પાકિસ્તાન ચીનના જોરે કઈ રીતે બનાવશે કોલસામાંથી પેટ્રોલ-ડીઝલ?
- લેેખક, તનવીર મલિક
- પદ, પત્રકાર, કરાચી
પાકિસ્તાનમાં ગૅસ ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને વિશ્વ બજારમાં ખનીજ તેલની કિંમત વધી ગઈ છે ત્યારે પાકિસ્તાનની કેન્દ્ર સરકારે કોલસામાંથી ગૅસ અને ખનીજ તેલ તૈયાર કરવાની યોજના તૈયાર કરી છે.
ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર (સીપીઈસી) માટે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના વિશેષ સહાયક તરીકે કામ કરનારા ખાલિદ મન્સૂરના જણાવ્યા અનુસાર સિંધ પ્રાંતના થાર રણમાંથી મળતા કોલસાનો ઉપયોગ ગૅસ અને ખનીજ તેલ તૈયાર કરવા માટે થશે.

પાકિસ્તાનની વિદાય લેનારી સરકારે આ રીતે કોલસાનો ઉપયોગ કરવાની યોજના એવા વખતે સામે આવી છે, જ્યારે વૈશ્વિક બજારમાં ગૅસ અને ક્રૂડના ભાવો બહુ વધી ગયા છે. પાકિસ્તાન તેના કારણે મુશ્કેલીમાં મુકાયું છે, કેમ કે ઊર્જાની જરૂરિયાત માટે આયાતી ગૅસ અને ક્રૂડ પર જ આધાર રાખવો પડે છે.
પાકિસ્તાનના થારમાં કોલસામાંથી ક્રૂડ અને ગૅસ મેળવવાની પરિયોજના પહેલેથી જ છે. આ કોલસામાંથી પાકિસ્તાનમાં 660 મેગાવૉટ વીજળી ઉત્પાદિત થાય છે. આ ઉત્પાદનને વધારીને આગલા વર્ષે 1800થી 2000 મેગાવૉટ સુધી લઈ જવાની ગણતરી છે.
સરકારની યોજના છે કે કોલસામાંથી ક્રૂડ અને ગૅસ ઉત્પાદિત કરવા માટે ટૅક્સમાં રાહત અપાશે, જેથી રોકાણકારો આ યોજના માટે આકર્ષિત થાય.

કોલસામાંથી વીજળી પેદા કરવાની યોજના શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનમાંથી મળતા કોલસામાંથી ક્રૂડ અને ગૅસ ઉત્પાદન કરવાની યોજના વિશે બીબીસીને માહિતી આપતા ખાલિદ મન્સૂરે કહ્યું કે આ એક મોટી યોજના છે. તેને વિકસાવવા અને મૂડી મેળવવા માટે લાંબો સમય લાગી શકે છે.
ખાલિદ મન્સૂરના જણાવ્યા અનુસાર આજે જ આ યોજનાનું કામ શરૂ કરવામાં આવે તો 2029-30 સુધીમાં તે પૂરી થઈ શકે.
તેમણે જણાવ્યું કે આ યોજનાનો ઉદ્દેશ પાકિસ્તાનના કોલસાનો, ખાસ કરીને થારમાં કોલસાનો ભંડાર છે તેનો ઉપયોગ ઊર્જાના વૈકલ્પિક સ્રોત તરીકે કરવાનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "પાકિસ્તાને પોતાની ઊર્જાની જરૂરિયાત માટે આયાત પર નિર્ભર રહેવું પડે છે, તેથી આ યોજનાની જરૂર ઊભી થઈ છે. દેશે દર વર્ષે કરોડો ડૉલર ક્રૂડ અને ગૅસ આયાત કરવા માટે ખર્ચવા પડે છે."
તેમણે કહ્યું કે પાકિસ્તાનની કુલ આયાતમાંથી 25 ટકા ઊર્જા ક્ષેત્ર માટેની આયાત હોય છે.
તેઓ કહે છે કે થારમાંથી મળતા કોલસાનો ઉપયોગ ક્રૂડ અને ગૅસ તૈયાર કરવા માટે થઈ શકે છે. વૈશ્વિક સ્તરે આની કિંમત બહુ વધી ગઈ છે ત્યારે પાકિસ્તાને તેની આયાત માટે મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ ખર્ચવું પડે છે.
તેમના જણાવ્યા અનુસાર આ યોજના માટે પેટ્રોકેમિક્સ કૉમ્પ્લેક્સ તૈયાર કરવાનો વિચાર છે, જેના કારણે માત્ર ક્રૂડ અને ગૅસ જ નહીં, આગળ જતા ફર્ટિલાઇઝરનું ઉત્પાદન પણ થઈ શકે.
તેમણે જણાવ્યું કે દુનિયામાં આવા પેટ્રોકેમિકલ્સ કૉમ્પ્લેક્સ સક્રિય છે અને તેમણે પોતે ચીનમાં તેને સફળતાપૂર્વક કામ કરતા જોયા છે.

થારમાં કોલસાનો કેટલો ભંડાર?

પાકિસ્તાના કોલસાના ભંડારમાંથી 90 ટકા માત્ર સિંધ પ્રાંતના થારમાં જ છે. અહીંની કોલસાની ખાણમાંથી કોલસો કાઢીને તેમાંથી વીજઉત્પાદન થઈ રહ્યું છે અને વધુ વીજમથકોની પણ યોજના છે.
સિંધ એન્ગ્રો કોલ માઇનિંગ કંપનીના એક પ્રેઝન્ટેશન અનુસાર થારમાં 175 અબજ ટન કોલસાનો ભંડાર છે.
આટલા કોલસામાંથી 50 અબજ ટન ક્રૂડ ઑઇલ બની શકે, જે સાઉદી અરબ અને ઈરાનના સંયુક્ત તેલ ભંડાર કરતાંય વધારે થાય. એ જ રીતે ગૅસમાં ગણીએ તો પાકિસ્તાનને તેમાંથી 2000 ટ્રિલિયન ક્યૂબિક ફીટ ગેસ મળી શકે, જે પાકિસ્તાનના હાલના ગૅસભંડારથી 68 ગણો વધારે છે.
સમગ્ર થાર રણમાં કોલસો ભંડારાયેલો છે અને તેનો એક છેડો રાજસ્થાનમાં નીકળે છે ત્યાં પણ આ ભંડારનો 8 ટકા હિસ્સો આવેલો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
થારમાં પુષ્કળ કોલસો હોવા છતાં પાકિસ્તાને ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે આયાતી કોલસા પર આધાર રાખવો પડે છે.
પાકિસ્તાન ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાથી કોલસો આયાત કરે છે અને પડોશી દેશ અફઘાનિસ્તાનમાંથી પણ કોલસો મેળવે છે.
પાકિસ્તાનના ઉત્તરમાં એટલે કે પંજાબ અને ખૈબર પખ્તૂનવામાં કામ કરતી મોટા ભાગની સિમેન્ટ ફેક્ટરીઓ અફઘાની કોલસાનો ઉપયોગ કરે છે. અફઘાનિસ્તાનથી આવતા કોલસોમાં હાલમાં વધારો થયો છે, કેમ કે અહીંથી આવતો કોલસો બીજા દેશોની સરખામણીએ સસ્તો પડે છે.
અફઘાનિસ્તાનમાંથી વાહન રસ્તે કોલસો આયાત થઈ શકે છે. બીજા દેશોમાંથી દરિયા માર્ગે કોલસો લાવવો પડે, જે મોંઘો પડતો હોય છે.
ગયા વર્ષે ઑક્ટોબરથી કોલસાની કિંમતો વધી છે અને પાકિસ્તાનમાં આયાતી કોલસામાં પણ વધારો થયો છે. અફઘાનિસ્તાનથી આવતો કોલસો બીજા દેશોની સરખામણીએ 25થી 30 ટકા સસ્તો હોવાથી તેનો ઉપયોગ વધારે થાય છે.

કોલસામાંથી ક્રૂડ અને ગૅસ કેવી રીતે તૈયાર થાય?

ઇમેજ સ્રોત, Getty Images
ઊર્જાના જાણકાર અને ઍનર્જી પ્લાનિંગ કમિશન ઑફ પાકિસ્તાનના ભૂતપૂર્વ સભ્ય સૈયદ અખ્તલ અલીએ બીબીસીને જણાવ્યું કે કોલસાને ઊંચા દબાણમાં અર્ધ રીતે બાળવામાં આવે છે, જેનાથી મિથેન ગૅસ ઉત્પન્ન થાય છે. તેને સિન્થેટિક ગૅસ પણ કહેવામાં આવે છે.
આ ગૅસમાં કુદરતી ગૅસ જેવા જ ગુણ હોય છે. તેમાંથી કેટલાક માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીને તેને શુદ્ધ કરવામાં આવે છે અને પછી કુદરતી ગૅસની જેમ પાઇપલાઇનથી મોકલવામાં આવે છે. આ ગૅસને પ્રોસેસ કરીને તેમાંથી ડીઝલ પણ બનાવી શકાય છે.
સૈયદના જણાવ્યા અનુસાર કોલસામાંથી ગૅસ બનાવવાના ખર્ચની ગણતરી કરીએ તો લગભગ એલએનજીની કિંમતે તે પડતો હોય છે.
તેમના જણાવ્યા અનુસાર પાકિસ્તાન એલએનજીની આયાત 10 ડૉલર પ્રતિ એમએમબીટીયુ પ્રમાણે કરે છે. એ જ ભાવે કોલસામાંથી ગૅસ તૈયાર થઈ શકે છે. બીજી બાજુ હાલમાં કુદરતી ગૅસની કિંમત 10 ડૉલરથી ઘણી વધી ગઈ છે.
સૈયદે જણાવ્યું કે ચીનમાં એવા પ્લાન્ટ છે, જ્યાં કોલસામાંથી ક્રૂડ અને ગૅસનું ઉત્પાદન થાય છે.

પાકિસ્તાનને કેટલા ક્રૂડ અને ગૅસની જરૂર છે?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનમાં હાલમાં 6 બિલિયન ક્યૂબિક ફિટ ગૅસની માગ છે એમ તેઓ કહે છે. તેમાંથી 4 ક્યૂબિક ફિટનું ઉત્પાદન સ્થાનિક ધોરણે થાય છે અને 2 બિલિયન ક્યૂબિક ફિટ ગૅસની આયાત કરવી પડે છે.
પાકિસ્તાનમાં મળતા કુદરતી ગૅસનો ભાવ 6 ડૉલર પ્રતિ એમએમબીટીયુ પડે છે, જ્યારે આયાતી ગૅસનો ભાવ હાલમાં બહુ જ વધીને 40 ડૉલર પ્રતિ એમએમબીટીયુ સુધી પહોંચી ગયો છે.
પાકિસ્તાન રિફાઇનરીના ચીફ મૅનેજર ઝાહિદ મીરે બીબીસીને જણાવ્યું કે પાકિસ્તાનમાં દર મહિને 6થી 7 લાખ મેટ્રિક ટન ડીઝલની જરૂર પડે છે. લણણીની મોસમ હોય ત્યારે તેનો વપરાશ વધીને 8 લાખ મેટ્રિક ટન થઈ જતો હોય છે.
વાર્ષિક ધોરણે 70થી 75 લાખ મેટ્રિક ટન ડીઝલની જરૂર પડે. હાલમાં ડીઝલનો વૈશ્વિક ભાવ છે તે પ્રમાણે માત્ર ડીઝલની આયાત માટે વર્ષે 6 અબજ ડૉલરનો ખર્ચ કરવો પડે છે એવો અંદાજ તેઓ આપે છે.

પર્યાવરણ પર અસર

ઇમેજ સ્રોત, AFP
કોલસામાંથી ક્રૂડ અને ગૅસ બનાવવાની યોજના પર્યાવરણ માટે હાનિકારક સાબિત થઈ શકે ખરી?
દુનિયામાં આ રીતે કોલસાનો ઉપયોગ કરવાથી પર્યાવરણને શું અસર થઈ શકે તેના અહેવાલો આવેલા છે, ત્યારે સવાલ એ થવાનો કે પાકિસ્તાન થારના કોલસાનો ઊર્જા માટે ઉપયોગ કરે તો શું નુકસાન થઈ શકે.
ગ્રામીણ વિકાસ પરિયોજના પંચના કન્સલ્ટન્ટ હાનિયા અસદના આ વિશેના સંશોધન અનુસાર એક મેટ્રિક ટન ક્રૂડ તૈયાર કરવા માટે પાંચ મેટ્રિક ટન કોલસાની જરૂર પડે. તેનો અર્થ એ કે વધારે કોલસો ખોદવામાં આવે ત્યારે તેની અસર થઈ શકે અને ભૂગર્ભજળને પણ નુકસાન થાય.
સામાન્ય રિફાઇનરીની જગ્યાએ કોલસામાંથી ક્રૂડ તૈયાર કરવામાં આવે ત્યારે તેના માટે ત્રણ ગણું વધારે પાણી વાપરવું પડે છે. એ જ રીતે પ્રોસેસ પછી તેમાંથી 13 ગણું વધારે પ્રદૂષિત પાણી બહાર પડે છે. સાથે જ કાર્બન ડાયોક્સાઇડનું પણ ઉત્સર્જન થાય છે.
કોલસામાંથી ગૅસ બનાવવામાં આવે ત્યારે બે રીતે પ્રદૂષણ થાય છે. એક તો કોલસાનું ઉત્પાદન થાય ત્યારે પર્યવારણને જે નુકસાન થાય તે થાય, જ્યારે ક્રૂડ તરીકે તેનો ઉપયોગ થાય ત્યારે પણ તેનાથી નુકસાન થવાનું જ.
આ રીતે કોલસામાંથી બનતા ગૅસમાં કાર્બનનું ઉત્સર્જન કુદરતી ગૅસ કરતાં વધારે થાય છે. સંશોધન અનુસાર કુદરતી ગૅસની સરખામણીએ કોલસામાંથી બનતા ગૅસમાં ઝેરીલા ગૅસનું પ્રમાણ 7 ગણું વધારે હોય છે.
સૈયદ અખ્તર અલી પણ કહે છે કે કોલસાનો આ રીતે ઉપયોગ કરવાની પર્યાવરણ માટે સમસ્યા ઊભી થઈ શકે છે. જોકે તેમનું માનવું છે કે થાર રણ હોવાથી ત્યાં વસતિ ઓછી છે અને તેથી આ યોજનાથી એટલું નુકસાન ઓછું થશે.

પર્યાવરણને સુરક્ષિત રાખવાનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images
સીપીઈસીના ખાલિદ મન્સૂરે વ્યક્ત કરેલી ચિંતાને નકારી કાઢીને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે આ યોજનાથી પર્યાવરણને કોઈ જોખમ નથી.
તેમણે કહ્યું હતું કે આ યોજના માટે અત્યાધુનિક ઉપકરણો અને મશીનરીનો ઉપયોગ થશે, જે યુરોપના ધોરણો પ્રમાણેના હશે જેથી પર્યાવરણની સુરક્ષા થશે.
શર્મીન સિક્યોરિટીઝના ઊર્જા વિશ્લેષક અહમદ રઉફે બીબીસીને જણાવ્યું કે સિમેન્ટ કારખાનાંઓ માટે અફઘાનિસ્તાનમાંથી દર મહિને 6 લાખ ટન કોલસો આયાત થાય છે.
પંજાબ અને ખૈબર પખ્તૂનવાના કારખાનાની માગ સાડા ચાર લાખ ટનની છે, જ્યારે સિંધ અને બલૂચિસ્તાનની માગ 15 લાખ ટનની છે. ઉત્તરના વિસ્તારોમાં કોલસાની જરૂરિયાત છે તેનો 70 ટકા હિસ્સો અફઘાનિસ્તાનના આયાતી કોલસાથી પૂરો થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા ક્વાર્ટરમાં વૈશ્વિક ધોરણે ભાવો બહુ વધ્યા છે તેથી અફઘાનિસ્તાનથી વધારે કોલસાની આયાત થઈ રહી છે. અગાઉ પાકિસ્તાન ત્યાંથી મહિને દોઢ લાખ ટન કોલસાની આયાત કરતું હતું, જ્યારે હાલમાં મહિને સાડા ત્રણ લાખ ટન કોલસાની આયાત થઈ રહી છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












