ભૂપેન્દ્ર પટેલ સરકારનાં એકમાત્ર મહિલા મંત્રી ભાનુબહેન બાબરિયા કોણ છે?

ઇમેજ સ્રોત, @BhanubenMLA

સારાંશ
- કૅબિનેટમાં એકમાત્ર મહિલા પ્રધાન તરીકે ભાનુબહેન બાબરિયાનો પણ સમાવેશ કરાયો
- ભાનુબહેન બાબરિયા ત્રીજી વખત એટલે કે 2007 અને 2012 પછી હવે 2022ની ચૂંટણીમાં જીત મેળવી ધારાસભ્ય બન્યાં છે
- ભાનુબહેન બાબરિયા પાસે કુલ જંગમ મિલકત 26, 90,144 છે
- 2012માં પણ ભાનુબહેન ફરી એક વખત આ બેઠક પરથી વિજયી થયાં હતાં
- 2017માં ભાજપે લાખાભાઈ સાગઠિયાને ટિકિટ આપી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી, એ બાદ આજે મુખ્ય મંત્રી અને મંત્રીઓએ શપથ લીધા. ભૂપેન્દ્ર પટેલે બીજી વાર મુખ્ય મંત્રી પદના શપથ લીધા હતા. મુખ્ય મંત્રી સાથે 16 અન્ય મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.
સરકારની આ કૅબિનેટમાં એકમાત્ર મહિલા પ્રધાન તરીકે ભાનુબહેન બાબરિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાનુબહેન બાબરિયા ત્રીજી વખત એટલે કે 2007 અને 2012 પછી હવે 2022ની ચૂંટણીમાં જીત મેળવી ધારાસભ્ય બન્યાં છે. ભાનુબહેન બાબરિયા રાજકોટ ગ્રામ્યમાંથી ચૂંટણી લડ્યાં હતાં. ત્યારે તેમની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વશરામભાઈ સોગઠિયા ચૂંટણી લડ્યા હતા.
ભાનુબહેન બાબરિયાને 1,19,695 મત મળ્યા હતા, ત્યારે વશરામ સોગઠિયાને 71, 201 મત મળ્યા હતા અને કૉંગ્રેસના સુરેશ બથવારેને 29,052 મત મળ્યા હતા.

કોણ છે ભાનુબહેન બાબરિયા?

ઇમેજ સ્રોત, @BhanubenMLA
ભાનુબહેન બાબરિયા રાજકોટ(ગ્રામ્ય)ના ધારાસભ્ય છે. ભાનુબહેન બાબરિયાએ 1998માં રાજકોટની કણસાગરા કૉલેજમાંથી બી.એ.નો અભ્યાસ કર્યો છે, તેમજ 2001માં ડી.ડી.કે.લો. કૉલેજ પોરબંદરમાંથી બી.એ. એલ.એલ.બી.નું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું છે.
ભાનુબહેન બાબરિયા પાસે કુલ જંગમ મિલકત 26, 90,144 છે. તેમની પાસે 500 ગ્રામ સોનું છે, જેની અંદાજિત બજારકિંમત રૂપિયા 25,00,000 છે.
તેમના કહેવા અનુસાર, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ચાહક છે. તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને રાજનીતિમાં પગલાં માંડ્યાં હતાં. ત્યારથી સતત ભાજપમાં સક્રિય છે અને ધારાસભ્ય બનવાની સાથે કૉર્પોરેટરની જવાબદારી પણ નિભાવી રહ્યાં છે, હવે તેમને મંત્રી બનવાની તક મળી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 15 મહિલાઓ વિધાનસભા પહોંચી હતી, જેમાંથી 14 મહિલાઓ ભાજપની ટિકિટ પર ધારાસભ્ય બન્યાં છે. તેમજ મંત્રીમંડળમાં માત્ર ભાનુબહેન બાબરિયાને જગ્યા મળી છે.

ઇમેજ સ્રોત, @BhanubenMLA

રાજકોટ ગ્રામીણની બેઠકથી ચૂંટાયાં હતાં

ઇમેજ સ્રોત, @BhanubenMLA
બીબીસી ગુજરાતીના સહયોગી જયદીપ વસંતે જણાવ્યું હતું કે, “પુનઃસીમાંકન પૂર્વેની રાજકોટ ગ્રામીણની બેઠક પરથી તેઓ ચૂંટાઈ આવ્યા હતા. તેમણે કૉંગ્રેસનાં કાંતાબહેન ડાભીને 41 હજાર 400 જેટલા મતથી પરાજય આપ્યો હતો. પુનઃસીમાંકન પછી 2012માં પહેલી ચૂંટણી યોજાઈ તેમાં પણ ભાનુબહેન ફરી એક વખત આ બેઠક પરથી વિજયી થયાં હતાં.”
“જોકે, 2017માં ભાજપે લાખાભાઈ સાગઠિયાને ટિકિટ આપી હતી, જેમને 2012માં ભાનુબહેને પરાજય આપ્યો હતો. લાખાભાઈ બે હજાર 189 મતની પાંખી સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા.”
“આ વખતે ભાનુબહેન આમ આદમી પાર્ટીના વશરામભાઈ સાગઠિયાને પરાજય આપ્યો હતો. ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન વશરામભાઈ કૉંગ્રેસની ટિકિટ પર ઝંપલાવ્યું હતું અને પોતાના જ પૂર્વ સાથી લાખાભાઈના હાથે તેમનો પરાજય થયો હતો.”














