પાકિસ્તાન રાજકીય સંકટ : પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની એ રાજકીય ભૂલો, જે તેમને 'આઉટ થવા' સુધી દોરી ગઈ
- લેેખક, હારુન રાશીદ
- પદ, મૅનેજિંગ એડિટર, ઇન્ડિપૅન્ડન્ટ ઉર્દૂ (ઇસ્લામાબાદ)
ક્રિકેટની પીચ પર સફળ ખેલાડી સાબિત થયા હતા અને દેશને વર્લ્ડકપ પણ અપાવ્યો હતો, પરંતુ શું તેઓ ખુદને સજ્જ રાજનેતા પણ સાબિત કરી શકશે? કારણ કે પાકિસ્તાનના તાજેતરના રાજકીય સંકટ બાદ ઇમરાન ખાનની રાજકીય સમજણ ઉપર અનેક મોટા સવાલ ઊભા થઈ ગયા છે.

ઇમેજ સ્રોત, Getty Images
બુધવારે ઇમરાન ખાનના રાજકીય સહયોગી પક્ષ મુત્તાહિદા કોમી મૂવમૅન્ટ-પાકિસ્તાન (એમક્યૂએમ-પી)એ તેમનો સાથ છોડી દીધો. આ સાથે જ ઇમરાન ખાનની સરકારે સંસદમાં સંખ્યાબળ પણ ગુમાવી દીધું.
અજ્ઞાત દેશમાંથી ધમકીભરેલા પત્રવાળા મુદ્દે પણ તેમને રાજકીય લાભ મળી રહ્યો હોય તેમ જણાતું નથી.
ત્યારે સવાલ એ ઊભો થાય છે કે પરિસ્થિતિ આટલી બધી કેવી રીતે વણસી ગઈ? શું આના માટે તેમની ભૂલો જવાબદાર છે? તેમણે એવી કઈ-કઈ ભૂલો કરી?

વિવાદાસ્પદ ભાષાનો ઉપયોગ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ક્રિકેટમાં ફાસ્ટ બૉલિંગ માટે વિખ્યાત ઇમરાન ખાને રાજકારણમાં પણ એમ જ કરવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાનના રાજકારણની ભાષા પહેલાંથી જ ખાસ કંઈ સારી ન હતી, પરંતુ ઇમરાન ખાનના આગમન પછી તેમના રાજકીય હરીફો પણ વિનમ્ર લાગવા માંડ્યા.
નવાઝ શરીફે આશિફ અલી ઝરદારી માટે 'ચોર' અને 'ડાકુ' તથા મૌલાના ફઝલુર રહમાન માટે 'ડીઝલ'નો શબ્દપ્રયોગ કરીને નેતાઓને ખરાબ નામે બોલાવવાની પરંપરા શરૂ કરી હતી, પરંતુ વાત ત્યાં અટકી નથી.
તાજેતરના રાજકીય સંકટ દરમિયાન ઇમરાન ખાને પોતાની જ પાર્ટીના નારાજ સભ્યો સામે આક્રમક વલણ અપનાવ્યું હતું અને મુશ્કેલી વહોરી લીધી હતી.
નેશનલ ઍસેમ્બલીના લગભગ ડઝનેક નારાજ સભ્યો અચાનક જ ઇસ્લામાબાદ ખાતેના સિંધ હાઉસમાં ટીવી ઍન્કરોની સામે આવીને પોતાની પાર્ટીની અને તેમાં પણ ખાસ કરીને ઇમરાન ખાનની નીતિઓનો સરાજાહેર વિરોધ કરવા લાગ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલાં તો ઇમરાન ખાને અને પછી તેમની સરકારના મંત્રીઓએ આ નારાજ સભ્યોની એવી વલે કરી કે જાણે તેઓ ક્યારેય પરત જ નહીં ફરે તે નિશ્ચિત હોય. તેમના માટે કહેવામાં આવ્યું કે, તેમનાં સંતાનો સ્કૂલે નહીં જઈ શકે, તેમના નિકાહ નહીં થઈ શકે તથા તેમણે કરોડો રૂપિયા લઈને પોતાનો આત્મા વેચી દીધો વગેરે.
અનુભવી અને સમજદાર નેતા હોય તો તેઓ આમ ન કરે અને કહ્યું હોત કે અમારા પોતાના ઘરના લોકો છે અને ઘરમાં મતભેદ થયા કરે. અમે તેમને મનાવી લઈશું, પરંતુ એવું ન કહ્યું. નેશનલ ઍસેમ્બલીમાં સાધારણ બહુમતી પણ ન હતી, ત્યારે ઇમરાન ખાને આમ કર્યું હતું.
આને કારણે નારાજ સભ્યોની નારાજગી ઘટવાને બદલે વધી ગઈ. ઇમરાન ખાને તેમને અવિશ્વાસ પ્રસ્તાવના સત્રમાં સામેલ થવા સામે અટકાવી દીધા. જો તેઓ પાર્ટીના આદેશનો ભંગ કરીને મતદાનપ્રક્રિયામાં ભાગ લે તો તેમની ઉપર ફ્લૉર ક્રૉસિંગવિરોધી કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
એમક્યૂએમે વિપક્ષ સાથે હાથ મિલાવ્યા તે પછી હવે વિરોધી યુતિને કદાચ ઇમરાન ખાનની પાર્ટીના નારાજ સભ્યોની જરૂર નહીં પડે. અંકગણિતમાં વિપક્ષે ઇમરાન ખાનને માત આપી દીધી હોય તેમ લાગે છે.
નેતાઓ સિવાય ઇમરાન ખાને મહિલાઓ સાથે રેપના કેસ, ઓસામા બિન લાદેનને શહીદ તથા હઝારા સમુદાય ઉપર તેમને બ્લૅકમૅઇલ ન કરવા જેવાં નિવેદનો આપતી વેળાએ બેપરવાહ ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ સિવાય 'તટસ્થ તો જાનવર' હોય તેવાં નિવેદનો તેમની વિરુદ્ધ ગયાં અને પાછળથી તેમણે આ મુદ્દે સ્પષ્ટતા પણ કરવી પડી હતી.

સાથી પક્ષોની નારાજગી

ઇમેજ સ્રોત, FAROOQ NAEEM
સાધારણ બહુમતીવાળી સરકારમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ શું હોય? સ્વાભાવિક છે કે તેના સાથીપક્ષો. ઇમરાન ખાન તેમને છોડી ગયેલા ગ્રાન્ડ ડેમૉક્રેટિક અલાયન્સ (જીડીએ)ના અન્ય ત્રણ મુખ્ય સહયોગી એમક્યૂએમ, બલૂચિસ્તાન અવામી પાર્ટી (બીએપી), તથા પીએમએલ-ક્યૂ ભારે નારાજ હતા.
સાડાં ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ઇમરાન ખાને સાથીપક્ષોની માગણીઓ ઉપર ખાસ ધ્યાન ન આપ્યું. કોઈ પણને પંજાબના મુખ્ય મંત્રી ઉસ્માન બજદાર પસંદ ન હતા, પરંતુ ઇમરાન ખાનના તેઓ ફૅવરિટ હતા. જ્યારે હૂસરોને પૂરતું સન્માન ન મળવાની ફરિયાદ હતી.
પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવો એટલે રાજકારણ, પરંતુ ઇમરાન ખાને રાજકારણમાં નૈતિકપણે આગળ વધવાનો પ્રયાસ કર્યો. જો સ્થિતિ અનુકૂળ હોય તો તમે ખરી અને મજબૂત પૉઝિશન લઈ શકો.
જ્યારે સંસદમાં મોટા ભાગના લોકો વેપારી હોય તથા અન્ય કારણસર સંસદમાં આવ્યા હોય, ત્યારે નૈતિકતા કોરાણે રહી જતી હોય છે. સંસદ મોટા ભાગે વ્યક્તિગત હિતને માટે આવનારા લોકોનું ઠેકાણું છે, જ્યાં દરેક મુદ્દે લેણ-દેણ થાય છે.
નૈતિકતાને ટોચ ઉપર રાખવાના પ્રયાસમાં છેવટે રાજકારણમાં ઇમરાન ખાનનો પરાજય થઈ ગયો. મોટા ભાગના પાકિસ્તાનીઓને લાગે છે કે જે નવપાકિસ્તાનનું સપનું લઈને તેઓ આવ્યા હતા, તે કદાચ આ ઇનિંગ્સમાં પૂર્ણ ન થાય અને આગામી વખતે ખરું સાબિત થાય.
આ વાતનું ઇમરાન ખાનને મોડે-મોડેથી ભાન થયું એટલે તેમણે પંજાબના મુખ્ય મંત્રી સિવાયના સહયોગીઓને પણ મંત્રાલય આપવાનું શરૂ કર્યું, પરંતુ ત્યાર સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું.

વિદેશનીતિમાં નબળાઈ

ઇમેજ સ્રોત, OIC
ઇમરાન ખાનનું કહેવું છે કે વિદેશનીતિની સાથે-સાથે ઘરેલુ રાજકારણમાં પણ નવું વલણ લાવવાના પ્રયાસનો તેઓ ભોગ બન્યા. તેઓ કોઈ યુદ્ધ નહીં, પરંતુ શાંતિમાં સાથ આપવાની નીતિ લઈને આવ્યા.
શીતયુદ્ધ પછી દરેક યુદ્ધમાં પાકિસ્તાને પશ્ચિમી દેશોનો સાથ આપ્યો છે. અફઘાનિસ્તાનમાં તો લગભગ ચાર દાયકા સુધી પાકિસ્તાને અમેરિકા તેના સૈન્યસહયોગી તરીકે સાથ આપ્યો હતો. એટલે સુધી કે જનરલ પરવેઝ મુશર્રફ જેવા શક્તિશાળી સૈન્ય સરમુખત્યાર પણ એક કૉલ પર મદદ આપવા માટે સજ્જ થઈ જતા.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકો પરત ફર્યા બાદ કૉલ આવવાના બંધ થઈ ગયા, જેના કારણે પાકિસ્તાને શરમ અનુભવવાની જરૂર ન હતી, પરંતુ સરકારી અધિકારીઓનાં નિવેદનોને કારણે આ ફરિયાદ ઘટવાને બદલે વધી ગઈ.
ઇમરાન ખાને ઇસ્લામિક દેશોને એક કરવાના પ્રયાસ કર્યા હતા. પહેલાં તો તેમણે તુર્કી તથા મલેશિયાની સાથે સમૂહ બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સાઉદી અરેબિયાની નારાજગી પછી આ પ્રયાસો અટકાવી દીધા.
તાજેતરના દિવસોમાં ઇસ્લામિક દેશોના સંગઠન (ઓઆઈસી)ની સતત બે બેઠક ઇસ્લામાબાદમાં યોજાઈ હતી. પીપલ્સ પાર્ટીનો આરોપ છે કે ભૂતકાળમાં લાહોર ખાતે ઓઆઈસીની શિખરમંત્રણાનું આયોજન કરાવવા બદલ પૂર્વ વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને 'કાવતરાપૂર્વક' હંમશાંને માટે રાજકીય પરિદૃશ્યમાંથી હઠાવી દેવામાં આવ્યા હતા.
હવે ઇમરાન ખાનનું કહેવું છે કે તેમના પર પણ આ પ્રકારનું જોખમ તોળાઈ રહ્યું છે. પોતાના દાવાના ટેકા માટે તેઓ કોઈ અજાણ્યા દેશના પત્રનો પુરાવો હોવાનો દાવો કરી રહ્યા છે.
ઇમરાન ખાને રશિયાની મુલાકાત લીધી, તેનાથી પશ્ચિમી દેશો નારાજ થઈ ગયા હતા. ઇસ્લામાબાદ ખાતે એ દેશોના રાજદૂતોએ સંયુક્ત રીતે ઇમરાન ખાન સરકારને પત્ર લખીને માગ કરી હતી કે તેઓ યુક્રેન ઉપર હુમલાની ટીકા કરે.
હુમલાના પહેલા દિવસે જ ઇમરાન ખાન રશિયા પહોંચ્યા હતા એટલે તેઓ ટીકા કરી શકે તેમ ન હતા, એટલે પ્રત્યાઘાત પડવાના જ હતા.
એક વર્ગનું માનવું છે કે ચીનની મદદથી બની રહેલા સી-પૅક કૉરિડૉરમાં થઈ રહેલી ઢીલને કારણે ચીન નારાજ છે. 2018માં તેઓ સત્તા પર આવ્યા તે પછી આ પ્રોજેક્ટનો વિરોધ વધી ગયો છે. ચીનનાં સરકારી વર્તુળોમાં ઇમરાન કરતાં શહબાઝ શરીફ વધુ લોકપ્રિય હોવાનું કહેવાય છે.

પાકિસ્તાનની સેના સાથે અણબનાવ

ઇમેજ સ્રોત, Ghoolam Rasool
ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈનું કહેવું છે કે પાકિસ્તાનની સેના તથા તેમનું વલણ સરખું જ હતું. તેમની પુરોગામી મુસ્લિમ લીગ (નવાજ)ની સરખામણીમાં તેઓ સેનાનો સાર્વજનિક રીતે વધુ મક્કમતાપૂર્વક બચાવ કરતા હતા અને સંબંધ મજબૂત હોવાનો દાવો કરવામાં આવતો હતો. પરંતુ ગત વર્ષે આઈએસઆઈના (પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસીઝ ઇન્ટેલિજન્સ) વડાની નિમણૂક મુદ્દે ફાટ પડવાની શરૂ થઈ, જે વધતી જ ગઈ.
આમ છતાં જો વર્તમાન રાજકીય સંકટ દરમિયાન જો સેનાએ તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો હોય, તો તે ઇમરાન ખાનની સરકાર માટે સારું નથી થયું. એવી સામાન્ય ધારણા પ્રવર્તે છે કે સેના તેમને બચાવી શકી હોત.
એવું લાગે છે કે એક સરખું વલણ હોવા છતાં તેમની વચ્ચે તફાવત હતા જ, જેને ઇમરાન ખાન દૂર ન કરી શક્યા. જો આ વાત ખરી હોય, તો પણ નવી નથી. દેશના સૌથી શક્તિશાળી કેન્દ્રને ખુશ તથા સંતુષ્ટ રાખવું કોઈ પણ સરકાર માટે સહેલું નથી રહ્યું.

ખોટી ટીમની પસંદગી
વર્ષ 2018માં ઇમરાન ખાને સત્તાની ધૂરા સંભાળી, તે પછી તેમની સામેનો મોટો પડકાર અર્થવ્યવસ્થામાં સુધાર કરવાનો હતો. 22 વર્ષ સુધી વિપક્ષમાં રહીને સંઘર્ષ કરનારા ઇમરાન ખાન સરકાર ચલાવવા માટે માનસિક રીતે તૈયાર ન હતા.
અસદ ઉમરને નાણામત્રી બનાવવામાં આવ્યા હતા, પરંતુ એપ્રિલ-2019માં તેઓ આઈએમએફ (ઇન્ટરનેશલ મૉનિટરી ફંડ) પાસેથી બૅલઆઉટ પૅકેજ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. તે પછી તેમને હઠાવી દેવામાં આવ્યા હતા.
તેમના સ્થાને અબ્દુલ હફીઝ શેખને બેસાડવામાં આવ્યા અને ટૂંક સમયમાં તેમને પણ હઠાવી દેવામાં આવ્યા. એ પછી કેન્દ્રના ઉદ્યોગ તથા ઉત્પાદનમંત્રી હમ્માદ અઝહરને નાણામંત્રાલય સોંપવામાં આવ્યો. તેઓ ઇમરાન ખાન સરકારના ત્રીજા નાણામંત્રી છે.
આમ છતાં વર્તમાન નાણામંત્રી શૌકત તરેનને લાવવામાં આવ્યા, જેઓ નવાજ શરીફ તથા પરવેઝ મુશર્રફ સરકારોમાં પણ હતા. વારંવાર કૅબિનેટમાં ફેરફાર કરવાથી એવો સંદેશો ગયો કે તેમની સરકારી ટીમ અપેક્ષિત પરિણામ આપી શકે તેમ નથી.
છેલ્લા કેટલાક મહિનાથી સરકારે દાવો કર્યો હતો કે દેશના અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ આ અંગે અલગ-અલગ મત પ્રવર્તે છે. આને કારણે એવું જ લાગે છે કે ઇમરાન ખાન તથા તેમની નજીકના લોકોની ટીમને એ વાતનો અંદાજ ન હતો કે સત્તા ઉપર આવવા માટે કેવી-કેવી તૈયારીઓ કરવી પડે.
વૈશ્વિક મોંઘવારીને કારણે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા વધુ દબાણ હેઠળ આવી ગઈ છે. જમીન ઉપર પણ તેને અનુભવી શકાય છે, પરંતુ વિપક્ષ માટે તે ધારદાર હથિયાર સાબિત થયું.
રાજકીય દૃષ્ટિએ પણ ત્રણ વર્ષ બહુ ખરાબ સાબિત થયા. લગભગ તમામ મુખ્ય વિરોધપક્ષના નેતાઓની ધરપકડ કરવામાં આવી. અનેક મહિનાઓ સુધી તેમને અટકાયતમાં રાખવામાં આવ્યા. તેમની સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યા, પરંતુ પુરાવાના અભાવે એક પછી એક તેમને છોડી દેવા પડ્યા.
જવાબદારો સામે કાર્યવાહીનો નારો માત્ર નારો બની રહ્યો અને હિસાબ લેવા માટે ચૂંટાયેલા શહજાદ અકબર પણ લાંબી-લાંબી પ્રૅસ કૉન્ફરન્સો તથા અબજો-ખર્વના કૌભાંડ જનતાને યાદ કરાવ્યા પછી ત્રણ વર્ષે કંઈ ન મળ્યું અને શાંતિથી બેસી ગયા.
ઇમરાન ખાનના પ્રયાસો તથા ઇરાદા વિશે કદાચ કોઈને શંકા ન હોય, પરંતુ પોતાની પહેલી ઇનિંગ્સમાં ઇમરાન ખાને તેમની ટીમને કારણે ભારે નાલેશી સહન કરવી પડી છે. હવે, જોવું એ રહ્યું કે તેમને બીજી તક મળે છે કે નહીં. અને જો તક મળે તો તેઓ કઈ ટીમ સાથે કેટલી તૈયારી સાથે મેદાનમાં ઊતરે છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













