજાના પણ મૅસેજ જોયા કે અમારા પર આક્રમણ થયું છે," એમ એન્ના કહે છે
એન્નાના પરિચિત ઘણા લોકોએ સામાન પૅક કરીને શહેર છોડવાનું શરૂ કર્યું અને એન્નાને પણ ઘણાએ સલાહ આપી કે અહીં હવે રહેવા જેવું નથી.
શહેર પર બૉમ્બમારો વધી રહ્યો હતો એટલે બીજા દિવસે તેમણે પોતાનાં માતા અને શ્વાન સાથે બંકરમાં આશરો લીધો હતો.
એન્ના કહે છે, "બંકરમાં બહુ ભીડ થઈ ગઈ હતી. બહાર કરફ્યુ લાગ્યો હતો અને અમને બંકરની બહાર જવા દેવાતા નહોતા. પરંતુ અંદર ગૂંગળામણ થતી હતી અને શ્વાનને ચલાવવા માટે પણ મારે બહાર જવું પડે તેમ હતું. બહાર શહેરની શેરીઓમાં ધુમાડો ફેલાયેલો હતો અને આકાશ પણ લાલચોળ થઈ ગયેલું હતું."
રશિયાએ આક્રમણ કર્યું તેના થોડા દિવસો પહેલાંથી જ અનુભવે તેમને કિએવ છોડીને આવી જવા કહ્યું હતું, કેમ કે તેમને લાગતું હતું કે રશિયા ગમે તે ઘડીએ આક્રમણ કરશે. જોકે એન્ના પોતાના પ્રિય શ્વાનને છોડીને નીકળી જવા માટે તૈયાર નહોતાં.
તે પછી 26 જાન્યુઆરીએ તે શહેર છોડવા તૈયાર થઈ ગયાં, પણ હવે અનુભવે કહ્યું કે ઉતાવળ કરીશ નહીં.
અનુભવ કહે છે, "ત્યાં સુધીમાં સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી. ચારે બાજુ બૉમ્બમારો થઈ રહ્યો હતો અને રેલવે સ્ટેશન બહુ દૂર હતું. ત્યાં સુધી જવા માટે ટૅક્સી પણ મળતી નહોતી. મને ડર લાગ્યો કે તે રસ્તા પર નીકળીને આગળ વધવાની કોશિશ કરશે તો અણધાર્યું કંઈ પણ થશે. તેથી મેં તેને કહેલું કે બંકરમાં રહેવું જ સુરક્ષિત છે."
જોકે બીજા દિવસે તેમને ટૅક્સી મળી ગઈ એટલે તેઓ સ્ટેશને પહોંચી ગયાં હતાં. માતાને અને શ્વાનને ટ્રેનમાં બેસાડીને બંનેને દાદી રહેતાં હતાં તે ગામે રવાના કરી દીધાં. એન્નાએ પોતે પશ્ચિમ સરહદ પર આવેલા લિએવ શહેરની ટ્રેન પકડી.

ઇમેજ સ્રોત, ANNA HORODETSKA
યુક્રેનથી બહાર નીકળી જવા માટે પહેલાં એન્ના સ્લોવેકિયા પહોંચ્યાં અને ત્યાંથી પોલૅન્ડ. અહીં બે અઠવાડિયાં તેમણે રાહ જોવી પડી. અનુભવ ભસીને ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક કરીને તેમના માટે વિઝાની વ્યવસ્થા કરી. વિઝા મળ્યા પછી એન્ના ફિનલેન્ડના હેલસિન્કી પહોંચ્યાં અને ત્યાંથી ફ્લાઇટ પકડીને આખરે દિલ્હી આવી શક્યાં હતાં.
એન્ના કહે છે, "ફ્લાઇટમાં હું એક મટકું પણ મારી શકી નહોતી. બહુ જ તણાવમાં હતી. યુદ્ધગ્રસ્ત વિસ્તારથી દૂર અમે ઊડી રહ્યાં હતાં, તેમ છતાં મને ડર લાગતો હતો કે અમારા વિમાનને કોઈ આડી ફાટેલી મિસાઇલ વાગી જશે તો વિમાન તૂટી પડશે."
આખરે 17 માર્ચે તે દિલ્હી પહોંચી ત્યારે તેને લેવા માટે એક ટૅક્સી હાજર હતી, પણ એવો મૅસેજ મળ્યો હતો કે અનુભવને થોડું મોડું થયું છે.
એન્ના કહે છે, "મને આ સાંભળીને બહુ ગુસ્સો આવ્યો. હું બહુ જ થાકી ગઈ હતી અને જલદી ઘરે પહોંચીને ઊંઘી જવા માગતી હતી. જોકે મેં બહાર આવીને જોયું તો અનુભવ હાજર હતો અને તેની સાથે મ્યુઝિક બૅન્ડ હતું અને બલૂન હતાં."
અનુભવના ડઝન જેટલા મિત્રોએ તેમને વધાવી લીધાં અને બીજા પણ તેમની સાથે જોડાયા અને તેમનું ભવ્ય સ્વાગત કરાયું. અનુભવે એન્નાને આવકાર્યાં તે કોઈ ફિલ્મના દૃશ્ય જેવું લાગતું હતું અને લોકો તેના વીડિયો બનાવીને મજા લઈ રહ્યા હતા.
એન્ના કહે છે, "મને આવી કોઈ કલ્પના નહોતી, કેમ કે અનુભવ આમ જરા ઠરેલ છે અને તેણે મને મજાની સરપ્રાઇઝ આપી."
બંને હવે પરણી ગયાં છીએ અને સહજીવનમાં આગળ વધવા લાગ્યાં છીએ ત્યારે એન્ના કહે છે કે યુદ્ધ પૂરું થાય ત્યારે તે ફરી કિએવ જવા માગે છે અને "પોતાના બાકીના સામાન અને પોતાના પ્રિય શ્વાનને પણ લઈ આવવા માગે છે".
આ મજાની પ્રેમ કહાનીમાં અસલી હિરો જોકે એક કૉફી મશીન છે.

ઇમેજ સ્રોત, Anubhav Bhasin
"થોડા મહિના પહેલાં મેં મારી દાદીને કહ્યું હતું કે હું પરણી જવાની છું ત્યારે તેમણે મને પૈસા આપ્યા અને કહ્યું હતું કે આમાંથી તને ગમતી વસ્તુ લઈ લેજે. અનુભવને એસ્સપ્રેસ્સો બહુ પસંદ છે એટલે મેં આ કૉફી મશીન ખરીદવાનું નક્કી કર્યું હતું. એટલે કિએવ છોડતી વખતે હું કૉફી મશીન સાથે લઈને જ આવી. અનુભવ કહેતો હતો કે તેની બહુ ચિંતા ના કરીશ, આપણે અહીં બીજું ખરીદી લઈશું. પરંતુ મને થતું હતું કે હું ઘરે તરત નહીં જઈ શકું તો શું થશે?"
અનુભવ સૂર પુરાવતાં કહે છે: "એન્ના મૅક-અપ આર્ટિસ્ટ છે, છતાં તેણે પોતાનો કિંમતી મેક-અપનો સામાન પાછળ છોડી દીધો, પણ કૉફી મશીન પોતાની સાથે ને સાથે જ રાખ્યું. મને લાગે છે કે અમારી પ્રેમ કહાનીમાં અસલી હીરો આ કૉફી મશીન જ છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












