નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સત્તામાં હોવા છતાં આટલું જોર કેમ લગાવવું પડ્યું?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
"કૉંગ્રેસવાળા બોલતા નથી, પણ ઠંડી તાકાતથી ગામોગામ ગોઠવણી કરી રહ્યા છે. એમની જૂની ચાલાકીઓને અજમાવી રહ્યા છે, બોલ્યા ચાલ્યા વિના. એટલે છાપાંમાં ન આવતું હોય, પ્રેસ-કૉન્ફરન્સ ન કરતા હોય તો ભ્રમમાં ન રહેતા. સતર્ક રહેજો, આ કૉંગ્રેસની નવી ચાલ છે. ખાટલાબેઠક કરી રહી છે."
ગુજરાતમાં પ્રચાર માટે આવેલા વડા પ્રધાને જ્યારે આ નિવેદન કર્યું ત્યારે તેની ખૂબ ચર્ચા થઈ હતી. આ નિવેદનને ભાજપના "કાર્યકરોમાં પ્રાણ ફૂંકવાના" સંદર્ભે પણ જોવામાં આવ્યું હતું અને કૉંગ્રેસથી "સાવધાન રહેવા" માટે પણ.
ગુજરાત ચૂંટણીમાં ભાજપ અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલેથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને મીડિયામાં તેમની રેલીઓના અહેવાલો પણ આવ્યા હતા.
તો આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી પહેલાં પ્રચાર આરંભી દીધો હતો. ગુજરાતની ચૂંટણી જાહેર થઈ એ પહેલાં રાહુલ ગાંધીની ગુજરાતમાં "ગેરહાજરી"ની પણ ખૂબ ચર્ચા ચાલી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે આઠ ડિસેમ્બરે પરિણામ પર સૌની નજર છે.
મતદાન પૂર્ણ થયા બાદ આવેલા સર્વે અને ઍક્ઝિટ પોલ પર નજર કરીએ તો ગુજરાતમાં ફરી એક વાર ભાજપની સરકાર બને તેવું અનુમાન છે.
182 વિધાનસભા સીટ ધરાવતા ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. જોકે પ્રચારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છવાયેલા રહ્યા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આટલો પ્રચાર કેમ કરવો પડ્યો?

ઇમેજ સ્રોત, @narendramodi
ગુજરાતમાં ગત ચૂંટણીમાં ભાજપની સરકાર બની હતી, પણ માત્ર તેને 99 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે કૉંગ્રેસને 77 બેઠક મળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તો આ વખતે આમ આદમી પાર્ટી પણ કોઈ પણ પક્ષ (ભાજપ, કૉંગ્રેસ)નું રાજકીય ગણિત બગાડી શકે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ નરેન્દ્ર મોદીના પ્રચારને સ્વાભાવિક રાજનીતિ સંદર્ભે જુએ છે.
તેઓ કહે છે, "જે પક્ષ જીતવા માગતો હોય એ વધારે પ્રચાર કરે એ સ્વાભાવિક છે. અહીં મુખ્ય મંત્રી બદલવામાં આવ્યા હતા અને તેમના નામ પર નહીં પણ નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડવામાં આવી હતી. એટલે સ્વાભાવિક છે કે પોતે જ અહીં આવીને પ્રચાર કરે."
"બીજું કે ટિકિટની વહેંચણી પછી ઘણી જગ્યાએ સંતોષ જોવા મળ્યો હતો, કેટલીક જગ્યાએ અપક્ષ ઉમેદવારો પણ ઊભા રહ્યા હતા. આથી બધી બાબતોને લીધે ભાજપના મૂળભૂત ટેકેદારોને આકર્ષવા માટે સંગઠન કરતા પણ નરેન્દ્ર મોદીના નામ આકર્ષવા માટે પ્રયાસ કરવો પડે, એટલા માટે પણ નરેન્દ્ર મોદીએ વધુ પ્રચાર કરવો પડે."
ગોહિલના મતે, તેમના (નરેન્દ્ર મોદી) નામે પ્રચાર કરવો પડે કે તેઓ પોતે પ્રચાર કરે એ ભાજપ માટે અનિવાર્ય હતું.
"બીજું કે પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થયું ત્યારે કદાચ એવું લાગ્યું કે ભાજપ પોતાના ટેકેદારોને લાવી શક્યું નથી. આથી બીજા તબક્કામાં મતદાન વધુ થાય (ખાસ કરીને અમદાવાદમાં) થાય અને તેનો અન્ય જિલ્લામાં પણ પ્રભાવ પડે એ માટે તેમણે અમદાવાદમાં રોડ શો કર્યો હતો."
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નેતાઓના પ્રચાર મામલે કૉંગ્રેસે પ્રહાર કર્યા હતા કે કેન્દ્રની આખી ટીમ ગુજરાતમાં પ્રચાર માટે ઊમટી પડી છે.
કૉંગ્રેસ નેતા અને પ્રવક્તા પવન ખેડાએ એક પત્રકારપરિષદમાં કહ્યું હતું કે છેલ્લાં 27 વર્ષમાં ગુજરાતમાં સારું કામ કર્યું હોત તો આટલો પ્રચાર ન કરવો પડત.
વડા પ્રધાન થઈને પ્રચાર કરે એની વિપક્ષ દ્વારા ટીકા કરવામાં આવી હતી, એ મામલે તેમણે કહ્યું કે "આ રાજકારણ છે એટલે વાસ્તવિકતા એ કે જીતવું જરૂરી હોય છે એના ધ્યાનમાં રાખીને (વિપક્ષની ટીકાને અવગણીને) ગુજરાતમાં સૌથી વધુ પ્રચાર કર્યો હતો."
"હંમેશાં એવું દર્શાવવાની કોશિશ કરવામાં આવતી હોય છે કે ભલે પક્ષ સામે નારાજગી હોય પણ નરેન્દ્ર મોદી સામે નારાજગી નથી, ભાજપને ધ્યાનમાં લીધા વિના, મુખ્ય મંત્રી કોણ છે એને ધ્યાનમાં લીધા વિના નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાનું વિચારીને મત આપે એ જે વારેવારે કહેવામાં આવતું હોય છે એ બધાં પરિબળો છે, એના કારણે નરેન્દ્ર મોદીએ વધુ પ્રચાર કર્યો."

'લોકસભા માટે ગુજરાત જીતવું જરૂરી'

ઇમેજ સ્રોત, Getty Images
ઉલ્લેખનીય છે કે છેલ્લી બે ટર્મથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં શાસન પર છે અને આગામી સમયમાં 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે.
ગુજરાતની ચૂંટણી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે પ્રતિષ્ઠાનો જંગ છે, આથી તેમણે ગુજરાતમાં જોર લગાવ્યું એમ નિષ્ણાતોનું અનુમાન છે.
જો ગુજરાતની ચૂંટણીમાં ભાજપની હાર થાય કે ઓછી સીટ આવે તો આવનારી લોકસભા ચૂંટણીમાં તેની અસર થઈ શકે છે, કેમ કે ગુજરાત વડા પ્રદાન અને ગૃહમંત્રીનું હોમટાઉન છે.
રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ ગુજરાતના પ્રચારને આવનારી લોકસભા ચૂંટણી સાથે સાંકળીને જુએ છે.
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "2002માં ગોધરા અને અનુગોધરા બાદ ભાજપને જે તે સમયે થયેલી ચૂંટણીમાં 127 બેઠક મળી હતી, ત્યાર પછી જેટલી ચૂંટણીઓ મોદીના નેતૃત્વમાં લડાઈ તેમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ઘટતી ગઈ. ભાજપ 127થી 99 પર આવી ગયો. ગત ચૂંટણીમાં માંડમાંડ જીત્યા હતા."
"આ વખતે 'આમ આદમી પાર્ટીને લાવ્યા છતાં, એઆઈએમઆઈએમને લાવ્યા છતાં' એમને ડર હતો કે બહુમતી ગુમાવીશું. એટલા માટે યેનકેન પ્રકારેણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જીતે એવું એમને કરવું પડે."
આ બાબતનું કારણ આગળ ધરતા હરિ દેસાઈ કહે છે, "2024માં લોકસભાની ચૂંટણી મોદીના નેતૃત્વમાં જીતવી હોય તો ગુજરાતમાં જીતવું એમના માટે અનિવાર્ય છે. જો ગુજરાતમાં હારે અથવા તો 99 કરતાં બેઠકો ઘટે તો મોદીના પાર્ટીમાં પણ તેમના નેતૃત્વ સામે સવાલો ઊઠે."
"પાર્ટીમાં પણ અસંતોષ હતો, કમલમ્ પર હજારો લોકો વિરોધ દર્શાવવા માટે ગયા હતા, જ્યાં ઉમેદવારો બદલવા પડે ત્યાં બદલ્યા, બાહુબલી નેતાઓ કે જેમની સામે કેસ હતા એમને ટિકિટ આપવી પડી, આરએસએસના ઉમેદવારોને પણ મૂકવા પડ્યા- જે સમાધાન કરવા પડે એ કર્યાં. આથી એમના માટે કોઈ પણ ભોગે ગુજરાત જીતવું એ અનિવાર્ય છે."

નરેન્દ્ર મોદીનો ઝંઝાવાતી પ્રચાર

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં વડા પ્રધાને પ્રચારમાં કોઈ કસર છોડી નથી એ એમની રેલીઓ પરથી જોઈ શકાય છે.
વડા પ્રધાને સમગ્ર ગુજરાતમાં રેલીઓ કરી હતી. વડા પ્રધાને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રેલીઓ સંબોધીને પાર્ટીનો પ્રચાર કર્યો હતો.
એક અહેવાલ અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 30થી વધુ રેલીઓ યોજી હતી અને ત્રણ રોડ કર્યા હતા.
વડા પ્રધાન રેલી અને રોડ શો દરમિયાન વિધાનસભાની વધુમાં બેઠકોને આવરી લેવાનો પ્રયાસ કર્યો હતો.
એટલું જ નહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના કેન્દ્રીય નેતાઓ અને મુખ્ય મંત્રીઓ પણ ગુજરાતમાં પ્રચારમાં લાગ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં યોજેલા રોડ શોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને સૌથી મોટો રોડ શો કર્યો હતો.
ગુજરાતમાં અમદાવાદની બેઠકો પર બીજા તબક્કામાં મતદાન થવાનું હોવાથી વડા પ્રધાને મોટા ભાગની બેઠકોને આવરી લીધી હતી.
પ્રચારમાં વડા પ્રધાને ગુજરાતની વિકાસયાત્રા આગળ ધપાવવાનો વાયદો કર્યો અને કરેલાં વિકાસકાર્યો ગણાવ્યાં હતાં. એટલે કે મોટા ભાગનો પ્રચાર 'પાર્ટીની સિદ્ધિઓ'ની આસપાસ વણાયેલો હતો.
રામમંદિરના નિર્માણથી લઈને વિવિધ ધાર્મિક સ્થળોના પુનર્વિકાસની વાત કરીને વિપક્ષ કૉંગ્રેસે પર પ્રહારો પણ કર્યા હતા.
તો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થયેલાં મેધા પાટકરને પણ મુદ્દો બનાવવાની કૉંગ્રેસને 'ગુજરાતવિરોધ' દર્શાવવાની કોશિશ કરી હતી.
મેધા પાટકર મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થયાં હતાં. કૉંગ્રેસે રાહુલ સાથેની તેમની તસવીર ટ્વીટ કરી હતી.
તો નરેન્દ્ર મોદીએ કાલોલ ખાતે યોજેલી જાહેરસભામાં કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના પર કરેલી '100 માથાંવાળા રાવણ'ની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો.
મોદીએ કહ્યું હતું કે "કૉંગ્રેસના નેતાઓમાં મને ગાળો આપવાની સ્પર્ધા ચાલે છે. કોણ મને કેટલી મોટી, જાડી અને તીખી ગાળો આપી શકે છે, તેની સ્પર્ધા કરે છે."

કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો પ્રચાર

ઇમેજ સ્રોત, @AAPGujarat
ઉલ્લેખનીય છે કે ગુજરાતની ચૂંટણીમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ઓછી હાજરી' પણ ચર્ચાનું કારણ બની હતી.
રાહુલ ગાંધીએ ચૂંટણીનું એલાન થયા બાદ માત્ર એક વાર ગુજરાતની મુલાકાત લીધી હતી અને રેલીઓને સંબોધન કર્યું હતું.
જોકે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખગડેએ ગુજરાતમાં રેલીઓ સંબોધી હતી અને કાર્યકરોમાં જોશ પૂરવાનો પ્રયાસ કર્યો હતો.
આ સિવાય કૉંગ્રેસ નેતા કનૈયાકુમાર સહિત અનેક નેતાઓએ પણ કૉંગ્રેસના સમર્થનમાં રેલીઓ યોજી હતી. સોનિયા ગાંધી કે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રચાર માટે આવ્યાં નહોતાં.
કૉંગ્રેસ નેતાઓએ મોંઘવારી, બેરોજગારી, મોરબી પુલ દુર્ઘટના વગેરેને ટાંકીને પ્રચાર કર્યો હતો.
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ચર્ચામાં રહી, ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીના નેતાઓની ગુજરાતમાં મુલાકાતો વધી ગઈ હતી. પાર્ટીએ વિવિધ શહેરોમાં લોકો સાથે સંવાદ પણ કર્યો હતો.
ઈસુદાન ગઢવીને પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર કર્યા પછી તેમની પણ રેલીઓ વધી ગઈ હતી.
આપે ચૂંટણીપ્રચારમાં 'મફત યોજના'નો વારંવાર ઉલ્લેખ કર્યો હતો અને મતદારોને રીઝવવાની કોશિશ કરી હતી.














