રોમન અબ્રામોવિચ : ત્રણ વર્ષની વયે અનાથ થયેલી રશિયન વ્યક્તિની અબજપતિ બનવાની કહાણી, શું તેમને ઝેર અપાયું?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સહયોગી મનાતા રશિયન અબજપતિ રોમન અબ્રામોવિચને યુક્રેનના પ્રતિનિધિઓ સાથેની શાંતિમંત્રણા દરમિયાન ઝેર આપવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી. લગભગ એક માસ પહેલાં યોજાયેલી આ મંત્રણા બાદ અબ્રામોવિચ અને યુક્રેનના કેટલાક પ્રતિનિધિઓને ઝેરની અસર થઈ હોય તેવાં લક્ષણો જોવા મળ્યાં હતાં.

રોમન અબ્રામોવિચ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રોમન અબ્રામોવિચ

યુક્રેન સાથે શાંતિમંત્રણા વખતે તેમની આંખોમાં બળતરા થતી હોવાનું અને ચામડીની ખોળ ઊતરી ગઈ હોવાની ફરિયાદ કરવામાં આવી. તેમની પર ઝેરની અસર થઈ હોવાનું કહેવાતું હતું. એમની સાથે યુક્રેનના બે વાર્તાકારોને પણ ઝેરની અસર થઈ હોવાનું કહેવાઈ રહ્યું હતું.

રોમન અબ્રામોવિચ હવે સ્વસ્થ થઈ ગયા છે. તેઓ આ મહિનાની શરૂઆતમાં યુક્રેન-બેલારુસ સરહદ પર યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલી શાંતિમંત્રણામાં સામેલ થયા હતા.

એક અહેવાલમાં જણાવાયું છે કે વાટાઘાટને ખોરંભે ચડાવવા માગતા કટ્ટર રશિયન સમર્થકો દ્વારા કથિત ઝેર આપવામાં આવ્યું હતું.

જોકે આક્ષેપોના થોડા જ સમય બાદ અજ્ઞાત અમેરિકન અધિકારીએ કહ્યું હતું કે 'ગુપ્ત માહિતી અનુસાર ઝેર નથી અપાયું, પરંતુ આ લક્ષણો "પર્યાવરણીય" પરિબળોને કારણે ઉદ્દભવ્યાં હતાં.'

વાટાઘાટમાં અબ્રામોવિચની ભૂમિકા અને પ્રભાવ વિશે શંકા પ્રવર્તે છે. ઇયુ અને યુકે દ્વારા તેમની ઉપર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ અમેરિકાને એમ કહીને અટકાવ્યું હતું કે 'અબ્રામોવિચ શાંતિ સ્થાપવા માટે મદદરૂપ થઈ શકે છે.'

આજે વિશ્વની સૌથી ધનિક વ્યક્તિઓ પૈકીના એક એવા અબ્રામોવિચ ત્રણ વર્ષની વયે અનાથ થયા હતા.

આ રશિયન અબજપતિએ જ્યારે 2003માં ફૂટબૉલ જગતની સૌથી જાણીતી અને પ્રભાવશાળી એવી ચેલ્સી ફૂટબૉલ ક્લબ ખરીદી ત્યારે કહ્યું કે, "ચાર દિવસ લોકો મારા વિશે વાતો કરશે, પછી ભૂલી જશે."

જોકે તાજેતરના ઘટનાક્રમને લઈને તેઓ લોકોના સ્મૃતિપટ પર પાછા ફર્યા છે.

તેમના પર પુતિનના સહયોગી હોવાનો આક્ષપ કરવામાં આવે છે. યુકેની સરકારે તેમના યુકેસ્થિત મકાન, આર્ટવર્ક અને ચેલ્સી એફસી સહિતની તમામ સંપત્તિ ટાંચમાં લીધી છે અને તેમના પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો છે.

line

અનાથથી ઉદ્યોગપતિની સફર

યુવા સેનાની તરીકે

ઇમેજ સ્રોત, EAST2WEST NEWS

ઇમેજ કૅપ્શન, યુવા સેનાની તરીકે

રોમન આર્કાડેવિચ અબ્રામોવિચનો જન્મ યુક્રેનની સરહદની નજીકના દક્ષિણ-પશ્ચિમ રશિયાના સારાટોવમાં 1966માં થયો હતો.

અબ્રામોવિચની વય માત્ર એક વર્ષની હતી ત્યારે તેમનાં માતા ઈરિના ખોરાકી ઝેરની અસરને કારણે મૃત્યુ પામ્યાં હતાં અને બે વર્ષ પછી ક્રેન સાથે અકસ્માતમાં તેમના પિતાનું મૃત્યુ થયું હતું.

અનાથ અબ્રામોવિચનો ઉછેર ઉત્તર-પશ્ચિમ રશિયાના કોમીમાં તેમના સંબંધીઓના હાથમાં થયો હતો. ખાલી ખિસ્સે, ભારે ઠંડી વચ્ચે.

તેમણે એકવાર અંગ્રેજી અખબાર ગાર્જિયનને આપેલા એક દુર્લભ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "સાચું કહું તો મારું બાળપણ ખરાબ નહોતું. બાળપણમાં વસ્તુઓની તુલના કરી શકાતી નથી: કોઈ ગાજર ખાય છે, કોઈ કૅન્ડી ખાય છે, બંનેનો સ્વાદ સારો છે. બાળક તરીકે તમે તફાવત કહી શકતા નથી."

તેમણે 16 વર્ષની ઉંમરે શાળા છોડી દીધી હતી, મિકેનિક તરીકે કામ કર્યું અને મૉસ્કોમાં પ્લાસ્ટિકના રમકડાં વેચવાનો ધંધો શરૂ કર્યો. તે પહેલાં રશિયામાં રૅડ આર્મીમાં સેવા આપી હતી. સોવિયેટ નેતા મિખાઇલ ગોર્બાચેવની સરકારની ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવાની નીતિને કારણે તેમણે પ્રગતિ કરી અને તેઓ પરફ્યુમ્સ અને ડીઓડરન્ટ્સના વ્યવસાયમાં આગળ વધ્યા.

line

ભ્રષ્ટ માર્ગે ભારે સંપત્તિ એકઠી કરી?

કહેવાય છે કે અબ્રામોવિચ શાંતિ મંત્રણામાં સામેલ થયા હતા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કહેવાય છે કે અબ્રામોવિચ શાંતિ મંત્રણામાં સામેલ થયા હતા

સોવિયેટ યુનિયનનું વિઘટન થયું ત્યારે વીસીમાં ચાલતા અબ્રામોવિચને ખનિજ સંપત્તિમાં નસીબ અજમાવવાનો મોકો મળ્યો.

તેમણે 1995માં લગભગ 250 મિલિયન ડૉલરમાં રશિયન સરકાર પાસેથી ઑઇલ કંપની સિબનેફ્ટને ખરીદી લીધી. તેમણે આ જ કંપનીને 2005માં સરકારને 13 અબજ ડૉલરમાં પાછી વેચી દીધી.

તેમના વકીલોનું કહેવું છે કે તેમણે ભ્રષ્ટ માર્ગે ભારે સંપત્તિ એકઠી કરી હોવાના આરોપનો કોઈ આધાર નથી. જોકે, 2012માં તેમણે યુકેની કોર્ટમાં સ્વીકાર્યું હતું કે તેણે સિબનેફ્ટનો સોદો અંકે કરવામાં મદદ માટે લાંચ આપી હતી.

તેમણે 1990ના દાયકાની "એલ્યુમિનિયમ વૉર"માં ઝંપલાવ્યું, જેમાં, જેમણે સોવિયેટના વિભાજન પછી સંપત્તિનું સામ્રાજ્ય અને રાજકીય શક્તિ હસ્તગત કરી હતી એવા ઓલિગાર્ક (ધનાઢ્ય) સામે તેઓ આ વિશાળ ઉદ્યોગ પરના નિયંત્રણ માટે લડ્યા હતા.

અબ્રામોવિચે 2011માં જણાવ્યું હતું, "દર ત્રણ દિવસે કોઈકની હત્યા થતી હતી."

પરંતુ અબ્રામોવિચે મેદાન માર્યું અને લાખો પાઉન્ડની કમાણી કરી.

line

રાજકારણમાં પ્રવેશ

રાષ્ટ્રપતિ તરીકેના પુતિનના શરૂઆતના દિવસોમાં તેમણે ચુકોટકાના ગવર્નર તરીકે સેવા આપી હતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ તરીકેના પુતિનના શરૂઆતના દિવસોમાં તેમણે ચુકોટકાના ગવર્નર તરીકે સેવા આપી હતી

તે રાષ્ટ્રપતિ બોરિસ યેલત્સિનના સાથી બન્યા અને મૉસ્કોના સોવિયેટકાળ પછીના રાજકારણમાં મહત્વનું પાત્ર બન્યા, ત્યારે તેઓ થોડા સમય માટે ક્રેમલિનમાં રહ્યા.

1999માં જ્યારે યેલત્સિને રાજીનામું આપ્યું, ત્યારે અબ્રામોવિચ વડા પ્રધાન અને ભૂતપૂર્વ કેજીબી જાસૂસ વ્લાદિમીર પુતિનને તેમના અનુગામી તરીકે સમર્થન આપનારાઓમાંના એક હતા.

જેમ-જેમ પુતિન સ્થાપિત થતા ગયા, તેમ તેઓ ઓલીગાર્કસ પર પોતાનું વર્ચસ્વ જમાવતા ગયા. કેટલાક જેલમાં ગયા અને જે નિષ્ઠા બતાવવામાં નિષ્ફળ ગયા તેમને દેશનિકાલ કરવામાં આવ્યો.

અબ્રામોવિચનો સિતારો ચમકતો હતો. 2000માં, તેઓ રશિયાના ઉત્તર-પૂર્વ છેડે આવેલા ચુકોટકાના ગવર્નર તરીકે ચૂંટાઈ આવ્યા. તેમણે સોશિયલ સર્વિસમાં મૂડી રોકાણ કર્યા બાદ લોકપ્રિયતા મેળવી હતી પરંતુ 2008માં તેમણે ગવર્નરપદ છોડી દીધું હતું.

દરમિયાન તેમણે પેઇન્ટિંગ્સ, મકાનો, કાર વગેરે સંપત્તિ વસાવી.

line

લંડનની વાટે

અબ્રામોવિચની માલીકીમાં ચેલ્સિયા એફસીને અભૂતપૂર્વ સફળતા મળી છે

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, અબ્રામોવિચની માલીકીમાં ચેલ્સિયા એફસીને અભૂતપૂર્વ સફળતા મળી છે

2003માં અબ્રામોવિચે 140 મિલિયન પાઉન્ડમાં વૅસ્ટ લંડનની સૌથી મોટી ફૂટબૉલ ક્લબ ચેલ્સીને ખરીદી ત્યારે તેઓ અચાનક દુનિયાભરમાં ચર્ચામાં રહ્યા હતા.

તેમણે ફાઇનાન્શિયલ ટાઇમ્સને કહ્યું, "જીવનમાં મારી સંપૂર્ણ ફિલૉસોફી પ્રોફેશનલ ટીમો લાવવાની છે. ચુકોટકામાં મારી પાસે પ્રોફેશનલ ટીમો છે અને હું અહીં પણ આ કરીશ."

જોસ મોરિન્હો અને અન્યોના સંચાલન હેઠળ અબ્રામોવિચની ચેલ્સીએ પાંચ પ્રીમિયર લીગ, બે ચેમ્પિયન્સ લીગ અને પાંચ એફએ કપ મેળવ્યા.

તાજેતરના વર્ષોમાં ઓલિગાર્ક્સના નાણાંની લંડનમાં રેલમછેલ થઈ રહી છે. અબ્રામોવિચના પ્રોપર્ટી પોર્ટફોલિયોમાં પશ્ચિમ લંડનમાં કેન્સિંગ્ટન પૅલેસ ગાર્ડન્સ ખાતે 150 મિલિયન પાઉન્ડ કરતાં વધુ કિંમતની 15-બેડરૂમની હવેલી, ચેલ્સીમાં એક ફ્લૅટ; કોલોરાડોમાં એક રૅન્ચ; અને ફ્રૅન્ચ રિવેરા પર વિકેન્ડ હોમનો સમાવેશ થાય છે.

તેમની યૉટ્સ - સોલારિસ અને ઍક્લિપ્સ - વિશ્વની સૌથી મોટી યૉટ્સ પૈકીની એક છે. તેમની પાસે ખાનગી જેટ પણ છે. અબ્રામોવિચ ત્રણ વખત છૂટાછેડા લઈ ચૂક્યા છે.

line

બદનક્ષીનો કેસ

રોમન અબ્રામોવિચ સોલારિસ સહિત બે સુપરયાટ ધરાવે છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, રોમન અબ્રામોવિચ સોલારિસ સહિત બે સુપરયાટ ધરાવે છે

2006માં ગાર્જિયન અખબાર દ્વારા પૂછવામાં આવ્યું કે નાણાંથી વ્યક્તિ શું કરી શકે? તેનો જવાબ આપતા તેમણે કહ્યું હતું: "નાણાંથી તમે ખુશી ખરીદી શકતા નથી. હા, થોડી સ્વતંત્રતા મેળવી શકો છો."

તેમની પાસે લખલૂટ સંપત્તિ છે. ફાઇનાન્શિયલ મીડિયા જાયન્ટ બ્લૂમબર્ગે અબ્રામોવિચની સંપત્તિ 10.6 અબજ પાઉન્ડની હોવાનો અંદાજ મૂક્યો છે અને તેઓ વિશ્વમાં 128મા ક્રમની સૌથી ધનિક વ્યક્તિ તરીકે સ્થાન પામે છે. ફોર્બ્સે તેમની સંપત્તિ 9.4 અબજ પાઉન્ડ હોવાનો અંદાજ મૂક્યો છે અને તેમને 142મું સ્થાન આપ્યું છે.

અહીં ગંભીર પ્રશ્ન એ ઊભો થાય છે શું તેઓ પુતિનથી અલગ પડ્યા છે.

ગયા વર્ષે, અબ્રામોવિચે કૅથરિન બેલ્ટનના પુસ્તક પુતિન્સ પીપલ પર બદનક્ષી માટે પબ્લિશિંગ હાઉસ હાર્પરકૉલિન્સ પર દાવો કર્યો હતો. પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશિયન પ્રમુખે તેમને ચેલ્સી ક્લબ ખરીદવાનો આદેશ આપ્યો હતો.

પ્રકાશક કેટલીક સ્પષ્ટતાઓ કરવા સંમત થતાં બંને પક્ષોએ કોર્ટની બહાર સમાધાન કરી લીધું છે.

જોકે અબ્રામોવિચના પુતિન સાથેના જોડાણોની ચર્ચા સતત ચાલી રહી છે, ખાસ કરીને જ્યારે રશિયન દળોએ યુક્રેન સરહદે જમાવડો કર્યો અને પછી આક્રમણ કર્યું.

અબ્રામોવિચ અને અન્ય છ રશિયનની યુકેની સંપત્તિને ટાંચમાં લેવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે વિદેશ સચિવ લિઝ ટ્રુસે કહ્યું: "પુતિન સાથેના તેમના નજીકના સંબંધો છે અને તેઓ તેમના આક્રમણમાં સામેલ છે. યુક્રેનિયન લોકોના લોહીથી તેમના હાથ ખરડાયેલા છે."

કથિત ઝેર અપાયાના દસ દિવસ પછી 14 માર્ચે તેલ અવીવ એરપોર્ટ પર અબ્રામોવિચ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કથિત ઝેર અપાયાના દસ દિવસ પછી 14 માર્ચે તેલ અવીવ એરપોર્ટ પર અબ્રામોવિચ

અબ્રામોવિચે પ્રતિબંધો લાદવામાં આવ્યાના આઠ દિવસ પહેલાં ચેલ્સીના વેચાણની જાહેરાત કરી હતી. કેટલાક નેતાઓએ તો તેમની સંપત્તિ ટાંયમાં લેવાને બદલે જપ્ત કરવા કહ્યું હતું.

અબ્રામોવિચે ચેલ્સીના સમર્થકોને જણાવ્યું હતું કે, "હું આશા રાખું છું કે હું તમને બધાને વ્યક્તિગત રૂપે ગુડબાય કહેવા માટે છેલ્લી વખત સ્ટેમફોર્ડ બ્રિજની મુલાકાત લઈ શકીશ."

જોકે હાલ પૂરતું તો તેમના માટે પશ્ચિમ લંડનમાં પાછા ફરવાની શક્યતા નથી.

અબ્રામોવિચની કથા એક વિચિત્ર વળાંક પર આવીને ઊભી છે. અને સવાલ એ ઉભો થાય છે કે શું અબ્રામોવિચને ઝેર અપાયું હતું? જો હા, તો કોણે આપ્યું હતું?

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો