એ વિપક્ષી નેતાઓ જેમના પર સીબીઆઈ અને ઈડીએ કસ્યો સકંજો

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીની દારૂની નીતિમાં કથિત કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈએ રવિવારે દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે અને તેમને આજે સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
મહિનાઓથી ચાલી રહેલી તપાસમાં 26 ફેબ્રુઆરી, રવિવારના દિવસે કેન્દ્રીય તપાસ એજન્સીએ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
સત્યેન્દ્ર જૈનની કથિત મની લૉન્ડ્રિંગ મામલે ઈડીએ ગયા વર્ષે મેમાં ધરપકડ કરી હતી અને ત્યારથી તેઓ જેલમાં બંધ છે.
રવિવારે સીબીઆઈ સમક્ષ પૂછપરછમાં હાજર થતા પહેલાં સિસોદિયાને પોતાની ધરપકડ અંગે શંકા હતી અને તેમણે પોતાના ભાવનાત્મક સંબોધનમાં 'જેલ મોકલવાની' વાત કહી હતી.
દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સિસોદિયાને નિર્દોષ ગણાવ્યા, જ્યારે ભાજપે ધરપકડને યોગ્ય ગણાવી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આમ આદમી પાર્ટીએ ધરપકડને 'સરમુખત્યારશાહી' ગણાવીને 'લોકતંત્ર માટે કાળો દિવસ' કહ્યો. પાર્ટીએ કહ્યું કે ભાજપે આ ધરપકડને રાજનૈતિક દ્વેષના લીધે કરાવી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા વિપક્ષી નેતાઓ પર સીબીઆઈ અને ઈડીએ ગાળીયો કસ્યો છે અને વિપક્ષી નેતાઓએ રાજનૈતિક દ્વેષના કારણે કાર્યવાહી કરાવી હોવાનો આરોપ લગાવ્યો છે.
પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢમાં વિપક્ષી સરકારોના ટોચના નેતાઓ પર દરોડા પડ્યા, પૂછપરછ કરવામાં આવી અને તેમાંથી કેટલાકને જેલભેગા કરવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગયા વર્ષે ઇન્ડિયન ઍક્સપ્રેસે પોતાના એક અહેવાલમાં જણાવ્યું હતું કે વર્ષ 2014 બાદ આઠ વર્ષમાં નેતાઓ વિરુદ્ધ ઈડીના ઉપયોગમાં ચાર ગણો વધારો થયો છે.
કુલ 121 નેતાઓ પૈકી 115 વિપક્ષી નેતાઓ હતા. અર્થાત કુલ કાર્યવાહીના 95 ટકા કાર્યવાહી વિપક્ષી નેતાઓ પર થઈ હતી.

સંજય રાઉત

ઇમેજ સ્રોત, ANI
મહારાષ્ટ્રના પૂર્વમુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના અંગત અને શિવસેના નેતા સંજય રાઉતની મુંબઈમાં એક ઑગસ્ટ 2022ના રોજ ઈડીએ ધરપકડ કરી હતી.
ઈડીએ તેમના પર મુંબઈના ગોરેગાંવમાં સિદ્ધાર્થનગરની એક ચાલીમાં 672 ફ્લૅટોના પુનઃનિર્માણ મામલે જમીનની હેરફેર કરવાનો આરોપ લગાવ્યો હતો.
અંદાજે ત્રણ મહિના બાદ તેમને 10 નવેમ્બર 2022ના રોજ શરતી જામીન મળ્યા હતા. ત્યારે સંજય રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રની 'મહાવિકાસ અઘાડી સરકાર ન પાડવા બદલ તપાસ એજન્સીઓએ તેમને પરેશાન કર્યા છે.'
આ પહેલાં ઈડીએ મહારાષ્ટ્રના પૂર્વગૃહ મંત્રી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખની 'પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ'ની કલમ 19 અંતર્ગત 2021માં ધરપકડ કરી હતી. તે સમયે તેઓ મહારાષ્ટ્ર સરકારમાં ગૃહમંત્રી હતા.
મહારાષ્ટ્ર સરકારના અન્ય એક મંત્રી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકની પણ ઈડીએ 24 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી.
ગયા વર્ષે જ એકનાથ શિંદે 40થી વધુ ધારાસભ્યોને લઈને શિવસેનાથી અલગ થઈ ગયા હતા અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી લીધી હતી.
ઇન્ડિયન ઍક્સપ્રેસે ગયા સપ્ટેમ્બરમાં પોતાના અહેવાલમાં કહ્યું હતું કે એનસીપીના 11 અને શિવસેનાના 8 નેતાઓ પર તપાસ એજન્સીઓએ કાર્યવાહી કરી હતી.

હિમંત બિસ્વ સરમા

ઇમેજ સ્રોત, ANI
હાલમાં હિમંત બિસ્વ સરમા આસામના મુખ્ય મંત્રી છે. તેઓ પહેલાં આસામમાં કૉંગ્રેસનો પ્રમુખ ચહેરો હતા. શારદા ચિટફંડ કૌભાંડ મામલે સીબીઆઈ અને ઈડીએ તપાસ શરૂ કરી અને આ મામલે તેમના ઘરે દરોડા પણ પડ્યા અને પૂછપરછ પણ કરવામાં આવી.
બાદમાં તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા અને પાર્ટીએ તેમને આસામના મુખ્ય મંત્રી બનાવી દીધા.
આ જ રીતે નારદા સ્ટિંગ ઑપરેશન મામલે તૃણમૂલ કૉંગ્રેસ અને મમતા બેનરજીના બે નજીકના નેતા શુભેંદુ અધિકારી અને મુકુલ રૉય પર પણ સીબીઆઈ અને ઈડીએ ગાળીયો કસ્યો હતો.
પશ્ચિમ બંગાળમાં 2021માં વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલાં જ બંને નેતાઓ ભાજપમાં જોડાયા. બાદમાં મુકુલ રૉય ટીએમસીમાં પાછા જોડાઈ ગયા.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ મુજબ, ટીએમસીના 19 નેતાઓ પર સીબીઆઈ અને ઈડીની કાર્યવાહી ચાલી રહી છે.

બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના નેતાઓ

ઇમેજ સ્રોત, ANI
ગયા વર્ષે ઓગસ્ટમાં બિહારમાં નીતિશ કુમાર સરકારના ફ્લોર ટેસ્ટ વચ્ચે કથિત નોકરીના બદલે જમીન કૌભાંડમાં આરજેડી નેતાઓના ઘરે સીબીઆઈના દરોડા પડ્યા હતા.
સીબીઆઈએ જે આરજેડી નેતાઓના ઘરે દરોડા પાડ્યા હતા. તેમાં લાલુ યાદવના નજીકના માનવામાં આવતા એમએલસી સુનીલ સિંહ, સાંસદ અશફાક કરીમ, ફૈયાઝ અહમદ અને પૂર્વ એમએલસી સુબોધ રાય સામેલ હતા.
બિહારના પૂર્વમુખ્ય મંત્રી અને આરજેડી અધ્યક્ષ લાલુ યાદવને પહેલેથી જ ચારા કૌભાંડ સહિત અન્ય કેસોમાં સજા થઈ ચૂકી છે.
આરજેડીના પાંચ નેતા ઈડી અને સીબીઆઈની તપાસ અંતર્ગત છે.

ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન

ઇમેજ સ્રોત, Getty Images
ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન પર ભાજપ નેતા અને પૂર્વમુખ્ય મંત્રી રઘુબર દાસે ફેબ્રુઆરી 2022માં આરોપ લગાવ્યો કે હેમંત સોરેને મુખ્ય મંત્રી અને ખનનમંત્રી રહીને પોતાના પદનો કથિતરીતે દુરુપયોગ કર્યો છે.
રાજ્યપાલ રમેશ બૈસે આ ફરિયાદ ચૂંટણીપંચને આગળ વધારી અને આયોગે હેમંત સોરેન પર પોતાનો નિર્ણય બંધ કવરમાં રાજ્યપાલને મોકલ્યો હતો. જે અત્યાર સુધી સાર્વજનિક થયો નથી.
ઈડીએ હેમંત સોરેનને 3 નવેમ્બર 2022ના રોજ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું.
આ દરમિયાન ઝારખંડમાં અસ્થિરતા આવી ગઈ હતી.

કૉંગ્રેસ નેતાઓ પર દરોડા

ઇમેજ સ્રોત, ALOK PUTUL/BBC
રાયપુરમાં કૉંગ્રેસનું અધિવેશન 24થી 26 ફેબ્રુઆરીએ હતું. એ પહેલાં જ છત્તીસગઢના ઘણા કૉંગ્રેસ નેતાઓને ત્યાં ઈડીના દરોડા પડ્યા હતા.
20 ફેબ્રુઆરીએ છત્તીસગઢમાં કૉંગ્રેસના કોષાધ્યક્ષ રામગોપાલ અગ્રવાલ, કૉંગ્રેસના ધારાસભ્ય દેવેન્દ્ર યાદવ અને ચંદ્રદેવ રાય સહિત અડધો ડઝન કૉંગ્રેસ નેતાઓના ઘરે અને ઓફિસોમાં ઈડીએ દરોડો પાડ્યો હતો.
કૉંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે અધિવેશન રોકવા માટે સરકાર ઈડીનો ઉપયોગ કરી રહી છે.
છત્તીસગઢની ભૂપેશ બઘેલ સરકાર પર સતત તપાસ એજન્સીઓનું દબાણ છે. ગયા ડિસેમ્બરમાં જ ભૂપેશ બઘેલના ઓએસડી સૌમ્યા ચોરસિયાની ઈડીએ ધરપકડ કરી હતી.

ઇમેજ સ્રોત, ANI
જૂન 2022માં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઈડીએ નેશનલ હેરાલ્ડ મામલે સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
ગત ડિસેમ્બર સુધી કૉંગ્રેસના 24 નેતાઓ વિવિધ એજન્સીઓની તપાસ હેઠળ હતા.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પરથી જાણવા મળ્યું કે સપ્ટેમ્બર સુધી ડીએમકેના છ, બી.જૂ. જનતા દળના છ, સમાજવાદી પાર્ટીના પાંચ, બ.સ.પા.ના પાંચ, આમ આદમી પાર્ટીના ત્રણ, વાયએસઆરસીપીના ત્રણ, આઈએનએલડીની ત્રણ, સીપીએમ અને પીડીપીના બે, ટીઆરએસ, એઆઈએડીએમકે તેમજ એમએનએસના એક-એક નેતા વિરુદ્ધ એજન્સીઓ તપાસ કરી રહી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













