શાહબાઝ શરીફ : પાકિસ્તાનના નવા PM ભારત સાથે કેવા સંબંધો ઇચ્છે છે એ કાશ્મીર પરનું તેમનું વલણ નક્કી કરશે?
- લેેખક, સરોજસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
"પાકિસ્તાન કાશ્મીરીઓનું છે અને કાશ્મીર પાકિસ્તાનનું છે… કાશ્મીરમાં કાલે જે કંઈ થયું છે, એના વિશે ચર્ચા કરવા આપણે બધા અહીંયાં હાજર છીએ. આર્ટિકલ 35A અંતર્ગત કાશ્મીરનું જે સ્પેશિયલ સ્ટેટસ હતું એને રદ કરીને મોદી સરકારે કાશ્મીર પર કબજો કરી લીધો છે. કાશ્મીર ખીણમાં નિઃશસ્ત્ર મુસલમાનોનું રાતદિવસ લોહી વહી રહ્યું છે."
આ શાહબાઝ શરીફના એ ભાષણનો અંશ છે જે એમણે પાકિસ્તાનની નૅશનલ એસેમ્બ્લીમાં 6 ઑગસ્ટ, 2019એ આપ્યું હતું. અર્થાત્, કાશ્મીરમાંથી 370ની કલમ રદ કરાયાના એક દિવસ પછી.

ઇમેજ સ્રોત, Getty Images
એ વખતે તેઓ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના અધ્યક્ષ હતા અને ગૃહમાં વિપક્ષના નેતા તરીકે બોલી રહ્યા હતા.
ત્રણ વર્ષ પછી, એમણે કાશ્મીર વિશે કરેલું નવું બયાન ફરી એક વાર સમાચારોમાં ચમકી રહ્યું છે.
પાકિસ્તાનની ટીવી ચૅનલ જિયો ન્યૂઝ સાથેની વાતચીતમાં એમણે કહ્યું છે કે, "પાકિસ્તાન ભારત સાથે શાંતિ ઇચ્છે છે, પરંતુ કાશ્મીર મુદ્દાના સમાધાન વિના શાંતિ સંભવ નથી."
એટલું જ નહીં, પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને જ્યારે મોદી સરકારની વિદેશનીતિની પ્રશંસા કરી હતી ત્યાર બાદ એમણે પોતાની એક ટ્વિટમાં ઇમરાનના આ બયાનને 'કાશ્મીરીઓના સંઘર્ષ સામેનો વિશ્વાસઘાત' ગણાવ્યું હતું.
એમનું આ ટ્વિટ ચાલુ વર્ષની 8 એપ્રિલનું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કાશ્મીર મુદ્દે કરાયેલા શાહબાઝ શરીફનાં આ બયાનોની ભારતમાં ખૂબ ચર્ચા થઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના પડોશી દેશ પાકિસ્તાનના હવે તેઓ નવા વડા પ્રધાન છે.
દેખીતું છે કે કાશ્મીરની બાબતે એમના વિચારો શા છે? બંને દેશના સંબંધોનું ભવિષ્ય આ બાબત પર પણ ઘણું નિર્ભર રહેશે.

મોદી અને નવાઝ શરીફના સંબંધ

ઇમેજ સ્રોત, @CMSHEHBAZ
અહીં ધ્યાનમાં લેવા જેવી બાબત એ પણ છે કે શાહબાઝ શરીફ એ જ નવાઝ શરીફના ભાઈ છે જેમને મળવા ભારતના પીએમ મોદી ડિસેમ્બર 2015માં અચાનક લાહોર ગયા હતા.
ડિસેમ્બર 2015માં મોદીએ અફઘાનિસ્તાનથી પાછા વળતાં અચાનક પાકિસ્તાન જઈને સૌને ચોંકાવી દીધા હતા.
નવાઝ શરીફ એમને લેવા ગયા હતા અને બંને નેતા લાહોર વિમાનમથકથી એક હેલિકૉપ્ટરમાં બેસીને રાયવિંડ ગયા હતા. ત્યાર બાદ વડા પ્રધાન મોદી શરીફનાં પૌત્રીનાં લગ્નમાં સામેલ થયા અને થોડો સમય રોકાયા બાદ તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ સાથે બેઠક પણ કરી હતી.
છેલ્લાં કેટલાંક વરસોમાં કોઈ પણ ભારતીય વડા પ્રધાનની એ પહેલી જ પાકિસ્તાન પ્રવાસ-મુલાકાત હતી.
2020માં જ્યારે નવાઝ શરીફનાં માતાનું બ્રિટનમાં નિધન થયું ત્યારે પણ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઊંડી લાગણી' વ્યક્ત કરીને એક ચિઠ્ઠી મોકલી હતી.
એ ચિઠ્ઠીમાં વડા પ્રધાન મોદીએ 2015માં પોતાની લાહોર-યાત્રા દરમિયાન નવાઝનાં માતા સાથે થયેલી મુલાકાતને યાદ કરીને લખ્યું હતું કે, "એમની સાદગી અને હૂંફ વાસ્તવમાં ખૂબ જ માર્મિક હતી."

શરીફ પરિવારનો ભારત સાથેનો સંબંધ

ઇમેજ સ્રોત, PAKISTAN INFORMATION DEPARTMENT/ANADOLU AGENCY/GET
2013માં શાહબાઝ શરીફ ભારત આવ્યા હતા અને ભારતમાં પોતાના વડવાઓના ગામ પણ ગયા હતા. શાહબાઝ શરીફ કાશ્મીરી મૂળના પંજાબી છે.
શરીફ પરિવાર કાશ્મીરના અનંતનાગનો રહેવાસી હતો. પછીથી વેપાર અર્થે તે અમૃતસરના જટી ઉમરા ગામમાં રહેવા લાગ્યો. બાદમાં એ પરિવાર અમૃતસરથી લાહોર પહોંચ્યો. શાહબાઝ શરીફનાં માતાનો પરિવાર કાશ્મીરના પુલવામાનો હતો.
કાશ્મીર અંગેના શાહબાઝ શરીફનાં બયાનો અને નવાઝ શરીફ પરિવાર સાથેની પીએમ મોદીની કેમિસ્ટ્રી તથા ભારત સાથેના એમના જૂના સંબંધો જોતાં બંને દેશમાં ચર્ચાઓ થઈ રહી છે કે શું પાકિસ્તાનમાં નવા વડા પ્રધાન બનવાથી ભારત સાથેના સંબંધો સુધરશે?

ભારત માટે શાહબાઝ શરીફ કેટલા મહત્ત્વના?

ઇમેજ સ્રોત, @CMSHEHBAZ
ઇન્દ્રાણી બાગચી પૂર્વે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનાં ડિપ્લોમેટિક એડિટર પણ રહી ચૂક્યાં છે અને અત્યારે અનંતા સેન્ટરનાં સીઇઓ છે.
અનંતા સેન્ટર ભારતના વિકાસ અને સુરક્ષાની બાબતો પર કામ કરનારી નૉન-પ્રૉફિટ સંસ્થા છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, "શાહબાઝ શરીફ ઇમરાન ખાન કરતાં ઘણા જુદા છે. જ્યારે નવાઝ શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન હતા ત્યારે શાહબાઝ શરીફ થોડી 'હાર્ડ-લાઇન' પૉઝિશન લેતા હતા."
નવાઝ શરીફની જેમ જ શાહબાઝ પણ બિઝનેસમૅન છે. એમાં એ જોવું પડશે કે એમનું બિઝનેસમૅન હોવું વડા પ્રધાન તરીકેના એમના દૃષ્ટિકોણને કેવી અસર કરે છે.
શાહબાઝ શરીફનું રાજકીય જીવન મોટા ભાગે પંજાબ પ્રાંત (પાકિસ્તાન)માં જ કેન્દ્રિત રહ્યું છે. પંજાબ પ્રાંત પાકિસ્તાનનો સૌથી મોટો અને સૌથી અમીર પ્રાંત છે. ત્યાં તેઓ ત્રણ વાર મુખ્ય મંત્રી રહ્યા હતા.
2018ની સામાન્ય ચૂંટણીમાં પીએમએલ-એનએ શાહબાઝ શરીફને પોતાના વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા હતા.

ઇમેજ સ્રોત, GHULAM RASOOL
એ વર્ષે થયેલી સામાન્ય ચૂંટણીમાં તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી અને ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા. ચૂંટણી હાર્યા બાદ શાહબાઝ શરીફને વિપક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
ઇન્દ્રાણીએ જણાવ્યું કે, "શાહબાઝ પીએમએલ-એનનું પારંપરિક પૉલિટિક્સ કરે છે, જ્યારે ઇમરાન ખાન વિરોધ, ધરણાં, પ્રદર્શનના રાજકારણ માટે પ્રખ્યાત છે. ઇમરાન ખાન પહેલાં ક્રિકેટર હતા, જ્યારે શાહબાઝ બિઝનેસમૅન પરિવારમાંથી આવે છે. આ કારણે એવું માનવામાં આવે છે કે શાહબાઝ ભારત સાથેના સારા વ્યાપારી સંબંધોના હિમાયતી હશે. પાકિસ્તાનની ડામાડોળ અર્થવ્યવસ્થાને જોતાં પણ એવું કહેવાઈ રહ્યું છે."
એક બીજી વાત પણ છે, જેના પર ઇન્દ્રાણી ધ્યાન આપવાનું કહે છે :
"પાકિસ્તાનની રાજકીય સ્થિતિમાં કોઈ પણ સમયે સૈન્યનું યોગદાન સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. ઇમરાન ખાન પીએમ ના રહ્યા એની પાછળ પણ સૈન્ય અને એમની વચ્ચેની નારાજગીને કારણ ગણાવાય છે. એવું પણ માનવામાં આવે છે કે શાહબાઝ શરીફના પીએમ બનવા પાછળ પણ સૈન્યની જ સંમતિ છે. એનો અર્થ એ થયો કે શાહબાઝ શરીફ પોતે શું ઇચ્છે છે કે નથી ઇચ્છતા એનું એટલું મહત્ત્વ નથી, જેટલું એ વાતનું મહત્ત્વ છે કે પાકિસ્તાનનું સૈન્ય ભારત સાથે કેવા સંબંધો ઇચ્છે છે. ભારતમાં પણ બધાની નજર એ જ મુદ્દા પર છે."
ઇન્દ્રાણીએ ઉમેર્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં પાકિસ્તાન સેનાપ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનાં બયાનો પર ધ્યાન આપીએ તો એક વાત સ્પષ્ટ સામે આવે છે કે તેઓ ભારત સાથે સારા વ્યાપારિક સંબંધો ઇચ્છે છે. જ્યારે ઇમરાન ખાને વડા પ્રધાન તરીકે કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચે, જ્યાં સુધી કાશ્મીરમાં 370ની કલમ પુનઃ અમલી ન થાય ત્યાં સુધી, વ્યાપારિક સંબંધો સ્થાપિત નહીં થઈ શકે.
એ જોતાં શાહબાઝ શરીફ પીએમ બન્યા બાદ, પાકિસ્તાનના સેનાપ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા કાશ્મીર મુદ્દે અને બંને દેશના વ્યાપારિક સંબંધો વિશે શું વિચારે છે એ જાણવું મહત્ત્વપૂર્ણ રહેશે.

ભારત સાથે કેવા હશે સંબંધ?

ઇમેજ સ્રોત, Reuters
પાકિસ્તાનના રાજકારણ અને સેના પર લખનારાં વરિષ્ઠ પત્રકાર આયશા સિદ્દિકી પણ માને છે કે મુદ્દો શાહબાઝ શરીફ કરતાં વધારે તો જનરલ બાજવાનો છે. શું પાકિસ્તાનની સેના પણ ભારત સાથે સારા સંબંધ ઇચ્છે છે?
તાજેતરમાં જ પાકિસ્તાનની કોર્ટે હાફિઝ સઈદને 31 વર્ષની કેદ અને તેની સંપત્તિ જપ્ત કરવાનો હુકમ કર્યો છે. કોર્ટના આ ચુકાદાને પણ આયશા ભારત સાથેના સંબંધો સુધારવા માટે સેના દ્વારા લેવાયેલા પગલા તરીકે જુએ છે.
બીબીસી સાથેની વાતચીતમાં એમણે કહ્યું, "લાગે છે કે જનરલ બાજવા પાકિસ્તાનમાંથી આતંકવાદ સમાપ્ત કરવાના પોતાના વાયદાને પૂરો કરવા માંગે છે જેથી ભારત સાથેના સંબંધો સુધરી શકે."
આયશા એ વાતનો પણ ઉલ્લેખ કરે છે કે ભારત સાથેના સંબંધો બાબતે નવી સરકાર એવું ઇચ્છશે કે કલ્ચર, ક્રિકેટ અને કૉમર્સ (3C) દ્વારા ભારતની સાથે સંબંધ આગળ વધારવાની કોશિશ કરવામાં આવે અને કાશ્મીર, સિયાચીન, સિરક્રીક જેવા મોટા મુદ્દાનો હલ પણ શોધી કઢાય.
એક દિવસ પહેલાં મુસ્લિમ લીગના નેતા મુશાહિદ હુસૈને ભારતના પત્રકાર કરણ થાપરને આપેલા ઇન્ટરવ્યૂમાં એનો ઉલ્લેખ પણ કર્યો હતો.

કાશ્મીર અંગે જનરલ બાજવાનું નિવેદન

ઇમેજ સ્રોત, EPA
લગભગ એક વર્ષ પહેલાં જનરલ બાજવાએ કાશ્મીર અંગે એક બયાન આપ્યું હતું જે સમાચારોમાં ઘણું ચમક્યું હતું.
એમણે કહેલું કે, "એ સમજી લેવું ખૂબ જ મહત્ત્વનું છે કે કાશ્મીરના વિવાદનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ મૈત્રીપૂર્ણ સંબંધો વિના હમેશાં જોખમભર્યો રહેશે. તે રાજકારણથી પ્રેરિત આક્રમકતાના કારણે પાટા પરથી ઊતરી શકે છે. જોકે અમારું માનવું છે કે આ સમય ભૂતકાળને ભૂલીને આગળ વધવાનો છે."
એમનું આ બયાન આ સંદર્ભમાં વધારે મહત્ત્વપૂર્ણ બની જાય છે, કેમ કે ફેબ્રુઆરી 2021 પછીથી બંને દેશની સરહદે યુદ્ધવિરામનું ઉલ્લંઘન નથી થયું.
જોકે, આયશાએ કહ્યું કે, ભારત-પાકિસ્તાનના સંબંધ આગળ જતાં કેવા હશે એ માટે એકબે વાતો પર ધ્યાન આપવાની જરૂર છે.
"પહેલી એ કે, શું જનરલ બાજવા સેનાપ્રમુખ તરીકેનો કાર્યકાળ વધારી શકશે કે પછી પાકિસ્તાનમાં નવા સેનાપ્રમુખ આવશે? અને નવા સેનાપ્રમુખનું વલણ પણ શું ભારત માટે આવું જ રહેશે? બીજી વાત એ કે, બૅક ચૅનલ ટૉક, જે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે, એમાં શું મળ્યું છે? એ મુદ્દે ભારત શું વિચારે છે?"
2024માં ભારતમાં સામાન્ય ચૂંટણી થવાની છે અને 2023માં પાકિસ્તાનમાં. પાકિસ્તાનની નવી સરકારનું આયુષ્ય કેટલું હશે એના પર પણ અટકળો થઈ રહી છે.
એ જોતાં બંને દેશ પાસે સંબંધોમાં ફરીથી હૂંફ લાવવા માટે થોડાક જ મહિનાનો સમય છે. પછી બંને દેશના નેતા પોતપોતાના ઘરેલુ રાજકારણમાં વ્યસ્ત થઈ જશે.
ઇન્દ્રાણીએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં પહેલાં એવા ઘણા વડા પ્રધાન થયા છે જેમણે શરૂઆતમાં ભારત સાથે સારા સંબંધોની વકીલાત તો કરી પરંતુ પાછળથી કાશ્મીરનો રાગ આલાપવા લાગ્યા. આ કારણે શાહબાઝ શરીફને થોડા વધારે સમય આપવાની જરૂર છે.
2015માં મોદી-નવાઝ શરીફની મુલાકાત બાદ વર્ષ 2016માં પઠાણકોટ વાયુસેનામથકે થયેલા ચરમપંથી હુમલા પછી ભારત-પાકિસ્તાનના સંબંધો ફરી એક વાર તણાવપૂર્ણ થઈ ગયા. ભારતે આ હુમલા માટે પાકિસ્તાનસ્થિત એક સંગઠનને જવાબદાર ઠરાવ્યું.
એના પછી ઉરીમાં ભારતીય સેનાના કૅમ્પ સમેત એક પછી એક હુમલાએ સંબંધને વધારે ખરાબ કરી દીધા. 5 ઑગસ્ટ, 2019એ ભારત તરફથી જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરીને એને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દેવાયા પછી બંને દેશના સંબંધો વધારે બગડી ગયા છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












