PAN અને આધાર, ઇન્કમટૅક્સ કરમાફી, મ્યુચ્યુઅલ ફંડ અને PF અંગે આજથી આ મોટા ફેરફાર
જો તમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું વિચારતા હોવ તો એક એપ્રિલથી ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા ટૅક્સ ભરવો પડી શકે છે. આ સિવાય પણ ઘણા ફેરફાર છે, જે સામાન્ય નાગરિકોને અસર કરશે.

ઇમેજ સ્રોત, Getty Images
આ વખતે પહેલી વખત બજેટમાં ક્રિપ્ટોકરન્સીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નાણામંત્રીએ બજેટસત્ર દરમિયાન કરેલી જાહેરાત અનુસાર 1 એપ્રિલથી વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટ અથવા તો ક્રિપ્ટો ઍસેટ પર 30 ટકા ટૅક્સ લાગશે.
લાઇવ મિન્ટના અહેવાલ અનુસાર, ક્રિપ્ટો ઍસેટના વેચાણ પર એક ટકા TDS પણ કપાશે અને ગિફ્ટમાં મળેલી ક્રિપ્ટોકરન્સી પર પણ ટૅક્સ લાગશે.
જોકે, પહેલી એપ્રિલથી માત્ર આ એક જ ફેરફાર નહીં આવે. આ સિવાય બૅન્કિંગ, ટૅક્સ અને વિવિધ બચતયોજનાઓમાં પણ વિવિધ ફેરફાર જોવા મળશે.

નવા ઘરની હોમ લોન પર નહીં મળે આ ટૅક્સમાફી

ઇમેજ સ્રોત, MAYUR KAKADE
સરકારે 2019ના બજેટમાં આવકવેરા કાયદામાં સૅક્શન 80ઈઈએનો ઉમેરો કર્યો હતો. જે અંતર્ગત પહેલી વખત ઘર ખરીદનારા લોકોને વ્યાજની ચૂકવણી પર 1.5 લાખ રૂપિયા સુધી વધારાની છૂટ ટૅક્સમાં મળતી હતી.આ લાભ સૅક્શન 24 અંતર્ગત આપવામાં આવતા બે લાખના લાભથી અલગ હતો. જેથી પહેલી વખત ઘર ખરીદનારા લોકોને લોન અને તેના વ્યાજની ચૂકવણી પર વર્ષે 3.50 લાખ સુધીની ટૅક્સમાફી મળી શકે તેમ હતી.વર્ષ 2019થી 2021 સુધી આ લાભ યથાવત્ રાખવામાં આવ્યો હતો. જોકે, આ વખતના બજેટમાં તેની જોગવાઇ નથી કરવામાં આવી, જેથી એક એપ્રિલથી પહેલી વખત ઘર ખરીદનારા લોકોને વ્યાજમાં 1.50 લાખની મુક્તિ બંધ થઈ શકે છે.

પોસ્ટઑફિસના નિયમોમાં પણ થશે ફેરફાર

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN
પોસ્ટઑફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓને આ ફેરફારની અસર પડશે.
એક એપ્રિલથી પોસ્ટઑફિસ માસિક ઇન્કમ સ્કીમ, સિનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમ અને ટર્મ ડિપૉઝિટ ઍકાઉન્ટ્સ પર મળતું વ્યાજ હવે રોકડમાં નહીં મળે.
આ વ્યાજ સીધું બચત ખાતામાં જમા થશે. સરકાર દ્વારા વ્યાજ જમા કરવા માટે બચત ખાતાને અનિવાર્ય કરી દીધું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

PF ઍકાઉન્ટ પર લાગશે ટૅક્સ

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્ર સરકાર પહેલી એપ્રિલથી નવા ઇન્કમ ટૅક્સ નિયમો લાવી રહી છે. એક એપ્રિલથી પીએફ ઍકાઉન્ટને બે ભાગમાં વહેંચવામાં આવશે. જેના પર ટૅક્સ પણ લાગશે.
નવા નિયમ પ્રમાણે ઈપીએફ ખાતામાં 2.5 લાખ રૂપિયા સુધીની રકમ ટૅક્સ-ફ્રી રાખવામાં આવી છે. જો આ રકમ તેનાંથી વધશે તો તેના પર ટૅક્સ લાગશે.
સરકારી કર્મચારીઓ માટે ટૅક્સ-ફ્રી રકમ પાંચ લાખ રૂપિયા રાખવામાં આવી છે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના નિયમો બદલાશે

ઇમેજ સ્રોત, JAYK7
એક એપ્રિલથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે ચૅક, બૅન્ક ડ્રાફ્ટ અથવા તો અન્ય કોઈ પણ ભૌતિક માધ્યમથી પૈસા આપી શકાશે નહીં.
મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝૅક્શન એગ્રિગેશન પોર્ટલ (એમએફયુ) 31 માર્ચથી પૈસાની ચૂકવણી માટેના નિયમો બદલી રહ્યું છે.
આ નવા નિયમો અંતર્ગત 1 એપ્રિલ 2022થી મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવનારા લોકો માત્ર યુપીઆઈ અથવા તો નેટબૅન્કિંગ દ્વારા જ પૈસા ચૂકવી શકશે.

દવાઓ થશે મોંઘી, કોરોના સારવારનો ખર્ચ કરમુક્ત

ઇમેજ સ્રોત, Getty Images
આ સિવાય દવાઓમાં પેઇનકિલર, ઍન્ટિ-વાઇરસ સહિતની જરૂરી દવાઓની કિંમત એક એપ્રિલથી વધી રહી છે. સરકારે શૅડ્યૂલ દવાઓની કિંમતમાં દસ ટકાથી વધારે ભાવવધારાને મંજૂરી આપી છે.
ભારતની ડ્રગ પ્રાઇસિંગ ઑથૉરિટીએ શૅડ્યૂલ દવાઓની કિંમતોમાં 10.7 ટકા વધારાને અનુમતિ આપી છે. જ્યાર બાદ હવે 800થી વધુ દવાઓની કિંમત વધશે.
આ ઉપરાંત કોરોનાની સારવાર માટે પરિવારદીઠ દસ લાખ રૂપિયા સુધીની રકમ કરમાફી માટે માન્ય ગણાશે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












