રશિયા ભારત સંબંધ : શું રશિયા ચીન માટે હવે ભારત વિરુદ્ધ જઈ શકે છે?
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બીજી ફેબ્રુઆરીએ લોકસભામાં કહેલું કે મોદી સરકારની ખોટી રણનીતિના કારણે ચીન અને પાકિસ્તાન એકસાથે થઈ ગયા છે.

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આરોપ કરતાં કહેલું કે જમ્મુ અને કાશ્મીરમાં 'ખોટી રણનીતિ'ના કારણે ચીન-પાકિસ્તાન એકસાથે થઈ ગયા છે અને સરકારે ભારતની જનતાવિરુદ્ધનો એક મોટો ગુનો કર્યો છે.
હવે એવું કહેવાઈ રહ્યું છે કે યુક્રેન સંકટે રશિયા અને ચીનને પણ એકસાથે કરી દીધા છે.
ચીન અને પાકિસ્તાનનું એકબીજા સાથે જોડાવું ભારત માટે કોઈ પણ દૃષ્ટિએ સારું ના હોઈ શકે. બંને દેશ સાથે ભારતના સરહદી વિવાદ છે અને બંને સાથે ભારતનાં યુદ્ધ પણ થઈ ચૂક્યાં છે.
રશિયાને પારંપરિક રીતે ભારતનું મિત્ર રાષ્ટ્ર માનવામાં આવે છે પરંતુ યુક્રેન સંકટના કારણે જે વૈશ્વિક સ્થિતિ ઊભી થઈ છે એમાં રશિયા માટે ચીન વધારે મહત્ત્વનો બની ગયો છે.
ભારત ચીનનું મહત્ત્વ ઘટાડી ન શકે. એવી સ્થિતિમાં ચીન અને રશિયાની નિકટતા વધે તેને સ્વાભાવિક માનવામાં આવે છે.
યુરોપિયન યુનિયનનાં અધ્યક્ષ ઉર્સુલા વોન ભારત આવ્યાં હતાં.
વોને સામવારે નવી દિલ્હીમાં આયોજિત વાર્ષિક રાયસીના મંત્રણા સત્રના ઉદ્ઘાટન સમારોહને સંબોધતાં કહ્યું હતું કે, રશિયા અને ચીન વચ્ચેની મૈત્રીની કોઈ સીમા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉર્સુલા જ્યારે આ વાત કહી રહ્યાં હતાં ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકર પણ ઉપસ્થિત હતા.

ભારત માટે મુશ્કેલ પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
ઇયુ (યુરોપિયન યુનિયન) પ્રમુખે ચીન અને રશિયાના સંબંધોની વ્યાખ્યા કરતાં કહ્યું હતું, "બંને દેશોએ ઘોષણા કરી દીધી છે કે એમની મૈત્રીની કોઈ સીમા નથી. ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં જ એમણે કહેલું કે એવું કોઈ ક્ષેત્ર નથી જેમાં બન્ને દેશનો પરસ્પર સહયોગ નથી. ત્યાર બાદ રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો. આપણે આ બંને પાસેથી નવા આંતરરાષ્ટ્રીય સંબંધો બાબતે શી અપેક્ષા રાખી શકીએ, જ્યારે બંને પોતાની ઇચ્છા પ્રકટ કરી ચૂક્યા છે."
ઉર્સુલાએ એમ પણ કહ્યું કે યુક્રેનની બાબતમાં યુરોપ રણનીતિની રીતે સફળ નથી રહ્યો. એમણે કહ્યું કે રશિયા પર નિયંત્રણો મૂકવાં એ કંઈ એક જ સમાધાન નથી.
જ્યારે રશિયા અને યુક્રેનમાં તણાવ વધી રહ્યો હતો ત્યારે જ શંકા પ્રકટ થઈ રહી હતી કે તે ભારત માટે મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ કરનાર સાબિત થશે.
એવી આશંકા દર્શાવાઈ રહી હતી કે યુક્રેન સંકટથી રશિયા-ચીનની મૈત્રી વધારે ગાઢ બનશે જે ભારત માટે ઉચિત નહીં હોય.
ઘણા વિશેષજ્ઞોનું માનવું છે કે યુક્રેન સંકટે રશિયાને ચીનની વધારે નજીક લાવી દીધો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ ડરના કારણે ભારતે યુક્રેન સંકટમાં પોતાને તટસ્થ રાખવાની કોશિશ કરી.

શું ચીન અને રશિયાની મૈત્રી ભારતની વિરુદ્ધ જશે?

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનની બાબતમાં સંયુક્ત રાષ્ટ્રમાં જેટલી વાર રશિયા વિરુદ્ધના પ્રસ્તાવ પર વોટિંગ થયું, ભારતે એમાં વોટ ન આપ્યો. ભારતે યુક્રેન પરના હુમલામાં રશિયાનું નામ લઈને ટીકા નથી કરી.
ભારતે પશ્ચિમી દેશોના દબાણની સામે રશિયાની બાબતે પોતાની રણનીતિ એ રીતે ના બદલી. પરંતુ શું ભારતની આ રણનીતિ ચીન અને રશિયાને નજીક આવતા રોકવામાં સફળ રહી?
રેઝા-ઉલ હસન લસ્કર અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સમાં આંતરાષ્ટ્રીય સંપાદક છે.
તેમણે કહ્યું, "ભારત માટે અત્યારે ખૂબ જ મુશ્કેલ સ્થિતિ છે. યુક્રેન પરના રશિયાના હુમલાની બાબતે અત્યાર સુધીમાં જોઈએ તો ભારતનાં નિવેદનો અને વલણ બદલાયાં છે. શરૂઆતમાં ભારતે બધા પક્ષોની સુરક્ષા ચિંતાઓની વાત કરી. પછી ભારતે સાર્વભૌમત્વની વાત કરી.
"બુચામાં રશિયાના હુમલા પછી ભારતે હિંસાને વખોડી કાઢી. જોકે, રશિયાનું નામ ના લીધું. ભારત અને રશિયા ખૂબ ગાઢ મિત્ર છે પરંતુ રશિયાને હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં ચીનની જરૂરિયાત છે અને ચીનને પણ અમેરિકાની સામે રશિયાની જરૂર છે."
રેઝા-ઉલ હસન લસ્કરે કહ્યું, "યુક્રેન પર રશિયાના હુમલા પહેલાં ચીન અને રશિયાનું સંયુક્ત નિવેદન જોવા મળ્યું હતું. એ જ બયાનમાં કહેવાયું હતું કે રશિયા અને ચીનની મૈત્રીની કોઈ સીમા નથી. એનાથી જ સ્પષ્ટ થાય છે કે રશિયા અને ચીનની વચ્ચે સહયોગ કયા સ્તરે છે."
"યુક્રેન પર રશિયાના હુમલા પછી બંને દેશ વધારે નિકટ આવ્યા છે. રશિયા તરફનો ચીનનો સહયોગ વધ્યો છે. દેખીતું છે કે એ ભારત માટે કંઈ સારા સમાચાર નથી."
"ચીન સાથેની સરહદનો તણાવ હજુ ચાલે છે. ભારત હજુ પણ રશિયન શસ્ત્રો પર નિર્ભર છે. એ જોતાં ચીન સાથેનો તણાવ ઓર વધે તો રશિયા અને ચીનનું જોડાણ ભારતના પક્ષે નહીં હોય."
શું ચીન સાથેની રશિયાની ભાગીદારી ભારતની વિરુદ્ધ જઈ શકે છે?
આ પ્રશ્નના જવાબમાં રેઝા-ઉલ હસન લસ્કરે કહ્યું કે, "હું એટલું કહી શકું કે ભારત માટે સ્થિતિ અતિસંવેદનશીલ છે. ભારતે સંતુલનવાદી અભિગમ પર વધારે અડગ રહેવું પડશે."

રશિયાની ચીન પર વધી રહેલી નિર્ભરતા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
છેલ્લાં 30 વર્ષોમાં ચીન અને રશિયાના સંબંધો ઘણા વિકસ્યા છે. ગયા વર્ષે 28 જૂને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે વર્ચુઅલ સમિટ થઈ હતી.
એ સમિટ 'ટ્રીટી ઑફ ગુડ નેબરલીનેસ ઍન્ડ ફ્રૅન્ડલી કૉ-ઑપરેશન'ના વીસમા વાર્ષિકોત્સવ નિમિત્તે થઈ હતી. સમિટ પછી રાષ્ટ્રપતિ પુતિન અને જિનપિંગનું સંયુક્ત બયાન પ્રકટ થયું હતું.
સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું કે, "શીતયુદ્ધ દરમિયાન જે રીતનું સૈન્ય અને રાજકીય જોડાણ હતું એવું આમારી વચ્ચે નથી પરંતુ બંને દેશના સંબંધ એનાથી વધારે છે. અમારા સંબંધ પ્રાસંગિકતાથી પર છે અને અમે એકબીજાની આંતરિક બાબતોમાં દખલ નથી કરતા."
સોવિયત સંઘના પતન પછી રશિયા અને ચીનના સંબંધો સતત મજબૂત બન્યા છે. સોવિયતના જમાનાથી જ બંને દેશ વચ્ચે સરહદી વિવાદ હતો.
વર્ષ 1969માં સરહદ-વિવાદ અંગે સોવિયત સંઘ અને ચીન એકબીજા સાથે ટકરાયા પણ હતા. જોકે 2001 પછી બંને દેશ વચ્ચે સહયોગ વધતો ગયો. શી જિનપિંગ અને પુતિનના શાસનકાળમાં બંને દેશ સતત નજીક આવતા ગયા.
રશિયા અને ચીનના સંબંધને પોષવામાં ચાર મહત્ત્વનાં પરિબળોનો ઘણી વાર ઉલ્લેખ થાય છે. બંને દેશ વચ્ચે 4,200 કિલોમિટર લાંબી સરહદ છે.
બંને દેશ ઇચ્છે છે કે સરહદે શાંતિ જળવાઈ રહે. 1989થી જ રશિયન નેતા મિખાઇલ ગોર્બાચોવ અને ચીનના નેતા ડેંદ શ્યાઓપિંગે સરહદ-વિવાદ ઉકેલવા માટેના પ્રયાસો કર્યા હતા.
2006માં બંને દેશ વચ્ચેનો સરહદ-વિવાદ સમાપ્ત થઈ ગયો અને દ્વિપક્ષી સંબંધોની બધી અડચણો દૂર થઈ ગઈ.

અર્થવ્યવસ્થા અને વેપાર

ઇમેજ સ્રોત, Getty Images
બંને દેશની અર્થવ્યવસ્થા પણ એકબીજા સાથે સંકળાયેલી છે. રશિયામાં પ્રાકૃતિક સંસાધનોની ભરમાર છે પરંતુ એને તકનીકની જરૂર છે. આ બાબતમાં ચીન રશિયા માટે સહાયકર્તા બની રહ્યો છે. ચીને જાહેરાત કરી છે કે 2060 સુધી તે પોતાની અર્થવ્યવસ્થાને કાર્બનમુક્ત કરી લેશે.
પરંતુ એ માટે તેને કોલસામાંથી પ્રાકૃતિક ગૅસ મેળવવાની દિશામાં આગળ વધવું પડશે. બંને દેશો વચ્ચે 2001માં 10.7 અબજ ડૉલરનો વેપાર હતો, જે 2021માં વધીને 140 અબજ ડૉલરે પહોંચી ગયો છે. એ ઉપરાંત બંને દેશ ઘણી પરિયોજનાઓ પર સાથે મળીને કામ કરી રહ્યા છે.
સાઇબેરિયા ગૅસ પાઇપલાઇન પ્રતિ વર્ષ 36 અબજ ક્યુબિક મીટરની ક્ષમતા સાથે કામ કરી રહી છે. એ ઉપરાંત સાઇબેરિયા 2 પણ છે, જેની ક્ષમતા 50 અબજ ક્યુબિક મીટર પ્રતિ વર્ષ છે.
ચીન લૅન્ડ રૂટ દ્વારા રશિયામાં પોતાની પહોંચ સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત છે તો રશિયા ઇચ્છે છે કે તે યુરોપના બજાર પરની પોતાની નિર્ભરતા ઓછી કરે. એ સિવાય બંને દેશની રાજકીય અને ઘરેલુ વ્યવસ્થામાં કશી સમાનતા નથી પરંતુ બંને દેશમાં એક જેવું શાસન છે, જે વ્યક્તિકેન્દ્રિત છે.
રશિયામાં પુતિનને પડકારે એવું કોઈ નથી અને શી જિનપિંગને ચીનમાં. બંને એકબીજાની આંતરિક બાબતોમાં કશી દખલ નથી કરતા. ના તો ચીન રશિયાના વિપક્ષી નેતા એલેક્સેઈ નવાલનીને કેદ કરવા સામે બોલે છે અને ના તો રશિયા ચીનના શિન્જિયાંગ પ્રાંત ઉપરાંત હૉંગ કૉંગમાં માનવાધિકારોના ઉલ્લંઘન બાબતે કશું બોલે છે. પુતિન અને જિનપિંગ વચ્ચે વ્યક્તિગત સ્તરના સંબંધોમાં વિશ્વાસ છે એમ કહેવાય છે.
બંને દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય છે. બંને દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વૈશ્વિક મુદ્દે સાથે મળીને કામ કરે છે. અમેરિકા અને એના સહયોગી દેશોની સામે બંને દેશ સંયુક્ત રાષ્ટ્રમાં એક લાઇન પર હોય છે.
બંને દેશ સાથે મળીને શસ્ત્રોના ઉત્પાદન પર પણ કામ કરે છે. બંને વચ્ચેનો સૈન્યાભ્યાસ પણ વધ્યો છે. પશ્ચિમની વિરુદ્ધ બંને દેશ એક અવાજમાં બોલે છે. અમેરિકા અને યુરોપના વધતા જતા પ્રતિબંધોના કારણે રશિયાની ચીન પરની નિર્ભરતા વધી છે.

રશિયા અને ચીનની મૈત્રી સીમાઓથી પર છે?

ઇમેજ સ્રોત, Getty Images
શું રશિયા અને ચીનની મૈત્રી ખરેખર સીમાઓથી પર છે? એલેક્ઝેન્ડર ગાબુએવ એન્ડૉવમેન્ટ ફૉર ઇન્ટરનૅશનલ પીસના સીનિયર ફેલો છે. એમણે ગયા વર્ષે 31 ડિસેમ્બરે લખ્યું હતું કે બંને દેશના સંબંધો ગાઢ હોવા છતાં એની સીમાઓ પણ છે.
એમણે લખ્યું છે કે, "સૌથી મહત્ત્વનું એ છે કે બંને દેશ પોતપોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા બાબતે ઘણા સંવેદનશીલ છે. તેથી બંને દેશ પરસ્પર સુરક્ષાની ગૅરંટી વાળી વ્યવસ્થાની બાબતમાં આગળ વધી શકે છે, જેમ કે, અમેરિકાએ નેટો જેવું સંગઠન બનાવ્યું છે. એ ઉપરાંત અમેરિકાનું ઇન્ડો-પૅસેફિકમાં પણ સુરક્ષા ગૅરેન્ટી બાબતે જોડાણ થઈ રહ્યું છે. બંને દેશનાં અલગ અલગ વૈશ્વિક સુરક્ષા હિતો પણ છે."
"ઉદાહરણ તરીકે, ચીને ક્રાઇમિયાની બાબતમાં રશિયાને સમર્થન નહોતું આપ્યું. સીરિયા અને આફ્રિકામાં પણ રશિયાનાં સૈન્ય અભિયાનોને ચીને સમર્થન નહોતું આપ્યું. એની સાથે જ રશિયા ચીનને તાઇવાન બાબતે ખૂબ આક્રમક થઈને સમર્થન નથી આપતું. સાઉથ ચાઇના સીમાં પણ રશિયા ચીનનાં લશ્કરી મથકો બાબતે સંમત નથી."
ઍલેક્ઝેન્ડર ગાબુએવનું કહેવું છે કે આર્થિક મોરચે પણ બંને દેશના સંબંધોની સીમાઓ છે. એમણે લખ્યું છે કે, "ઐતિહાસિક રીતે રશિયામાં ચીનની કંપનીઓનું કશું મોટું રોકાણ નથી રહ્યું. રશિયામાં રોકાણનું વાતાવરણ પણ એવું નથી. બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધી રહ્યો છે ત્યારે પણ આ સ્થિતિ છે."

વૈશ્વિક શસ્ત્રોની નિકાસ

ઇમેજ સ્રોત, Getty Images
એવો તર્ક પણ રજૂ કરાતો રહ્યો છે કે ચીન અને રશિયાની મૈત્રી સમાન નથી. રશિયાના આંતરરાષ્ટ્રીય વેપારમાં 2013માં ચીનનો હિસ્સો 10.5 ટકા હતો, જે 2021માં લગભગ 20 ટકા જેટલો થઈ ગયો છે.
આવનારા સમયમાં પશ્ચિમી દેશોના પ્રતિબંધોના કારણે ચીનનો હિસ્સો ઓર વધશે. બીજી તરફ ચીનની રશિયા પરની આર્થિક નિર્ભરતા ઘણી ઓછી છે.
વર્ષ 2021ના અંત સુધીમાં ચીનના વેપારમાં રશિયાનો હિસ્સો માત્ર 2.4 ટકા હતો. કહેવાય છે કે રશિયાને ચીનની વધારે જરૂર છે અને ચીનને રશિયાની ઓછી જરૂર છે.
ભારત અને વિયેતનામના સંબંધ ચીન કરતાં સારા નથી પરંતુ રશિયાનો સંબંધ ખૂબ સારો છે. સોવિયતના જમાનાથી જ ભારત અને વિયેતનામ સાથે રશિયાના સારા સંબંધો રહ્યા છે.
છેલ્લાં પાંચ વર્ષમાં ભારતમાં રશિયન શસ્ત્રોનું વેચાણ વધ્યું છે. 2016થી 2020 દરમિયાન રશિયાની કુલ વૈશ્વિક શસ્ત્ર-નિકાસમાં ભારતનો હિસ્સો 23 ટકા છે. એ ઉપરાંત 1990ના દાયકાથી વિયેતનામમાં રશિયન શસ્ત્રોનું વેચાણ વધ્યું છે.
ઍલેક્ઝેન્ડરે લખ્યું છે, "ઐતિહાસિક રીતે ભારત અને વિયેતનામને રશિયન શસ્ત્ર મળવાના કારણે ચીન અસહજ રહ્યું છે. બદલાતી સુરક્ષાવ્યવસ્થામાં ચીન રશિયા પર ભારત અને વિયેતનામને શસ્ત્ર આપવાના મામલે દબાણ કરી શકે છે."
"અત્યારે ચીન એવી સ્થિતિમાં નથી કે રશિયાને ભારતને શસ્ત્ર આપવાની બાબતમાં અટકાવે પરંતુ ભવિષ્યમાં એવું થઈ શકે છે. મધ્ય એશિયામાં ચીનની હાજરી છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઝડપથી વધી છે."
"મધ્ય એશિયાના બજારમાં ચીનનું બજાર ફેલાવો કરી રહ્યું છે અને તે રશિયા માટે ચિંતાની બાબત છે."

ભારત શું કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીસ્થિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં મધ્ય એશિયા અને રશિયન અધ્યયન કેન્દ્રનાં વડાં પ્રોફેસર અર્ચના ઉપાધ્યાયે જણાવ્યું કે, "રશિયા ચીન માટે ભારતને નહીં છોડી શકે અને પશ્ચિમ માટે ભારત રશિયાને છોડી શકે એમ નથી."
તેમણે કહ્યું કે, "રશિયા અને ચીનની મૈત્રી પણ સીમાથી પર નથી. બંને દેશના હાલના સંબંધો ચોક્કસ ગાઢ થયા છે પરંતુ બંનેની જરૂરિયાતો પણ ટકરાય છે."
"ભારત અને રશિયાના સંબંધમાં જે ઐતિહાસિકતા અને ભરોસો છે, તે ચીન અને રશિયા વચ્ચે નથી. ગલવાનમાં ચીનની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર હિંસક અથડામણ થઈ, એમાં ચીન અને ભારત બંને દેશના સૈનિકોનાં મૃત્યુ થયાં પરંતુ રશિયાએ શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડવાનું અટકાવ્યું નહીં."
"રશિયાએ ભારતને ક્યારેય નથી છોડ્યું અને મને લાગે છે કે ભવિષ્યમાં પણ નહીં છોડે."
અર્ચના ઉપાધ્યાયે કહ્યું કે, "પશ્ચિમની નજર ભારતના બજાર પર છે."
તેમણે કહ્યું કે, "પશ્ચિમ ભારતની શસ્ત્ર જરૂરિયાતોમાં રશિયાની ભૂમિકાને સમાપ્ત કરવા ઇચ્છે છે પરંતુ ભારત ભૂલી નહીં જાય કે પરમાણુ પરીક્ષણ પર પશ્ચિમે કેવા પ્રતિબંધો લાદ્યા હતા. અમેરિકાએ પાકિસ્તાનને કેવું પ્રોત્સાહિત કર્યું હતું અને ભારતમાં આતંકવાદી હુમલાની બાબતે કેવું બેવડું વલણ અપનાવ્યું હતું."
"રશિયા આપણો પારખીતો પાર્ટનર છે. કોઈ પણ દબાણમાં ભારત એને છોડી નહીં શકે. રશિયામાં પ્રાકૃતિક સંસાધનોની ભરમાર છે અને આવનારા સમયમાં આપણો ઊર્જા સહયોગ હજી વધવાનો છે."
અર્ચના ઉપાધ્યાયે જણાવ્યું કે ભારતની વિદેશનીતિ હવે દબાણથી મુક્ત છે અને એનું તાજું ઉદાહરણ છે, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે વૉશિંગ્ટનમાં નિખાલસતાથી કહ્યું કે જો ભારતમાં માનવાધિકારોની બાબતમાં અમેરિકાના કશા વિચારો છે તો ભારત પણ અમેરિકામાં માનવાધિકારોની સ્થિતિ પર પોતાનો અભિપ્રાય ધરાવે છે.
અર્ચના ઉપાધ્યાયે જણાવ્યું કે, "અમેરિકામાં એમની જ ભાષામાં એને પહેલી વાર જવાબ અપાયો. એ ઉપરાંત રશિયા પાસેથી ઑઇલ ખરીદવાની બાબતે પણ એસ. જયશંકરે કહેલું કે યુરોપ એક બપોર માટે રશિયા પાસેથી જેટલું ઑઇલ ખરીદે છે એટલું ભારત એક મહિનામાં ખરીદે છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












