આ વડા પ્રધાન મોદીનું સાહસ છે કે પછી તેઓ નેહરુએ ચીંધ્યા માર્ગે આગળ વધી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા

- યુક્રેન સંકટ છતાં ભારત અને રશિયા વચ્ચેની ભાગીદારીને અત્યાર સુધી આંચ આવી નથી
- એક બાજુ યુરોપે રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે ત્યારે બીજી તરફ રશિયા પાસેથી ભારતની ઓઈલની આયાતમાં વધારો થઈ રહ્યો છે
- વર્તમાન નાણાકીય વર્ષમાં રશિયાથી ભારતની આયાતમાં લગભગ 400 ટકા વધારો થયો છે
- વર્તમાન નાણાકીય વર્ષના પહેલા 10 મહિનામાં ભારત માટે મર્ચન્ડાઈઝ્ડ આયાતની બાબતમાં રશિયા ચોથા ક્રમે રહ્યું છે
- વર્તમાન નાણાકીય વર્ષમાં રશિયાથી ભારતની આયાત 37.31 અબજ ડૉલરની છે, જે પ્રમાણ ગત વર્ષે સમાન સમયગાળામાં માત્ર 7.71 અબજ ડૉલર હતું
- યુક્રેન સંકટ દરમિયાન મોદી સરકારે ભારતની વિદેશ નીતિને જે રીતે આગળ વધારી છે તેના પાછળ મુખ્યત્વે ચાર કારણો ઐતિહાસિક પશ્ચાદભૂ, ઊર્જા, શસ્ત્રો અને પ્રભાવ છે

રશિયા દ્વારા યુક્રેન પર છેલ્લા એક વર્ષથી વધુ સમયથી હુમલા કરવામાં આવી રહ્યા છે. રશિયાના યુક્રેન પરના આક્રમણને 24 ફેબ્રુઆરીએ એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે.
આ યુદ્ધમાં કોનો વિજય થશે અને કોનો પરાજય થશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ આ જંગને કારણે છેલ્લા એક વર્ષમાં વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે.
વિદેશ નીતિના મામલે ભારત અનેક મોરચે ઝઝૂમી રહ્યું છે. ભારત ખુદને વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર કહે છે અને રશિયાએ એક લોકશાહી દેશ યુક્રેન પર હુમલો કર્યો છે.
પશ્ચિમના લોકશાહી દેશોએ યુક્રેન પરના રશિયાના હુમલાની ખુલ્લેઆમ ટીકા કરી છે અને યુક્રેનને ટેકો જાહેર કર્યો છે. એક લોકશાહી દેશ હોવાને કારણે ભારત પર, રશિયાના હુમલાની ટીકા કરવાનું દબાણ છે, પરંતુ રશિયા ભારતનું પરંપરાગત દોસ્ત છે.
પશ્ચિમના દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધ લાદ્યા છે. યુરોપના દેશોએ રશિયામાંથી ઓઈલ તથા ગૅસની આયાતમાં મોટો ઘટાડો કર્યો છે. યુક્રેનમાં અપરોક્ષ રીતે હથિયાર પણ મોકલવામાં આવ્યાં છે, જેથી યુક્રેન પોતાનું રક્ષણ જાતે કરી શકે, પરંતુ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતે યુક્રેન પરના હુમલા બદલ રશિયાની ટીકા કરી નથી.

રશિયા સાથેની ભાગીદારી યથાવત

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેન સંકટ છતાં ભારત અને રશિયા વચ્ચેની ભાગીદારીને અત્યાર સુધી આંચ આવી નથી. ગત સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થઈ હતી. બન્ને નેતાએ જણાવ્યું હતું કે રશિયા અને ભારતની દોસ્તી અતૂટ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિને કેમેરાની સામે કહ્યું હતું કે હવે યુદ્ધનો જમાનો નથી, પરંતુ યુદ્ધને એક વર્ષ થઈ ગયું હોવા છતાં ભારતે રશિયાને એ માટે જવાબદાર ગણાવ્યું નથી અને તેની ટીકા પણ કરી નથી.
એક બાજુ યુરોપે રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે ત્યારે બીજી તરફ રશિયા પાસેથી ભારતની ઓઈલની આયાતમાં વધારો થઈ રહ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષમાં રશિયાથી ભારતની આયાતમાં લગભગ 400 ટકા વધારો થયો છે. આયાતમાં જંગી ઉછાળાનું કારણ રશિયા તરફથી ડિસ્કાઉન્ટ સાથે મળી રહેલું ક્રૂડ ઓઈલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્તમાન નાણાકીય વર્ષના પહેલા 10 મહિનામાં ભારત માટે મર્ચન્ડાઈઝ્ડ આયાતની બાબતમાં રશિયા ચોથા ક્રમે રહ્યું છે. પહેલા ક્રમે ચીન, બીજા ક્રમે સંયુક્ત આરબ અમિરાત અને ત્રીજા ક્રમે અમેરિકા છે.
વર્તમાન નાણાકીય વર્ષમાં રશિયાથી ભારતની આયાત 37.31 અબજ ડૉલરની છે, જે પ્રમાણ ગત વર્ષે સમાન સમયગાળામાં માત્ર 7.71 અબજ ડોલર હતું.
ભારતના વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે નિક્કેઈ એશિયાને કહ્યું હતું કે “ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે અને તેને રિફાઈન કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ તરીકે વેચ્યું છે.”
તેના પરિણામે ભારતની પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસમાં મોટો વધારો થયો છે. એપ્રિલ-2022થી જાન્યુઆરી-2023 દરમિયાન ભારતની પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ 78.58 અબજ ડૉલરની થઈ છે, જે ગત નાણાકીય વર્ષમાં 50.77 અબજ ડૉલરની હતી.
એ સિવાય ભારત રશિયામાં નિર્મિત શસ્ત્રોની ખરીદી પણ સતત કરી રહ્યું છે. માત્ર ભારત જ નહીં, પરંતુ ગ્લોબલ સાઉથના દેશો પણ પશ્ચિમી દેશોના યુક્રેન પર ધ્યાન કેન્દ્રીત કરવાને ખાદ્ય સુરક્ષા, મોંઘવારી અને વધતા કરજ જેવા જરૂરી મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન અન્યત્ર દોરવાની તરકીબ ગણી રહ્યા હોવાનું કહેવાય છે.

યુક્રેન સંકટમાં મોદી સરકારની નીતિ

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાના યુક્રેન પરના આક્રમણ સંબંધે ભારતના વલણને ઘણા લોકો સાહસભર્યું ગણી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને દેશની સ્વતંત્ર વિદેશ નીતિ સાથે જોડી રહ્યા છે. કેટલાક લોકો એવું પણ માને છે કે ભારત પોતાના હિત અનુસાર નિર્ણય કરી રહ્યું છે.
યુક્રેન સંકટ દરમિયાન મોદી સરકારે ભારતની વિદેશ નીતિને જે રીતે આગળ વધારી છે તેના પાછળ મુખ્યત્વે ચાર કારણ છે. એ ચાર કારણમાં ઐતિહાસિક પશ્ચાદભૂ, ઊર્જા, શસ્ત્રો અને પ્રભાવનો સમાવેશ થાય છે.
ભારત અને રશિયા વચ્ચે ઐતિહાસિક સંબંધ છે. ભારતમાં બ્રિટિશરોનું શાસન હતું ત્યારે સોવિયેત યુનિયને વર્ષ 1900માં તેનું પહેલું વાણિજ્ય દૂતાવાસ અહીં શરૂ કર્યું હતું, પરંતુ બન્ને દેશ વચ્ચેના સંબંધમાં શીત યુદ્ધ દરમિયાન ઉષ્મા વધી હતી.
આઝાદી મળી ત્યારથી જ ભારતનું સોવિયેત યુનિયન પ્રત્યેનું વલણ સહાનુભૂતિભર્યું રહ્યું છે. ઑબ્ઝર્વર ફાઉન્ડેશનનાં પોલિટિકલ સાયન્ટિસ્ટ પિલ્લઈ રાજેશ્વરીએ લખ્યું છે કે ભારતની સોવિયેત યુનિયન પ્રત્યેની સહાનુભૂતિ ઉપનિવેશ તથા સામ્રાજ્યવાદ વિરોધી લાગણીને કારણે પણ છે.
આ ભાવના શીત યુદ્ધ દરમિયાન ચરમ પર હતી. આ લાગણી ઘણીવાર પશ્ચિમ તથા અમેરિકા-વિરોધી થઈ જતી હોવાનું પણ કહેવાય છે. શીત યુદ્ધ પછી પણ ભારતની રશિયા પ્રત્યેની સહાનુભૂતિ યથાવત રહી હતી અને યુક્રેન યુદ્ધમાં પણ ભારતના વલણમાં કોઈ પરિવર્તન થયું નથી.
યુક્રેન સંકટમાં ભારતના વલણને લીધે પશ્ચિમ ભલે નિરાશ થયું હોય, પરંતુ ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર દેશની વિદેશ નીતિનો જોરદાર અને આક્રમક રીતે બચાવ કરી રહ્યા છે. ભારતના વલણ સંબંધે યુરોપની નિરાશા અને બીજા સવાલોના જવાબ પણ જયશંકર બહુ આક્રમક રીતે આપી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
ગત જૂનના પહેલા સપ્તાહમાં સ્લોવેકિયાની રાજધાની બ્રાતિસ્વાલામાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં જયશંકરે કહ્યું હતું કે “યુરોપની માનસિકતા એવી છે કે તેની સમસ્યા આખી દુનિયાની સમસ્યા છે, પરંતુ આખી દુનિયાની સમસ્યા યુરોપની સમસ્યા નથી.”
જિંદલ ગ્લોબલ લો સ્કૂલના પ્રોફેસર પ્રભાષ રંજને જયશંકરની આ ટિપ્પણીને, દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ 1948ની ત્રીજી નવેમ્બરે સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં કરેલા ભાષણ સાથે સાંકળી હતી.
નેહરુએ કહ્યું હતું કે “યુરોપની સમસ્યાઓના નિરાકરણમાં મને પણ એટલો જ રસ છે, પરંતુ હું એમ પણ કહેવા માગું છું કે યુરોપથી આગળ પણ એક દુનિયા છે. યુરોપની સમસ્યા જ મુખ્યત્વે આખી દુનિયાની સમસ્યા છે એવા દૃષ્ટિકોણને કારણે તમે તમારી સમસ્યાનું નિરાકરણ કરી શકતા નથી.”
“સમસ્યાઓ વિશે સકળતાના સંદર્ભમાં વાત થવી જોઈએ. તમે દુનિયાની એકેય સમસ્યાની ઉપેક્ષા કરતા હો તો તમે સમસ્યાને યોગ્ય રીતે સમજતા નથી. હું એશિયાના એક પ્રતિનિધિ તરીકે વાત કરી રહ્યો છું અને એશિયા પણ આ દુનિયાનો હિસ્સો છે.”
જયશંકરની આ ટિપ્પણીનો હવાલો આપતાં જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ત્સે આ મહિને મ્યુનિક સિક્યુરિટી કોન્ફરન્સમાં કહ્યું હતું કે “ભારતીય વિદેશ પ્રધાનની ટિપ્પણીમાં દમ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધમાં નિયમોનું ચુસ્તીપૂર્વક પાલન કરવામાં આવશે તો આ માત્ર યુરોપની સમસ્યા નહીં રહે.”
જર્મન ચાન્સેલર 25 અને 26 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવ્યા હતા. એ વખતે એક ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે “આ પડકારજનક સમયમાં ભારત જી-20નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. યુક્રેન પરના રશિયાના આક્રમણનું બહુ ભયાનક પરિણામ બહાર આવી રહ્યું છે. તેની દુનિયા પર માઠી અસર થઈ છે. ભારત સાથે મળીને અમે આ યુદ્ધ અટકાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ.”

નેહરુએ ચીંધેલા માર્ગે આગળ વધી રહી છે મોદી સરકાર?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત જે આક્રમકતાથી પશ્ચિમના દબાણને ખાળી રહ્યું છે તેનો આધાર શું છે? ઘણા લોકો માને છે કે અભિવ્યક્તિની શૈલી આક્રમક છે, પણ ભારતનું આ વલણ નવું નથી.
જવાહરલાલ નેહરુએ બિન-જોડાણવાદી વિદેશ નીતિનો પાયો નાખ્યો હતો. એ પછીની તમામ સરકારો પોતપોતાની રીતે તે નીતિનું પાલન કરતી રહી છે.
હંગેરીમાં સોવિયેત યુનિયનના હસ્તક્ષેપના એક વર્ષ પછી 1957માં તત્કાલીન વડાપ્રધાન નેહરુએ સંસદમાં, ભારતે આ મામલે સોવિયેત યુનિયનની ટીકા શા માટે ન કરી હતી, તે જણાવ્યું હતું.
નેહરુએ કહ્યું હતું કે “દુનિયામાં દર વર્ષે અને રોજેરોજ આપણને પસંદ ન હોય તેવી અનેક ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આપણે તેની ટીકા કરી નથી, કારણ કે કોઈ સમસ્યાનું નિરાકરણ શોધી રહ્યું હોય ત્યારે ટીકા કરવાથી કોઈ મદદ મળતી નથી.”

ઇમેજ સ્રોત, Getty Images
ધ હિન્દુ અખબારના આંતરરાષ્ટ્રીય સંપાદક સ્ટેનલી જોનીએ લખ્યું છે કે નેહરુની આ નીતિ ટક્કરની સ્થિતિમાં ભારતને માર્ગ દેખાડે છે, ખાસ કરીને ભારતના ભાગીદારો વચ્ચે ટક્કર થતી હોય ત્યારે.
સોવિયેત યુનિયન દ્વારા 1956માં હંગેરીમાં કે 1968માં ચેકોસ્લોવેકિયામાં કે પછી 1979માં અફઘાનિસ્તાનમાં હસ્તક્ષેપ કરવામાં આવ્યો ત્યારે પણ ભારતનું વલણ આવું જ રહ્યું હતું.
2003માં અમેરિકાએ ઇરાક પર હુમલો કર્યો ત્યારે પણ ભારતે આ વલણ અપનાવ્યું હતું. સ્ટેનલી જોનીએ લખ્યું છે કે યુક્રેન પરના હુમલામાં રશિયાની ટીકા નહીં કરવાનું અને સંયુક્ત રાષ્ટ્રસંઘની ટીકાની દરખાસ્ત પર મતદાન કરવાથી અળગા રહેવાનું વલણ ભારતના તટસ્થતાભર્યા ઐતિહાસિક વલણથી અલગ નથી.
અલબત, વાત માત્ર ભારતની જ નથી. યુક્રેન સંકટમાં દક્ષિણ આફ્રિકા, ઈન્ડોનેશિયા અને સંયુક્ત આરબ અમિરાત જેવા દેશોનું વલણ પણ ભારત જેવું જ રહ્યું છે. તુર્કી નાટોનો હિસ્સો છે અને નાટો યુક્રેનને પડખે હોવા છતાં તુર્કીના વડા અર્દોઆનનું વલણ બિલકુલ અલગ છે. તુર્કી નાટોનું સભ્ય હોવા છતાં યુક્રેન વિરુદ્ધના પ્રતિબંધમાં સામેલ થયું નથી.
અમેરિકાના પ્રમુખ જો બાઈડને યુક્રેન સંકટમાં ભારતના વલણને અસ્થિર ગણાવ્યું હતું. ગત એપ્રિલમાં અમેરિકાના નાયબ રાષ્ટ્રીય સલામતી સલાહકાર દલીપ સિંહ ભારત આવ્યા હતા અને તેમણે કહ્યુ હતું કે ભારત રશિયા સાથેનો વેપાર ચાલુ રાખશે તો તેણે તેનું પરિણામ ભોગવવું પડશે. જોકે, ભારતે એ ધમકીની જરાય દરકાર કરી નથી.

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાએ જ તેનું વલણ બદલવું પડ્યું છે. હવે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે એ અમેરિકા ઇચ્છતું ન હોવા છતાં તેનો વિરોધ કરતું નથી. અમેરિકાના યુરોપિયન તથા યુરેશિયન બાબતોના આસિસ્ટંટ સેક્રેટરી કેરેન ડોનફ્રિડે આઠમી ફેબ્રુઆરીએ એક ટેલિ-કોન્ફરન્સમાં મીડિયાને જણાવ્યું હતું કે યુક્રેન સંકટમાં ભારતના વલણ બાબતે અમેરિકા બેચેન નથી.
ડોનફ્રિડે કહ્યું હતું કે “હું સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે અમેરિકા ભારત પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધ લાદવા ઇચ્છતું નથી. ભારત સાથેનો અમારો સંબંધ અત્યંત મહત્ત્વનો છે.”
રશિયા પાસેથી ઓઇલ ખરીદવાના મુદ્દે ભારતીય વિદેશ પ્રધાન ભારતનું વલણ એકેય શબ્દ ચોર્યા વિના વ્યક્ત કરતા રહ્યા છે. જયશંકરે ગયા ડિસેમ્બરમાં સંસદમાં જણાવ્યું હતું કે ભારતની રિફાઈનરી કંપનીઓ જ્યાંથી સારો સોદો થતો હશે ત્યાંથી ઓઇલ ખરીદશે.
એસ જયશંકરે કહ્યું હતું કે “રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બાબતે અમે આપણી કંપનીઓને કોઈ આદેશ આપી શકીએ નહીં એ હું સ્પષ્ટ કરવા ઇચ્છું છું. તેમના સારો વિકલ્પ મળશે ત્યાંથી તેઓ ઓઇલ ખરીદશે. તે માર્કેટ પર નિર્ભર છે. આ એક સંવેદનશીલ નીતિ છે કે જે સોદો ભારતના હિતમાં હશે તે સોદો કરવામાં આવશે અને અમે તેના પ્રયાસ જ કરી રહ્યા છીએ.”
અમેરિકાએ યુક્રેન પર રશિયાનાં આક્રમણને લોકતંત્ર તથા દુનિયા પરનો હુમલો ગણાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેના પ્રયાસ સફળ થયા નથી. અમેરિકાના એ વિચાર સાથે ભારત પણ સહમત થયું નથી. રશિયા પરના પ્રતિબંધોમાં પણ મુખ્યત્વે પશ્ચિમના દેશો સામેલ છે.
એશિયાના માત્ર ત્રણ દેશ – જાપાન, દક્ષિણ કોરિયા અને સિંગાપુર જ રશિયા પરના પ્રતિબંધોમાં સામેલ છે. ચીન વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે અને તેણે રશિયા પરના પશ્ચિમના પ્રતિબંધોને ફગાવી દીધા છે. ભારતે પણ રશિયા સાથેનો વેપાર ચાલુ રાખ્યો છે. તેના પરિણામે પશ્ચિમના પ્રતિબંધ અસરકારક સાબિત થયા નથી.
યુક્રેન સંકટ શીત યુદ્ધ બાદનું સૌથી મહત્વનું વૈશ્વિક સંકટ હોવાનું કહેવાય છે. ભારતે રશિયા સિવાય પશ્ચિમના દેશો સાથેના સંબંધ પણ છેલ્લા 30 વર્ષમાં બહેતર બનાવ્યા છે. તેથી ભારત માટે કોઈ એકની તરફેણ કરવાનું આસાન ન હતું.

અમેરિકાને નૈતિક અધિકાર નથી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાને નિયમ આધારિત દુનિયાની વાત કરવાનો નૈતિક અધિકાર ન હોવાનું પણ ઘણા લોકો ભારપૂર્વક કહી રહ્યા છે.
નિષ્ણાતો માને છે કે દુનિયા નિયમને આધારે ચાલવી જોઈએ એવું અમેરિકા માનતું હોત તો તેણે યમનમાં સાઉદી અરેબિયાને, ગોલાન તથા પૂર્વ જેરુસલેમમાં ઈઝરાયલને, સીરિયામાં તુર્કીને અને ઈરાક, અફઘાનિસ્તાન તથા લીબિયામાં ખુદને રોકવું જોઈતું હતું. યુક્રેન પર રશિયાના આક્રમણના કિસ્સામાં લોકો અમેરિકાના નૈતિક તર્કને ભૂતકાળની એરણ પર તોળી રહ્યા છે તે દેખીતું છે. લોકોનું કહેવું છે કે આ નિયમ માત્ર રશિયા માટે જ હોઈ શકે નહીં.
ક્લેમેંટ માન્યાથેલા દક્ષિણ આફ્રિકાના રેડિયો-702 પર એક લોકપ્રિય તથા પ્રભાવશાળી ટૉક શોના સંચાલક છે. તેઓ તેમના કાર્યક્રમમાં યુક્રેન સંકટ બાબતે અનેક પ્રકારના સવાલ પૂછતા હોય છે. યુક્રેન પર હુમલો કરવાનું પુતિનને કેમ યોગ્ય લાગ્યું હતું? યુક્રેનને શસ્ત્રો આપીને નાટો યુદ્ધની આગમાં ઘી હોમી રહ્યું છે? અમેરિકા પોતે અનેક દેશો પર હુમલો કરી ચૂક્યું છે ત્યારે તેની વાત દુનિયાના બીજા દેશોએ શા માટે સાંભળવી જોઈએ?
ક્લેમેંટ માન્યાથેલાએ વૉશિંગ્ટન પોસ્ટ અખબારને કહ્યું હતું કે “અમેરિકાએ ઈરાક પર હુમલો કર્યો હતો, લીબિયા પર હુમલો કર્યો હતો. એ હુમલાઓ બાબતે અમેરિકાની પોતાની દલીલ છે. અમે તે દલીલો સાથે જરાય સહમત નથી. હવે આખી દુનિયા રશિયા-વિરોધી થઈ જાય તેવા પ્રયાસ અમેરિકા કરી રહ્યું છે. એ પણ અસ્વીકાર્ય છે તે દેખીતું છે. કોઈ બીજા દેશ પર હુમલાના તર્કને હું હજુ સુધી સમજી શક્યો નથી. સાચું કહીએ તો અમેરિકા આપણને ધમકાવતું હોય તેવું લાગે છે.”

યુક્રેન પર આક્રમણના મુદ્દે દુનિયા કેવી રીતે વહેંચાયેલી છે?

ઇમેજ સ્રોત, Getty Images
વૉશિંગ્ટન પોસ્ટે તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે “યુક્રેન સંકટમાં દુનિયા ખરાબ રીતે વહેંચાઈ ગયેલી છે. તેની સાથે એ પણ જોવા મળી રહ્યું છે કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં અમેરિકાની પણ એક મર્યાદા છે. તેના નક્કર ઉદાહરણ છે. પુતિનને એકલા પાડી દેવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે.”
“પુતિનને એકલા પાડી દેવાના પ્રયાસમાં ચીન તથા ઈરાન સાથ નહીં આપે તે દેખીતું હતું, પરંતુ ગત સપ્તાહે ભારતે જાહેરાત કરી હતી કે યુક્રેન સંકટ પછી રશિયા સાથેના તેના વ્યાપારમાં 400 ટકા વધારો થયો છે.”
“આફ્રિકાના નવ દેશોએ રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લાવરોફનું સ્વાગત કર્યું હતું. લાવરોફને આવકાર આપનારાઓમાં દક્ષિણ આફ્રિકાના વિદેશ પ્રધાન નાલેદી પંડોર પણ સામેલ હતા. પંડોરેએ રશિયાને દક્ષિણ આફ્રિકાનું દોસ્ત ગણાવ્યું હતું.”
જોહાનિસબર્ગ સ્થિત ડેમોક્રેસી વર્ક્સ ફાઉન્ડેશનના પ્રમુખ વિલિયમ ગમેદેએ વોશિંગ્ટન પોસ્ટને કહ્યું હતું કે “રશિયાનો યુક્રેન પરનો હુમલો તાનાશાહી વ્યવસ્થા અને લોકતંત્ર વચ્ચેની લડાઈ હોવાનું બાઈડન માને છે, પરંતુ એવું નથી. દક્ષિણ આફ્રિકા, ભારત અને બ્રાઝિલે રશિયા વિરુદ્ધની પશ્ચિમી છાવણીમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે.”
એક બાજુ અમેરિકા, યુક્રેન પરના રશિયાના આક્રમણને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને લોકતંત્ર વિરુદ્ધનું કૃત્ય ગણાવવાના પ્રયાસ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ યુક્રેન પરના આક્રમણને પુતિન નાટો સામેનું યુદ્ધ ગણાવી રહ્યા છે. આ લડાઈને પશ્ચિમ વિરુદ્ધ બાકીની દુનિયાની લડાઈ ગણવામાં આવે તેવા પ્રયાસ રશિયા કરી રહ્યું છે.
દિલ્હીસ્થિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના રશિયા તથા મધ્ય એશિયા અધ્યયન કેન્દ્રમાં ઍસોસિએટ પ્રોફેસર તરીકે કાર્યરત ડૉ. રાજન કુમારે કહ્યું હતું કે “યુક્રેન પરના રશિયાના હુમલાને લોકતંત્ર વિરુદ્ધ તાનાશાહી વ્યવસ્થા વચ્ચેની લડાઈ સ્વરૂપે પ્રસ્તુત કરવાના પ્રયાસ અમેરિકાએ કર્યા છે, પરંતુ ગ્લોબલ સાઉથના દેશોએ તેનો જરાય ભરોસો કર્યો નથી.”
“બધાને ખબર છે કે સાઉદી અરેબિયામાં રાજાશાહી છે અને અમેરિકા પોતાના હિત માટે તેની દરેક વાત માને છે. યુક્રેન પર હુમલાના મામલે આખી દુનિયા રશિયાની વિરોધી થઈ ગઈ છે એવું પણ આપણે કરી શકીએ નહીં.”
“ભારત અને ચીનમાં વિશ્વના કુલ પૈકીના લગભગ 36 ટકા લોકો રહે છે. આ બન્ને દેશ રશિયાની વિરુદ્ધમાં નથી. ઈન્ડોનેશિયા, સંયુક્ત આરબ અમિરાત, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાનમાં પણ કોઈ અમેરિકાની વાત સાંભળતું નથી.”

બદલાતી વૈશ્વિક વ્યવસ્થા

ઇમેજ સ્રોત, Getty Images
બીજી તરફ અમેરિકા એવું માને છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યુક્રેન પરના હુમલાની ટીકા કરતી દરખાસ્તમાં 193 દેશોએ મતદાન કર્યું હતું અને એ પૈકીના 141 દેશોએ રશિયા વિરુદ્ધ મતદાન કર્યું હતું. આ રીતે જોઈએ તો મોટાભાગના દેશો પશ્ચિમની પડખે છે, પરંતુ રશિયા પરના પ્રતિબંધમાં માત્ર 33 દેશ જ સામેલ છે. જે દેશોમાં વિશ્વના બે-તૃતિયાંશ વસ્તી રહે છે તેમણે રશિયાની ટીકાનો ઇન્કાર કર્યો છે.
ડો. રાજન કુમારે કહ્યું હતું કે “જે 141 દેશોના ટેકાની વાત કરવામાં આવી રહી છે એમાં એવા ઘણા દેશો છે જેમની કોઈ સ્વતંત્ર વિદેશ નીતિ જ નથી. તેમને સમજાવીને પોતાની તરફેણમાં કરી શકાય છે.”
યુક્રેન પર રશિયાના હુમલા પછીની મોદી સરકારની વિદેશ નીતિને ડૉ. રાજન કુમાર સ્વતંત્ર અને દબાણ-મુક્ત ગણાવે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત સરકારે અમેરિકાના દબાણ સામે ઝૂકવાનો ઇન્કાર કર્યો હોય અને પોતાના હિતનું મજબૂતીથી રક્ષણ કર્યું હોય તેવું ભારતની વિદેશ નીતિની બાબતમાં ત્રણ વખત બન્યું છે.
ડૉ. રાજન કુમારે કહ્યું હતું કે “તેમાં પહેલો સમયગાળો જવાહરલાલ નેહરુનો હતો. તેમણે પશ્ચિમના દબદબા સામે ઝૂકવાનો ઇનકાર કર્યો હતો. નેહરુએ બિન-જોડાણનો માર્ગ લીધો હતો. તેમાં સોવિયેત યુનિયન પ્રત્યે સહાનુભૂતિ હતી. અમેરિકાને તે જરાય ગમ્યું ન હતું, પરંતુ નેહરુએ તેની ચિંતા કરી ન હતી.”
“ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને પાકિસ્તાનથી અલગ કર્યું ત્યારે બીજો સમયગાળો આવ્યો હતો. અમેરિકા તેની તરફેણમાં ન હતું. ઇન્દિરા ગાંધીએ જોરદાર હિંમત અને બુદ્ધિપૂર્વક કામ કર્યું હતું.”
“ત્રીજો સમયગાળો નરેન્દ્ર મોદીનો છે. તેમણે યુક્રેન પરના રશિયાના હુમલાના સંદર્ભમાં પશ્ચિમના જરા સરખા દબાણને પણ સ્વીકાર્યું નથી. નરેન્દ્ર મોદીના આ સાહસનો વિચાર કરીએ તો તેનો માર્ગ નેહરુએ દેખાડ્યો હતો, કારણ કે ભારતની વિદેશ નીતિમાં બિન-જોડાણવાદી નીતિનું સાતત્ય કાયમ રહ્યું છે.”
યુક્રેન પર રશિયાના હુમલાને બદલાતી વૈશ્વિક વ્યવસ્થા તરીકે પણ જોવામાં આવી રહ્યો છે અને એ બદલાતા વર્લ્ડ ઓર્ડરમાં ભારત પોતાનું સ્થાન બનાવવાના પ્રયાસ કરી રહ્યું છે.
2008માં જ્યોર્જિયા યુદ્ધ અને 2014માં ક્રીમિયાને યુક્રેન પાસેથી છીનવીને રશિયામાં ભેળવવાના કામને બદલાતી વૈશ્વિક વ્યવસ્થાનો પ્રારંભિક સંકેત ગણવામાં આવતું હતું. પછી અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને પાછા બોલાવી લીધા હતા અને તાલિબાન વિરુદ્ધ 20 વર્ષ લડાઈ લડ્યા બાદ અફઘાનિસ્તાન તાલિબાનને જ હવાલે કરી દીધું હતું.
2022માં રશિયાએ ફરી એકવાર યુક્રેન પર હુમલો કર્યો હતો. આ ઘટનાક્રમને બદલાતા વર્લ્ડ ઓર્ડર સાથે જોડવામાં આવી રહ્યો છે, કારણ કે અમેરિકા તેને રોકવામાં નિષ્ફળ રહ્યું છે.














