યુક્રેન-રશિયા યુદ્ધ: પશ્ચિમી દેશોની એકતા કેટલી નક્કર? કેટલી પોકળ?

    • લેેખક, પૉલ એડમ્સ
    • પદ, ડિપ્લોમેટિક સંવાદદાતા

યુક્રેન વિરુદ્ધ રશિયાએ શરૂ કરેલા સૈન્ય અભિયાનની ધીમી ગતિના કારણે નિષ્ણાતો હવે આ યુદ્ધ અપેક્ષા કરતાં વધુ લાંબુ ખેંચાશે તેવી વાત કરવા માંડ્યા છે. સાથે એવી પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ લાંબા યુદ્ધના કારણે યુક્રેન માટે પશ્ચિમના ટેકા અંગેના દૃઢ નિર્ધારમાં નબળાઈઓ પેદા થવા લાગી છે કે કેમ?

માર્ચ માસમાં G7 મિટિંગમાં યુકે, ફ્રાન્સ અને અમેરિકાના નેતાઓએ એકતા દાખવી હતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, માર્ચ માસમાં G7 મિટિંગમાં યુકે, ફ્રાન્સ અને અમેરિકાના નેતાઓએ એકતા દાખવી હતી

તેમજ વ્લાદિમીર પુતિન, પશ્ચિમી વિશ્વમાં ચાલી રહેલી ચર્ચા જેમાં યુક્રેનને શક્ય તેટલી શ્રેષ્ઠ મદદ અને રશિયાને પાઠ ભણાવવા માટે આ દેશોએ કઈ હદ સુધી પ્રયત્ન કરવા જોઈએ? શું વિચારે છે?

એક તરફ વ્લાદિમીર પુતિન બ્રિટન, પોલૅન્ડ અને બાલ્ટિક્સમાં સરકારો દ્વારા યુક્રેન યુદ્ધમાં રશિયાની હાર નિશ્ચિત કરવા અંગે હુંકાર કરતાં જોઈ રહ્યા છે.

વિદેશ સચિવ લીઝ ટ્રસે ગત અઠવાડિયે કહ્યું હતું કે, "યુક્રેનમાંથી રશિયાને દેશવાસીઓ દ્વારા જ ખદેડવામાં આવે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે."

"યુક્રેનના ક્ષેત્ર અંગે કોઈ પણ પ્રકારનું સમાધાનકારી વલણ નહીં ચાલે."

પરંતુ બીજી તરફ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફ્રાન્સ, જર્મની અને ઇટાલી જેવા દેશો તરફ નજર કરે છે, જેઓ યુદ્ધ અંગે અલગ વલણ અખત્યાર કરવાના પક્ષમાં છે.

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ યુક્રેનને ભારે હથિયારો અને ટૅન્કો આપવા બાબતે દૃઢ નહોતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ યુક્રેનને ભારે હથિયારો અને ટૅન્કો આપવા બાબતે દૃઢ નહોતા

મે માસના આરંભમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોંએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામની વાત કરી હતી અને પશ્ચિમના દેશોને અપીલ કરી હતી કે "અપમાનિત કરવાની લાલય ત્યજો."

તેના બીજા જ દિવસે ઇટાલીના વડા પ્રધાન મારિઓ ડ્રેઘીએ વ્હાઇટ હાઉસમાંથી નિવેદન જાહેર કરતાં જણાવ્યું હતું કે, યુરોપના લોકો "યુદ્ધવિરામની શક્યતાઓ વિશે વિચારવા અને સમાધાનના પ્રામાણિક પ્રયાસો શરૂ કરવા માગતા હતા."

શનિવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો અને જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે 80 મિનિટ સુધીની ટેલિફોનિક વાતચીત દરમિયાન યુક્રેનને બ્લૅક સી વિસ્તારમાંથી અનાજની નિકાસ કરવા દેવા માટે રસ્તો શોધવા માટે પ્રયાસ કર્યો, જે અંગે લાત્વીઆના નાયબ વડા પ્રધાને સોશિયલ મીડિયા પર આની ટીકા કરી હતી.

આર્ટિસ પેબ્રિક્સે ટ્વીટ કર્યું, "એવું લાગે છે કે કેટલાક એવા પણ કહેવાતા પશ્ચિમી દેશોના આગેવાનો છે જેઓ જાતે અપમાનિત થવાની, રાજકીય હકીકતથી સંપૂર્ણ અલગ થવાની જરૂરિયાત ધરાવે છે."

line

સંકેતો

અમેરિકાએ યુક્રેનને 45 માઇલ સુધી હુમલો કરવા સક્ષમ મિસાઇલ સિસ્ટમ HIMARS આપવા સંમતિ દર્શાવી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાએ યુક્રેનને 45 માઇલ સુધી હુમલો કરવા સક્ષમ મિસાઇલ સિસ્ટમ HIMARS આપવા સંમતિ દર્શાવી છે

જોકે, એ તો સ્પષ્ટ છે કે રશિયાને પરવા માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિના વલણની છે.

પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ અંગે જુદા જુદા સમયે જુદા જુદા સંકેતો આપ્યા છે. માર્ચમાં પુતિનને તેમણે 'યુદ્ધ ગુનેગાર' ગણાવ્યા હતા અને રશિયામાં સત્તાપલટાની જરૂરિયાત અંગે વાત કરી હતી. પરંતુ આ અઠવાડિયે યુક્રેનને 'રશિયાના ક્ષેત્રમાં પ્રવેશીને' તેની પર હુમલો કરી શકે તેવી રૉકેટ સિસ્ટમ આપવામાં તેઓ થોડો સંકોચ અનુભવતા જોવા મળ્યા હતા.

રશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ દમિત્રી મેદવેદેવે આ નિવેદનને 'તર્કસંગત' ગણાવ્યું હતું. પરંતુ અમેરિકા દ્વારા યુક્રેનને બુધવારે વધુ આધુનિક રૉકેટ સિસ્ટમ મોકલવાના નિર્ણયને રશિયાએ 'આગમાં વધુ ઘી હોમવાનું' કૃત્ય ગણાવ્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ અવારનવાર વ્યાવસ્થાતંત્રની નીતિ કરતાં જુદાં નિવેદનો આપવાની ટેવ ધરાવતા હોઈ તેમના સેક્રેટરી ઑફ સ્ટેટ એન્થની બ્લિંકન વ્યવસ્થાતંત્રના નિર્ણયો અને તેની સ્થિતિ અંગે નિવેદન આપે છે.

બર્લિન ખાતે નેટોના વિદેશમંત્રીઓની સભામાં બ્લિંકને કહ્યું હતું કે, "અમેરિકા અને તેમના સાથીઓ યુક્રેનને યુદ્ધ માટે જરૂરી તમામ મજબૂત ટેકો કરવા પ્રતિબદ્ધ છે. જેથી યુક્રેનનું સાર્વભૌમત્વ અને તેની સ્વતંત્રતા કોઈ પણ ભોગે જાળવી શકાય."

આ ભાષા તો કઠોર છે પરતું 'જરૂરી તમામ મજબૂત ટેકો', આ નિવેદનને કઈ રીતે વ્યાખ્યાયિત કરવું? તેમજ યુક્રેનની સ્વતંત્રતા અને તેના સાર્વભૌમત્વનું સંપૂર્ણ રક્ષણનો ખરો અર્થ શો?

આ પ્રકારની ગૂઢ ભાષાના કારણે જ એ સવાલ પેદા થયો છે કે શું યુક્રેન બાબતે પશ્ચિમના દેશોની એકતામાં ફાટ પડવા લાગી છે?

સેન્ટર ઑપ યુરોપિયન રિફોર્મમાં વિદેશનીતિના ડિરેક્ટર ઇએન બોન્ડ જણાવે છે કે, "આ પ્રશ્નોના જવાબ આપવા માટે તમારે રશિયાના ઑઇલની આયાત પર પ્રતિબંધ મૂકવા માટે કરવા પડેલ પ્રયત્નો તરફ નજર કરવાની જરૂર છે." નોંધનીય છે કે આ અઠવાડિયે રશિયાના ઑઇલની આયાત પર યુરોપિયન દેશો દ્વારા આંશિક પ્રતિબંધ મૂકવાના નિર્ણય માટે ઘણી જહેમત ઉઠાવવી પડી હતી.

યુરોપિયન યુનિયન રશિયાના ગૅસ બાબતે ઝડપી પગલાં લેશે તે બાબત પહેલાંથી જ નકારી દેવાઈ છે.

બાલ્ટિક સ્ટેટ્સ અને પૉલૅન્ડ આ અંગે ઝડપી નિર્ણય લેવાય તેવું ઇચ્છે છે, પરંતુ એસ્ટોનિયાના વડા પ્રધાન કાજા કલાસે આ અઠવાડિયે એ વાતની સ્પષ્ટતા કરી હતી કે, "વધુ પ્રતિબંધો મૂકવાનું વધુ મુશ્કેલ હશે."

ઑસ્ટ્રિયાના ચાન્સેલર, કાર્લ નેહામ્મરે કહ્યું હતું કે, "આગામી સમયમાં મુકાતાં નિયંત્રણોમાં ગૅસની આયાત પર પ્રતિબંધ મૂકવાનું સરળ હશે."

line

વધુ હથિયારોની જરૂરિયાત

અમેરિકાએ યુક્રેનને જ્વેલિન ઍન્ટિ ટૅન્ક મિસાઇલ પૂરી પાડી હતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમેરિકાએ યુક્રેનને જ્વેલિન ઍન્ટિ ટૅન્ક મિસાઇલ પૂરી પાડી હતી

યુક્રેનનો દાવો છે કે પશ્ચિમના દેશો વાયદા ઘણા કર્યા પરંતુ તેમાંથી અમુક જ પૂરા કર્યા છે.

અમેરિકા દ્વારા વધુ આધુનિક મલ્ટિપલ રૉકેટ આર્ટિલરી, હવાઈ યુદ્ધ માટેનાં સાધનો અને રડાર સિસ્ટમ મોકલવાના આ અઠવાડિયે કરાયેલ વાયદા યુક્રેનના કમાન્ડરો માટે થોડા રાહતના સમાચાર હશે.

પરંતુ જર્મની દ્વારા અગાઉ કરાયેલ વાયદાના અમલ માટે ધીમી ગતિએ થતું કામ અને અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા યુક્રેન પર દેશની સીમામાં રહેલ રશિયન લક્ષ્યો પર હુમલો કરવા માટે જ પોતાનાં હથિયારોનો ઉપયોગ કરવાની મર્યાદાના કારણે પ્રશ્નો સર્જાયા છે. હવે લોકો એવું વિચારવા લાગ્યા છે કે પશ્ચિમના દેશો યુક્રેન પર આવાં નિયંત્રણો કેમ લાદી રહ્યા છે, જ્યારે સામેની બાજુએ રશિયા કોઈ મર્યાદાનું અનુસરણ નથી કરી રહ્યું.

ઇએન બોન્ડ જણાવે છે કે, "આ તમામ પ્રયત્નો યુક્રેનના પ્રયાસોને અંકુશમાં રાખવા માટે કરવામાં આવી રહ્યા છે. તેઓ યુક્રેનને જિતાડવા માગે છે પરંતુ તેઓ ઘણું જીતી જાય એવું પણ નથી ઇચ્છતા."

એવું માનવામાં આવે છે કે પુતિને આ યુદ્ધ એટલા માટે ચાલુ કર્યું હતું કે તેમને આત્મવિશ્વાસ હતો કે પશ્ચિમના દેશો તેમાં દખલ નહીં કરે. નેટોના સભ્ય દેશો અફઘાનિસ્તાનમાંથી શરમજનક રીતે પરત ફર્યા હોઈ ફરી એક વાર આવા કોઈ યુદ્ધમાં સામેલ થવાનું સાહસ નહીં કરે.

હાલના કેટલાક અહેવાલ અનુસાર રશિયા ફરીથી વિશ્વાસ હાંસલ કરી રહ્યું છે. તેના માટેનાં કારણોમાં યુદ્ધમેદાનમાં જીત અને ક્યારેક તો યુરોપ મદદ કરી કરીને થાકશે તેવો વિચાર છે.

તેમજ તાજેતરમાં બ્રિટિશ સરકારે એવો ભય વ્યક્ત કર્યો હતો કે જો રશિયામાંથી ગૅસની સપ્લાય બંધ થાય તો બ્રિટિશમાં 60 લાખ ઘરોમાં વીજળીની અછત સર્જાઈ શકે છે. આ નિવેદનનું મહત્ત્વ રશિયા સમજે છે.

શું પશ્ચિમના દેશોમાં જાહેર જનતાનો ગુસ્સો યુક્રેન માટેના ટેકા માટે ખતરારૂપ નીવડશે?

કંઈક આવો જ ભય ગયા મહિને યુએસ ડિરેક્ટર ઑફ નેશનલ ઇન્ટેલિજન્સ એવરિલ હેઇન્સે કૉંગ્રેસના સભ્યો સમક્ષ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, "પુતિન અમેરિકા અને યુરોપિયન યુનિયનનો નિર્ધાર નબળો પડે તેની પર આધાર રાખી રહ્યા છે. કારણ કે અનાજની અછત, ભાવવધારો અને ઊર્જાનાં સંસાધનોની કિંમતમાં વધારો થઈ રહ્યો છે."

યુક્રેન અંગે પશ્ચિમના દેશોનો નિર્ધાર દૃઢ છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, યુક્રેન અંગે પશ્ચિમના દેશોનો નિર્ધાર દૃઢ છે

તેમ છતાં અત્યાર સુધી તો આ તમામ સમસ્યાઓ છતાં પશ્ચિમના દેશોની યુક્રેન અંગેનો નિર્ધાર દૃઢ દેખાઈ રહ્યો છે.

પરંતુ જે ફાટ પહેલાંથી જ પડી ગઈ છે તે વધુ પહોળી થવાની સંભાવના છે.

ઇએન બોન્ડ આ અંગે જણાવે છે કે, "જો બંનેમાંથી કોઈ પણ પક્ષને લાભ થાય તો ખરી મુશ્કેલી શરૂ થઈ શકે છે."

"જો રશિયા પૂર્વમાં યુક્રેનના સંરક્ષણાત્મક પ્રયાસો મર્યાદા પાર કરી આગેકૂચ કરી શકે અને ડ્નાઇપર નદી તરફ આગળ વધે તો સમાધાન માટે યુક્રેન કેટલુંક ક્ષેત્ર જતું કરવા ઇચ્છુક છે તે વાત એજન્ડા પર અગ્રતાક્રમે આવી જશે."

"આવી જ રીતે જો યુક્રેન રશિયાને પીછેહઠ કરવા મજબૂર કરે તો પશ્ચિમના દેશો એવી સલાહ આપશે કે ડોનબાસનાં જે ક્ષેત્રો પર રશિયાનો વર્ષ 2014થી કબજો છે તેને હાંસલ કરવાની લાયમાં ન પડતા."

આ અંગે ચર્ચા હાલ યથાર્થ લાગતી નથી. પરંતુ જ્યારે અમેરિકાના રાજદ્વારી હેનરી કિસિન્જરે દાવોસ ખાતે યુક્રેનને રશિયા સાથે સમાધાન કરવા પોતાનાં ક્ષેત્રને છોડવાની સલાહ આપી તો તેમની વ્યાપક ટીકા થઈ હતી.

આથી આ ચર્ચા ભવિષ્યમાં પણ સપાટી પર ઊપસતી રહેશે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો