ગુજરાતમાં માલધારીઓ જેના વિરોધમાં રસ્તા પર ઊતર્યા એ 'ઢોર નિયંત્રણ બિલ' શું?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
છ કલાકની લાંબી ચર્ચા બાદ ગુજરાત વિધાનસભામાં રખડતાં ઢોરની સમસ્યાને નાથવા માટેનું બિલ 'ગુજરાત ઢોર નિયંત્રણ (પાલન અને હેરફેર) શહેરી વિસ્તાર' બિલ પસાર થઈ ગયું છે.
આ બિલની જોગવાઈઓના આધારે મહાનગરપાલિકા તથા નગર વિસ્તારોમાં પશુઓનું ટૅગિંગ ફરજિયાત બનશે, આ સિવાય તેને રઝળતાં મૂકનારા પશુપાલકોની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

ઇમેજ સ્રોત, Getty Images
બિલ પસાર થયું ત્યારે કૉંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો અને ભાજપમાંથી પણ બિલની કેટલીક જોગવાઈઓ સામે વિરોધના સૂર ઊઠ્યા હતા. માલધારી સમાજે આ કાયદાને 'કાળો કાયદો' ગણાવીને સુરત, રાજકોટ, અમદાવાદ વગેરે સ્થળોએ તેની વિરુદ્ધ આવેદનપત્ર આપ્યા છે તથા આગામી દિવસોમાં આ કાયદા સામેની લડતને વધુ વેગવાન બનાવવાની ચીમકી ઉચ્ચારી છે.
જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત હાઈકોર્ટમાં રખડતા પશુ સંદર્ભે એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારે સુનાવણી દરમિયાન સરકારે ખાતરી આપી હતી કે તેને નાથવા માટે બજેટસત્રમાં કાયદો લાવવામાં આવશે.
એક અનુમાન પ્રમાણે ગુજરાતમાં લગભગ 50 લાખ માલધારીઓ છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં તેમની નારાજગીને અવગણવી સત્તારૂઢ ભાજપ માટે મુશ્કેલ બની શકે છે.

બિલ પર બબાલ

ઇમેજ સ્રોત, Getty Images
ગુરુવારે સાંજે છ વાગ્યા આસપાસ બજેટસત્રના છેલ્લા દિવસે ગુજરાતના શહેરી વિકાસમંત્રી વિનોદભાઈ મોરડિયાએ વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું. તે સમયે મોરડિયાએ કહ્યું હતું કે 'શહેરીવિસ્તારોમાં ગાય, બળદ, સાંઢ, ભેંસ તથા બકરી વગેરે પ્રાણીઓ રઝળતાં જોવાં મળે છે. જેના કારણે રસ્તાઓ અને જાહેરસ્થળો ઉપર ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય છે અને અકસ્માત સર્જાય છે, જેને નાથવા માટે આ બિલ રજૂ કરવામાં આવે છે.' બિલની કેટલીક જોગવાઈઓ પ્રમાણે :
- કાયદો પસાર થયાના 15 દિવસની અંદર પશુ રાખવાનું લાઇસન્સ લેવું પડશે
- લાઇસન્સ બધાને દેખાય તેમ રાખવું પડશે તથા જવાબદાર અધિકારી ગમાણનું નિરીક્ષણ કરી શકશે
- દરેક પશુનું ફરજિયાત ટૅગિંગ કરાવવાનું રહેશે
- ટૅગિંગ ન હોય તેવા ઢોરને જપ્ત કરવામાં આવશે તથા રૂ. 50 હજારનો દંડ લીધા બાદ જ છોડવામાં આવશે
- પશુ રસ્તા કે જાહેરસ્થળોએ રઝળે નહીં, તે જોવાની જવાબદારી માલિકની રહેશે
- ટૅગિંગ નહીં કરાવનારા પશુમાલિકને જેલ અથવા રૂ. 10 હજારનો દંડ અથવા બંને સજાની જોગવાઈ
- ઢોર પકડવા માટેની ટુકડી ઉપર હુમલો કરનારને અથવા તો તેમની કામગીરીમાં અવરોધ ઊભો કરનારને એક વર્ષની જેલ તથા રૂ. 50 હજારના દંડની જોગવાઈ
- પ્રથમ વખત રઝળતું ઢોર પકડાય એટલે માલિકને રૂ. પાંચ હજારનો દંડ, બીજી વખત પકડાય એટલે રૂ. દસ હજારનો દંડ તથા ત્રીજી વખત રૂ. 15 હજારનો દંડ તથા એફઆઈઆર
- મૃત પશુનો જાહેર આરોગ્યને અસર ન થાય તેવી રીતે નિકાલ કરવો
આ સિવાય રોગચાળાના સંજોગોમાં પશુઓને ખસેડવાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. જોકે, અન્ય કાયદાઓ હેઠળ આ પ્રકારની જોગવાઈઓ છે જ. ચારેક વર્ષ પહેલાં ગુજરાતમાં ઘોડાઓમાં ગ્લેન્ડરની બીમારી જોવામાં આવી હતી, ત્યારે કેટલાક ઘોડાને ઇન્જેક્શન દ્વારા દયામૃત્યુ આપી દેવામાં આવ્યું હતું. જેથી કરીને આ અસાધ્ય ચેપી રોગ ફેલાઈ નહીં તથા સમાજના આરોગ્ય ઉપર અસર ઊભી ન કરે.
અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર એમ આઠ મહાનગપાલિકા ઉપરાંત 156 નગરપાલિકાના હદવિસ્તારમાં આ કાયદાની જોગવાઈઓ લાગુ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બિલ ઉપર ચર્ચા કરતી વેળાએ ગુજરાતના ભૂતપૂર્વ નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે દંડની રકમને ખૂબ જ વધુ ગણાવી હતી અને તેને ઘટાડવાનો આગ્રહ કર્યો હતો. ભાજપના દિગ્ગજ ધારાસભ્યની આ રજૂઆતને વિપક્ષ કૉંગ્રેસના ધારાસભ્યોએ વધાવી લીધી હતી.

માલધારીઓની મુશકેલી

ઇમેજ સ્રોત, Yawar Nazir
ગુજરાતના માલધારી સમાજમાં આ બિલની જોગવાઈઓ સામે આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેને 'કાળો કાયદો' ગણાવીને ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોરબી, રાજકોટ, સુરત, અમદાવાદ સહિતનાં શહેરોમાં કલેક્ટરોને આવેદનપત્ર આપીને આ કાયદાની વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શુક્રવારે અમદાવાદમાં બાપુનગર ખાતે રામધૂન બોલાવીને સૂત્રોચ્ચાર કરીને માલધાર એકતા સમિતિના નેજા હેઠળ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને બિલની હોળી કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. સમિતિના અધ્યક્ષ નાગજીભાઈ દેસાઈના કહેવા પ્રમાણે :
"રખડતાં-રઝળતાં ઢોરોને કારણે સામાન્ય નાગરિકોને તકલીફ પડે કે અકસ્માતો થાય તેની અમને પણ ચિંતા છે. આ પ્રકારના ઢોરની સામે કાર્યવાહી થાય તેની સામે અમને કોઈ વાંધો નથી. પરંતુ સરકારે આવા કાયદા લાવતાં પહેલાં વ્યવહારુ સમસ્યાનો વિચાર કરવો જોઈએ."
"2021માં 38 ગામડાં અમદાવાદ શહેરમાં ભેળવી દેવામાં આવ્યાં. ગામડું તો હતું ત્યાં જ છે, શહેર આગળ આવી ગયું અને ગામડાંને ગળી ગયું. આ 38 ગામડાંના માત્ર માલધારી જ નહીં, અન્ય સમાજના પશુપાલકો હજુ ત્યાં જ રહે છે. નવો કાયદો તથા તેની જોગવાઈઓની તેમની ઉપર પણ અસર થશે. રાતોરાત તેઓ ક્યાંથી નવી વ્યવસ્થા કરે."
દેસાઈના કહેવા પ્રમાણે, ભૂતકાળમાં માલધારી વસાહતના પ્રયોગ થયા છે અને તે સફળ પણ રહ્યા છે. ત્યારે સરકારે માલધારી વસાહત ઊભી કર્યા પછી આ પ્રકારના કાયદા વિશે વિચારવું જોઈએ.
કૉંગ્રેસના ધારાસભ્ય તથા માલધારી સમાજના આગેવાન રઘુ દેસાઈએ વિધાનસભામાં કહ્યું હતું, "ગુજરાતમાં લગભગ 70 લાખ માલધારી છે, જેમાંથી 70 ટકા નિરક્ષર તથા ગરીબ છે. આ બિલ માલ રાખવાના તેમના મૂળભૂત અધિકાર ઉપર તરાપ સમાન છે. આ બિલ તેમને ખદેડી મૂકવાનું કાવતરું છે. અમે શાંતિપૂર્વક નહીં બેસી રહીએ અને આ કાયદા વિરુદ્ધ રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરીશું."

સરકારની સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
હિંદુ સમાજમાં જન્મ, મરણ તથા ધાર્મિક તહેવારો પર ગાયને નીરણ નાખવાની માન્યતા છે. કેટલાક પશુપાલકો દ્વારા મંદિર, દેરાસર કે નજીકનાં ખુલ્લાં સ્થળો પર પોતાનાં ઢોર રાખીને તેમના ચારાની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યાર બાદ આ ગાયનું દૂધ વ્યક્તિગત રીતે ઘરોમાં તથા શહેરની ડેરીઓમાં આપવામાં આવે છે. કેટલાક કિસ્સામાં ઢોરોને છૂટાં મૂકી દેવામાં આવે છે. આને નાથવા માટે શહેરમાં નિર્ધારિત સ્થળોએ જ ઘાસ કે નીરણ વેચવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે.
જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત હાઈકોર્ટમાં રસ્તા તથા જાહેરસ્થળો પર ઢોર અને પશુ રઝળવા મુદ્દે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટના જજોએ પણ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
આ તકે સરકારી વકીલે આ મુદ્દે બજેટસત્રમાં બિલ લાવવાની વાત કરી હતી. ત્યારે બેન્ચે નોંધ્યું હતું કે ગમે તેટલો સારો કાયદો બને, પણ તેનો અમલ થાય તે જરૂરી છે. અત્યારે પણ કાયદાકીય જોગવાઈઓ છે જ.
ગુજરાત સરકાર દ્વારા માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં રજૂ થયેલા બજેટમાં ગૌધન ઉછેર તથા સુરક્ષા માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કેટલીક જાહેરાતો કરી હતી. જે મુજબ 'મુખ્ય મંત્રી ગૌ માતા પોષણ યોજના' હેઠળ ગૌશાળા તથા પાંજરાપોળને માટે રૂ. 500 કરોડની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલાં ગૌશાળાઓને શહેરી જમીન ટોચમર્યાદા ધારામાંથી પણ મુક્તિ આપવામાં આવી હતી.
આ સિવાય રઝળતાં ઢોરોને માટે વધારાના રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. તો ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો માટે લગભગ રૂ. 213 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.
ચર્ચા દરમિયાન ભાજપે આ બિલનો બચાવ કરતાં કહ્યું હતું કે તેનો હેતુ રઝળતાં ઢોરને નિયંત્રિત કરવાનો છે અને કાયદાનું પાલન કરતા માલધારીઓને તેનાથી કોઈ મુશ્કેલી નહીં થાય.
ગુજરાતના કાયદા અને ન્યાયમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કૉંગ્રેસને આ મુદ્દે રાજકારણ ન કરવા કહ્યું હતું અને ઉમેર્યું હતું કે હાઈકોર્ટ દ્વારા રઝળતાં ઢોર મુદ્દે કાર્યવાહી કરવા રાજ્ય સરકારને કહેવામાં આવ્યું હતું.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












