ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની રેકૉર્ડ જીતની 2024ની ચૂંટણી પર કેવી અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી

સારાંશ
- 2014 તથા 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતની તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો
- ભાજપમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહથી વધુ શક્તિશાળી કોઈ નથી
- ગુજરાત તથા હિમાચલ પ્રદેશમાં ભાજપે બળવાખોર નેતાઓ અને ઉમેદવારો ઉપર શિસ્તભંગનો કોરડો વીંઝ્યો છે
- ગુજરાતમાં યુસીસી લાવવા માટે ગત વિધાનસભામાં સમિતિનું પણ ગઠન કરવામાં આવ્યું હતું
- ગુજરાતમાં લગભગ 13 ટકા મત સાથે આપ રાષ્ટ્રીય પક્ષ બની ગયો છે

ગુજરાતમાં ભાજપે 156 બેઠક જીતીને માધવસિંહ સોલંકીના વર્ષ 1985ના રેકૉર્ડને તોડી નાખ્યો છે. જે વખતની 99 બેઠક કરતાં લગભગ 60 ટકા વધુ છે.
સોલંકીનો રેકૉર્ડ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તોડી નહોતા શક્યા અને 2002માં સૌથી વધુ 126 બેઠક આવી હતી.
ગત ચૂંટણી દરમિયાન ભાજપને જીત માટે પરસેવો પડાવી દેનારી કૉંગ્રેસ પાર્ટી આ વખતે વિધાનસભામાં નેતા પ્રતિપક્ષના પદ માટે પાત્ર નથી રહી. નિયમ પ્રમાણે વિપક્ષના નેતા પદ માટે 10 ટકા બેઠકની જરૂર રહે. 182 સભ્યવાળી વિધાનસભામાં પાર્ટી માત્ર 17 બેઠક જીતી શકી છે.
ગુજરાત વિધાનસભાના ચૂંટણીપરિણામોને આગામી લોકસભા ચૂંટણી સાથે જોડીને જોવામાં આવે છે. જે નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે, તે વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી યોજાશે.

હેટ્રિકને અવકાશ

ઇમેજ સ્રોત, Getty Images
2014 તથા 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતની તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો. કોઈપણ મોટા રાજ્યમાં કોઈ રાજકીય પક્ષનો સ્ટ્રાઇક રેટ 100 ટકા હોવો અને તેનું પુનરાવર્તન થવું તે ભારતના રાજકીય ઇતિહાસમાં અજોડ ઘટના છે.
જો ગુરૂવારના ચૂંટણીપરિણામોને 'નક્કર આંકડાકીય' રીતે આગામી લોકસભા ચૂંટણીના પરિપેક્ષ્યમાં મૂકીને જોવામાં આવે તો આગામી વધુ એક વખત ભાજપને તમામ 26 બેઠક પર વિજયની 'હેટ્રિક' મારી શકે છે.
અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે, લોકસભામાં બહુમતી મેળવવા માટે 272 બેઠકની જરૂર રહે. મતલબ કે લગભગ 10 ટકા બેઠક ગુજરાતમાંથી જ મળી રહે. અન્ય 516 બેઠકમાંથી પાર્ટીએ 0.48 ટકાના સ્ટ્રાઇક રેટથી જીત મેળવવાની રહે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હી, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન ભાજપશાસિત નથી, પરંતુ 2014 અને 2019માં ભાજપનો સ્ટ્રાઇક રેટ 90 ટકા કરતાં વધુનો રહ્યો હતો. મધ્ય પ્રદેશ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવાં હિંદીબેલ્ટનાં ભાજપશાસિત રાજ્યો સ્થાપના સમયથી જ ભાજપની સાથે રહ્યા છે. જો તેમને પણ જોડવામાં આવે તો બાકી વધતી બેઠક માટે જરૂરી સ્ટ્રાઈક 0.48થી પણ નીચે જતો રહે.

મોદી-શાહ મજબૂત બનશે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાજપે ગુજરાતની ચૂંટણીમાં જે રીતે પ્રચાર કર્યો તે રીતે ફરી એ સ્પષ્ટ દેખાયું કે વંડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહથી વધુ શક્તિશાળી કોઈ નથી. આ પરિણામોએ પાર્ટીમાં તેમના સ્થાનને મજબૂતી આપી છે. જો તેમની કાર્યશૈલી વિરુદ્ધ કોઈ નારાજગી હોય તો પણ તેને સાર્વજનિક રીતે વ્યક્ત નહીં કરી શકે અને જો કરશે તો પરિણામો પણ ભોગવવાના રહેશે.
ગુજરાત તથા હિમાચલ પ્રદેશમાં ભાજપે બળવાખોર નેતાઓ અને ઉમેદવારો ઉપર શિસ્તભંગનો કોરડો વીંઝ્યો છે. લગભગ 20 જેટલા નેતાની હકાલપટ્ટી પછી પણ ગુજરાતમાં ભાજપને રેકૉર્ડ સંખ્યામાં બેઠકો મળી છે.
હિમાચલ પ્રદેશમાં અગાઉ સત્તાપરિવર્તન થતું, ત્યારે મતોની ટકાવારીનો તફાવત (તાજેતરની ચૂંટણીઓમાં) પાંચથી સાત ટકા જેટલો રહેતો. આ વખતે બળવાખોરોની સામે કાર્યવાહી કરવા અને તેમની અપક્ષ ઉમેદવારી છતાં તફાવત માત્ર 0.9 ટકા રહેવા પામ્યો છે.
2024ની ચૂંટણી 'બ્રાન્ડ' ઉપર જ લડાશે અને બીજા નેતા તેમના પૂરક હશે, પરંતુ હરીફ કોઈ નહીં હોય. ભાજપના કાર્યકર્તાઓનું મનોબળ વધશે.
રાજકીય વિશ્લેષક અદિતિ ફડનિસે બીબીસી હિંદીના દિલનવાઝ પાશા સાથે વાત કરતા કહ્યું હતું કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારથી જ વર્ષ 2024ના ચૂંટણીઅભિયાનની શરૂઆત કરી દીધી છે. તેમણે કાર્યકરો સાથે જે રીતે સંવાદ કર્યો, તેમને અભિનંદન પાઠવ્યા અને તેમની પ્રશંસા કરી, તે જોતા મોદી અત્યારથી જ કેવી તૈયારી કરી રહ્યા છે અને 2024માં શું થશે, તે સ્પષ્ટ થઈ ગયું છે."
જ્યારે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે દિલ્હીમાં ભાજપના શીર્ષના પદાધિકારીઓની બેઠક મળી રહી હતી, જેમાં કર્ણાટક, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ઉપરાંત આગામી લોકસભા ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી હતી. જે દરેક ચૂંટણી માટે ભાજપ દ્વારા કરવામાં આવતા પ્રયાસોની દ્યોતક છે.

વિપક્ષ વ્યગ્ર, ભાજપ અગ્ર

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ભાજપને 52.5 ટકા, કૉંગ્રેસને 27.28 ટકા અને આમ આદમી પાર્ટીને લગભગ 13 ટકા મત મળ્યા છે. અનેક બેઠક ઉપર ભાજપના વિજેતા ઉમેદવારની લીડનો તફાવત આમ આદમી પાર્ટીને મળેલા મતો કરતાં વધુ છે. જો કૉંગ્રેસ અને આપ મળીને ચૂંટણી લડે તો તે કદાચ ભાજપને હરાવી ન શક્યો હોત, પરંતુ શાસકપક્ષનો વિજય રેકૉર્ડતોડ ન રહ્યો હોત.
માત્ર 0.9 ટકા મતને કારણે હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસ અને ભાજપની વચ્ચેની 15 બેઠકનો તફાવત આવી ગયો હતો અને ભાજપ સત્તાથી ખાસ્સા અંતરથી દૂર થઈ ગયો. રાજકીય વિશ્લેષક તથા દિલ્હીની જામિયા યુનિવર્સિટીના પ્રો. મુજીબુર્રરહેમાનના કહેવા પ્રમાણે, "હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશની સૌથી મોટી રાજકીય બ્રાન્ડ છે. વિપક્ષ કે ખુદ ભાજપમાં પણ એવો કોઈ ચહેરો નજરે નથી પડતો કે જે તેમનું સ્થાન લઈ શકે કે નજીક આવી શકે."
ત્યારે જો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની સામે ગુજરાત તથા દેશભરમાં વિપક્ષ એક થાય તો તે સત્તારૂઢ પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. અલબત વિપક્ષે એ જોવું પડશે કે માત્ર આંકડાના આધારે ધરાતલ પર વિજય નથી મળતો.
બધાને સાથે લઈને ચાલી શકે, મતદારોને આકર્ષી શકે તેવો ચહેરો હોવો જોઈએ અને તેમની વચ્ચે સરકારના લક્ષ્યાંકો અને કાર્યક્રમો 'કૉમન મિનિમમ પ્રોગ્રામ' વિશે સામંજસ્ય હોવું જોઈશે.

વધુ આક્રમક બનશે

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે તેના ચૂંટણીઢંઢેરામાં યુનિફૉર્મ સિવિલ કોડ લાવવાની વાત કરી હતી. જનસંઘના સમયથી જ ભાજપ તેને લાવવા માટે પ્રયાસરત છે. ગુજરાતમાં યુસીસી લાવવા માટે ગત વિધાનસભામાં સમિતિનું પણ ગઠન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ચૂંટણીપ્રચાર દરમિયાન ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંત તથા આસામના મુખ્ય મંત્રી હેમંતા બિશ્વા શર્માએ ગુજરાતમાં ચૂંટણીપ્રચાર દરમિયાન કહી ચૂક્યા કે ગુજરાતની ચૂંટણી '2024ની લોકસભાનું ટ્રેલર છે.'
ગત લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ સરકાર ઇન્સ્ટન્ટ ટ્રીપલ તલાક બિલ પર નિષેધ મૂકતો કાયદો લાવી હતી. એવી જ રીતે સરકારના વલણમાં આક્રમકતાની અપેક્ષા રાખી શકાય અને અણિના સમયે 'યુસીસી' બિલ લાવી શકે છે.
રામ મંદિર તથા અનુચ્છેદ 370ની નાબુદીની જેમ યુસીસી એવો મુદ્દો છે કે, જે ભાજપના સર્મિપત મતદાતા વર્ગને આકર્ષે છે. ગુજરાતએ આવા મતદાર વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અને એટલે જ તેને 'વિચારધારાની પ્રયોગશાળા' તરીકે ઓળખવામાં આવે છે.
વર્તમાન સ્થિતિ પ્રમાણે, એપ્રિલ-2024માં રાજ્યસભામાં કૉંગ્રેસના હાથમાંથી બે બેઠક જશે અને જૂન-2026 સુધીમાં ગુજરાતમાંથી વિપક્ષનો કોઈ પ્રતિનિધિ નહીં હોય. જે ભાજપને યુસીસી જેવા સંવેદનશીલ કાયદાને ઉપલા ગૃહમાં પસાર કરાવવા માટે મજબૂતી પ્રદાન કરશે.

આપનો હાઉ દૂર થશે

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરની વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીએ બેરોજગારી ભથ્થું, મહિલાઓને ભથ્થું, મફત વીજળી જેવી જાહેરાતો કરી હતી, જેના કારણે ભાજપના કાર્યકરો અને નેતાઓમાં પણ ફફડાટ હતો. જેના કારણે આપના પ્રદર્શન અંગે કોઈ ટિપ્પણી કરતા તેઓ સાર્વજનિક રીતે કે 'ઑફ ધ રેકર્ડ' પણ ખચકાઈ રહ્યા હતા.
ગુજરાતમાં લગભગ 13 ટકા મત સાથે આપ રાષ્ટ્રીય પક્ષ બની ગયો છે. દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં વિજય થયો છે, છતાં ભાજપનું પ્રદર્શન 'ઍક્ઝિટ પોલના અનુમાનો' કરતાં સારું રહ્યું હતું.
જોકે, હિમાચલ પ્રદેશમાં તેને એક ટકા જેટલા મત મળ્યા છે. પંજાબની સીમાઓ હિમાચલ પ્રદેશ સાથે જોડાયેલી છે. છતાં આપ નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યું ન હતું. આ બધી બાબતો આપનો મુકાબલો કરવામાં ભાજપના કાર્યકર્તાઓનું મનોબળ વધારશે.
દિલ્હી એમસીડીમાં ભાજપ 20 કરતાં ઓછાએ આટોપાઈ જશે, ગુજરાતમાં આપની સરકાર બનશે અને ભાજપ સત્તાની બહાર ફેંકાઈ જશે, જેવાં નિવેદનો આપના કાર્યકર્તાઓના મનોબળને અસર કરશે.














