ગુજરાતનાં પરિણામો રાહુલ ગાંધીને શો સંદેશ આપી રહ્યાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇકબાલ અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાછલા બધા રેકૉર્ડ તોડીને રાજ્યની કુલ 182 બેઠકોમાંથી 156 બેઠકો પર જીત હાંસલ કરી હતી.
જ્યાં એક તરફ ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી ત્યાં બીજી તરફ પ્રમુખ વિપક્ષની પાર્ટી કૉંગ્રેસે અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું.
વર્ષ 2017માં કૉંગ્રેસે 77 બેઠકો જીતી હતી પરંતુ 2022ની ચૂંટણીમાં કૉંગ્રેસ માત્ર 17 બેઠકો જ જીતી શકી.
પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે વિરોધ પક્ષના નેતાનું પદ પણ કૉંગ્રેસને મળશે કે નહીં તે વિધાનસભાના અધ્યક્ષ કે એક રીતે ભાજપ પર આધારિત રહેશે કારણ કે વિરોધપક્ષના નેતા માટે પાર્ટીને ઓછામાં ઓછા દસ ટકા બેઠકો મેળવવાની હોય છે.
કૉંગ્રેસે હિમાચલ પ્રદેશમાં જીત જરૂર હાંસલ કરી પરંતુ આ જીતને વધુ મહત્ત્વ નથી અપાઈ રહ્યું.
તેનું એક કારણ તો એવું ગણાવાઈ રહ્યું છે કે આ પાછલા અમુક દાયકાથી રાજ્યનો ઇતિહાસ રહ્યો છે કે ત્યાં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે.
બીજું કારણ એ છે કે મોટા ભાગના વિશ્લેષક આને કૉંગ્રેસની જીત ન ગણતાં ભાજપની હાર તરીકે જોઈ રહ્યા છે.
કૉંગ્રેસે અહીં 68માંથી 40 બેઠકો મેળવી છે જ્યારે ભાજપ 25 બેઠકો જીત્યો છે પરંતુ બંને પાર્ટીઓના વોટશૅરમાં માત્ર એક ટકાનો ફરક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બંને રાજ્યોનાં પરિણામો અગાઉ દિલ્હી એમસીડીનાં પરિણામ આવ્યાં હતાં અને અહીં પણ કૉંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક જ રહ્યું.
આવી પિરિસ્થિતિમાં લોકો આ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આ પરિણામોએ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી માટે શો સંદેશ આપ્યો છે?
દિલ્હીસ્થિત થિંક ટૅન્ક 'સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચ' ના ફેલો રાહુલ વર્મા કહે છે કે દિલ્હી, ગુજરાત અને હિમાચલ ત્રણેય સ્થળોનાં પરિણામોમાં રાહુલ ગાંધી માટે કંઈક ને કંઈક સંદેશ છે.

રાહુલ ગાંધીની વ્યૂહરચના અકળ

ઇમેજ સ્રોત, CONGRESS
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી સાથેની વાતચીતમાં રાહુલ વર્મા કહે છે કે, “ગુજરાતમાં ભલે કૉંગ્રેસ પાર્ટીને પાછલાં 27 વર્ષથી ચૂંટણી હારી રહી હતી પરંતુ તેમની પાસે 35થી 40 ટકા વોટશૅર હતો પરંતુ આ વખત પાર્ટીએ લગભગ વૉકઓવર આપી દીધો અને તેના કારણે એક નવી પાર્ટી (આમ આદમી પાર્ટી) આવી ગઈ જેણે કૉંગ્રેસને સૌથી વધુ નુકસાન કર્યું.”
તેમના અનુસાર ગુજરાતમાં ચૂંટણી કવર કરવા માટે લગભગ દરેક પત્રકાર એવું જ કહી રહ્યો હતો કે કૉંગ્રેસના કાર્યકર્તા અને મતદાતા નારાજ છે કારણ કે કૉંગ્રેસ ત્યાં ચૂંટણી લડતી દેખાઈ નહોતી રહી.
રાહુલ વર્મા કહે છે કે ગુજરાતમાં કૉંગ્રેસ જેવો પછડાટ મળ્યો છે બરાબર એવું જ પ્રદર્શન બિહાર અને યુપીમાં પણ રહ્યું હતું અને આજ દિન સુધી પાર્ટી ત્યાં પરત ફરી શકી નથી.
દિલ્હી એમસીડીમાં પણ કૉંગ્રેસ ત્રીજા નંબરની પાર્ટી બની ગઈ અને પ્રથમ અને બીજી પાર્ટીની આસપાસ પણ તે નથી અને જે નવ કૉર્પોરેટર કૉંગ્રેસની ટિકિટ પર જીતી આવ્યા છે તે પાર્ટીના સ્થાને તેમની અંગત છબિના કારણે જીત્યા છે.
રાહુલ વર્મા અનુસાર હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસની જીતનો શ્રેય કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને તો ન જ મળવો જોઈએ પરંતુ પાર્ટી એવું કરશે કારણ કે પાર્ટીનું ચરિત્ર જ એવું છે.
વરિષ્ઠ પત્રકાર સ્મિતા ગુપ્તા કહે છે કે લગભગ દરેક ચૂંટણી બાદ એક જ સંદેશ વારંવાર આવે છે, કૉંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને રાહુલ ગાંધીની તકલીફ એ છે કે કોઈ કશું સાંભળવા માટે તૈયાર નથી દેખાતું.
ગુજરાતનો ઉલ્લેખ કરતાં સ્મિતા ગુપ્તા કહે છે કે 2017ની ચૂંટણી સમયે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી પાર્ટી સાથે આવ્યા અને તેનો લાભ પાર્ટીને પણ મળ્યો.પરંતુ પાર્ટી આ ત્રિપુટીમાંથી બેને ન જાળવી રાખી શકી, જિજ્ઞેશ મેવાણી ભારે મુશ્કેલી બાદ બેઠક બચાવવામાં સફળ રહ્યા પરંતુ પાર્ટીને તેમનાથી કોઈ લાભ ન થયો.
વિધાનસભા ચૂંટણી પહેલાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વિશે સ્મિતા ગુપ્તા કહે છે કે એ વાત નથી સમજાતી કે આ યાત્રામાં કેમ ગુજરાતને સામેલ ન કરાયું?
રાહુલ ગાંધી ગુજરાતમાં માત્ર એક દિવસ માટે પ્રચાર માટે ગયા હતા.

ગુજરાતમાં કૉંગ્રેસના ‘કારમા પરાજય’માં રાહુલ ગાંધી માટે કયા પાઠ છુપાયેલા છે?

- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ માત્ર 17 બેઠકો પર સમેટાઈ ગઈ
- હિમાચલ પ્રદેશમાં પાર્ટીને સત્તા હાંસલ થઈ પરંતુ તેનું શ્રેય કૉંગ્રેસને નહીં પરંતુ જનતાને અપાઈ રહ્યું છે
- નિષ્ણાતોના મતે રાહુલ ગાંધી અને કૉંગ્રેના નેતૃત્વ માટે ગુજરાતની હાર અને એમસીડીના ખરાબ પ્રદર્શનમાં સંદેશ છુપાયેલા છે
- વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ કેવી રીતે એક સક્ષમ વિપક્ષની ભૂમિકા ભજવી શકે?
- ભાજપને પડકારવા માટે કૉંગ્રેસ અને તેના નેતૃત્વે કઈ વાતો પર ધ્યાન આપવાનું રહેશે? શું રાહુલ ગાંધી ઍન્ડ કંપની તેના માટે તૈયાર છે ખરાં?

‘ચૂંટણી લડવામાં રસ છે કે નહીં તે સ્પષ્ટ કરવું પડશે’

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધી કહેતા રહ્યા છે કે તેમની યાત્રાના ચૂંટણીલક્ષી રાજકારણથી કોઈ લેવાદેવા નથી.
આ અંગે સ્મિતા ગુપ્તા કહે છે કે, “જો તમારે ચૂંટણી નથી જીતવી, કોશિશ પણ નથી કરવી તો પછી તમે (કૉંગ્રેસ કે રાહુલ ગાંધી) રાજકીય દળ કેમ ચલાવી રહ્યા છો?”
તેઓ કહે છે કે ચૂંટણી જીત્યા બાદ હવે ભાજપ ભલે જે કહે પરંતુ સત્ય એ છે કે ભાજપ એટલા માટે જીતતો આવ્યો છે કારણ કે તેનો વિરોધ કરનાર વિપક્ષ સાચા અર્થમાં કોઈ છે જ નહીં.
કૉંગ્રેસનું રાજકારણને નજીકથી જોનારા રશીદ કિદવઈ કહે છે કે ગુજરાતમાં કૉંગ્રેસે આ ચૂંટણીમાં પોતાના સ્થાનિક નેતૃત્વના દમ ઉપર આગળ વધવાની કોશિશ કરી હતી. તેથી રાજ્યના નેતા જ ચૂંટણીપ્રચારની ધુરા સંભાળી રહ્યા હતા અને રાષ્ટ્રીય નેતૃત્વ વધુ સક્રિય નહોતું.
રશીદ કિદવઈ અનુસાર, આમાં મુશ્કેલી એવી હતી કે ગુજરાતમાં કૉંગ્રેસ પાસે હાલ એવો કોઈ નેતા નથી જેની રાજ્યવ્યાપી ઓળખ હોય.
રાહુલ વર્માની વાતને આગળ વધારતાં રશીદ કિદવઈ કહે છે કે કૉંગ્રેસ માટે ગુજરાતની હાર એક ખરાબ સમાચાર છે કારણ કે જે રાજ્યોમાં બે પાર્ટી સિસ્ટમ હતી ત્યાં ત્રીજી પાર્ટીના આગમન સાથે જ કૉંગ્રેસ પાછી ધકેલાતી ગઈ અને પછી વાપસી ન કરી શકી.
બિહાર, યુપી, ઓડિસા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને દિલ્હી આનાં ઉદાહરણ છે.
ગુજરાતમાં પણ આ વખત આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું અને પાંચ બેઠકો જીતવાની સાથોસાથ લગભગ 13 ટકા વોટશૅર પણ હાંસલ કર્યો. કૉંગ્રેસ માટે આ વધુ મોટી ચિંતા છે.
રશીદ કિદવઈ અનુસાર, રાહુલ ગાંધીએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે કે તેમને ચૂંટણીલક્ષી રાજકારણમાં રસ છે કે નહીં.
આનું કારણ જણાવતાં રશીદ કિદવઈ કહે છે કે ના માત્ર એઆઈસીસી સચિવાલય બલકે કૉંગ્રેસ રાજ્ય એકમોમાં પણ ઘણા સભ્યો એવાં મહત્ત્વપૂર્ણ પદો પર બેઠા છે જેમને ‘ટીમ રાહુલ’ના સભ્ય કહી શકાય.

ભારત જોડો યાત્રાનો શો છે હેતુ

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ભલે ઘણા રાજકીય વિશ્લેષક કઠોર આલોચના કરી રહ્યા હોય પરંતુ રશીદ કિદવઈ તેના રાજકીય મહત્ત્વને સંપૂર્ણપણે ખારિજ નથી કરતા.
તેમના અનુસાર, રાહુલ ગાંધી જો નાગરિક સમાજને એવો વિશ્વાસ અપાવામાં સફળ રહ્યા કે બંધારણ ખતરામાં છે, ભારતીય સમાજના તાંતણા તૂટી રહ્યા છે કે મીડિયા પર દબાણ છે તો તેનો રાજકીય લાભ ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીને જ મળશે.
તેમના અનુસાર, રાહુલ ગાંધી એ વાતને લઈને આશ્વસ્ત છે કે હાલ લોકોના વિચાર બદલવાની જરૂર છે અને આ પ્રકારનો સંવાદ રાજકીય મંચથી સંભવ નથી.
રશીદ કિદવઈ અનુસાર, મોટા ભાગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ આવી જ રીતે ખામોશીથી સમાજ વચ્ચે જઈને કામ કરે છે.
રાહુલ ગાંધીની હાલની યાત્રા ફેબ્રુઆરીમાં ખતમ થશે પરંતુ રશીદ કિદવઈ અનુસાર, અમુક દિવસો બાદ રાહુલ ગાંધી વધુ એક યાત્રા પર નીકળશે અને આ વખત તેઓ આસામથી ગુજરાત જઈ શકે છે.
વર્ષ 2024ના માર્ચ-એપ્રિલમાં લોકસભાની ચૂંટણી થશે પરંતુ એ પહેલાં લગભગ 13 રાજ્યોમાં ચૂંટણી થવાની છે.
ગુજરાતનાં પરિણામો પર પ્રતિક્રિયા આપતાં રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું, “અમે ગુજરાતના લોકોનો જનાદેશ વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરીએ છીએ. અમે પુનર્ગઠન કરીને, કઠોર મહેનત કરીશું અને દેશના આદર્શો અને પ્રદેશવાસીઓના હકની લડાઈ ચાલુ રાખીશું.”
તો શું ગુજરાત અને હિમાચલનાં પરિણામો બાદ કૉંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીની કામ કરવાની રીતોમાં ઘણો તફાવત જોવા મળી શકે છે.

કૉંગ્રેસ અવઢવમાં કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભાની 208 બેઠકો એવી છે જ્યાં ભાજપ અને કૉંગ્રેસની સીધી ટક્કર છે અને ભાજપ પાસે હાલ આ પૈકીની 90 ટકા બેઠકો છે.
રશીદ કિદવઈ અનુસાર, વિપક્ષની એકતા માટે પ્રથમ શરત એ છે કે કૉંગ્રેસ ખુદ મજબૂત હોય અને આ 208 બેઠકો પર ભાજપના સ્ટ્રાઇક રેટને 50 ટકા સુધી લઈ આવે.
નીતીશકુમારે ભાજપ સાથે છેડો ફાડી દીધો અને લાલુ પ્રસાદ સાથે હાથ મિલાવ્યો. તે બાદ તેમણે સાર્વજનિકપણે પોતાની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાઓ જાહેર કરી અને કહ્યું કે તેઓ વિપક્ષને એક કરવાની કોશિશ કરશે.
આ પ્રકારની કોશિશ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી અને તેલંગાણાના મુખ્ય મંત્રી કેસીઆર પણ કરતાં નજરે પડ્યાં. પરંતુ આ તમામ નેતાઓની એક સામાન્ય ફરિયાદ એ રહી કે પ્રમુખ વિપક્ષ હોવાના કારણે કૉંગ્રેસની એ જવાબદારી છે કે તેઓ વિપક્ષને એક કરે પરંતુ કૉંગ્રેસ આગળ આવીને આવું કરી નથી રહી.
રશીદ કિદવઈ કહે છે કે ભારતમાં ગઠબંધનના રાજકારણનો જે ઇતિહાસ રહ્યો છે તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ગઠબંધન હંમેશાં એ સમયે થાય છે જ્યારે તેમાં સામેલ થનાર પાર્ટી જાતે એક મજબૂત સ્થિતિમાં હોય છે.
રશીદ કિદવઈ કહે છે કે, “સમગ્ર વિપક્ષ હાલ વિખેરાયેલો છે અને તેઓ કૉંગ્રેસને શંકાની દૃષ્ટિએ જુએ છે. કૉંગ્રેસે પોતાની રાજકીય અક્કડપણું હજુ પણ બરકરાર છે જેના કારણે તેઓ વિપક્ષને જગ્યા આપવા તૈયાર નથી.”

રાહુલ ગાંધી માટે બે પાઠ

ઇમેજ સ્રોત, Getty Images
સ્મિતા ગુપ્તા કહે છે કે આ પરિણામોના બે પાઠ તો કૉંગ્રેસ માટે બિલકુલ સ્પષ્ટ છે.
તેઓ કહે છે કે, “તમે મહેનત પણ નહીં કરો, કોશિશ નહીં કરો, નવી પેઢીને પાર્ટીમાં જગ્યા નહીં આપો, અને જો થોડી વધુ મહેનત કરી રહ્યા હો તો તેને ચૂંટણી સાથે નહીં જોડો તો લોકો તમારાથી છૂટા પડી જશે.”
સ્મિતા ગુપ્તા અનુસાર આ પરિણામોએ એ સ્પષ્ટ કરી દીધું છે કે જો ભાજપ અને નરેન્દ્ર મોદીને હરાવવા હોય તો વિપક્ષને એક સાથે આવીને કામ કરવું જ પડશે, તેનો કોઈ વિકલ્પ નથી.
સ્મિતા કહે છે કે, “2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના દરેક ઉમેદવાર વિરુદ્ધ વિપક્ષે પોતાનો જ એક અલગ ઉમેદવાર ઊભો કરવો જોઈએ.”
સ્મિતા ગુપ્તા અનુસાર કૉંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતા પણ તેમની સાથે બિનઆધિકારિક વાતચીતમાં આ પ્રકારની શક્યતાથી સંમત દેખાઈ રહ્યા છે.
પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે કૉંગ્રેસ હજુ પણ આ વાત માટે તૈયાર નથી કે કોઈ અન્ય નેતા વિપક્ષ ગઠબંધનનું નેતૃત્વ કરે, રાહુલ ગાંધી ખુદ આ વાત માટે તૈયાર નથી.
સ્મિતા ગુપ્તા અનુસાર નીતીશકુમાર જૂના સમાજવાદીઓ કે પૂર્વ જનતા પરિવારને એક કરવાની કોશિશ કરી રહ્યા છે.
તેમના અનુસાર દેવેગૌડા, સપા, આરએલડી, ચૌટાલા અને ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયક સાથે પણ વાતચીત થઈ છે.
સ્મિતા ગુપ્તા કહે છે કે નવીન પટનાયક માત્ર એટલું જ ઇચ્છે છે કે ઓડિશાની જવાબદારી તેમના પર મૂકી દેવામાં આવે અને લાલુ પ્રસાદ માત્ર એટલું ઇચ્છે છે કે તેજસ્વી યાદવને બિહારના મુખ્ય મંત્રી બનાવી દેવાય, આવી પરિસ્થિતિમાં નીતીશકુમાર આ સંભવિત જૂથના સ્વાભાવિક નેતા હોઈ શકે છે.

કૉંગ્રેસમાં બેચેની અને જુસ્સાની કમી

ઇમેજ સ્રોત, Getty Images
સ્મિતા ગુપ્તા અનુસાર, હાલ વિપક્ષમાં એક પ્રકારની અવઢવ છે પરંતુ આ જ બેચેની અને જુસ્સો કૉંગ્રેસમાં કેમ નથી દેખાતાં?
સ્મિતા ગુપ્તા કહે છે કે આનો જવાબ આપવું ઘણું મુશ્કેલ છે અને રાજસ્થાન તેનું સૌથી મોટું ઉદાહરણ છે. કૉંગ્રેસ પાર્ટી અત્યાર સુધી અશોક ગેહલોત અને સચીન પાઇલટ વચ્ચે મતભેદ દૂર કરવામાં નિષ્ફળ નીવડી છે.
સ્મિતા ગુપ્તા પૂછે છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જે રાજ્યોમાંથી પસાર થઈ છે શું તેમનાં પાર્ટીના સંગઠનમાં કોઈ બદલાવ દેખાયો, શું આવનારી વિધાનસભાની ચૂંટણી કે 2024ની લોકસભાની ચૂંટણી માટે કમર કસતા નજર આવી રહ્યા છે?
તેઓ કહે છે કે રાહુલ ગાંધીનો જે પાછલો રેકૉર્ડ રહ્યો છે તેને જોતાં તેમને નથી લાગતું કે કૉંગ્રેસ કે રાહુલ ગાંધી ગુજરાત અને હિમાચલનાં પરિણામોથી કોઈ પાઠ શીખીને મોટો ફેરફાર કરશે.
રાહુલ વર્મા અનુસાર કૉંગ્રેસ આટલી જૂની અને મોટી પાર્ટી છે કે તેમનાં મોટો ફેરફાર કરવું એ સરળ નથી અને આ માટે રાહુલ ગાંધીને એકલાને જવાબદાર ન ઠેરવી શકાય.
તેઓ કહે છે કે, “કૉંગ્રેસ પાછલાં આઠ વર્ષોથી કહી રહી છે કે તે મોટો ફેરફાર કરશે. ઉદયપુરમાં પણ કહ્યું હતું કે અમે બદલાવ કરીશું પરંતુ મોટા ફેરફારનો અર્થ એ છે કે ઘણા લોકોને નારાજ કરવા પડશે અને તેના માટે કૉંગ્રેસ પાર્ટી કે રાહુલ ગાંધી તૈયાર છે કે કેમ તેની મને નથી ખબર.”

શું હશે કૉંગ્રેસની વ્યૂહરચના

ઇમેજ સ્રોત, Getty Images
વિપક્ષના ગઠબંધનની મુશ્કેલી જણાવતાં રાહુલ વર્મા કહે છે કે આમ આદમી પાર્ટી કેમ ગઠબંધન કરવા માગશે જ્યારે તે સતત મોટી પાર્ટી બનતી જઈ રહી છે. આ સિવાય કોઈ પણ ક્ષેત્રીય પક્ષ કૉંગ્રેસ સાથે કેમ ગઠબંધન કરશે જ્યારે તેમને ખબર છે કે કૉંગ્રેસને બેઠક આપવાથી તેમનું નુકસાન થશે.
તો પછી મોટો પ્રશ્ન એ છે કે શું ગુજરાત અને હિમાચલનાં પરિણામો બાદ વર્ષ 2024ને જોતાં કૉંગ્રેસની વ્યૂહરચના શું હોઈ શકે, આના જવાબમાં રાહુલ વર્મા કહે છે કે, “પાછલાં પાંચ વર્ષોમાં તો એવું ક્યારેય નથી લાગ્યું કે કૉંગ્રેસ પાર્ટી કોઈ સંરચનાત્મક બદલાવને લઈને ગંભીર છે. ઇતિહાસ તો એ વાતની સાક્ષી નથી પૂરતો કે ભવિષ્યમાં પણ કોઈ બદલાવ થશે. પરંતુ બની શકે કે કૉંગ્રેસ કે રાહુલ ગાંધીનું મન બદલાઈ જાય, પરંતુ મુશ્કેલ છે.”
તો શું વર્ષ 2024ની ચૂંટણી વિશે હાલ કંઈ કહેવું સંભવ છે ખરું, આ વાતે રાહુલ વર્મા કહે છે કે, “ભારતમાં ચૂંટણીમાં હંમેશાં બધા માટે તક હોય છે, ભાજપ હાલ ઘણો આગળ છે પરંતુ ઘણાં રાજ્યોમાં તે પણ સંઘર્ષ કરી રહ્યો છે.”
રાહુલ વર્મા અનુસાર આગામી 18 મહિનામાં રાજકારણમાં શું થશે એ વાત પર ઘણું બધું આધારિત રહેશે.
તેઓ કહે છે કે, “ભાજપને રાષ્ટ્રીય સ્તરે પડાકરવા માટે કંઈક અલગ પ્રકારનું રાજકારણ કરવાની જરૂરિયાત છે અને પ્રમુખ વિપક્ષ (કૉંગ્રેસ) તેના માટે હાલ તૈયાર નથી દેખાઈ રહ્યો.”














