ગુજરાત વિધાનસભા ચૂંટણી: ગુજરાતમાં કૉંગ્રેસ વિરુદ્ધની એ બાબત જેનો ફાયદો 'આપ'ને થયો

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બે તબક્કાના મતદાન બાદ આજે 8 ડિસેમ્બરે પરિણામ આવી ગયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં ખૂબ જોર લગાવ્યું હતું.
આમ તો ભાજપ નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડ્યો હતો, કૉંગ્રેસમાં રાહુલ ગાંધીએ બહુ જ સીમિત પ્રચાર કર્યો હતો અને આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્ય મંત્રીપદનો ચહેરો જાહેર કર્યો હતો, પરંતુ ગુજરાતમાં અનેક ચહેરાઓ છે જેમની પર સૌની નજર રહી હતી.
ગુજરાતમાં આ વખતે કૉંગ્રેસે અવાજ ઉઠાવવાને બદલે ચૂપચાપ મતદારો સુધી પહોંચવાની રણનીતિ પર કામ કર્યું હતું.
રાહુલ ગાંધી 'ભારત જોડો યાત્રા'ના કારણે વ્યસ્ત હતા અને ગુજરાતની ચૂંટણીમાં તેમની હાજરી નહિવત હતી. પરંતુ પક્ષના કાર્યકરોએ પાયાના સ્તરે મતદારો સાથે જોડાઈને પક્ષની નીતિઓને લોકો સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, ગુજરાતની ચૂંટણી પર નજર રાખનારા મોટાભાગના વિશ્લેષકો માને છે કે, આમ આદમી પાર્ટીની હાજરીથી ભાજપ કરતાં કૉંગ્રેસને વધુ નુકસાન થયું છે. આ સિવાય અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ પણ કૉંગ્રેસને ઘણી સીટો પર નુકસાન પહોંચાડ્યું છે.
ત્યારે આંદોલન કરીને 2017માં ભાજપની સરકારને હંફાવનાર હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર ચૂંટણી લડ્યાં હતા. ત્રણેયે કૉંગ્રેસનો હાથ પકડ્યો હતો અને પછી હાર્દિક પટેલ તથા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયાં હતાં.
જામનગરથી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજા ચૂંટણી લડી રહ્યાં હતાં, તો સુરતમાંથી આમ આદમી પાર્ટીએ ગુજરાત આપ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથિરિયા વરાછાથી ચૂંટણી લડ્યાં હતાં.

હાલ પરિસ્થિતિ કેવી છે?

હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો ગુજરાતમાં કૉંગ્રેસ હારી રહી છે તેવા વલણો સામે આવી રહ્યા હતા, ત્યારે ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, “હજુ બે-ત્રણ રાઉન્ડ પુરા થયા છે, સંપૂર્ણ ગણતરી થઈ ગયા પછી જ પરિણામની ખબર પડશે. હાલના ટ્રેન્ડથી આપણે અનુમાન લગાવી ન શકીએ. ગુજરાતની પ્રજાના જે આદેશો અને નિર્ણયો હશે. એ જ આદેશોના નિર્ણયો માથે ચઢાવવાના હોય છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“કૉંગ્રેસ પાર્ટી તરફથી છેલ્લા 6-8 મહિનામાં ગુજરાતમાં મોંઘવારી, ખેડૂતો, બેરોજગારના પેપર ફૂટવા જેવા પ્રશ્નો હતા, ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાના કારણે આખી સરકાર બદલવી પડી. એવી પરિસ્થિતિમાં સમગ્ર દેશનું નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના તમામ મુખ્ય મંત્રીઓ ચૂંટણી પ્રચારમાં રહ્યા એનો સીધો અર્થ એ થઈ રહ્યો છે કે, કૉંગ્રેસે તાકાતથી ચૂંટણી લડી છે. કૉંગ્રેસ મૂળ મુદ્દાઓ સાથે જ આગળ વધી રહ્યા હતાં.”

સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસને 2017ની સરખામણીએ થયેલું નુકસાન શું સૂચવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 2017માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં પણ સૌરાષ્ટ્રની બેઠકો પર ‘ખરાખરીનો જંગ’ ખેલાયો હતો.
આ કુલ 48 બેઠકોમાંથી કૉંગ્રેસને 28, ભાજપને 19 અને નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીને એક બેઠક મળી હતી.
આ વખતના વલણમાં ભાજપને સૌરાષ્ટ્રમાં ફાયદો થતો નજરે પડે છે. તો શું સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસને નુકસાનનાં કારણો વિશે વરિષ્ઠ પત્રકાર શ્યામ પારેખ કહે છે કે, “આ વખતે મતદાન પ્રો-ઇન્કમ્બન્સી ફૅક્ટર ચાલ્યું છે. ઍન્ટી-ઇન્કમ્બન્સી આ વખતે ચૂંટણીમાં ચાલ્યું હોય એવું લાગતું નથી.”
“બીજા મુદ્દાઓની મતદારો પણ અસર થઈ હોય તેવું લાગતું નથી. બધા માટે નરેન્દ્ર મોદીએ જે રીતે પર્સનલાઇઝ્ડ કૅમ્પેન કર્યું કે જે રીતે તેઓ વારંવાર ગુજરાત આવ્યા તેનું ભાજપને સારું પરિણામ મળ્યું છે.”
“ભાજપની સ્ટ્રૅટેજી પણ સારી હતી. કૉંગ્રેસ સંગઠિત નહોતી. વિપક્ષ તરીકે જે મજબૂતાઈથી જીતવા માગતી હોય તે ભાજપને ઘરે બેસાડવા માગતી હોય તેવો જુસ્સો કૉંગ્રેસમાં આ ચૂંટણીમાં જોવા નહોતો મળ્યો. 2017માં તમને થોડી ઝલક દેખાતી હતી, પરંતુ આ ચૂંટણીમાં આ નથી જોવા મળ્યું.”
ભવેન કચ્છી કહે છે કે, “સૌરાષ્ટ્રમાં ગત વખત ભાજપને 23 અને કૉંગ્રેસને 30 બેઠકો મળી હતી, પરંતુ આ વખતે કૉંગ્રેસને પણ કલ્પના નહીં હોય તેટલો મોટો ફટકો મળ્યો હતો. આપ પર જે આક્ષેપ હતો કે તે ભાજપની બી ટીમ છે, ત્યારે એ ભલે અજાણ્યે પણ સત્ય થઈ રહ્યું છે.”
“આપનો કદાચ આવો ઇરાદો ન હોય. ભાજપનો વોટ વધ્યા છે, આમ આદમી પાર્ટીના અત્યાર સુધીના 13 ટકા વોટ જોઈએ તો જો આ વોટ કૉંગ્રેસના ખાતામાં ગયા હોત તો તેનો દેખાવ સારો રહ્યો હતો.”
શ્યામ પારેખ કહે છે કે, “કૉંગ્રેસનો વોટ શેર 41 ટકાથી વધારે હતો પરંતુ આ વખતે અત્યાર સુધી કૉંગ્રેસનો વોટશૅર ઘટતો જણાય છે. કૉંગ્રેસને વોટમાં થયેલા નકુસાનનો ફાયદો ભાજપ અને આપ બંનેને થયો છે. આ નુકસાનને કારણે ભાજપની બેઠકો મોટા પ્રમાણમાં વધ્યું છે કારણ કે તેમાં આમ આદમી પાર્ટીનું ફૅક્ટર પણ જોડાઈ ગયું છે.”

'આપ'ને 'ઍન્ટી કૉંગ્રેસ' ફૅક્ટર ફળ્યું

ઇમેજ સ્રોત, Getty Images
2017માં પાટીદાર ફૅક્ટરે કૉંગ્રસને સૌરાષ્ટ્રમાં ફાયદો કરાવ્યો હતો, પરંતુ આ વખતે સૌરાષ્ટ્રમાં ભાજપને ફાયદો થતો દેખાઈ રહ્યો છે.
શ્યામ પારેખ કહે છે, “ગુજરાતમાં જ્ઞાતિગત સમીકરણોને ધ્યાન રાખીને ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા પરંતુ પરિણામ બતાવે છે કે આ પ્રો-ઇનકમ્બન્સી વોટિંગ છે. ભાજપ અને આપના વોટશૅર જોઈએ તો કૉંગ્રેસને નુકસાન થતું દેખાય છે.”
“આ ઍન્ટી કૉંગ્રેસ મતદાન થયું હોય એવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં જોઈ શકાય છે કે જ્ઞાતિ અને ઉમેદવારો ગૌણ થઈ ગયા અને લોકોએ કૉંગ્રેસને વોટ ન આપવાનું નક્કી કર્યું હોય એવું લાગી રહ્યું છે. લોકોએ મોંઘવારી જેવા અનેક મુદ્દાઓને બાજુએ રાખીને મતદાન કર્યું છે.”
કૉંગ્રેસનો વોટ શેર 2017માં કેટલો હતો અને હાલ કેટલો છે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કૉંગ્રેસના તાજેતરના વોટ શેર પર નજર કરીએ તો હાલ 27.5 ટકા વોટ શેર જોવા મળી રહ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આપના તાજેતરના વોટ શેર પર નજર કરીએ તો 12.86 ટકા જોવા મળી રહ્યો છે.

2017માં કેવી સ્થિતિ હતી?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2017માં સૌરાષ્ટ્રના 11 જિલ્લાની 48 બેઠકોએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આ વખતે આમ આદમી પાર્ટીના આગમન સાથે સૌરાષ્ટ્રમાં પણ નવાં પરિણામ ઉમેરાયાં છે.
2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ સૌરાષ્ટ્રની બેઠકો પર ‘ખરાખરીનો જંગ’ જોવા મળ્યો હતો. વર્ષ 2017ની ચૂંટણીમાં સત્તાપક્ષે ‘પાટીદાર અનામત આંદોલન’ના ફૅક્ટરના કારણે ‘નુકસાન ભોગવવું પડ્યું’ હતું. સામા પક્ષે કૉંગ્રેસને ‘ફાયદો’ થયો હતો.
વર્ષ 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસને સૌરાષ્ટ્રની એ 48માંથી 28 બેઠકો મળી હતી, જ્યારે ભાજપ 19 બેઠકો સુધી સીમિત રહ્યો હતો.
વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં કૉંગ્રેસ વધુ બેઠકો મેળવવામાં સફળ રહી હતી.
તેના પરિબળો વિશે વાત કરતાં ઉત્તર ગુજરાતના રાજકારણના જાણકાર ફકીર મોહમ્મદે જણાવ્યું હતું કે, “એ સમયે ઉત્તર ગુજરાતમાં કેટલીક બેઠકો પર પાટીદાર અનામત આંદોલન અને ક્ષત્રિય સેનાના આંદોલનની અસર હતી. તેના કારણે કેટલીક બેઠકો પર ભાજપને નુકસાન થયું હતું.”
બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભાની બેઠકોમાંથી પાંચ કૉંગ્રેસ, ત્રણ ભાજપ અને એક બેઠક અપક્ષ ઉમેદવારને ફાળે ગઈ હતી.
જ્યારે પાટણ જિલ્લાની ચાર બેઠકોમાંથી કૉંગ્રેસ પાસે ત્રણ અને ભાજપને એક બેઠક મળી હતી.
મહેસાણા જિલ્લાની સાત વિધાનસભાની બેઠકોમાંથી ભાજપને પાંચ અને કૉંગ્રેસને બે બેઠકો મળી હતી. સાથે સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાની બેઠકોમાંથી ભાજપને ત્રણ અને કૉંગ્રેસને એક બેઠક મળી શકી હતી.
જ્યારે અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠકો કૉંગ્રેસને ફાળે ગઈ હતી.
ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો પૈકી કૉંગ્રેસને ત્રણ અને ભાજપને બે બેઠકો મળી હતી.
આમ આ જિલ્લાઓની કુલ 32 બેઠકોમાંથી કૉંગ્રેસને 17, ભાજપને 14 અને અપક્ષને એક બેઠક મળી હતી.














