ગુજરાત ચૂંટણી : બળવાખોરોની એ બેઠકો, જે ભાજપ-કૉંગ્રેસનો ખેલ બગાડી શકે છે

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
- લેેખક, હિંમત કાતરિયા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે આઠ ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.
વિધાનસભાની 182 સીટ પરના ઉમેદવારોનાં ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયાં છે. આ ચૂંટણી અનેક રીતે રસપ્રદ રહી છે.
ભાજપ અને કૉંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં બદલાતાં સમીકરણોને ધ્યાનમાં રાખીને ઊભા રાખેલા ઉમેદવારોમાં કેટલાક ચાલુ ધારાસભ્યો છે, તો કેટલાક ટિકિટવાંછુઓને ટિકિટ ન મળતા તેમણે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવીને ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
આ બળવાખોરો કોનો ખેલ બગાડશે? લુણાવાડા, છોટાઉદેપુર, બાયડ, ધાનેરા, વાઘોડિયા અને પાદરા જેવી બેઠકો પર બળવાખોરીને કારણે કેવાં સમીકરણો રચાયાં છે અને મતદારો કોને પસંદ કરશે એ પરિણામના દિવસે ખબર પડશે.

લુણાવાડા બેઠક: અહીં જ્ઞાતિગત સમીકરણો કામ નથી કરતાં

ઇમેજ સ્રોત, Gulabsinh Chauhan/FB
લુણાવાડા બેઠકના છેલ્લા બે દાયકાની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે આ બેઠક પર જ્ઞાતિનાં સમીકરણોની ભાગ્યે જ અસર જોવા મળે છે.
લુણાવાડા બેઠક પર સૌથી વધુ 34 ટકા ઓબીસી મતદારો છે, જ્યારે 20 ટકા પાટીદાર મતદારો છે. 2002માં આ બેઠક પર ઓબીસી સમાજના આગેવાન કાળુભાઈ માલીવાડ ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
પરંતુ તેઓ 2007માં 84 મતથી અને 2012માં 370 મતથી ચૂંટણી હારી ગયા હતા. 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના હીરાભાઈ પટેલ ચૂંટણી જીત્યા હતા.
2007ની ચૂંટણીમાં કુલ 94,042 મતમાંથી કાળુભાઈને 41,062 મત મળ્યા હતા, જ્યારે વિજેતા કૉંગ્રેસના હીરાભાઈ પટેલને 41,146 મત મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2012માં આ બેઠક પર હીરાભાઈને 72,814 મત મળ્યા હતા, જ્યારે કાળુભાઈને 69,113 મત મળ્યા હતા.
છતાં 2017માં કૉંગ્રેસે હીરાભાઈ પટેલને ટિકિટ ન આપી અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી દિગ્વિજયસિંહના જમાઈ પરમાદિત્યજિતસિંહને ટિકિટ આપી હતી.
2017માં અપક્ષ ઓબીસી ઉમેદવાર રતનસિંહ રાઠોડ કૉંગ્રેસ અને ભાજપને હરાવીને જીત્યા હતા. વાસ્તવમાં કૉંગ્રેસે ટિકિટ નહીં ફાળવતા રતનસિંહે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને જીત મેળવી હતી.
વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ રતનસિંહ રાઠોડ ભાજપમાં જોડાઈ ગયા હતા અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા.
રતનસિંહ સાંસદ બનતા ખાલી પડેલી આ બેઠક પર 2019માં પેટાચૂંટણી યોજાઈ.
2019ની પેટાચૂંટણીમાં ભાજપ છોડીને આવેલા ગુલાબસિંહ ચૌહાણને કૉંગ્રેસે ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તેઓ ઓબીસી જ્ઞાતિના હોવા છતાં ચૂંટણી હારી ગયા હતા.
12 વર્ષથી કૉંગ્રેસનો ગઢ રહેલી આ બેઠક આખરે 2019માં ભાજપના સવર્ણ ઉમેદવાર જિજ્ઞેશ સેવક જીત્યા હતા.
2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે જિજ્ઞેશ સેવકને રિપીટ કર્યા છે.
આમ આ બેઠક પરથી ઓબીસી ઉમેદવાર જીત્યા છે, પાટીદાર ઉમેદવાર જીત્યા છે અને સવર્ણ ઉમેદવાર પણ જીત્યા છે. આ બેઠક પર જ્ઞાતિવાદની અસર ભાગ્યે જ જોવા મળી છે.
આ બેઠક પર બળવો તો 2019ની પેટાચૂંટણીમાં પણ થયો હતો, સ્થાનિક નેતા ભુલાભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
હવે મહીસાગર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જે. પી. પટેલે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
તેમણે જણાવ્યું હતું કે મેં 2017માં ટિકિટ માગી હતી, 2019માં પણ પેટાચૂંટણીમાં ટિકિટ માગી હતી અને 2022માં પણ ટિકિટ માગી હતી.
જે. પી. પટેલ 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ કારોબારીમાં પણ હતા.
સરદારધામ, અમદાવાદના ટ્રસ્ટી જે.પી. પટેલ લેઉઆ પટેલ સમાજમાંથી આવે છે. તેઓ 2007માં સંતરામપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે લડ્યા હતા અને હાર થઈ હતી.
બાદમાં સંતરામપુર બેઠક એસટી અનામત જાહેર થતા તેમણે લુણાવાડા બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાનું મન બનાવ્યું હતું.
લુણાવાડાના કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ અનોખી સ્ટાઇલમાં પ્રચારને કારણે ચર્ચામાં રહ્યા છે. તેઓ ઘોડે ચઢીને પ્રચાર કરતા જોવા મળ્યા હતા.
ઘોડેસવારી કરીને ગામડેગામડે રેલી કરતા ગુલાબસિંહના વીડિયો વાઇરલ પણ થયા હતા.

છોટાઉદેપુર બેઠક : બે દિગ્ગજ નેતાઓનો પુત્રમોહ અને...

ઇમેજ સ્રોત, @Rajubhai1972
છોટાઉદેપુર બેઠક ઉપર સૌની નજર રહેશે, કેમ કે આ બેઠક પર કૉંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવાને પોતાના પુત્રને ટિકિટ અપાવવી હતી.
પરંતુ કૉંગ્રેસે મન બનાવ્યું કે નારણ રાઠવાના પુત્રને ટિકિટ આપવી. સંકેત મળી ગયા એટલે મોહનસિંહ રાઠવાએ પાર્ટી છોડી દીધી અને ભાજપમાં જોડાઈ ગયા.
મોહનસિંહનો રાજકીય ઇતિહાસ ઘણો ઊજળો રહ્યો છે.
મોહનસિંહ રાઠવા 11 વખત ચૂંટણી લડ્યા અને 10 વખત જીત્યા હતા.
મોહનસિંહ વર્ષ 2017 પહેલા વિપક્ષના નેતા પણ રહ્યા છે. તેમના બાદ પરેશ ધાનાણી 2017માં વિપક્ષના નેતા બન્યા હતા.
વર્તમાનમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા છે અને તેઓ મોહનસિંહના વેવાઈ થાય છે.
સુખરામસિંહ રાઠવા પાવી-જેતપુરથી લડી રહ્યા છે.
જ્યારે નારણ રાઠવા રાજ્યસભાના સાંસદ છે અને મનમોહનસિંહની સરકારમાં રેલવે રાજ્યમંત્રી રહી ચૂક્યા છે.
છોટાઉદેપુર બેઠક પરની વર્તમાન સ્થિતિ જોઈએ તો, નારણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાને કૉંગ્રેસે ટિકિટ આપી છે. જ્યારે મોહનસિંહના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપે ટિકિટ આપી છે.
બંને મુખ્યધારાના પક્ષમાં નેતાપુત્રને ટિકિટ આપી ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓમાં અસંતોષની લાગણી પ્રવર્તે તે સહજ છે.
મોહનસિંહે દીર્ઘકાળ સુધી ધારાસભામાં ચૂંટાતા રહ્યા અને હવે જ્યારે નીચેથી ઉપર આવવા મથી રહેલા કાર્યકર્તાઓને તક મળતી દેખાઈ ત્યારે બંને પક્ષો વંશવાદનો પરિચય આપીને નેતાપુત્રોને લડાવી રહ્યા છે.
ત્રીજા પક્ષ તરીકે અહીં આપના ઉમેદવાર અર્જુન રાઠવા પ્રોફેસર છે અને આદિવાસી મતો પર પ્રભુત્વ ધરાવે છે.
2012ની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવાને 65,043 મતો મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર ગુલસિંગ રાઠવાને 62,738 મતો મળ્યા હતા. મોહનસિંહ પાતળા માર્જિનથી આ બેઠક જીત્યા હતા.
જ્યારે 2017ની ચૂંટણીમાં મોહનસિંહની લીડ ઘટીને 1100 મત જેટલી રહી ગઈ હતી. એ ચૂંટણીમાં મોહનસિંહને 75,141 મતો મળ્યા હતા. જ્યારે ભાજપના જસુભાઈ રાઠવાને 74,048 મતો મળ્યા હતા.

બાયડ બેઠક: ધવલસિંહે અપક્ષમાં ઝંપલાવ્યું

ઇમેજ સ્રોત, @DhavalsinhZala_
પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને કૉંગ્રેસે બાયડ બેઠક પર ટિકિટ આપી છે. અહીં ભાજપના ઉમેદવાર ભીખીબહેન પરમાર છે.
રાજ્યસભાનું કોકડું ગુંચવાયું હતું, ત્યારે મહેન્દ્રસિંહે કૉંગ્રેસ છોડી દીધી હતી.
2017માં ધવસિંહ ઝાલા કૉંગ્રેસમાંથી ચૂંટાયા હતા. ધવલસિંહને 79,556 મતો મળ્યા હતા, જ્યારે તેમની સામે ભાજપના અદેસિંહ ચૌહાણને 71,655 મતો મળ્યા હતા.

ધાનેરા બેઠક: માવજીભાઈ ભાજપ-કૉંગ્રેસનો ખેલ બગાડી શકે

ઇમેજ સ્રોત, @MavjidesaiBJP
બનાસકાંઠાની ધાનેરા બેઠકનાં સમીકરણો રસપ્રદ થયાં છે.
2017ની ચૂંટણીમાં ધાનેરા બેઠક પરથી કૉંગ્રેસના નાથાભાઈ પટેલ ભાજપના ઉમેદવાર માવજીભાઈ દેસાઈ સામે બે હજાર કરતાં ઓછા મતોની સરસાઈથી જીત્યા હતા.
એ ચૂંટણીમાં નાથાભાઈને 82,909 મતો મળ્યા હતા, જ્યારે માવજીભાઈને 80,816 મતો મળ્યા હતા.
2022ની ચૂંટણીમાં નાથાભાઈ કૉંગ્રેસ તરફથી ફરી લડી રહ્યા છે. ભાજપના ઉમેદવાર ભગવાનભાઈ પટેલ છે.
માવજીભાઈને ભાજપે ટિકિટ ન આપતા તેમણે અપક્ષ દાવેદારી નોંધાવી છે.
માવજીભાઈ મજબૂત જનાધાર ધરાવે છે એ ગત શનિવારે નીકળેલી તેમની રેલી ઉપરથી પ્રતીત થાય છે. ધાનેરામાં માવજીભાઈની રેલી જોઈને ભાજપ અને કૉંગ્રેસ બંને અચંબિત થયા હશે.
આ બેઠકનાં જાતિગત સમીકરણોની વાત કરીએ આ ગ્રામીણ બેઠકમાં ઠાકોર અને ચૌધરી સમાજના સરખા 22 ટકા જેટલા મતદારો છે. 13 ટકા જેટલા દલિત અને 9 ટકા જેટલા બ્રાહ્મણ તેમજ 15 ટકા માલધારી મતો છે.
આ બેઠક પર છેલ્લી કેટલીક ચૂંટણીમાં કૉંગ્રેસનો દબદબો રહ્યો છે. 2012માં પણ કૉંગ્રેસના ઉમેદવાર જોઈતાભાઈ પટેલ 30 હજાર કરતાં વધુ મતોની સરસાઈથી ભાજપના ઉમેદવાર વસંતભાઈ પુરોહિત સામે જીત્યા હતા.

વાઘોડિયા બેઠક : 'વિવાદિત' નેતા

ઇમેજ સ્રોત, MADHU SHRIVASTAVA/FB
વડોદરાની વાઘોડિયા બેઠકથી ભાજપના ‘વિવાદિત’ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને સાતમી વખત ચૂંટણી લડવા ભાજપે ટિકિટ નહીં ફાળવતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
વર્ષ 2022માં ભાજપે વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી અશ્વિન પટેલને ટિકિટ આપી છે.
તાજેતરમાં પક્ષમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “મને ટિકિટ ન મળતાં કાર્યકરોને દુ:ખ થયું છે તેથી ભાજપને રામ રામ કરું છું.”
સ્થાનિક અહેવાલો અનુસાર તેઓ વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી છ વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. 1995થી આ બેઠક પર મધુ શ્રીવાસ્તવનો દબદબો રહ્યો છે.
1995માં પ્રથમ વખત અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા બાદ 1997થી 2017ની વિધાનસભાની ચૂંટણી સુધી તેઓ સતત ભાજપની ટિકિટ પરથી આ જ બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે.
2017ની ચૂંટણીમાં તેમણે નજીકના પ્રતિસ્પર્ધી અપક્ષના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 10 હજાર કરતાં વધુ મતોની સરસાઈથી હરાવ્યા હતા.
નેતા તરીકેની તેમની કારકિર્દીમાં પણ તેમણે અનેક વિવાદો સર્જ્યા છે, જેમાંથી ઘણા માટે ભાજપ માટે ‘શરમજનક’ પરિસ્થિતિ સર્જી છે.
ધ પ્રિન્ટના એક અહેવાલ અનુસાર મધુ શ્રીવાસ્તવ પર બેસ્ટ બેકરી હિંસા કેસના સાક્ષીઓને ધમકાવવાનો પણ આરોપ મુકાયો હતો.
આ સિવાય બરોડા ડેરી ચૂંટણી પછી વિજય સરઘસમાં તેમણે પોતાની લાઇસન્સવાળી બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હોવાના આરોપના કારણે પણ વિવાદ સર્જાયો હતો.
આ સિવાય પાદરા બેઠકનાં સમીકરણો પણ રસપ્રદ થયા છે. જ્યાં ભાજપે ચાલુ ધારાસભ્ય દિનેશભાઈ પટેલ ઉર્ફે દીનુમામાની ટિકિટ કાપતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
2017ની ચૂંટણી દીનુમામાએ અહીં નજીકના કૉંગ્રેસના પ્રતિસ્પર્ધીને 19 હજાર કરતાં વધુ અંતરની સરસાઈથી હરાવ્યા હતા.
જોકે 2012માં આ બેઠક કૉંગ્રેસના ખાતે ગઈ હતી. દીનુમામા બરોડા ડેરીના ચૅરમૅન છે અને મજબૂત જનાધાર ધરાવે છે.














