અમૃતપાલ સિંહ : દુબઈથી આવીને 'ખાલિસ્તાન'ની માગ કરનાર એ શખ્સ જેણે પંજાબમાં પોલીસ અને પ્રશાસનને મજૂબર કરી દીધાં

'વારિસ પંજાબ દે'ના પ્રમુખ અમૃતપાલ સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'વારિસ પંજાબ દે'ના પ્રમુખ અમૃતપાલ સિંહ
    • લેેખક, અરવિંદ છાબડા
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • 'વારિસ પંજાબ દે' નામના સંગઠનના વડા અમૃતપાલ સિંહ અને તેમના સમર્થકોએ તેમના સાથીદાર તુફાનસિંહને છોડાવવા અજનાલા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો
  • અ દરમિયાન અમૃતપાલ સિંહના કેટલાક પાસે બંદૂકો અને તલવારો પણ હતી
  • તેઓ પોતાના પાંચ સાથીદારો સામે નોંધાયેલી ફરિયાદો રદ કરવાની પણ વાત કરી રહ્યા હતા
  • 29 સપ્ટેમ્બર 2022ના રોજ, 'વારિસ પંજાબ દે' સંગઠન દુબઈથી પરત ફરેલા યુવાન અમૃતપાલસિંહે તેના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે ચર્ચામાં આવ્યું
  • અમૃતપાલ સિંહ કોણ છે અને તે કેવી રીતે લાઈમલાઈટમાં આવ્યા તે જાણવા માટે વાંચો આ અહેવાલ...
બીબીસી ગુજરાતી

થોડા દિવસો પહેલાં 'વારિસ પંજાબ દે' નામના સંગઠનના વડા અમૃતપાલ સિંહ અને તેમના સમર્થકોએ તેમના સાથીદાર તુફાનસિંહને છોડાવવા માટે અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.

અમૃતપાલ સિંહ તેમના સેંકડો સમર્થકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમાંથી કેટલાક પાસે બંદૂકો અને તલવારો પણ હતી.

આ ઉપરાંત તેઓ પોતાના પાંચ સાથીદારો સામે નોંધાયેલી ફરિયાદો રદ કરવાની પણ વાત કરી રહ્યા હતા.

જોકે, પોલીસ સાથે વાતચીત બાદ મામલો થાળે પડ્યો હતો. પરંતુ બધાની નજરમાં અમૃતપાલ સિંહ છવાઈ ગયા.

અમૃતપાલ સિંહ કોણ છે અને તે કેવી રીતે લાઇમલાઇટમાં આવ્યા તે જાણવા માટે આપણે થોડું પાછળ જવું પડશે.

26 જાન્યુઆરી 2021ના દિવસે દિલ્હીમાં કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોની ટ્રૅક્ટર રેલી દરમિયાન, વિરોધીઓએ પોલીસ બૅરિકેડિંગ તોડીને મધ્ય દિલ્હીમાં પ્રવેશ કર્યો હતો.

આ દરમિયાન કેટલાક લોકોએ લાલ કિલ્લાની પ્રાચીર પર શીખ ધર્મના પ્રતીક ગણાતા ખાલસા ઝંંડોે ફરકાવ્યો હતો.

'વારિસ પંજાબ દે'ના સ્થાપક દીપ સિદ્ધૂ

ઇમેજ સ્રોત, FB/DEEP SIDHU

ઇમેજ કૅપ્શન, 'વારિસ પંજાબ દે'ના સ્થાપક દીપ સિદ્ધૂ

જેમની સામે પોલીસે કેસ નોંધ્યો હતો તેમાં પંજાબી કલાકાર દીપ સિદ્ધુનું નામ પણ સામેલ હતું.

તે જ વર્ષે સપ્ટેમ્બરમાં એટલે કે લગભગ આઠ મહિના પછી સિદ્ધુએ 'વારિસ પંજાબ દે' નામનું સંગઠન બનાવ્યું.

તેના લગભગ પાંચ મહિના પછી દીપ સિદ્ધુનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું. ઘણા લોકો તેને ષડયંત્ર કહે છે.

29 સપ્ટેમ્બર 2022ના રોજ, 'વારિસ પંજાબ દે' સંગઠન દુબઈથી પરત ફરેલા યુવાન અમૃતપાલસિંહે તેના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે ચર્ચામાં આવ્યું.

આ માટે પંજાબના મોગા જિલ્લાના રોડે ગામમાં 'દસ્તાર બંધી' સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

રોડે ગામ જરનૈલસિંહ ભિંડરાવાલેનું પૈતૃક ગામ છે. આ કાર્યક્રમમાં હજારો લોકો પહોંચ્યા હતા અને કથિત રીતે ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચારો કર્યા હતા.

એક ઇન્ટરવ્યૂમાં અમૃતપાલ સિંહે જણાવ્યું હતું કે તેમનો જન્મ અને ઉછેર અમૃતસરના જાદૂખેડા ગામમાં થયો હતો.

તેમનાં લગ્ન 10 ફેબ્રુઆરી 2023ના રોજ બાબા બકાલામાં થયાં હતાં.

અમૃતપાલસિંહના જણાવ્યા અનુસાર, શાળાના અભ્યાસ પછી તે રોજગારની શોધમાં દુબઈ જતા રહ્યા.

જોકે, અહીં પાછા ફર્યાના થોડા જ મહિનામાં તેઓ પંજાબની રાજનીતિનું કેન્દ્ર બની ગયા.

બીબીસી ગુજરાતી

અમૃતપાલ પંજાબની રાજનીતિનું કેન્દ્ર

અમૃતપાલ સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમૃતપાલની તુલના ઘણીવાર જરનૈલસિંહ ભિંડરાવાલે સાથે કરવામાં આવે છે, જેઓ 1984માં ઑપરેશન બ્લૂસ્ટારમાં માર્યા ગયા હતા.

કેટલાક તેને ભિંડરાવાલે 2.0નું નામ પણ આપે છે.

આવું કહેનારાઓ માને છે કે અમૃતપાલની કદકાઠી તેમના જેવી જ છે, તેઓ તેમના જેવા જ દેખાય છે અને વાત કરે છે.

તેઓ ખૂલીને ખાલિસ્તાનની માંગણી કરે છે.

અમૃતપાલ તમામ રાજકીય પક્ષોનો વિરોધ કરે છે અને સાથે જ નિશાનો પણ, જે છેલ્લાં વર્ષોમાં પંજાબમાં બહુ ગંભીર મુદ્દો રહ્યો છે.

પરંતુ અત્યાર સુધીમાં તેમણે સૌથી વધુ ધ્યાન 23 ફેબ્રુઆરીના રોજ અજનાલા પોલીસ સ્ટેશનની ઘેરાબંધીને લઈને ખેંચ્યું છે.

આ દિવસે, સશસ્ત્ર સમર્થકો સાથેની તેમની કેટલીક તસવીરોએ લોકોને આશ્ચર્ય પમાડ્યું અને ડરાવી પણ દીધા.

પંજાબ યુનિવર્સિટીના પ્રોફેસર આશુતોષ કહે છે, "આશ્ચર્યજનક વાત એ છે કે 29 વર્ષનો દુબઈથી આવેલો એક યુવાન રાતોરાત આટલો પ્રખ્યાત કેવી રીતે થઈ ગયો. ભિંડરાવાલે એક ધાર્મિક નેતા પણ હતા. આપણે જાણીએ છીએ કે એક રાજકીય પક્ષે તેમને ઊભા કર્યા હતા અને તેમણે આગળ ક્યારે શું કર્યું તે પણ આપણે જાણીએ છીએ પરંતુ અમૃતપાલની આ હદે લોકપ્રિયતા રહસ્યમય લાગે છે."

ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે કયું કારણ છે કે આટલા બધા લોકો તેમની સાથે ઊભા થઈ જાય છે?

પ્રોફેસર આશુતોષ કહે છે, "આનું કારણ એ છે કે જ્યારે હિંદુ રાષ્ટ્રની વાત થાય છે, ત્યારે શીખોને લાગે છે કે ખાલિસ્તાન વિશે પણ વાત થવી જોઈએ. આ સ્થિતિમાં તેમને એવા નેતાની જરૂરત જણાય છે, જે તેમને અમૃતપાલમાં દેખાય છે. પછી તેઓ જુએ છે કે આ વ્યક્તિ શીખો સાથે થયેલા અન્યાય અને અન્ય ઘટનાઓ વિશે વાત કરે છે, તેથી તેઓ તેની વાત સાંભળે છે."

બીજી તરફ પંજાબ યુનિવર્સિટીના પ્રોફેસર ખાલિદ મોહમ્મદનું માનવું છે કે, "આ સિવાય સોશિયલ મીડિયાની પણ મોટી ભૂમિકા છે. આવી સ્થિતિમાં લોકો તેમની સાથે વધુ સરળતાથી જોડાઈ શકે છે."

બીબીસી ગુજરાતી

શું અમૃતપાલને કોઈએ પ્લાંટ કર્યા છે?

23 ફેબ્રુઆરીએ અજનાલા પોલીસ સ્ટેશનનો ઘેરાવ
ઇમેજ કૅપ્શન, 23 ફેબ્રુઆરીએ અજનાલા પોલીસ સ્ટેશનનો ઘેરાવ

અમૃતપાલને પંજાબમાં કોઈએ 'પ્લાન્ટ' કર્યા છે કે કેમ તે અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ સવાલ પાછળ તેમનું આટલું જલ્દી લોકપ્રિયતાના શિખર પર હોવું તો છે જ, સાથે અન્ય ઘણા કારણો પણ આપવામાં આવી રહ્યા છે.

સામાન્ય લોકો એ પણ પૂછે છે કે એવું શું કારણ છે કે અમૃતપાલ સતત ભડકાઉ નિવેદનો આપે છે, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

તેમના સમર્થકો બંદૂકો અને અન્ય હથિયારો લઈને ફરે છે, જ્યારે સામાન્ય સંજોગોમાં સોશિયલ મીડિયા પર હથિયારો સાથેની જૂની તસવીર પર પણ ગમેતેની સામે કેસ દાખલ કરી દેવામાં આવે છે.

જ્યારે અજનાલામાં પોલીસ સ્ટેશનની ઘેરાબંધી થઈ રહી હતી ત્યારે પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન રાજ્યમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે મોહાલીમાં 'ઇન્વેસ્ટ પંજાબ સમિટ'માં ભાગ લઈ રહ્યા હતા.

અજનાલાની ઘટનાએ બધુ ધ્યાન અમૃતપાલ અને પંજાબની કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવતી આ ઘટના તરફ વાળી દીધું.

બીબીસી ગુજરાતી

શું તે માત્ર એક સંયોગ હતો?

અમૃતપાલ સિંહ

ઇમેજ સ્રોત, HEWARISPANJABDE/INSTAGRAM

આ પ્રશ્નના જવાબમાં પંજાબ યુનિવર્સિટીના પ્રોફેસર ખાલિદ મોહમ્મદ કહે છે, "સંભવ છે કે કેટલાક રાજકીય પક્ષો આમ આદમી પાર્ટીને બૅકફૂટ પર ધકેલવા માગે છે, જેનાથી અમૃતપાલને ફાયદો થઈ રહ્યો છે. જોકે, એવું લાગતું નથી કે કોઈ મોટી રાજકીય પાર્ટીએ તેમને ઊભા કર્યા છે. કારણ કે બધા તેમનો વિરોધ કરતા જોવા મળે છે.”

જ્યારે અમૃતપાલને 'પ્લાંટ' કરાયા હોવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું, "લોકો જરનૈલસિંહ ભિંડરાવાલેને પણ પ્લાંટ કહેતા હતા."

તેઓ એવી પણ દલીલ કરે છે કે બધા પક્ષો તેમની ટીકા કરે છે, પછી તે ભાજપ હોય કે કૉંગ્રેસ કે અકાલી દળ. તેઓ પણ બધાની ટીકા કરે છે. જો તેઓ પ્લાંટ હોત તો શું આવું થાત?

બીબીસી ગુજરાતી

અમૃતપાલસિંહની માંગ

દરબાર સાહિબમાં સાથીઓ સાથે અમૃતપાલ સિંહ
ઇમેજ કૅપ્શન, દરબાર સાહિબમાં સાથીઓ સાથે અમૃતપાલ સિંહ

અમૃતપાલ માને છે કે ખાલિસ્તાન માટેની તેમની માગ "એકદમ વાજબી છે, કારણ કે ભારતમાં શીખો સ્વતંત્ર નથી."

તેમની દસ્તારબંદી વખતે તેમણે કહ્યું હતું કે, "આ તમને વચન છે કે મારા શરીરમાં રહેલું લોહીનું દરેક ટીપું તે તમારા ચરણોમાં વહેશે, પંથની આઝાદી માટે વહેશે."

અમૃતપાલ પર આરોપ છે આવું કહીને તેઓ શીખોની ભાવનાઓને ભડકાવે છે.

આમ તો તેઓ નશા વિરુદ્ધ પણ ઘણી વાતો કરે છે અને યુવાનોને તેને છોડવાની વાત કરે છે.

એક ભાષણમાં તેઓ મહિલાઓને ફૅશનની પાછળ ન દોડવાની સલાહ આપતા સાંભળવા મળે છે.

તેઓ કહે છે, "બહેનો અને મહિલાઓને અપીલ છે. આ ફૅશન તો આવે છે અને જાય છે અને તે બદલાતી રહે છે. 10 વર્ષ પહેલાં પટિયાલા સૂટની ફૅશન હતી તે હવે બદલાઈ ગઈ છે, પરંતુ મહારાજની વાણી 350 વર્ષથી ચાલી આવે છે, તે નથી બદલાઈ."

પંજાબમાં છેલ્લાં વર્ષોમાં આવી ઘણી ઘટનાઓ બની છે, જ્યાં પોલીસકર્મીઓ દેખાવકારોની સામે લાચાર જોવા મળ્યા છે.

પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન

ઇમેજ સ્રોત, @Bhagwant maan

ઇમેજ કૅપ્શન, પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન

થોડા મહિના પહેલાં મુખ્ય મંત્રી ભગવંત માને કહ્યું હતું કે 'ધરણા એક ટ્રેન્ડ બની રહ્યો છે. તેનાથી લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.'

ગયા વર્ષે 29 એપ્રિલે પટિયાલામાં હિંદુ-શીખો વચ્ચે થયેલી હિંસામાં પણ પોલીસની લાચારી જોવા મળી હતી.

થોડા દિવસો પહેલાં જ ચંદીગઢ-મોહાલી બૉર્ડર પર પોલીસની લાચારીનું વધુ એક મોટું ઉદાહરણ જોવા મળ્યું હતું.

8 ફેબ્રુઆરીના રોજ 'કોમી ઇન્સાફ મોરચા' પર ચંદીગઢ પોલીસ પર કથિત રીતે પથ્થરમારો કરવાનો અને સરકારી વાહનોમાં તોડફોડ કરવાનો અને સરકારી સામાનની લૂંટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઘટનામાં ચંદીગઢના 13થી વધુ પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અમૃતપાલ સિંહ

ઇમેજ સ્રોત, THEWARISPANJABDE/INSTAGRAM

ઘણા પોલીસકર્મીઓએ છુપાઈને અને હાથ જોડીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ મામલામાં મોરચા પર હત્યાના ઈરાદે પોલીસકર્મીઓ પર હુમલો કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

પરંતુ અજનાલાની ઘટના ઘણી અલગ ગણવામાં આવી રહી છે.

એક પૂર્વ પોલીસ અધિકારીએ બીબીસી સાથેની વાતચીત દરમિયાન કહ્યું, "મેં 1980ના દાયકામાં પોલીસની નોકરી શરૂ કરી હતી. મેં તમામ પ્રકારના દિવસો જોયા છે. મેં આતંકવાદનો યુગ પણ જોયો છે. પોલીસ સ્ટેશનો પર પહેલાં પણ હુમલા થયા છે અને ભૂતકાળમાં પણ પોલીસને બૅકફૂટ પર ધકેલી છે. પરંતુ મેં પહેલીવાર પોલીસને આટલી લાચારી જોઈ છે."

બીબીસી ગુજરાતી

અજનાલાની ઘટનાનું શું પરિણામ આવશે?

પંજાબના ડીજીપી ગૌરવ યાદવ
ઇમેજ કૅપ્શન, પંજાબના ડીજીપી ગૌરવ યાદવ

અજનાલાની ઘટના પર પંજાબના ડીજીપી ગૌરવ યાદવ કહે છે, "ઘટનાના વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓના નિવેદન પર કાર્યવાહી કરવામાં આવશે."

બીજી તરફ અમૃતપાલે કહ્યું છે કે, "આ પ્રકરણ અહીં બંધ કરી દેવું જોઈએ. પરંતુ જો પોલીસ કેસ નોંધશે તો ફરી પ્રદર્શન થશે."

મોહાલી સ્થિત એક પ્રૉપર્ટી ડીલર કહે છે, "છેલ્લા કેટલાક દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે અને રોકાણકારો અહીંથી બહાર જઈ રહ્યા છે. આ ઘટનાથી તેના પર વધુ ખરાબ અસર થઈ શકે છે."

પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને સરકાર અને વહીવટીતંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

આવી સ્થિતિમાં પંજાબ અને બહારના લોકો પણ સવાલ કરી રહ્યા છે કે શું આ રાજ્ય રહેવા અને કામ કરવા માટે સુરક્ષિત રહ્યું છે?

ક્યાંક પંજાબમાં 1980નો ખતરનાક યુગ પાછો તો નથી ફરી રહ્યોને?

આગામી દિવસોમાં પંજાબ સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા પગલા પર ઘણું બધું નિર્ભર રહેશે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી