ગુજરાત ચૂંટણી : જે.પી. નડ્ડા બાદ હવે અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત, શું ચૂંટણી સમય કરતાં વહેલી આવી રહી છે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાતની મુલાકાત લીધી હતી, બીજી તરફ ગુજરાત સ્થાપનાદિને અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે તો કૉંગ્રેસમાં અનેકવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત છે. માહોલ એવો છે કે ચૂંટણીની મોસમ આવી ગઈ છે.

ગુજરાતમાં એક તરફ સત્તાપક્ષ ભાજપ પૂરા ઉત્સાહ સાથે ચૂંટણીમાં જોતરાયેલો દેખાઈ રહ્યો છે. તો બીજી તરફ ગુજરાત ભાજપના પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ વારંવાર વહેલી ચૂંટણીની વાતને રદિયો આપતા રહ્યા છે.

જેપી નડ્ડા કમલમ ખાતે

ઇમેજ સ્રોત, https://twitter.com/Bhupendrapbjp

ઇમેજ કૅપ્શન, જેપી નડ્ડા કમલમ ખાતે

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો પર સીમિત કરવામાં સફળ રહેલ ગુજરાત કૉંગ્રેસ 125થી વધારે બેઠકો જીતવાનો દાવો કરે છે તો જેપી નડ્ડાનું કહેવું છે કે ભાજપનો સામનો કરવો હોય તો 50-60 વર્ષ તપસ્યા કરવી પડે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જલદી યોજાવા અંગે ભાજપ દ્વારા કોઈ પ્રસ્તાવ ન મુકાયો હોવાની વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "રાજ્યમાં ચૂંટણી યોજવાની જવાબદારી અને તે અંગે નિર્ણય લેવાની સ્વતંત્રતા ભારતના ચૂંટણીપંચ પાસે છે. ભાજપે આ અંગે કોઈ પ્રસ્તાવ નથી મૂક્યો."

ગુજરાતમાં વહેલી ચૂંટણી થશે એવી અટકળો ચાલી છે, પણ ભાજપ તેને નકારી રહ્યો છે.

line

ભાજપની તૈયારીઓ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલના પાછલા બે મહીનાનાં પ્રવાસો, ઉદ્ઘાટનો કે પછી લોકોને મળવાના કાર્યક્રમોની વિગતો જોવમાં આવે તો તેને જોતાં એવું જ લાગે છે કે ભાજપ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલના તાજેતરના પ્રવાસો, ઉદ્ઘાટનો કે પછી કાર્યક્રમોની વિગતો જોવમાં આવે તો એવું જ લાગે છે કે ભાજપ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયો છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલના તાજેતરના પ્રવાસો, ઉદ્ઘાટનો કે પછી લોકોને મળવાના કાર્યક્રમોની વિગતો જોવામાં આવે તો એવું જ લાગે છે કે ભાજપ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયો છે.

જેમ કે ગુજરાતના આદિવાસી સમુદાયને પોતાના તરફ વાળવા માટે વડા પ્રધાન મોદીના હાલમાં થયેલા કાર્યક્રમો તેમજ 'એક દિવસ-એક જિલ્લા'નો પાટીલનો કાર્યક્રમ.

જેમાં તમામ 33 જિલ્લામાં ભાજપ પોતાના કાર્યકર્તાઓમાં જુસ્સો ભરવા માટે કામ કરી રહ્યો છે.

ભાજપ સાથે સંકળાયેલા એક નેતાએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને બીજાં રાજ્યોની જીત તેમજ નબળી કૉંગ્રેસ અને ગુજરાતના રાજકારણમાં પગ જમાવવા મથી રહેલી આપ પાર્ટીને કારણે શક્ય છે કે ચૂંટણી વહેલી યોજાય.

જોકે પાટીલે અગાઉ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, "વહેલી ચૂંટણીની કોઈ જ જરૂર કે શક્યતા નથી."

પરંતુ ઘણા રાજકીય વિશ્લેષ્કોનું માનવું છે કે પોતાના વિરોધીઓને ઊંઘતા રાખવા માટે પાટીલ આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે.

હાલમાં જ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ત્રણ દિવસ પસાર કર્યા હતા અને હજુ પણ આવતા મહિનામાં ફરીથી મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે.

ભાજપનાં સૂત્રો પ્રમાણે તેમણે ભાજપના અમુક નેતાઓ સાથે બંધબારણે મુલાકાતો પણ કરી છે. જો રાજકીય વિશ્લેષ્કોનું માનીએ તો આ તમામ ઘટનાઓ ઉપરાંત હજુ સુધી ભાજપ સંપૂર્ણરીતે ચૂંટણી માટે તૈયાર નથી અને જો આ સમયમાં ચૂંટણી યોજાય તો તેમને નુકસાન થઈ શકે છે.

line

કૉંગ્રેસ અને ચૂંટણીની તૈયારીઓ

2017ની કૉંગ્રેસ અને 2022ની કૉંગ્રેસમાં ખૂબ ફરક છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2017માં કૉંગ્રેસનો દેખાવ સુધર્યો હતો અને 150 બેઠકો જીતવાનો દાવો કરનાર ભાજપને 99 બેઠકો મળી હતી. જોકે, હવેની ચૂંટણીમાં કૉંગ્રેસે ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટીનો પણ સામનો કરવો પડશે.

2017ની કૉંગ્રેસ અને 2022ની કૉંગ્રેસમાં ખૂબ ફરક છે.

2017માં કૉંગ્રેસને 77 બેઠક મળી હતી, જ્યારે ભાજપ 100 બેઠક સુધી પણ ન પહોંચી શક્યો નહોતો.

છેલ્લા દોઢેક દાયકાનો કૉંગ્રેસનો તે સૌથી સારો દેખાવ રહ્યો હતો. જોકે તે બાદ કૉંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓ સતત ભાજપમાં સામેલ થતા ગયા અને હાલમાં કૉંગ્રેસ 2017 કરતાં નબળી દેખાઈ રહી છે.

જાણીતા રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર કૉંગ્રેસમાં જોડાશે તેવી વાત હતી પણ હવે એ વાત પર હાલ વિરામ આવી ગયો છે. કૉંગ્રેસના રણજિત સુરજેવાલાએ જાહેરાત કરી છે કે પ્રશાંત કિશોરને તેમના પ્રેઝન્ટેશન બાદ કૉંગ્રેસના ખાસ ઍક્શન ગ્રૂપમાં સામેલ થવા પાર્ટીએ આમંત્રણ આપ્યું હતું પણ તે તેમણએ સ્વીકાર્યું નથી.

કૉંગ્રેસની ચૂંટણી તૈયારી સંદર્ભે જ્યારે બીબીસી ગુજરાતીએ કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે કૉંગ્રેસ પક્ષ હાલમાં પણ ચૂંટણી માટે તૈયાર છે. કાર્યકર્તાઓનાં સંમેલન તેમજ ચિંતન શિબિરો સતત ચાલુ છે અને તેઓ દરેક જિલ્લામાં લોકો સાથે મળીને તૈયારીઓ કરી રહ્યા છે.

કૉંગ્રેસનાં સૂત્રો પ્રમાણે તેમણે 48 ઉમેદવારોને આગામી ચૂંટણીમાં તેમની ઉમેદવારીની શક્યતા વિશે વાત કરી દીધી છે અને તેમણે તે વિધાનસભા ક્ષેત્રમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે.

line

આમ આદમી પાર્ટીની તૈયારી

પંજાબમાં જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગપસારો કરવા તો ઇચ્છી રહી છે, પરંતુ હજુ સુધી તે માત્ર પોતાના સંગઠનને ગોઠવવામાં લાગી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પંજાબમાં જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગપસારો કરવા તો ઇચ્છી રહી છે, પરંતુ હજુ સુધી તે માત્ર પોતાના સંગઠનને ગોઠવવામાં લાગી છે

પંજાબમાં જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગપસારો કરવા તો ઇચ્છી રહી છે, પરંતુ હજુ સુધી તે માત્ર પોતાના સંગઠનને ગોઠવવામાં લાગી છે.

ઘણા લોકો માને છે કે જો થોડોક વધારે સમય મળી જાય તો આમ આદમી પાર્ટી ખરેખર ગુજરાતની રાજનીતિમાં મોટો ફરક લાવી શકે છે અને કદાચ આ જ વસ્તુ ભાજપ નથી ઇચ્છતો.

આમ આદમી પાર્ટીના ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "આપ પાર્ટી હાલમાં 148 જેટલી વિધાનસભા બેઠકો પર સંગઠન બનાવી ચૂકી છે અને બાકીનું કામ આવનારા દિવસોમાં પૂર્ણ કરી લઈશું."

"અમે હાલમાં ફી વધારો, પેપર લીકના મુદ્દા તેમજ સરકારી શાળાઓની ખરાબ હાલતના મુદ્દા ઊઠાવ્યા છે અને તેનાથી અમે લોકોના માનસ પર મોટી અસર પાડી શક્યા છીએ. જો હાલમાં ચૂંટણી થાય તો પણ અમે સારો દેખાવ કરી શકીશું."

line

શું માનવું છે રાજકીય વિશ્લેષકોનું?

શું ભાજપ વહેલી ચૂંટણી કરાવશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શું ભાજપ વહેલી ચૂંટણી કરાવશે?

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ઘનશ્યામ શાહ વહેલી ચૂંટણી મુદ્દે વાત કરતાં જણાવે છે કે, "હું નથી માનતો કે ભાજપ વહેલી ચૂંટણીનું જોખમ લેશે. ભલે હાલમાં એવું દેખાઈ રહ્યું હોય કે કૉંગ્રેસ તૈયાર નથી, પરંતુ જો તેઓ હાલ ચૂંટણી યોજે તો બીજી બાજુ મોંઘવારી અને પાણીની તંગીની સમસ્યાને કારણે લોકોમાં જે રોષ છે તેનો ભોગ ભાજપને બનવું પડે. ઉત્તર ગુજરાતનાં અનેક જિલ્લાઓના ખેડૂતોને હાલમાં પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે અને તે માટે કોઈ કૅનાલ કે સરકારની બીજી કોઈ પણ યોજનાનો તેમને લાભ નથી મળી રહ્યો."

"આવી પરિસ્થિતિમાં જો ચૂંટણી થાય તો ભાજપને નુકસાન થઈ શકે છે. ભૂતકાળમાં એવું બનેલું છે કે લોકોના મુદ્દાઓ માટે તેમણે જે તે સમયની સરકારની વિરુદ્ધ મતદાન કર્યું છે અને જો હાલમા ચૂંટણી થાય તો તેનું પુનરાવર્તન થઈ શકે છે."

બીજી તરફ રાજકીય વિશ્લેષક સાર્થક બાગચી આ મુદ્દે જણાવે છે કે, "હું માનું છું કે કૉંગ્રેસ અને આપની ઓછી તૈયારીનો ફાયદો લેવા માટે ભાજપ વહેલી ચૂંટણી કરી શકે છે. હાલમાં કૉંગ્રેસ પોતાના નેતાઓને મનાવવા, સમજાવવા વગેરેમાં જ વ્યસ્ત છે, અને આપ પાર્ટીનું સંગઠન હજી સુધી મજબૂત નથી, આવી પરિસ્થિતિમાં ભાજપ તેનો ફાયદો લેવાનો પ્રયાસ કરશે."

તેમજ રાજકીય વિશ્લેષક અને ગુજરાતના રાજકારણના જાણકાર હેમંત શાહ જણાવે છે કે, "હું નથી માનતો કે ગુજરાત ભાજપને વહેલી ચૂંટણીની કોઈ જરૂરિયાત છે. તેની પરિસ્થિતિ ડિસેમ્બર સુધી ઊલટાની વધારે સારી થશે. કૉંગ્રેસ અને આપને જોઈને નહીં તે પોતાની ખુદની તૈયારીઓ જોઈને ચૂંટણી જાહેર કરશે. હાલમાં ભાજપની તૈયારી એક રીતે તો સારી છે, પરંતુ હજી તેની સરકારને આઠ મહિના બાકી છે અને તે આઠ મહિનાની સરકાર જવા દેવાની કોઈ જ જરૂરિયાત ભાજપને નથી. કૉંગ્રેસ હાલ કરતાં વધુ મજબૂત થઈ શકશે તેવું માનવાની પણ કોઈ જરૂર નથી, તે પોતાની રીતે જિલ્લામાં ચિંતન શિબિરો કરી રહી છે અને કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરી કરી રહી છે. જોકે તેનાથી ભાજપ અને તેના મતદારોને કોઈ જ ફરક નહીં પડે."

line

ગુજરાત અને વહેલી ચૂંટણીઓ

1975માં પ્રથમ વખત, 1998માં બીજી વખત અને 2002માં ત્રીજી વખત વહેલી ચૂંટણી થઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1975માં પ્રથમ વખત, 1998માં બીજી વખત અને 2002માં ત્રીજી વખત વહેલી ચૂંટણી થઈ હતી

ગુજરાત રાજ્યમાં 1962માં પહેલી વાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ હતી. હજી સુધી રાજ્યમાં ત્રણ વખત વહેલી ચૂંટણી થઈ છે. જેમાં 1975માં પ્રથમ વખત, 1998માં બીજી વખત અને 2002માં ત્રીજી વખત વહેલી ચૂંટણી થઈ હતી. રાજ્યમાં 2002 બાદ રાજકીય પરિસ્થિતિ સ્થિર રહી છે.

ગુજરાતમાં વહેલી થયેલી ચૂંટણીમાં સૌથી વિવાદાસ્પદ ચૂંટણી 2002ની હતી. ગોધરાકાંડ બાદ વિધાનસભા તેનો કાર્યકાળ પૂર્ણ કરે તેના 8 મહિના અગાઉ નરેન્દ્ર મોદીએ રાજીનામું આપ્યું હતું. અને જે ચૂંટણી એપ્રિલ 2003માં થવાની હતી તે ચૂંટણીપંચ અને ગુજરાત સરકાર વચ્ચે અનેક વિવાદ બાદ ડિસેમ્બર 2002માં થઈ હતી. ભાજપને એ ચૂંટણીમાં 12 બેઠકોનો ફાયદો થયો હતો અને તેણે કુલ 127 બેઠકો જીતી હતી.

line

કેવી છે ચૂંટણી પંચની તૈયારીઓ?

શું ચૂંટણીપંચ છે તૈયાર?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શું ચૂંટણીપંચ છે તૈયાર?

જો વહેલી ચૂંટણી થાય તો ચૂંટણીપંચ તૈયાર છે. જોકે વિધાનસભા વિખેરાઈ જાય તે પછી વહેલી તકે ચૂંટણી કરવાની હોય છે.

ગુજરાતની આવનારી વિધાનસભાની 2022ની ચૂંટણી વિશે વાત કરતાં આસિસટન્ટ કલેક્ટર, ઇલેક્શન, રાજ્ય ચૂંટણીપંચ, શ્રીમતિ ડી. એન. રેન્કે બીબીસી સાથે વાત કરતાં કહ્યું :

"ઇલેક્ટોરલ રોલને અપડેટ કરવાની કામગીરી સતત ચાલતી હોય છે અને જે લોકો સામેથી આવે છે તેવા લોકોનું નામ આ રોલમાં સામેલ થઈ જતું હોય છે, પરંતુ જે લોકો સામેથી નોંધણી નથી કરાવતા તેવા નવા મતદારો તેમજ રહી ગયેલા લોકો માટે અમે સપ્ટેમ્બર મહિનામાં ઝુંબેશ શરૂ કરતા હોઈએ છીએ."

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો