નરોત્તમ મિશ્રા : એક સમયે રોજાઇફ્તારીનું આયોજન કરનારા ભાજપના કટ્ટર હિંદુવાદી નેતા

મિશ્રા
    • લેેખક, શુરૈહ નિયાઝી
    • પદ, બીબીસી માટે, ભોપાલથી
બીબીસી ગુજરાતી
  • 2018 પહેલાં મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દર વર્ષે ઇફ્તારીનું આયોજન કરીને વિસ્તારના મુસ્લિમોનું સ્વાગત કરતા હતા
  • અમુક વિસ્તારના મુસ્લિમ પત્રકારોને એક દિવસ વહેલા પહોંચવાનું કહેતા હતા જેથી કરીને તેઓ ત્યાંની તૈયારીઓ જોઈ શકે અને તેમની ઇફ્તારીમાં કોઈ ખામી ન રહી જાય
  • પરંતુ હવે નરોત્તમ મિશ્રાની સ્ટાઇલ અને મિજાજ બદલાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે
  • આ જ મહિને તેમણે કહ્યું હતું કે સરકાર રાજ્યની મદરેસામાં શીખવવામાં આવતી સામગ્રીની ચકાસણી કરવા માટે વિચારણા કરી રહી છે
  • મુદ્દો બોલીવૂડ કે મનોરંજન કે ધર્મ સાથે જોડાયેલો હોય તો તે તેના પર બોલવાની કોઈ તક તેઓ છોડતા નથી
  • નરોત્તમ મિશ્રા મધ્યપ્રદેશ સરકારમાં મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પછી બીજા સ્થાને છે
  • ઘણી વખત મુખ્ય મંત્રીનાં નિવેદનો કરતાં તેમનાં નિવેદનો વધુ ચર્ચામાં રહે છે
  • મધ્ય પ્રદેશના દતિયાના રહેવાસી નરોત્તમ મિશ્રા શિવરાજસિંહ ચૌહાણના હરીફ મનાય છે
  • તેઓ આ બધું સારી રીતે વિચારેલી વ્યૂહરચના હેઠળ કરી રહ્યા છે
બીબીસી ગુજરાતી

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાની આ તસવીર વર્ષ 2018ની છે જ્યારે તેમણે પોતાના વિધાનસભા મતવિસ્તાર દતિયામાં માથે ટોપી અને તિલક કર્યા વગર રોજા- ઇફ્તારનું આયોજન કર્યું હતું.

આ એ સમય હતો જ્યારે નરોત્તમ મિશ્રા દર વર્ષે આવું આયોજન કરીને વિસ્તારના મુસ્લિમોનું સ્વાગત કરતા હતા.

આવા કાર્યક્રમોમાં ભાગ લેનાર ભોપાલના એક પત્રકારે જણાવ્યું હતું કે, "આ તસવીર ટીવી ચેનલો પર દરરોજ ચમકતા આજના નરોત્તમ મિશ્રાની તસવીરથી ભલે અલગ હોય, પરંતુ તે એ વાતનો સંકેત છે કે પાંચ વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે."

તેમણે કહ્યું કે એ સમયે તેઓ દર વર્ષે આવા કાર્યક્રમનું આયોજન કરતા હતા જેથી વિસ્તારના મુસ્લિમ મતદારોમાં સારો સંદેશ જાય.

તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ અમુક વિસ્તારના મુસ્લિમ પત્રકારોને એક દિવસ વહેલા પહોંચવાનું કહેતા હતા જેથી કરીને તેઓ ત્યાંની તૈયારીઓ જોઈ શકે અને તેમની ઇફ્તારીમાં કોઈ ખામી ન રહી જાય.પરંતુ હવે નરોત્તમ મિશ્રાની સ્ટાઇલ અને મિજાજ બદલાઈ ગયાં હોય તેવું લાગી રહ્યું છે. આજકાલ તેઓ પોતાનાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે મીડિયામાં ચર્ચામાં રહે છે.

નરોત્તમ મિશ્રા મધ્યપ્રદેશ સરકારમાં મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પછી બીજા સ્થાને છે. ઘણી વખત મુખ્ય મંત્રીનાં નિવેદનો કરતાં તેમનાં નિવેદનો વધુ ચર્ચામાં રહે છે. દરરોજ સવારે તેમના ઘરે મીડિયાના લોકોનો મેળાવડો હોય છે જેથી તેમને આખો દિવસ ચલાવવા માટે કોઈને કોઈ સમાચાર મળી રહે.

કેટલાય લોકોનું માનવું છે કે મુદ્દો દેશનો હોય કે વિદેશનો, ફિલ્મનો હોય કે ધર્મનો, રાજકારણનો હોય કે સમાજનો, નરોત્તમ મિશ્રા તેના પર ‘નિવેદન આપવા તૈયાર હોય છે.’

જો મુદ્દો બોલીવૂડ કે મનોરંજન કે ધર્મ સાથે જોડાયેલો હોય તો તેઓ તેના પર બોલવાની કોઈ તક છોડતા નથી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આંતરરાષ્ટ્રીય નેતાઓથી લઈને વિપક્ષના મોટા નેતાઓ હંમેશાં તેમના નિશાના પર હોય છે. જો મિશ્રાનું નિવેદન કૉંગ્રેસ પર હોય તો, તેમનું નિવેદન ફરતું ફરતું રાહુલ ગાંધી અને દિગ્વિજયસિંહની આકરી ટીકા પર આવીને અટકશે.

આમ તો નરોત્તમ મિશ્રા મધ્યપ્રદેશના ગૃહમંત્રી છે, પરંતુ ઘણા લોકોનું માનવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમની નજર રાજ્યના કાયદો અને વ્યવસ્થા કરતાં બોલીવૂડ પર વધુ રહી છે.

તેઓ ફરી એક વાર શાહરુખ ખાનની આગામી મહિને રિલીઝ થનારી ફિલ્મ 'પઠાન'ને લઈને ચર્ચામાં છે. ગયા અઠવાડિયે ફિલ્મના એક ગીત પર પ્રહાર કરતાં મિશ્રાએ કહ્યું હતું કે, "ગીતમાં વપરાયેલી વેશભૂષા પ્રથમ દૃષ્ટિએ અત્યંત વાંધાજનક છે."

આ ગીતમાં દીપિકા કેસરી રંગની બિકીની પહેરેલાં જોવાં મળી રહ્યાં છે.

તેમણે કહ્યું, "એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ ગીત દૂષિત માનસિકતા સાથે ફિલ્માવામાં આવ્યું છે. દીપિકા પાદુકોણજી જેએનયુ કેસમાં ટુકડે-ટુકડે ગૅંગનાં સમર્થક રહ્યાં છે. એટલે મારું નિવેદન છે કે દૃશ્યો સુધારવામાં આવે. વેશભૂષા સુધારવામાં આવે, અન્યથા આ ફિલ્મને મધ્યપ્રદેશમાં મંજૂરી આપવામાં આવશે કે નહીં, તે એક વિચારને પાત્ર પ્રશ્ન રહેશે."

ગ્રે લાઇન

નરોત્તમ મિશ્રાનાં વિવાદિત નિવેદનો

મિશ્રા

આ જ મહિને તેમણે કહ્યું હતું કે સરકાર રાજ્યની મદરેસામાં શીખવવામાં આવતી સામગ્રીની ચકાસણી કરવા માટે વિચારણા કરી રહી છે.

રાજ્યની કેટલીક મદરેસાઓમાં બાળકોને વાંધાજનક સામગ્રી ભણાવાઈ રહી હોવાનો વિષય સામે આવ્યો ત્યારે તેમણે આ વાત કહી હતી.

ઑક્ટોબરની શરૂઆતમાં, તેમણે મહાકાવ્ય રામાયણ પર આધારિત બોલીવૂડની ફિલ્મ 'આદિપુરુષ'ના નિર્માતાઓને ચેતવણી આપી હતી કે જો હિંદુ ધર્મની હસ્તીઓને "ખોટી" રીતે દર્શાવતાં દૃશ્યો દૂર કરવામાં નહીં આવે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ વર્ષે જુલાઈમાં, તેમણે ફિલ્મનિર્માતા લીના મણિમેકલાઈની ડૉક્યુમેન્ટ્રી 'કાલી'ના પોસ્ટરને લઈને પર ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો.

એપ્રિલ 2022માં ખરગોનમાં રમખાણો બાદ નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું, "જે ઘરમાંથી પથ્થરો આવ્યા છે, અમે તેમને પથ્થરોનો ઢગલો બનાવી દઈશું". તેમણે આ વાત ખરગોનમાં રામનવમીની શોભાયાત્રા બાદ કથિત પથ્થરમારાની ઘટના બાદ કરી હતી.

ગયા વર્ષે જ મિશ્રાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર જો ત્રણ દિવસમાં 'મધુબન મેં રાધિકા નાચે' ગીતનો વીડિયો સોશિયલ મીડિયા પરથી હઠાવશે નહીં તો સની લિયોની અને મ્યુઝિક કંપોઝર સાકિબ તોશી સામે પગલાં લેશે.

નવેમ્બર 2021માં, તેમણે કહ્યું હતું કે હાસ્ય કલાકાર વીર દાસને રાજ્યમાં કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, જેઓ 'આઈ કમ ફ્રૉમ ટૂ ઇન્ડિયાઝ'ને લઈને પોલીસ ફરિયાદોનો સામનો કરી રહ્યા હતા.

ગ્રે લાઇન

નરોત્તમ મિશ્રાના બદલાતા સૂર

મિશ્રા

તો સવાલ એ છે કે નરોત્તમ મિશ્રા આવાં નિવેદનોથી શું મેળવવા માંગે છે?

દાયકાઓથી નરોત્તમ મિશ્રાની રાજનીતિનું નજીકથી અવલોકન કરી રહેલા ગ્વાલિયરસ્થિત પત્રકાર દેવ શ્રીમાળી કહે છે, "જે રીતે પાર્ટીનું ટોચનું નેતૃત્વ એક વિચારધારા સાથે ચાલી રહ્યું છે. તેને જ ધ્યાનમાં રાખીને નરોત્તમ મિશ્રા આ બધું કહી રહ્યા છે."

તેમણે વધુમાં કહ્યું કે, "મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણની છબિ ઉદારવાદી માનવામાં આવતી રહી છે, તેથી નરોત્તમ પોતાને આક્રમક બતાવીને પોતાનું કદ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને લાગે છે કે જે પ્રકારની છબિ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા પાસે છે તેવી છબિ મધ્યપ્રદેશમાં તેઓ બનાવી શકે છે."

નરોત્તમ મિશ્રા 2005માં પૂર્વ મુખ્ય મંત્રી બાબુલાલ ગૌડની કૅબિનેટમાં પ્રથમ વખત રાજ્યમંત્રી બન્યા હતા. તેમને કાયદો અને બંધારણીય બાબતો, સંસદીય બાબતો, સહકારી વિભાગના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

જ્યારે શિવરાજસિંહ ચૌહાણ મુખ્ય મંત્રી બન્યા ત્યારે તેમણે પણ મિશ્રાને પોતાની કૅબિનેટમાં સામેલ કર્યા હતા. ત્યાર બાદ તેઓ ઘણા મહત્ત્વપૂર્ણ વિભાગોના મંત્રી રહ્યા.

2018માં વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ભાજપને વિપક્ષમાં બેસવું પડ્યું હતું.

જ્યોતિરાદિત્ય સિંધિયાના કૉંગ્રેસ છોડ્યા બાદ મધ્યપ્રદેશમાં ભાજપે સત્તામાં વાપસી કરી ત્યારે મુખ્ય મંત્રીપદના સંભવિત દાવેદાર તરીકે નરોત્તમ મિશ્રાનું નામ પણ સામે આવ્યું હતું, પરંતુ અંતે શિવરાજસિંહ ચૌહાણને જ મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા.ત્યારથી નરોત્તમ મિશ્રા રાજ્યમાં બીજા નંબરના નેતા તરીકે ગૃહમંત્રાલય ચલાવી રહ્યા છે.

મધ્યપ્રદેશના દતિયાના રહેવાસી નરોત્તમ મિશ્રાને શિવરાજસિંહ ચૌહાણના હરીફ મનાય છે અને એવો પણ દાવો કરવામાં આવે છે કે તેઓ પોતાને શિવરાજસિંહ ચૌહાણનો વિકલ્પ માને છે.

દતિયા ગ્વાલિયરની નજીક છે અને ભોપાલથી લગભગ 400 કિલોમિટર દૂર છે. દતિયા વિધાનસભા ક્ષેત્રની વસ્તી લગભગ ત્રણ લાખ 35 હજાર છે, જ્યાં મુસ્લિમોની વસ્તી ચાર ટકા જેટલી છે.

ગ્વાલિયરના અન્ય એક વરિષ્ઠ પત્રકાર રાકેશ પાઠક શરૂઆતથી જ નરોત્તમ મિશ્રાની રાજનીતિ પર નજર રાખતા રહ્યા છે.

તેઓ કહે છે, "શરૂઆતમાં તેઓ આવા કટ્ટરપંથી ન હતા. તેઓ આજે પણ અંદરથી છે કે નહીં તે અમે નથી જાણતા. પણ હા, હવે જે ભાજપની રાજનીતિ છે તેમા દરેક નેતા હિંદુ મતદારોને રીઝવવા આતુર છે એટલે જ તેઓ આવી વાતો કરી રહ્યા છે."

રાકેશ પાઠકનો એવો પણ દાવો છે કે, "નરોત્તમ મિશ્રા શિવરાજસિંહ ચૌહાણ સાથે સ્પર્ધા કરી રહ્યા છે. શિવરાજસિંહ એટલા કટ્ટરપંથી માનવામાં આવતા નથી અને આ જ કારણ છે કે નરોત્તમ મિશ્રા બદલાયેલા વાતાવરણમાં પોતાની આવી છબિ બનાવવા માંગે છે અને પોતાને હિન્દુઓની વધુ નજીક દર્શાવવા માટેની કોઈ તક છોડવા માંગતા નથી."

રાકેશ પાઠકના કહેવા પ્રમાણે, તેઓ આ બધું સારી રીતે વિચારેલી વ્યૂહરચના હેઠળ કરી રહ્યા છે.

બીબીસી ગુજરાતી

અમિત શાહની નજીક

મિશ્રા

નરોત્તમ મિશ્રા મધ્યપ્રદેશના રાજકારણમાં ભાજપનો મોટો બ્રાહ્મણ ચહેરો છે. જ્યારે પણ મધ્યપ્રદેશમાં સત્તાપરિવર્તનની ચર્ચા જોર પકડે છે ત્યારે નરોત્તમ મિશ્રા તરત જ દિલ્હી જતા જોવા મળે છે.

તેઓ કેન્દ્રમાં ગૃહમંત્રી અમિત શાહના નજીકના ગણાય છે.

વરિષ્ઠ પત્રકાર દેવ શ્રીમાળીનું કહેવું છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેમને કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવ્યા બાદ તેમને અમિત શાહના નજીકના માનવામાં આવતા હતા.

રાકેશ પાઠક પણ કહે છે, "જે લાગી રહ્યું છે તે એ છે કે નરોત્તમ મિશ્રા નરેન્દ્ર મોદી કરતાં પણ અમિત શાહની વધુ નજીક છે."

તેઓ કહે છે કે જ્યારે અમિત શાહ એક વાર ભોપાલ આવ્યા હતા ત્યારે પણ તેઓ એક વખત તેમના ઘરે ભોજન લેવા ગયા હતા.

એ ભોજનની ચર્ચા આજપર્યંત મધ્યપ્રદેશની રાજનીતિમાં થઈ રહી છે. અમિત શાહ 2017માં ભોપાલ આવ્યા હતા ત્યારે તેમની સાથે મીડિયા સંપાદકો માટે ભોજનસમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મિજબાનીનું આયોજન નરોત્તમ મિશ્રાએ પોતાના ઘરે કર્યું હતું. અમિત શાહે તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં કાનપુર લોકસભા બેઠકના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. તે પછીથી માનવામાં આવે છે કે નરોત્તમ મિશ્રા રાજ્યમાં અમિત શાહની સૌથી નજીક છે.

બીબીસી ગુજરાતી

નરોત્તમ મિશ્રાની રાજકીય સફર

મિશ્રા

ઇમેજ સ્રોત, @DRNAROTTAMMISRA

ગ્વાલિયરમાં જન્મેલા નરોત્તમ મિશ્રા એમએ, પીએચડી છે અને શિક્ષિત પરિવારમાંથી આવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેમના પીએચડીનો વિષય "ભારતીય લોકશાહીમાં ધારાસભ્યોની ભૂમિકા" રહ્યો છે. આ વિષય પરથી સ્પષ્ટ થાય છે કે તેમને વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં રસ હતો.

  • તેમણે 1977-78માં ગ્વાલિયરની જીવાજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી રાજકારણથી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.
  • ત્યાર બાદ ભારતીય જનતા યુવા મોરચામાં જોડાયા.
  • 1990માં પ્રથમ વખત ભાજપના ઉમેદવાર તરીકે તેઓ ડબરા બેઠક પરથી ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા.
  • નરોત્તમ મિશ્રા 1993, 1998 અને 2003માં પણ ડબરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.
  • 1993ની વાત છોડીએ તો તેઓ દરેક ચૂંટણી જીતતા આવ્યા છે.
  • 1993ની ચૂંટણીમાં નરોત્તમ મિશ્રા ત્રીજા ક્રમે રહ્યા હતા. બહુજન સમાજ પાર્ટીના જવાહરસિંહ રાવત ચૂંટણી જીત્યા હતા જ્યારે કૉંગ્રેસના સીતારામ દુબે બીજા ક્રમે રહ્યા હતા.
  • ડબરા બેઠક 2008માં અનામતમાં ગઈ તે પછી તેઓ પડોશી દતિયા તરફ વળ્યા.
  • તેઓ 2008થી દતિયામાંથી ચૂંટણી જીતી રહ્યા છે અને આ વખતે છઠ્ઠી વખત વિધાનસભામાં પહોંચ્યા છે.

જોકે તેમના વિસ્તારના ભાજપના નેતાઓ દાવો કરે છે કે તેઓ તેમના વિસ્તારમાં તેમના સમકક્ષને આગળ આવવા દેતા નથી.

જોકે રાકેશ પાઠક કહે છે કે, "રાજનીતિમાં એ સામાન્ય વાત છે અને દરેક નેતા એવું જ કરે છે કે તે કોઈને પોતાની સામે ઊભા રહેવા દેતા નથી."

જ્યારે અમે તેમના વિસ્તારના ભાજપના નેતાઓને તેમના વિશે પૂછ્યું ત્યારે મોટા ભાગના નેતાઓએ વાત કરવાનો ઇનકાર કર્યો હતો. કોઈએ સ્પષ્ટ કારણ સમજાવ્યું નથી. પરંતુ અનૌપચારિક રીતે જે બહાર આવ્યું તેનો અર્થ એ છે કે ભાજપ સાથે જોડાયેલા સ્થાનિક નેતાઓને અંદરખાને ખબર છે કે નરોત્તમ મિશ્રા તેમના વિરોધી છે અને જો તેમણે વાત કરવાની થશે તો તેમનાં વખાણ જ કરવાં પડશે.

કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે આવેલાં ઈમરતીદેવી છેલ્લી ચૂંટણી ડાબરાથી લડ્યાં હતાં અને ચૂંટણી હારી ગયાં હતાં. તેમની હાર માટે નરોત્તમ મિશ્રા જવાબદાર હોવાના આક્ષેપો થયા હતા. જાણકારોનું કહેવું છે કે તેમને ડર છે કે તેમના વિસ્તારમાં ઈમરતીદેવી તેમના માટે ક્યાંક નવો પડકાર ન બની જાય.

એ સમયથી તેમનું ઈમરતીદેવી સાથે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. નિષ્ણાતોનો દાવો છે કે હાલમાં મુખ્ય મંત્રી ઈમરતીદેવીની વાતો પર વધુ ધ્યાન આપી રહ્યા છે. તાજેતરમાં, ડબરાના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વિનાયક શુક્લાની બદલીના કિસ્સામાં નરોત્તમ મિશ્રાની નહીં પરંતુ ઈમરતીદેવીની વગ ચાલી હતી અને અંતે વિનય શુક્લાની બદલી થઈ ગઈ.

બીબીસી ગુજરાતી

વિવાદો

મિશ્રા

ઇમેજ સ્રોત, TWITTER/DRNAROTTAMMISHRA

ઉલ્લેખનીય છે કે નરોત્તમ મિશ્રા માટે વિવાદો નવા નથી. જ્યારે તેઓ 2008ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેમને 'પેઇડ ન્યૂઝ' સંબંધિત આરોપોનો સામનો કરવો પડ્યો હતો.

તે સમયે તેમના દ્વારા પ્રકાશિત સામગ્રી અને હેડિંગ લગભગ તમામ અખબારોમાં એક જેવા હતા. બધા અખબારોમાં હેડલાઈન હતી "તો ઈસલીયે સબસે અલગ હૈ નરોત્તમ". તે સમયે 'પેઇડ ન્યૂઝ'ની આડશમાં આવા 42 સમાચાર પ્રકાશિત કરાવાયા હતા.

વિપક્ષ કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ભારતીએ આ અંગે ચૂંટણીપંચને ફરિયાદ કરી હતી. ચૂંટણીપંચને જાણવા મળ્યું હતું કે પૈસા ચૂકવીને આ સમાચાર છપાવાયા હતા. 2017માં ચૂંટણીપંચે તેમના પર ત્રણ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

જોકે બાદમાં નરોત્તમ મિશ્રાને દિલ્હી હાઇકોર્ટમાંથી રાહત મળી ગઈ. પરંતુ ચૂંટણીપંચે આ નિર્ણયે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

નરોત્તમ મિશ્રા 2018ની ચૂંટણી જીત્યા અને ગૃહમંત્રી બન્યા.

આ મામલે તેમની સામે ચૂંટણી લડનાર રાજેન્દ્ર ભારતીનું કહેવું છે કે આ મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને નિર્ણય આવવાનો બાકી છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "આ મામલે ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં જલદી સુનાવણી કરાવાનો પ્રયાસ કરવો જોઈએ, નહીં તો ચૂંટણીપંચના આ કાયદાનો કોઈ મતલબ જ નહીં રહે."

રાજેન્દ્ર ભારતી દતિયા જિલ્લાના એવા નેતા છે જેમણે નરોત્તમ મિશ્રા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.પરંતુ નરોત્તમ મિશ્રાનો પ્રભાવ તેમના વિસ્તારમાં તેમજ રાજ્યમાં સતત વધી રહ્યો છે. પ્રખ્યાત ભજન ગાયિકા લક્ષ્મી દુબેએ તાજેતરમાં નરોત્તમ મિશ્રાની જીવનકથાને ગીતના રૂપમાં દુનિયા સમક્ષ રજૂ કરી છે.

રેડ લાઇન
રેડ લાઇન