રશિયા-યુક્રેન યુદ્ધ: પુતિને જેમને કમાન સોંપી અને અમેરિકા જેમને 'સીરિયાના કસાઈ' કહે છે તે નવા જનરલ કોણ છે?
રશિયાએ યુક્રેનની સામે સંઘર્ષમાં માન્યું છે કે મોટી સંખ્યામાં તેના સૈનિકનું મૃત્યુ થયું છે. આ માન્યા બાદ રશિયાએ યુક્રેનની વિરુદ્ધ પોતાના સૈન્ય અભિયાનની કમાન નવા જનરલને સોંપવાનું નક્કી કર્યું છે.
આ જનરલનું નામ ઍલેક્ઝાન્ડર વૉર્નિકોવ છે અને તેમણે સીરિયા વિરુદ્ધ યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નેતૃત્વમાં રશિયન સેનાએ સીરિયાની જનતા પર મોટા પાયે અત્યાચાર ગુજાર્યા હતા.
અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ નામ નહીં આપવાની શરતે ઍલેક્ઝાન્ડર વૉર્નિકોવને કમાન સોંપવાની પુષ્ટિ કરી છે. આ પહેલાં યુક્રેન સામેના યુદ્ધમાં રશિયન સેનાની તમામ પાંખો ઉપર નજર રાખવા માટે કોઈ સૈન્ય કમાન્ડર નહોતા.

ઇમેજ સ્રોત, Reuters
એવું માનવામાં આવે છે કે રશિયન સેનાની પ્રારંભિક નિષ્ફળતા પછી આ જવાબદારી ઍલેક્ઝાન્ડર વૉર્નિકોવને સોંપવામાં આવી છે.
અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, 'રશિયન સેનાની નિષ્ફળતાનું એક કારણ યુક્રેનમાં નાગરિકોની જાનહાનિ પણ છે, આ ભૂલને કારણે યુક્રેનમાં રશિયન સેનાના અભિયાનની ગતિ ધીમી પડી છે.'
યુક્રેનમાં રશિયન સેનાની કાર્યવાહી ફેબ્રુઆરીમાં શરૂ થઈ હતી. ત્યારથી, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પંચ અનુસાર, 'યુક્રેનમાં 1,600થી વધુ નાગરિકોની જાનહાનિ નોંધાઈ છે, જેમાં 100થી વધુ બાળકો છે.'

દસ હજાર લોકોનાં મૃત્યુનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ સોમવારે દાવો કર્યો હતો કે દરિયા કિનારે આવેલા શહેર મારિયુપોલમાં 10,000 લોકો માર્યા ગયા છે.
તેમણે દક્ષિણ કોરિયાની સરકારના પ્રતિનિધિઓ સાથે વીડિયો-વાર્તાલાપમાં જણાવ્યું હતું, "મારિયુપોલ સંપૂર્ણપણે નાશ પામ્યું છે. દસ હજાર લોકો મૃત્યુ પામ્યાં છે. આ પછી પણ રશિયાએ આક્રમણ અટકાવ્યું નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મારિયુપોલનો દુનિયાના અન્ય ભાગો સાથે સંપર્ક નથી, તેથી ઝૅલેન્સ્કીના દાવાની સ્વતંત્ર તપાસ શક્ય નથી.
પરંતુ બીબીસીએ કેટલાક એવા શરણાર્થીઓ સાથે વાત કરી છે જેઓ ત્યાંથી ભાગીને બીજી જગ્યાએ ગયા છે અને એ લોકોના મતે સ્થિતિ ઘણી ખરાબ છે.
એ લોકોએ જણાવ્યું છે કે તેઓએ દફન કર્યા વગરના રઝળતા મૃતદેહો જોયા છે. એ લોકોએ કહ્યું, "જ્યારે તરસ્યા લોકો પાણીની શોધમાં તેમના આશ્રયસ્થાનોમાંથી બહાર આવે છે ત્યારે આક્રમણનો ભોગ બની જાય છે."
ઍલેક્ઝેન્ડરે સત્તા સંભાળ્યા બાદ માનવાધિકારનું ઉલ્લંઘન વધશે તેવી આશંકા છે, કારણ કે તેઓ આક્રમક વલણ માટે જાણીતા છે.

અનુભવી લશ્કરી કમાન્ડર

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વી રશિયામાં સૈન્ય સ્કૂલમાંથી સ્નાતક થયા પછી, ઍલેક્ઝાન્ડર વૉર્નિકોવ 1978માં સોવિયેટ આર્મીમાં જોડાયા હતા. 1982માં તેમને પ્લાટૂનનો કમાન્ડર બનાવવામાં આવ્યા હતા. એ પછી તેમણે પાછું વળીને જોયું નથી.
1991માં સોવિયેટ યુનિયનના વિઘટન પછી તેમણે ફ્રઝ મિલિટરી એકૅડેમીમાંથી ડિપ્લોમા પણ કર્યો. વર્ષ 2000ની આસપાસ તેમણે ચેચન્યામાં બીજા યુદ્ધમાં ભાગ લીધો હતો.
તે પછી તેમણે રશિયન આર્મીમાં ઘણી જવાબદારીઓ નિભાવી છે. વ્લાદિમીર પુતિને તેમને 2015માં સીરિયન અભિયાનના વડા બનાવ્યા હતા.
સપ્ટેમ્બર 2015માં પુતિને તેમને સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સરકારની મદદ માટે મોકલ્યા. તે મધ્ય પૂર્વમાં રશિયન સૈન્ય કાર્યવાહીના પ્રથમ કમાન્ડર હતા.
ઍલેક્ઝાન્ડરના નેતૃત્વમાં રશિયન સેનાએ હવાઈ હુમલા દ્વારા સીરિયન સરકારને મદદ કરી, જોકે આમાં સીરિયાને ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું.
ઍલેક્ઝાન્ડરે કમાન્ડર તરીકેનો કાર્યભાર સંભાળવા સાથે રશિયન દળોએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત ક્લસ્ટર બૉમ્બ અને બૅરલ બૉમ્બનો ઉપયોગ કરીને સીરિયાનાં શહેરોમાં નાગરિક બળવોને સંપૂર્ણપણે કચડી નાખ્યો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઍલેક્ઝાન્ડર વૉર્નિકોવે સુકાન સંભાળ્યા પછી તરત જ સીરિયાની ઉત્તર-પશ્ચિમ સરહદે હવાઈ મથક બનાવ્યું, અને પછી ઇદલિબ પ્રાંતના શહેર પર બૉમ્બમારો કરીને ખંડેર બનાવી દીધું.
સીરિયાનું બીજા નંબરનું સૌથી મોટું શહેર અલેપ્પો પણ રશિયન સૈન્યના હવાઈ હુમલાને કારણે બરબાદ થઈ ગયું હતું, ત્યાં હૉસ્પિટલો અને શાળાઓની ઇમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ હતી.
સતત હવાઈ હુમલાઓએ લાખો સીરિયન લોકોએ જીવ બચાવવા માટે અન્ય દેશોમાં આશ્રય લેવાની ફરજ પડી. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, એક દાયકા લાંબા સંઘર્ષમાં ઓછામાં ઓછા 35 લાખ લોકો માર્યા ગયા.
યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૅક સુલિવને રવિવારે યુએસ નેટવર્ક સીબીસીને જણાવ્યું હતું કે રશિયા દ્વારા 'સીરિયાના કસાઈ' તરીકે ઓળખાતા જનરલની નિમણૂક એ દર્શાવે છે કે રશિયા યુદ્ધને કેટલી ગંભીરતાથી લઈ રહ્યું છે.
સુલિવાને એમ પણ કહ્યું હતું કે રશિયાનું આ પગલું દર્શાવે છે કે તે પોતાના હિત માટે કોઈપણ ચીજને નષ્ટ કરી શકે છે.
તેમણે કહ્યું, "અમે બૂચા અને ક્રેમેટૉર્સક રેલવે સ્ટેશનના ભયાનક દૃશ્યો જોયાં છે. ઍલેક્ઝાન્ડરની નિમણૂકથી આવા હુમલાઓ વધશે."

રશિયાના હીરો કેમ કહેવાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, રશિયાએ બૂચા શહેરમાં સામાન્ય નાગરિકોની હત્યાનો ઇન્કાર કર્યો છે. રશિયાએ આ વિસ્તારની તસવીરો અને વીડિયોને ફેક ન્યૂઝ ગણાવ્યા છે. પરંતુ અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએના પૂર્વ નિર્દેશક ડેવિડ પેટ્રયસ સુલિવાનના નિવેદન સાથે સહમત છે.
પેટ્રયસે ન્યૂઝ ચેનલ સીએનએનને કહ્યું છે, "સીરિયામાં આ લોકોએ શહેરોને નિર્જન બનાવી દીધા હતા. તેઓએ અલેપ્પોમાં પણ એવું જ કર્યું. અન્ય શહેરોમાં પણ આવું જોવા મળ્યું અને આવનારા દિવસોમાં આવું જ જોવા મળી શકે છે."
2016માં, પુતિને સીરિયામાં રશિયાના અભિયાનને સફળ ગણાવીને ઍલેક્ઝાન્ડરને દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ સપ્ટેમ્બર 2016થી, ઍલેક્ઝાન્ડર સધર્ન મિલિટરી ડિસ્ટ્રિક્ટના કમાન્ડર તરીકેનો પદભાર સંભાળી રહ્યા છે.
નિષ્ણાતો અનુસાર, આ નિયુક્તિ દરમિયાન તેમણે ડોનબાસ વિસ્તારની સારી સમજ મેળવી લીધી હતી. જોકે જેક સુલિવાનના મતે, જનરલની તૈનાતી સામે એ હકીકત ભુલવી ન જોઈએ કે રશિયાને યુક્રેનમાં વ્યૂહાત્મક નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે.
સુલિવાને એ વાતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો કે યુએસ યુક્રેનને શક્ય તમામ મદદ કરવાનું ચાલુ રાખશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
જો કે, શુક્રવારે રશિયાએ ઘણા સૈનિકોની જાનહાનિની વાતને સ્વીકારી હતી.
રશિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે બ્રિટિશ સ્કાય ચેનલને જણાવ્યું હતું કે સૈનિકોનાં મૃત્યુ રશિયા માટે ખૂબ જ દુઃખદ છે. જોકે તેણે દાવો કર્યો છે કે આગામી દિવસોમાં રશિયન સેના લક્ષ્યને હાંસલ કરી લેશે.
ગુરુવારે રશિયાને સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદમાંથી દૂર કરવામાં આવ્યું હતું. જોકે લોકો પેસ્કોવની કબૂલાતને આશ્ચર્યથી જોઈ રહ્યા છે.
25 માર્ચે, રશિયન સંરક્ષણ મંત્રાલયે 1351 રશિયન સૈનિકોનાં મૃત્યુ વિશે સ્વીકાર્યું હતું. જ્યારે યુક્રેને દાવો કર્યો હતો કે 19,000 રશિયન સૈનિકોનાં મોત થયાં છે.
જોકે, રશિયન સૈનિકોની કેટલી જાનહાનિ થઈ છે તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.
પરંતુ પશ્ચિમી દેશોના નેતાઓનું અનુમાન છે કે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 7,000થી 15,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












