સૌરાષ્ટ્રમાં 2017ની સરખામણીએ ભાજપને બંપર ફાયદો અને કૉંગ્રેસને નુકસાન કેવી રીતે થયું?

સૌરાષ્ટ્રમાં જીતેલી ત્રણ પૈકી એકપણ બેઠક કૉંગ્રેસ 10 હજાર કરતા વધુ સરસાઈથી જીતી નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સૌરાષ્ટ્રમાં જીતેલી ત્રણ પૈકી એકપણ બેઠક કૉંગ્રેસ 10 હજાર કરતા વધુ સરસાઈથી જીતી નથી
    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠકો પૈકી ભાજપને 46 બેઠકો મળી છે જ્યારે કૉંગ્રેસને માત્ર 3 બેઠકો મળી છે.

2017ની ચૂંટણી કરતા આ વખતની ચૂંટણીનું ચિત્ર તદ્દન ઊલટું કેવી રીતે થઈ ગયું? તેના કેટલાંક કારણોમાંથી આમ આદમી પાર્ટીની ઍન્ટ્રી પણ એક છે.

સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસ કરતા વધુ સારું પ્રદર્શન આમ આદમી પાર્ટીનું રહ્યું છે અને તેને ચાર બેઠકો મળી છે. કુતિયાણાની બેઠક સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાના ફાળે ગઈ છે.

સૌ પ્રથમ કૉંગ્રેસને મળેલી બેઠક ઉપર નજર કરીએ તો, સોમનાથ બેઠક કૉંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમા 922 મતની પાતળી સરસાઈથી જીતવામાં સફળ થયા છે. વિમલ ચુડાસમાને 73,819 મત મળ્યા હતા. જ્યારે ભાજપના માનસિંહ પરમારને 72,897 મત મળ્યા હતા. અહી ત્રિપાંખિયા જંગમાં આપના જગમાલ વાળા 33 હજાર કરતા વધુ મતો ખેંચી ગયા છે.

બીજી બેઠક માણાવદર કૉંગ્રેસના અરવિંદ લાડાણી માત્ર 3,453 મતની સરસાઈથી જીત્યા છે. અરવિંદ લાડાણીને 64,690 મત મળ્યા હતા જ્યારે ભાજપના જવાહર ચાવડાને 61,237 મત મળ્યા હતા.

પોરબંદર બેઠક પરથી કૉંગ્રેસના અર્જુન મોઢવાડિયા 8,181 મતની સરસાઈથી જીત્યા છે.

આમ, સોમનાથ, માણાવદર અને પોરબંદર બેઠક પર કૉંગ્રેસની સરસાઈ અનુક્રમે, 922 મત, 3,453 મત અને 8,181 મતની રહી છે.

એટલે કે સૌરાષ્ટ્રમાં એકપણ બેઠક કૉંગ્રેસ 10 હજાર કરતા વધુ સરસાઈથી જીતી નથી.

2017ની ચૂંટણીમાં ભાજપને નવનેજાં પાણી લાવનાર કૉંગ્રેસ 2022માં સાવ પાણીમાં કેમ બેસી ગયું?

ગ્રે લાઇન

પરેશ ધાનાણીને જેટલા મત મળ્યા એથી વધુ મતથી હાર્યા

પરેશ ધાનાણીને કુલ 42 હજાર જેટલા મત મળ્યા છે. તેઓ 46,657 મતના અંતરથી હાર્યા છે.

ઇમેજ સ્રોત, FACEBOOK/PARESH DHANANI

ઇમેજ કૅપ્શન, પરેશ ધાનાણીને કુલ 42 હજાર જેટલા મત મળ્યા છે. તેઓ 46,657 મતના અંતરથી હાર્યા છે.

અમરેલી બેઠક પર ભાજપના કૌશિક વેકરિયા જાયન્ટ કિલર બન્યા છે. તેમણે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને હરાવ્યા છે. એ પરેશ ધાનાણી કે જેમણે 2002માં પ્રથમ વખત ચૂંટણી લડી અને મોદી સરકારમાં મંત્રી તરીકે રહેલા અને ત્રણ વાર જીતેલા પુરુષોત્તમ રૂપાલાને 16 હજાર મતોથી હરાવીને જાયન્ટ કિલર તરીકે જાણીતા થયા હતા.

2017માં કૉંગ્રેસને 77 બેઠક મળી તેમાં સૌરાષ્ટ્રની 23 બેઠકો જીતાડવામાં પરેશ ધાનાણીની મોટી ભૂમિકા હતી.

આ ચૂંટણીમાં ખુદ પરેશ ધાનાણીને જેટલા મતો મળ્યા છે તે કરતા વધુ મતોથી તો તેઓ હાર્યા છે.

પરેશ ધાનાણીને કુલ 42 હજાર જેટલા મત મળ્યા છે. તેઓ 46,657 મતના અંતરથી હાર્યા છે.

ગ્રે લાઇન

જસદણ, બોટાદ, ચોટીલા, ધારી, ધોરાજીમાં કોણ વેરી બન્યું?

કુંવરજી બાવળિયાની બેઠક પર કૉંગ્રેસ અને આપના સંયુક્ત મત 92 હજાર કરતા વધુ થાય છે

ઇમેજ સ્રોત, KUNARJIBAVALIYA/FB

ઇમેજ કૅપ્શન, કુંવરજી બાવળિયાની બેઠક પર કૉંગ્રેસ અને આપના સંયુક્ત મત 92 હજાર કરતા વધુ થાય છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસની આટલી ખરાબ વલે થઈ તેની પાછળ આંકડા મુજબ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાજરી ગણી શકાય છે.

સૌરાષ્ટ્રમાં અનેક બેઠકો પર ત્રિપાંખિયો જંગ ખેલાયો. બેઠકો પર આ ત્રણેય પ્રમુખ પાર્ટીઓને પડેલા મતો પર નજર નાખતા સ્પષ્ટ થાય છે કે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીની મંદ હવા હતી અને એ હવામાં કૉંગ્રેસની કેટલીય બેઠકો ઊડી ગઈ.

સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીની હાજરીનો એ વાતથી પણ અહેસાસ થશે કે આ પાર્ટી સૌરાષ્ટ્ર સિવાયના સમગ્ર ગુજરાતમાં માત્ર એક જ ડેડિયાપાડાની આદિવાસી બેઠક જીતી શકી છે.

‘આપ’ની હાજરીએ કૉંગ્રેસને નુકસાન અને ભાજપને ફાયદો પહોંચાડ્યો છે.

એક પછી એક ઉદાહરણથી સમજીએ તો, જસદણ વિધાનસભા બેઠક પર ભાજપના કાર્યકર્તાઓમાં કુંવરજી બાવળિયા સામે અસંતોષ હોવાની વાતો થતી હતી, કાર્યકર્તાઓની નિષ્ક્રીય રહેવાની આંતરિક વાતચીતના કથિત ઑડિયો પણ વાયરલ થયા હતા.

તેમ છતાં કુંરવજી બાવળિયા 16,172 મતની સરસાઈથી જીત્યા છે. કુંવરજી બાવળિયાને 39 ટકા વૉટશેર સાથે 63,347 મત મળ્યા છે. તેમની સામે કૉંગ્રેસના ભોળાભાઈ ગોહેલને 44,460 મત અને આમ આદમી પાર્ટીના તેજસ ગાજીપરાને 47,277 મત મળ્યા છે. આપ અને કૉંગ્રેસ બંને પાર્ટીના સંયુક્ત મતોની ગણતરી કરવામાં આવે તો તે 92 હજાર કરતા વધુ થાય છે.

આમ અહીં આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસનો ખેલ બગાડ્યો છે.

ચોટીલામાં ભાજપના શામજી ચૌહાણને 70 હજાર કરતા વધુ મળ્યા છે. તેની સામે કૉંગ્રેસના ઉમેદવારને 43 હજાર અને આપના ઉમેદવાર રાજુ કરપડાને 45 હજાર મતો મળ્યા છે. બંનેના સંયુક્ત મત 88 હજાર કરતા વધુ થવા જાય છે.

ધારીમાં પણ આવી જ સ્થિતિ છે. ધારી બેઠક પર ભાજપના જયસુખ કાકડિયાને 46 હજાર જેટલા મતો મળ્યા છે. તેમની સામે આપ ઉમેદવાદ કાંતિ સતાસિયાને 37 હજાર જેટલા અને કૉંગ્રેસના કિરીટ બોરિસાગરને 17 હજારથી વધારે મતો મળ્યા છે. આપ-કૉંગ્રેસ વચ્ચે વહેંચાયેલા મતોનો સરવાળો કરતા તે 66 હજાર થાય.

ધોરાજી બેઠક પર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારે કૉંગ્રેસના મતો તોડ્યા છે. આ બેઠક પર વિજેતા ઉમેદવાર ભાજપના મોહન પડાલિયાને 66 હજારથી વધારે મત મળ્યા છે અને તેઓ 12 હજારથી વધારે મતની સરસાઈથી જીત્યા છે. બીજા ક્રમે કૉંગ્રેસના લલિત વસોયાને 53,780 મત મળ્યા છે. તો ત્રીજા ક્રમે આવેલા આમ આદમી પાર્ટીના વિપુલ સખિયા 29,353 મત ખેંચી ગયા હતા.

ગઢડા બેઠકના પણ આવા જ હાલ થયા છે. આ બેઠક પરથી ભાજપના શંભુનાથ ટુંડિયા 64 હજારથી વધારે મતો સાથે જીત્યા છે. આ બેઠક પર બીજા ક્રમે આવેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રમેશ પરમારને 37,692 મત મળ્યા છે જ્યારે ત્રીજા ક્રમે આવેલા કૉંગ્રેસના જગદીશ ચાવડાને 29 હજારથી વધુ મત મળ્યા છે. આ બેઠક પર પણ કૉંગ્રેસ અને આપના મતનો સરવાળો 66 હજાર મત કરતા વધુ થાય છે.

બીબીસી ગુજરાતી

દ્વારકા, ધ્રાંગધ્રા, તાલાળા, રાપર, સાવરકુંડલામાં પણ એ જ કહાણી

દ્વારકામાં પબુભા માણેકની હાર નિશ્ચિત હતી, જો આમ આદમી પાર્ટીના ઉમેદવાર લખમણ નકુમ 28 હજાર મતોનું ગાબડું ન પાડે તો.

ઇમેજ સ્રોત, DARSHAN THAKKAR

ઇમેજ કૅપ્શન, દ્વારકામાં પબુભા માણેકની હાર નિશ્ચિત હતી, જો આમ આદમી પાર્ટીના ઉમેદવાર લખમણ નકુમ 28 હજાર મતોનું ગાબડું ન પાડે તો.

દ્વારકામાં પબુભા માણેક માટે ચૂંટણી મુશ્કેલ બની શકે તેમ હતી, પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર લખમણ નકુમને મળેલા 28 હજારથી વધારે મતોનું ગાબડું પડ્યું અને દ્રારકા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારને 68 હજાર કરતા વધુ મતો મળ્યા હતા.

ધ્રાંગધ્રા બેઠક પર પણ વિજેતા ભાજપને 1 લાખ 2 હજાર જેટલા મત મળ્યા છે. તેમની સામે બીજા ક્રમે કૉંગ્રેસના ઉમેદવારને 70 હજાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને 28 હજાર મત મળ્યા હતા.

તાલાળામાં કૉંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા ભગાભાઈ બારડને પણ ત્રિપાંખિયો જંગ ફળ્યો છે. કૂલ 64 હજારથી વધારે મતો સાથે ભગાભાઈ આમ આદમી પાર્ટીના પ્રતિસ્પર્ધી સામે 20 હજાર જેટલા મતની સરસાઈથી જીત્યા છે. આમ આદમી પાર્ટીના દેવેન્દ્ર સોલંકીને 44 હજારથી વધારે મત મળ્યા જ્યારે કૉંગ્રેસને 34 હજારથી વધારે મત મળ્યા છે.

કચ્છની રાપર બેઠક પર પણ આપની હાજરી ભાજપને ફળી છે. રાપરમાં ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા 577 મતોની સાવ પાતળી સરસાઈથી જીત્યા છે. અહીં ભાજપને 66,961 મત અને કૉંગ્રેસને 66,384 મત મળ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અંબા પટેલ નિર્ણાયક એવા 2,434 મતો ખેંચી ગયા છે.

કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images

આવી જ કહાણી રાજકોટ પૂર્વ બેઠકની છે. આ બેઠક પર ભાજપના ઉદય કાનગડને 86,194 મત મળ્યા છે જ્યારે કૉંગ્રેસના ઈન્દ્રનિલ રાજ્યગુરૂને 57,559 મત મળ્યા છે. ઉદય કાનગડ 28,635 મતોની સરસાઈથી જીત્યા છે જ્યારે આ બેઠક પર નિર્ણાયક એવા 35 હજાર કરતા વધુ મત આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખેંચી ગયા છે.

સાવરકુંડલાની બેઠક ભાજપના મહેશ સવાલા 3492 મતની પાતળી સરસાઈથી જીત્યા છે. તેમની જીતનો શ્રેય અને કૉંગ્રેસની હાર માટે આપને જવાબદાર ઠરાવી શકાય. કેમકે આપ ઉમેદવાર નિર્ણાયક એવા 7,800થી વધુ મત ખેંચી ગયા છે.

વાંકાનેર બેઠકનાં સમીકરણો પણ આવાં જ છે. વાંકાનેરના ભાજપના ઉમેદવાર કૉંગ્રેસના ઉમેદવાર સામે 20 હજાર જેટલા મતોથી જીત્યા છે જ્યારે ત્રીજા ક્રમે આવેલી આમ આદમી પાર્ટી 53 હજાર કરતા વધુ મત ખેંચી ગઈ હતી.

પાલીતાણામાં પણ ભાજપના ઉમેદવાર 27 હજાર કરતા વધુ મતની લીડથી જીત્યા છે જ્યારે આપના ઉમેદવાર જીણાભાઈ ખેની 25 હજાર કરતા વધુ મત ખેંચી ગયા છે.

ગારિયાધાર બેઠક પરથી આમ આદમી પાર્ટીના સુધીર વાઘાણી ભાજપના ઉમેદવાર સામે પાંચ હજારથી ઓછા મતોની પાતળી સરસાઈથી જીત્યા છે. કૉંગ્રેસના ઉમેદવાર ત્રીજા ક્રમે રહ્યા .

બીબીસી ગુજરાતી

વિશ્લેષણ : આપની હાજરી, ભાજપનો ફાયદો, કૉંગ્રેસનું નુકસાન?

ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

વરિષ્ઠ પત્રકાર ભવેન કચ્છી કહે છે કે, "સૌરાષ્ટ્રમાં ગત વખત ભાજપને 23 અને કૉંગ્રેસને 30 બેઠકો મળી હતી પરંતુ આ વખતે કૉંગ્રેસને પણ કલ્પના નહીં હોય તેટલો મોટો ફટકો મળ્યો. આપ પર જે આક્ષેપ હતો કે તે ભાજપની બી ટીમ છે ત્યારે એ ભલે અજાણ્યે પણ સત્ય થઈ રહ્યું છે. આપનો કદાચ આવો ઇરાદો ન હોય. ભાજપનો વોટ વધ્યા છે, આમ આદમી પાર્ટીના 13 ટકા વોટ જોઈએ તો જો આ વોટ કૉંગ્રેસના ખાતામાં ગયા હોત તો તેનો દેખાવ સારો રહ્યો હતો."

વરિષ્ઠ પત્રકાર શ્યામ પારેખ કહે છે કે, " 2017માં કૉંગ્રેસનો વોટ શેર 41 ટકાથી વધારે હતો પરંતુ આ વખતે કૉંગ્રેસનો વોટશૅર ઘટ્યો છે. કૉંગ્રેસને વોટમાં થયેલા નકુસાનનો ફાયદો ભાજપ અને આપ બંનેને થયો છે. આ નુકસાનને કારણે ભાજપની બેઠકો મોટા પ્રમાણમાં વધી છે કારણ કે તેમાં આમ આદમી પાર્ટીનું ફૅક્ટર પણ જોડાઈ ગયું છે."

શ્યામ પારેખ કહે છે કે, "આ વખતે મતદાન પ્રો ઇન્કમ્બન્સી ફૅક્ટર ચાલ્યું છે. ઍન્ટી ઇન્કમ્બન્સી આ વખતે ચૂંટણીમાં ચાલ્યું હોય એવું લાગતું નથી. બીજા મુદ્દાઓની મતદારો પણ અસર થઈ હોય તેવું લાગતું નથી. બધા માટે નરેન્દ્ર મોદીએ જે રીતે પર્સનલાઇઝ્ડ કૅમ્પેન કર્યું કે જે રીતે તેઓ વારંવાર ગુજરાત આવ્યા તેનું ભાજપને સારું પરિણામ મળ્યું છે. ભાજપની સ્ટ્રેટેજી પણ સારી હતી. કૉંગ્રેસ સંગઠિત નહોતી. વિપક્ષ તરીકે જે મજબૂતાઈથી જીતવા માગતી હોય તે ભાજપને ઘરે બેસાડવા માગતી હોય તેવો જુસ્સો કૉંગ્રેસમાં આ ચૂંટણીમાં જોવા નહોતો મળ્યો. 2017માં તમને થોડી ઝલક દેખાતી હતી પરંતુ આ ચૂંટણીમાં આ નથી જોવા મળ્યું."

ગ્રે લાઇન

2017માં કયાં પરિબળો હતાં?

2017માં સૌરાષ્ટ્રમાં પાટિદાર અનામત આંદોલનની સાથે એન્ટિ-ઇન્કમ્બન્સીને કારણે ભાજપની બેઠકોનું ધોવાણ થયું હતું

ઇમેજ સ્રોત, SAM PANTHAKY

ઇમેજ કૅપ્શન, 2017માં સૌરાષ્ટ્રમાં પાટિદાર અનામત આંદોલનની સાથે એન્ટિ-ઇન્કમ્બન્સીને કારણે ભાજપની બેઠકોનું ધોવાણ થયું હતું

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં જનમાનસમાં ઍન્ટીઇન્કમ્બન્સી વલણ હતું. એનું એ પરિણામ હતું કે સૌરાષ્ટ્રમાં 48માંથી કૉંગ્રેસનો 27 બેઠક પર વિજય થયો હતો, ભાજપ માત્ર 19 બેઠકોમાં સમેટાઈ ગયો હતો.

લોકરોષનો એ વાતથી પણ અંદાજ આવશે કે સામાન્ય રીતે વધુ મતદાન થાય તે બેઠક પર ભાજપની જીતની સંભાવના વધી જાય છે. પરંતુ 2017ની ચૂંટણીમાં આ વલણથી ઊલટું થયું હતું.

સૌરાષ્ટ્રની જે બેઠકો પર વધુ મતદાન થયું તે બેઠકો કૉંગ્રેસને ફળી હતી અને ઓછું મતદાન થયું ત્યાં કૉંગ્રેસને ભાજપ જેટલી બેઠકો મળી હતી. મુખ્યત્વે રાજકોટ, મોરબી અને સોમનાથ જિલ્લાની બેઠકો ઉપર 65 ટકાથી વધારે મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન 75.27 ટકા મતદાન થયું હતું. આ 18 બેઠકો પૈકી કૉંગ્રેસનો 13 બેઠકો પર વિજય થયો હતો અને ભાજપને માત્ર 5 બેઠકો મળી હતી.

સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસની હાર પાછળનું એક મહત્ત્વનું પરિબળ પાટિદાર અનામત આંદોલનના નેતાઓનું ભાજપ સહિતના વિવિધ પક્ષોમાં જોડાઈ જવું ગણાવી શકાય. જે હાર્દિક પટેલ, રેશ્મા પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના અનામત આંદોલનના નેતાઓ આંદોલન દરમિયાન રાજકીય પક્ષોમાં નહીં જોડાવાના સોગંદ ખાતા ભાજપને પાઠ ભણાવી દેવાની હાંકલ કરતા હતા.

રેડ લાઇન
રેડ લાઇન