મૉસ્કવા : રશિયાનું 12,490 ટનનું એ તોતિંગ યુદ્ધજહાજ, જેને યુક્રેને તોડી પાડ્યાનો દાવો કર્યો

રશિયાનું યુદ્ધજહાજ મૉસ્કવા કાળા સમુદ્રમાં 'ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત' થયા બાદ ડૂબી ગયું છે. જહાજ ડૂબવાની વાત સુધી રશિયા અને યુક્રેન બન્ને સહમત છે પણ તેના કારણને લઈને બન્ને વચ્ચે મતભેદ છે. જોકે, હવે રશિયન જહાજ ડૂબી ગયું તેની તસવીરો પણ સામે આવી છે.

મૉસ્કવા જહાજ

ઇમેજ સ્રોત, MAX DELANY/AFP

રશિયન સંરક્ષણ મંત્રાલય મુજબ જહાજ પર રાખવામાં આવેલ દારુગોળામાં આગ લાગવાથી જહાજ ક્ષતિગ્રસ્ત થયું હતું. જે બાદ તેને કિનારે લઈ જવામાં આવી રહ્યું હતું, પરંતુ રસ્તામાં જ તે ડૂબી ગયું.

જ્યારે, યુક્રેનનો દાવો છે કે તેણે નૅપ્ચ્યૂન મિસાઇલથી આ યુદ્ધજહાજ પર હુમલો કર્યો હતો. અમેરિકન અધિકારીઓએ નામ ન આપવાની શરતે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેઓ યુક્રેનના દાવા પર ભરોસો કરે છે.

ઉલ્લેખનીય છે કે મૉસ્કવા પર 510 નૌસૈનિકો હાજર હતા. સમુદ્રના રસ્તે યુક્રેન વિરુદ્ધ અભિયાનનું નેતૃત્વ આ જહાજ પરથી જ થઈ રહ્યું હતું. જેથી આ જહાજ એક પ્રતીકાત્મક મહત્ત્વ ધરાવતું હતું.

રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો શરુ કર્યો તે જ દિવસે મૉસ્કવા ચર્ચામાં આવ્યું હતું. આ જહાજ પરથી કાળા સમુદ્રમાં આવેલા 'સ્નેક આઇલૅન્ડ'ની સુરક્ષા કરી રહેલી યુક્રેનિયન સૈનિકોની ટુકડીને સરેન્ડર કરવાનું કહેવાયું હતું. જોકે, તેમણે આમ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

line

દારુગોળામાં વિસ્ફોટ કે મિસાઇલ હુમલો?

રશિયન યુદ્ધ જહાજ મૉસ્કવા ડૂબી ગયું તેની તસવીરો હવે સામે આવી છે.

ઇમેજ સ્રોત, MIKE RIGHT/TWITTER

ઇમેજ કૅપ્શન, રશિયન યુદ્ધ જહાજ મૉસ્કવા ડૂબી ગયું તેની તસવીરો હવે સામે આવી છે.

મૉસ્કવા ડૂબ્યુ તે પહેલાં રશિયન સંરક્ષણ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું હતું કે "જહાજ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયું છે અને તમામ નૌસૈનિકોને બચાવી લેવામાં આવ્યા છે."

ગુરુવારે બપોરે રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે જહાજ પર આગ લાગી હતી. જેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને હવે તેને કિનારા પર લાવવામાં આવી રહ્યું છે.

ત્યાર બાદ વધુ એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું કે સમુદ્રમાં તોફાન જેવી સ્થિતિ ઉદ્ભવતાં જહાજ ડૂબી ગયું છે. નિવેદન અનુસાર કિનારા પર લાવતી વખતે "જહાજને પહોંચેલા નુક્સાનના કારણે સંતુલન બગડી ગયું હતું."

અંતે રશિયાએ જહાજ ડૂબવા પાછળ દારૂગોળામાં લાગેલી આગને જવાબદાર ઠેરવી અને મિસાઇલ હુમલાનો કોઈ ઉલ્લેખ ન કર્યો.

રશિયા

ઇમેજ સ્રોત, RUSSIAN DEFENCE MINISTRY

ઇમેજ કૅપ્શન, રશિયાના સંરક્ષણ મંત્રાલયે જારી કરેલો વીડિયો જેમાં દાવો કરાયો છે કે આ સૈનિકો મૉસ્કવામાં સવાર હતા.

જોકે, આ યુદ્ધજહાજને ડૂબાડવાની જવાબદારી યુક્રેને લીધી છે. યુક્રેને દાવો કર્યો છે કે તેણે આ જહાજ પર યુક્રેનમાં જ બનેલી નૅપ્ચ્યૂન મિસાઇલો દ્વારા હુમલો કર્યો હતો.

જહાજ ડૂબતાં પહેલાં યુક્રેનિયન અધિકારીઓએ એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે જહાજ પર થઈ રહેલા વિસ્ફોટ અને ખરાબ વાતાવરણના કારણે ચાલકદળના સદસ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં ઘણી તકલીફ પડી.

ગયા શુક્રવારે અમેરિકન અધિકારીઓએ પણ કહ્યું હતું કે યુક્રેનની બે નૅપ્ચ્યૂન મિસાઇલોએ આ જહાજ પર હુમલો કર્યો હતો. જોકે, આ હુમલામાં જાનહાનિ થઈ હોવાની કોઈ માહિતી નથી. રશિયાએ અત્યાર સુધી એક પણ નૌસૈનિકના મૃત્યુ વાત સ્વીકાર નથી.

બીબીસી આ દાવાની પુષ્ટિ કરતું નથી.

શનિવારે રશિયાના સંરક્ષણ મંત્રાલયે નૌસૈનિકોનો એક વીડિયો જારી કર્યો હતો. જેમાં તેમણે દાવો કર્યો કે એ મૉસ્કવાનું ચાલકદળ છે. આ વીડિયોમાં સૈનિકો ક્રાઇમિયાના શહેર સેવાસ્તોપોલમાં પરેડમાં ભાગ લેતા જોવા મળી રહ્યા હતા.

line

મૉસ્કવાનો ઇતિહાસ

મૉસ્કવા જહાજ

ઇમેજ સ્રોત, MAX DELANY/AFP

આ યુદ્ધજહાજ મૂળ સોવિયેટ જમાનામાં બન્યું હતું અને તેણે 80ના દાયકામાં પોતાના મિશનની શરૂઆત કરી હતી. વર્ષ 2020થી કાળા સમુદ્રમાં રશિયાનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે.

2014માં ક્રાઇમિયા પર કબજો કર્યા બાદથી કાળા સમુદ્ર પર રશિયાનો દબદબો રહ્યો છે. કાળા સમુદ્રમાં રશિયન નૌકાદળનો મોરચો હંમેશાંથી પ્રભાવિત રહ્યો છે.

હાલના સંઘર્ષ દરમિયાન પણ કાળા સમુદ્રમાં હયાત મોરચામાંથી યુક્રેનમાં ગમે તે સ્થળ પર મિસાઇલ છોડી શકાય છે. આ સાથે જ મારિયુપોલને કબજામાં લેવાના પ્રયાસોમાં પણ આ નૌસેનાના મોરચાનું ઘણું મહત્ત્વ રહ્યું છે.

યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં મૉસ્કવાને યુક્રેનના દક્ષિણમાં આવેલા શહેર માયકોલાઇવ પાસે તહેનાત કરવામાં આવ્યું હતું. આ શહેરમાં તાજેતરમાં જ રશિયાએ ભારે બૉમ્બમારો કર્યો હતો.

આ પહેલાં મૉસ્કવાને સીરિયાના સંઘર્ષ દરમિયાન તહેનાત કરવામાં આવ્યું હતું. ત્યાં તેણે સીરિયામાં હાજર રશિયન સૈનિકોને દરિયામાંથી સુરક્ષા પૂરી પાડી હતી.

દાવો કરવામાં આવે છે કે આ જહાજ પર કથિત રીતે 16 વલ્કન ઍન્ટી-શિપ મિસાઇલો સિવાય ઘણા ઍન્ટી-સબમરીન અને માઇન-ટોરપીડો જેવાં હથિયારો હતાં.

એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે જો આ જહાજ પર યુક્રેનના હુમલાની પુષ્ટિ થઈ તો બીજા વિશ્વયુદ્ધ બાદ દુશ્મનના હુમલાથી ડૂબનારું આ સૌથી મોટું યુદ્ધજહાજ હશે. મૉસ્કવાનું વજન અંદાજે 12,490 ટન હોવાનું કહેવાય છે.

યુક્રેન પર હુમલા બાદ રશિયાએ આ બીજુ મોટું જહાજ ગુમાવ્યું છે. આ પહેલા માર્ચમાં યુક્રેનના હુમલાથી 'સેરાટોવ' લૅન્ડિંગ જહાજ બર્દિયાંસ્ક બંદર પર નષ્ટ થઈ ગયું હતું.

line

કેટલુ મજબૂત હતું મૉસ્કવા?

મૉસ્કવા જહાજ

ઇમેજ સ્રોત, Reuters

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રેટજિક સ્ટડીઝ સાથે જોડાયેલા નેવલ ઍક્સપર્ટ જોનાથન બેનથમે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે મૉસ્કવા એક સ્લાવા ક્લાસનું યુદ્ધજહાજ હતું. જે રશિયાની ઍક્ટિવ ફ્લીટનું સૌથી સુરક્ષિત ગણાતું જહાજ હતું.

આ જહાજ ટ્રિપલ ટિયર ઍર ડિફેન્સ સિસ્ટમથી સજ્જ હતું. જેને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો નૅપ્ચ્યુન મિસાઇલથી બચવાની ત્રણ તક મળી શકે છે.

આ જહાજ મીડિયમ અને શૉર્ટ-રેન્જ ડિફેન્સ ક્ષમતાઓના વધારાની છ શૉર્ટ-રેન્જ ક્લોઝ-ઇન વૅપન સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે.

બેનથમ પ્રમાણે, મૉસ્કવા પર 360 ડિગ્રી ઍન્ટી ઍર ડિફેન્સ કવરેજ હોવું જોઈતું હતું. તેઓ કહે છે, "ક્લોઝ-ઇન વૅપન સિસ્ટમ એક મિનિટમાં પાંચ હજાર રાઉન્ડ ફાયર કરી શકે છે. જે આ યુદ્ધજહાજની ચારેબાજુ એક પ્રકારે સુરક્ષાકવચ બનાવી શકે છે. તે આ જહાજનું અંતિમ સુરક્ષાકવચ જેવું છે."

તેઓ કહે છે, "જો આ હુમલો એક મિસાઇલથી કરવામાં આવ્યો હોય તો એ રશિયન સરફેસ ફ્લીટના આધુનિકીકરણની ક્ષમતા પર સવાલો પેદા કરે છે કે શું તેમની પાસે પર્યાપ્ત દારુગોળો હતો કે પછી તેમાં એન્જિનિયરિંગ સાથે જોડાયેલી ખામીઓ હતી. કારણ કે ત્રિસ્તરીય ઍન્ટી-ઍર ડિફેન્સ સિસ્ટમ બાદ આ યુદ્ધજહાજ પર હુમલો કરવો ખુબ મુશ્કેલ બની જાય છે."

line

નૅપ્ચ્યૂન મિસાઇલોની ખાસિયત

મૉસ્કવા જહાજ

ઇમેજ સ્રોત, REUTERS/DENIS SINYAKOV

યુક્રેનનો દાવો છે કે તેમની બે નૅપ્ચ્યૂન મિસાઇલોએ રશિયાના મુખ્ય યુદ્ધજહાજ પર હુમલો કર્યો હતો.

વર્ષ 2014માં ક્રાઇમિયા પર કબજો કર્યા બાદ કાળા સમુદ્રમાં રશિયન નૌકાદળના વધતાં ભયના જવાબમાં કિએવના સૈન્ય એન્જિનિયરોએ આ મિસાઇલ સિસ્ટમને તૈયાર કરી હતી.

કિએવ પોસ્ટ અનુસાર, ગયા વર્ષે માર્ચ મહિનામાં યુક્રેનિયન નૌસેનાને 300 કિલોમીટર રેન્જ પર નિશાનો લગાવી શકે તેવી નૅપ્ચ્યૂન મિસાઇલોની પહેલી ખેપ મળી હતી.

રશિયાના હુમલા બાદ યુક્રેનને પશ્ચિમી દેશો પાસેથી સૈન્યમદદ અને હથિયાર મળી રહ્યાં છે. આ સહાયતામાં 10 કરોડ ડૉલરના ઍન્ટી-ઍરક્રાફ્ટ અને ઍન્ટી-ટૅન્ક મિસાઇલો પણ સામેલ છે.

line

સંઘર્ષ વધવાની આશંકા

રશિયા યુક્રેન સંઘર્ષ

ઇમેજ સ્રોત, EPA

આ યુદ્ધજહાજ નષ્ટ થયા બાદ યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લાં 50થી પણ વધારે દિવસોથી ચાલી રહેલા સંઘર્ષમાં એક નવો વળાંક આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તેની સાબિતિ કિએવ અને લવિવ પર થયેલા તાજેતરના હુમલા પરથી મળે છે.

રશિયાએ યુક્રેનની રાજધાની કિએવ અને લવિવમાં સૈન્યઠેકાણાઓ પર હુમલા કર્યા છે.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા આઇગોર કોનશેન્કોફે જણાવ્યું કે એકદમ ચોક્કસ નિશાનો લગાવવા સક્ષમ મિસાઇલોથી 16 ઠેકાણા પર હુમલા કરવામાં આવ્યા છે. જેમાં નૅપ્ચ્યૂન મિસાઇલ બનાવવાની ફેકટરીથી લઈને હથિયારોની ફેકટરી અને વૅરહાઉસ સામેલ છે.

આ સાથે નિપ્રોસ્થિત બીબીસી સંવાદદાતા ટૉમ બેટમેનના અહેવાલ પ્રમાણે, રશિયા સોમવારથી મારિયુપોલમાં આવવા અને તેની બહાર જવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી રહ્યું છે.

મારિયુપોલના મેયર પેટ્રો ઍન્ડ્રીશ્ચેંકોએ ટેલિગ્રામ પર જણાવ્યું કે રશિયન સૈન્યબળ 18 એપ્રિલથી શહેરમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય મામલાના જાણકાર સૅમ્યુઅલ રમાનીએ ટ્વિટર પર લખ્યું છે કે મૉસ્કવા નષ્ટ થવાના કારણે રશિયામાં "સ્પેશિયલ મિલિટરી ઑપરેશન"ને યુક્રેન સામેના યુદ્ધનો સત્તાવાર દરજ્જો આપવાની માગ ઊઠી છે.

કહેવામાં આવી રહ્યું છે કે જો રશિયા આ રસ્તો અપનાવશે તો આ યુદ્ધમાં વધારે સૈનિકોની ભરતીથી લઈને પોતાના સહયોગીઓ પાસેથી મદદ લેવા જેવા વિકલ્પો ખુલ્લા રહી શકે છે. જોકે, આ મુદ્દે રશિયા તરફથી કોઈ પ્રકારનું સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો