રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનમાં થયેલા મબલક પાકનું હવે શું થશે?
- લેેખક, સ્ટેફની હેગાર્ટી,
- પદ, બીબીસી સંવાદદાતા
એક તરફ, યુક્રેનના ખેડૂતો પાસે 2 કરોડ ટન અનાજનો જથ્થો છે અને તેમની પાસે આંતરરાષ્ટ્રીય બજાર નથી અને નવી લણણી શરૂ થવામાં છે. બીજી તરફ, વિશ્વભરમાં ધાન્યની કિંમતો વધી રહી છે ત્યારે જેમને તેની સખત જરૂર છે તેઓ કેવી રીતે મેળવી શકે?

ઇમેજ સ્રોત, NADIYA STETSIUK
ફેબ્રુઆરીની શરૂઆતમાં, યુક્રેનનાં ખેડૂત નાદિયા સ્ટેટ્સ્યુકને હતું કે આ વર્ષે ખેતીમાંથી ઘણી આવક થશે. 2021ના વર્ષમાં હવામાન સારું રહ્યું હતું અને નાદિયાએ યુક્રેનના સૅન્ટ્રલ ચેર્કાસી પ્રદેશમાં પોતાના ખેતરમાં મકાઈ, ઘઉં અને સૂર્યમુખીનું વાવેતર કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઊંચા હતા અને દરરોજ ભાવ વધી રહ્યા હતા. એટલે જ તો નાદિયાએ કેટલુંક ખેતઉત્પાદન વેચવાને બદલે સંઘરી રાખ્યું હતું, અને એવામાં રશિયાએ હુમલો કરી દીધો.
યુદ્ધની અસર નાદિયાના પ્રદેશમાં બહુ જોવા મળી નથી. દેશની 80% ખેતીની જમીન હજી પણ યુક્રેનના નિયંત્રણ હેઠળ છે, પરંતુ ખેતરો પર યુદ્ધનો પ્રભાવ ચોક્કસથી વર્તાઈ રહ્યો છે.
નાદિયા કહે છે, "આક્રમણ પછીથી, અમે કોઈ પણ ધાન્ય પાક વેચી શક્યા નથી. અહીં ધાન્યની કિંમત યુદ્ધ પહેલાં જેટલી હતી તેનાથી અડધી થઈ ગઈ છે."
તેઓ ઉમેરે છે, "યુરોપ અને વિશ્વમાં ખાદ્યપદાર્થોની કટોકટી હોઈ શકે છે પરંતુ અહીં ભારે ગડબડ છે. કારણ કે અમે ધાન્ય પાકોની નિકાસ કરી શકતા નથી."
આ બધા વચ્ચે યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ યુક્રેનના કાળા સમુદ્રનાં બંદરો પરથી નાકાબંધી હટાવવાના રશિયાના પ્રસ્તાવને 'બ્લેકમેલ' ગણાવ્યો છે.

સૂર્યમુખી તેલનું શહેનશાહ

ઇમેજ સ્રોત, Getty Images
ખાદ્ય વસ્તુઓના નિકાસકાર તરીકે યુક્રેને હરણફાળ ભરી છે. વૈશ્વિક બજારમાં સૂર્યમુખીના તેલની નિકાસના 42% જેટલું એકલા યુક્રેનનું યોગદાન છે. આ સિવાય મકાઈની નિકાસમાં 16% અને ઘઉંમાં 9% યોગદાન આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક દેશો યુક્રેન પર વધુ પડતા નિર્ભર છે. લેબનોન તેના ઘઉંની જરુરિયાત પૈકી 80% અને ભારત તેની જરુરિયાતનું 76% સૂર્યમુખી તેલ યુક્રેનમાંથી આયાત કરે છે.
જે ઇથોપિયા, યમન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં ભૂખમરાની સ્થિતિમાં લોકોના પેટ ઠારે છે તે યુએનનો 'વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ' (WFP) 40% ઘઉં યુક્રેનમાંથી મેળવે છે.
યુદ્ધ પહેલાં પણ વિશ્વનો અન્નપુરવઠો અનિશ્ચિત હતો. કૅનેડામાં ગયા વર્ષે દુષ્કાળથી ઘઉં અને વનસ્પતિ તેલના પાક તો દક્ષિણ અમેરિકામાં મકાઈ અને સોયાબીનની ઉપજને અસર થઈ હતી.
કોવિડની પણ મોટી અસર થઈ છે. ઇન્ડોનેશિયા અને મલેશિયામાં મજૂરોની અછતનો અર્થ પામઑઇલની ઓછી લણણી હતી, જેને પગલે વૈશ્વિક સ્તરે વનસ્પતિતેલના ભાવમાં વધારો થયો હતો.

20 મિલિયન ટન અનાજ અટવાયું

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષની શરૂઆતમાં, વિશ્વના મોટા ભાગના ખાદ્ય પદાર્થોના ભાવ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા હતા. ઘણાને આશા હતી કે યુક્રેનનો પાક વૈશ્વિક અછતની આપૂર્તિ કરવામાં મદદરૂપ થઈ શકે છે.
જોકે, રશિયાના આક્રમણને પગલે એ આશા ખોરંભાયું છે. યુક્રેનના કૃષિ મંત્રાલયનું કહેવું છે કે દેશમાં આજે 20 મિલિયન ટન અનાજ અટવાયું છે.
યુદ્ધ પહેલાં, યુક્રેનની 90% નિકાસ કાળા સમુદ્રનાં બંદરો મારફતે થતી હતી, જે ચીન કે ભારત સુધીના લાંબા અંતરની મુસાફરી કરવા માટે મહાકાય ટેન્કરો લૉડ કરીને પણ નફો કરતી હતી. પરંતુ હાલમાં આ તમામ બંદરો બંધ છે.
રશિયાએ યુક્રેનનો મોટા ભાગનો દરિયાકિનારો કબજે કરી લીધો છે અને ચાર સબમરીન સાથેનાં 20 જહાજોના કાફલા સાથે બાકીના ભાગ પર નાકાબંધી કરી છે.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના વડા ડૅવિડ બેસ્લીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને આ નાકાબંધી તોડવા માટે મોરચો ખોલવા માટે હાકલ કરી છે.
'ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રેટેજિક સ્ટડીઝ'ના મેરીટાઇમ ડિફેન્સ વિશ્લેષક જૉનાથન બેન્થમ કહે છે, "રશિયા તરફની સમજણ વિના, લશ્કરી રીતે ઘણું બધું ખોટું થઈ શકે છે." મોરચા માટે નોંધપાત્ર હવા, જમીન અને દરિયાઈ ક્ષેત્રે શક્તિની જરૂર પડશે, જે રાજકીય રીતે જટિલ બની રહેશે.
તેઓ કહે છે, "આદર્શ રીતે તણાવ ઘટાડવા માટે તમે રોમાનિયા અને બલ્ગેરિયા જેવા કાળા સમુદ્ર પરના દેશોને એ કહી શકો છો. પરંતુ તેમની પાસે કદાચ ક્ષમતા નથી. તો પછી તમારે નાટોના સભ્યોને કાળા સમુદ્રમાંથી લાવવાનું વિચારવું પડે."
તેમાં પણ તુર્કી કાળા સમુદ્ર પર નિયંત્રિત ધરાવે છે, જે મુશ્કેલ સ્થિતિ સર્જી શકે એમ છે. તેણે પહેલાંથી જ કહ્યું છે કે તે યુદ્ધજહાજોને પ્રવેશવા નહીં દે.
પ્રતિબંધોને હળવા કરવાના બદલામાં ધાન્યના શિપમૅન્ટ માટે કાળા સમુદ્રનો કૉરિડોર ખોલવાની રશિયાના શરતી પ્રસ્તાવના પ્રતિભાવમાં યુરોપિયન યુનિયને ઊલટાના બુધવારે નવા પ્રતિબંધોની વિચારણા કરી હતી અને પ્રસ્તાવ સ્વીકારવાના કોઈ સંકેત દર્શાવ્યા પણ નહોતા.
બેન્થમ કહે છે, "જો યુદ્ધનો આવતીકાલે અંત આવે તો પણ કાળા સમુદ્રને સુરક્ષિત કરવામાં મહિનાઓ કે વર્ષો લાગી શકે છે. કારણ કે યુક્રેને સુરંગો અને ડૂબી ગયેલાં જહાજો થકી વ્યૂહાત્મક રીતે તેના દરિયાકિનારાને જાળવી રાખ્યો છે.

યુરોપિયન સંઘ દ્વારા પણ મુશ્કેલી?

ઇમેજ સ્રોત, Getty Images
હાલ તો, યુક્રેનની બહાર જમીનમાર્ગે અથવા ડેન્યુબ નદીમાર્ગે બાર્જ પર જ અનાજ બહાર લઈ શકાય છે.
ગયા અઠવાડિયે, યુરોપિયન યુનિયને દેશના માળખામાં અબજો યુરોનું રોકાણ કરીને મદદ કરવાની યોજના જાહેર કરી હતી. પરંતુ નાદિયા સ્ટેટ્સ્યુકના પાડોશી કીસ હુઇઝિંગા કહે છે કે આટલું પૂરતું નથી. કીસ 15,000 હેક્ટર જમીન ધરાવતા મોટા ખેડૂત છે.
તેઓ યુદ્ધ શરૂ થયું ત્યારથી અનાજની નિકાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને યુરોપિયન યુનિયન દ્વારા મગાઈ રહેલા અઢળક દસ્તાવેજને લઈને ગુસ્સે ભરાયેલા છે.
તેમનું કહેવું છે કે આ ભારે જટિલ કાર્યવાહીના કારણે સરહદ પર 25 કિલોમીટર લાંબી કતાર લાગી છે.
તેઓ જણાવે છે, "તેઓ મકાઈના નમૂના લે છે એટલું પૂરતું નથી, તેઓ કાગળ માગે છે. તમારી પાસે કાગળ હોવા જ જોઈએ."
ઇયુની જાહેરાતના બે દિવસ પછી 18 મેના રોજ કસ્ટમ સત્તાવાળાઓએ ડ્રાઇવરો પાસેથી બે ફોર્મ માંગ્યા જે પહેલાં ક્યારેય જોયા નહોતા. તેઓ કહે છે, "સરહદ સરળ બનવાને બદલે ઊલટાની વધુ અમલદારશાહીવાળી બની રહી છે."
છેલ્લાં ત્રણ અઠવાડિયાંમાં કીસ હુઈઝિંગાએ 150 ટન અનાજની નિકાસ કરી છે. તેઓ આટલી નિકાસ ઓડેસા બંદરેથી થોડાક કલાકોમાં જ કરી શકતા હતા.
કીસ યુરોપિયન યુનિયનને વિનંતી કરતાં કહે છે, "સરહદો ખોલો, માત્ર પુરવઠાને લાવવા-લઈ જવા માટે તો ખોલો!"
દેશની બહારનો મુખ્ય માર્ગ હવે રેલમાર્ગ જ છે. પરંતુ યુક્રેનની રેલ સિસ્ટમ ઇયુ કરતાં વધુ પહોળી છે, જેનો અર્થ છે કે સામાનને બૉર્ડર પર નવા વૅગનમાં ટ્રાન્સફર કરવો પડે.
એ માટે સરેરાશ રાહ જોવાનો સમય 16 દિવસનો છે પરંતુ તેમાં 30 દિવસ સુધીનો સમય લાગી શકે છે.

સંકટ ઘઉંનું તો નિકાસ મકાઈની કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રોકરેજ મૅક્સિગ્રેન ખાતે યુક્રેનિયન અનાજ વિશ્લેષક ઍલેના નેરોબા અનુસાર, ખાદ્ય પદાર્થોની અછતની આસપાસની વૈશ્વિક ચર્ચાઓ મોટા ભાગે ઘઉંને લઈને થતી હોવા છતાં, અત્યારે યુક્રેનમાંથી મોટા ભાગે ધાન્યમાં મકાઈની નિકાસ થઈ રહી છે. અને તેની પાછળ બે કારણો જવાબદાર છે.
ઍલેના માને છે કે યુક્રેનના ખેડૂતો ઘઉં વેચતા ખચકાય છે. હૉલોડોમોરમાં 1932માં સ્ટાલિનના કારણે સર્જાયેલી દુષ્કાળની સ્થિતિમાં લોખો લોકો માર્યા ગયા હોવાની યાદ હજુ પણ તેમનાથી ભુલાતી નથી.
બીજી બાજુ, મકાઈ યુક્રેનમાં એટલી વ્યાપક રીતે ખાવામાં આવતી નથી.
ઍલેના અનુસાર અન્ય પરિબળમાં, યુરોપ યુક્રેનમાંથી વધારે પ્રમાણમાં ઘઉં ખરીદતું નથી, ઘઉંની બાબતમાં તે આત્મનિર્ભર છે.
તો આ ઘઉંને યુરોપિયન સંઘની બહાર પહોંચાડવા મુશ્કેલ છે, કારણ કે પોલૅન્ડ અને રોમાનિયાનાં બંદરો અનાજની નિકાસ મોટા પ્રમાણમાં કરી શકે તેમ નથી.

નવા પાકના સંગ્રહની જગ્યા નથી

ઇમેજ સ્રોત, Getty Images
ઍલેના નેરોબા કહે છે, "જુલાઈ સુધીમાં, ઇયુ દેશો તેમની પોતાના ઉનાળુ પાકની નિકાસમાં રોકાયેલા હશે અને તેમની પાસે યુક્રેનના અનાજને સંગ્રહ કરવાની ક્ષમતા પણ ઓછી હશે."
સમસ્યાના ઉકેલ માટેનો સમય વહી રહ્યો છે. અનાજનાં ગોદામો ભરેલાં છે અને ઘઉં, જવની ઉનાળુ લણણીને આડે અઠવાડિયું જ રહ્યું છે.
નાદિયા સ્ટેટ્સયુક પાસે હજુ પણ ગયા વર્ષના ખેતઉત્પાદન પૈકી લગભગ 40% ખેતરમાં સંગ્રહાયેલું છે અને ઉનાળુ સિઝનના પાકને ભરવા માટે જગ્યા નથી.
નાદિયા કહે છે, "પાક બગલે એવું અમે નથી ઇચ્છતા. અમે જાણીએ છીએ કે આ ધાન પશ્ચિમ માટે, આફ્રિકા માટે, એશિયા માટે કેટલું મહત્વપૂર્ણ છે!"
નાદિયા ઉમેરે છે, "અમારા શ્રમનું એ ફળ છે અને લોકોને તેની જરૂર છે." જો નાદિયાનો સ્ટોક ન વેચાય તો તેઓ આ પાનખરમાં વાવેતર કરી શકે તેમ નથી.
નાદિયા આશા રાખે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય યુક્રેનિયન ખેડૂતોને અનાજનો સંગ્રહ કરવા અને વાવેતર કરવા માટે નાણાકીય મદદ કરશે.
નાદિયાના કહેવા અનુસાર, જો આમ નહીં થાય તો આવતા વર્ષે અનાજની વધુ ગંભીર અછત સર્જાશે.
વર્તમાનમાં ઘઉંના ઘણા પાક ખરાબ સ્થિતિમાં છે. મધ્ય યુરોપ, અમેરિકા, ભારત, પાકિસ્તાન અને ઉત્તર આફ્રિકામાં શુષ્ક હવામાનને કારણે ઉપજ ઓછી રહેશે. તેનાથી વિપરીત, યુક્રેનમાં ઘઉં માટે હવામાન સારું રહ્યું છે.
યુક્રેન સોવિયેટ સંઘના વિઘટનમાંથી ઊભરી રહ્યું હતું ત્યારે નાદિયાએ 30 વર્ષ પહેલાં તેમના સ્વર્ગસ્થ પતિ સાથે તેમની ખેતીવાડીની શરૂઆત કરી હતી.
તેઓ તેમના પ્રદેશમાં ખેતીની જમીન ખરીદનારાં પ્રથમ હતાં અને આ રીતે તેમનું કુટુંબ એક ગૌરવશાળી ખેડૂત કુટુંબ બન્યું હતું. તેમની બે પુત્રીઓ અને પુત્ર બધાં જ ખેતી કરે છે.
નાદિયા કહે છે, "અમે ખેતી કરવાનું ચાલુ રાખવા માંગીએ છીએ. અમે મદદ કરવા માંગીએ છીએ, લોકોને ભોજન પૂરું પાડવા માંગીએ છીએ."
જોકે, થોડા જ મહિનામાં રશિયાએ તેમને અને તેમના દેશને ઓછામાં ઓછાં 20 વર્ષ પાછળ ધકેલી દીધાં છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












