નીતિન નબીન : ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનેલા આ નેતા કોણ છે, તેમની નિયુક્તિ કોની જીત-RSSની કે ભાજપની?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા
બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નીતિન નબીનની નિમણૂક તાત્કાલિક અસરથી લાગુ થશે.
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહે જારી કરેલા પત્રમાં જણાવાયું છે કે "ભાજપના સંસદીય બોર્ડે બિહાર સરકારમાં મંત્રી નીતિન નબીનને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખપદે નિયુક્ત કર્યા છે."
નીતિન નબીન બિહાર સરકારમાં રોડ મંત્રી અને ભાજપ છત્તીસગઢના પાર્ટી પ્રભારી છે. તેઓ બિહારની બાંકીપુરા બેઠકના ધારાસભ્ય છે.
નીતિન નબીન સળંગ પાંચ વિધાનસભા ચૂંટણીઓ જીતતા આવ્યા છે. 2008માં તેઓ ભાજપ યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય બન્યા હતા.
ભાજપના હાલના અધ્યક્ષ જેપી નડ્ડાની ટર્મ લગભગ ત્રણ વર્ષ અગાઉ પૂરી થઈ ગઈ હતી. ત્યારથી તેમને સતત ઍૅક્સ્ટેન્શન મળતું રહ્યું છે.
ભાજપના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે જ્યારે અધ્યક્ષનો કાર્યકાળ પૂરો થાય ત્યાર પછી લાંબા સમય સુધી નવા અધ્યક્ષ પસંદ કરાયા ન હતા.
ભાજપ સામે સવાલ કરવામાં આવ્યા હતા કે દેશની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરવા છતાં તે પોતાના અધ્યક્ષને હજુ સુધી પસંદ કરી શક્યો નથી.
જોકે, નીતિન નબીનના નામથી ઘણા લોકોને આશ્ચર્ય થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નીતિન નબીનનો જન્મ 23 મે, 1980ના રોજ થયો હતો. એટલે કે તેઓ હજુ માત્ર 45 વર્ષના છે. એક યુવા નેતા અધ્યક્ષ તરીકે પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે કેવી રીતે પોતાની ભૂમિકા ભજવશે તેવા સવાલ કરવામાં આવે છે.
નીતિન નબીનને ઉંમરનો પડકાર નડશે?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાજપના બંધારણ પ્રમાણે ઓછામાં ઓછાં 15 વર્ષથી પક્ષના સભ્ય હોય તેવી વ્યક્તિ જ રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. આ રીતે નીતિન નબીનને કાર્યકારી પ્રમુખ બનવામાં કોઈ વાંધો નથી આવતો.
ભાજપના સાંસદ અને બિહાર રાજ્ય ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ સંજય જયસ્વાલે બીબીસીને જણાવ્યું કે "તમે ઉંમરની વાત કરો છો, પરંતુ નીતિન નબીન પાંચ વખતથી ધારાસભ્ય છે. તેઓ છત્તીસગઢના પ્રભારી હતા, જ્યાં ભાજપે ભારે બહુમત મેળવીને સરકાર બનાવી છે."
તેમણે કહ્યું કે ભાજપ અધ્યક્ષ પ્રણાલી પર ચાલે છે. જે અધ્યક્ષ બની જાય તેને તમામ નેતાઓ, કાર્યકર્તાનો ટેકો મળે છે.
સંજય જયસ્વાલ માને છે કે "નીતિન નબીનનો બિહારના એક એક કાર્યકર સાથે સંપર્ક છે. બિહારની કોઈ વ્યક્તિને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા તે બિહાર માટે બહુ ગર્વની વાત છે."
તાજેતરમાં ભાજપે એવા ઘણા ચહેરાને મોટી જવાબદારી સોંપી છે, જેમના વિશે સામાન્ય રીતે ચર્ચા નથી થતી.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન અને દિલ્હીનાં મુખ્ય મંત્રીનાં નામ તેમાં આવે છે.
વરિષ્ઠ પત્રકાર નચિકેતા નારાયણ માને છે કે આ ભાજપની લોકોને આશ્ચર્યમાં નાખી દેવાની થિયરી છે. તમે જોશો કે જેપી નડ્ડાને અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારે પણ ઘણા લોકો ચર્ચા કરતા હતા કે પાર્ટીના અધ્યક્ષ તરીકે તેઓ કેટલા વરિષ્ઠ છે.
નચિકેતા નારાયણ કહે છે કે "ભાજપ એવો પક્ષ છે જે નીતિન નબીનની ઉંમરને જ મજબૂત પક્ષ બનાવીને રજૂ કરે છે. પક્ષ કહી શકે છે કે યુવાનો સાથે વધુ સારા તાલમેલ માટે એક યુવાન ચહેરો પસંદ કરવામાં આવ્યો છે."
નીતિન નબીન વિશે પીએમ મોદીએ શું કહ્યું?
નીતિન નબીનની વરણી પછી ભાજપના વરિષ્ઠ નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે.
પીએમ મોદીએ ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે તેમણે એક કર્મઠ કાર્યકર્તા તરીકે પોતાના વિશેષ ઓળખ બનાવી છે.
તેમણે લખ્યું કે "તેઓ એક યુવા અને પરિશ્રમી નેતા છે, જેમની પાસે સંગઠનનો ઘણો અનુભવ છે. બિહારમાં ધારાસભ્ય અને મંત્રી તરીકે તેમનું કામ બહુ પ્રભાવશાળી રહ્યું છે. સાથે સાથે જનઆકાંક્ષાઓ પૂરી કરવા તેમણે સમર્પણભાવથી કામ કર્યું છે.
તેઓ પોતાના વિનમ્ર સ્વભાવની સાથે જમીની સ્તરે કામ કરવા માટે જાણીતા છે. મને વિશ્વાસ છે કે તેમની ઊર્જા અને પ્રતિબદ્ધતા આગામી સમયમાં આપણી પાર્ટીને વધુ શક્તિશાળી બનાવશે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનવા બદલ તેમને હાર્દિક અભિનંદન."
ભાજપ કે સંઘમાંથી કોનો વિજય થયો?

ઇમેજ સ્રોત, ANI
ભાજપ માટે નવા અધ્યક્ષનું પદ ઘણું મહત્ત્વનું માનવામાં આવે છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ જવાબદારી બહુ મોટી રહેવાની છે.
ભાજપમાં ક્યારેય અધ્યક્ષપદની ચૂંટણી માટે વોટિંગ નથી થયું. ભાજપ અને સંઘના લોકો અંદરોઅંદર વિચારવિમર્શ કરે છે અને પછી પક્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અધ્યક્ષ ચૂંટવામાં આવે છે.
વરિષ્ઠ પત્રકાર બ્રજેશ શુક્લ કહે છે કે "નીતિન ગડકરીને ભાજપ અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારે રાષ્ટ્રીય રાજનીતિમાં તેમની પણ મોટી ભૂમિકા ન હતી. હવે તો ભાજપ ભવિષ્ય માટે પોતાનું નેતૃત્વ તૈયાર કરી રહ્યો છે, જેમાં કૉંગ્રેસ બહુ પાછળ છે."
"નીતિન ગડકરીને આરએસએસની બહુ નજીક માનવામાં આવે છે. પરંતુ નીતિન નબીનને સંઘથી બહુ નજીક કે દૂર ગણવામાં આવતા નથી."
બ્રજેશ શુક્લ કહે છે કે "નીતિન ગડકરીનો સમય એ ભાજપમાં આરએસએસના નજીકના લોકોનો સમય હતો. હવેનો સમય સંઘના નિકટના લોકોનો સમય નથી. હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહની નિકટ હોય તેવા લોકોનો યુગ છે."
એવું માનવામાં આવે છે કે નીતિન નબીન પોતાની રાજકીય કારકિર્દીમાં ક્યારેય કોઈ વિવાદમાં ફસાયા નથી અને તેથી ભાજપના વરિષ્ઠ નેતાઓએ તેમનામાં વિશ્વાસ દર્શાવ્યો છે.
જોકે, નચિકેતા નારાયણ માને છે કે નીતિન નબીનને નરેન્દ્ર મોદીની નજીક ગણી શકાય છે.
તેઓ એક ઘટના યાદ કરે છે, "2010ની વાત છે. તે સમયે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં હાજરી આપવા માટે બિહારની રાજધાની પટના આવ્યા હતા. તે સમયે બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે અખબારોમાં પ્રકાશિત એક જાહેરાત સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ તસવીર બે ધારાસભ્યો, નીતિન નબીન અને સંજીવ ચૌરસિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી."
તેઓ કહે છે, "જાહેરાતની તસવીરના વિરોધમાં નીતીશ કુમારે ભાજપના નેતાઓ માટેનું ડિનર રદ કર્યું."
"તેથી આપણે કહી શકીએ કે નરેન્દ્ર મોદી જ્યારે રાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનો વિષય નહોતા, ત્યારથી, નીતિન નબીન મોદી તરફ ઝુકાવ ધરાવતા હતા."
નચિકેતા નારાયણ માને છે કે, "નીતિન નબીનને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવીને નરેન્દ્ર મોદી અને અમિત શાહે બતાવ્યું છે કે પાર્ટીના મામલાઓમાં આરએસએસ કરતાં તેમનો હાથ ઉપર છે."
નીતિન નબીનની નિમણૂકના ટાઇમિંગને લઈને સવાલો

ઇમેજ સ્રોત, AFP via Getty Images
કૉંગ્રેસે દિલ્હીના રામલીલા મેદાનમાં રેલી યોજી અને ભાજપ પર મત ચોરીનો આરોપ લગાવ્યો તે જ દિવસે ભાજપે નીતિન નબીનને પોતાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે.
નચિકેતા નારાયણ કહે છે, "આપણે બિહારની વાત કરીએ તો કમૂરતાનો સમય શુભ ગણાતો નથી જે બે દિવસમાં શરૂ થવાનો છે. જોકે, ભાજપના નિર્ણય સાથે આનો કેટલો સંબંધ છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ ભાજપ 'હેડલાઇન મૅનેજમેન્ટ'માં નિષ્ણાત છે."
અત્યારે બધી જગ્યાએ એ સમાચાર ચાલે છે કે નીતિન નબીન કોણ છે. નવો ચહેરો રજૂ કરીને લોકોને વધુ આશ્ચર્ય આપ્યું છે અને લોકો તેમના વિશે જાણવા વધુ ઉત્સુક છે. કૉંગ્રેસની રેલીના સમાચાર કેટલા મોટા બનશે તે મને ખબર નથી. પરંતુ હવે તો નીતિન નબીન હેડલાઇન બની ગયા છે.
જોકે, જાણકારો નીતિન નબીનને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા તેને અલગ રીતે પણ જુએ છે.
બ્રજેશ શુક્લ કહે છે કે, "ભાજપ બહુ દૂરનું વિચારે છે. તે સમય ગુમાવવા નથી માંગતો. તેની સામે હજુ સવાલ છે કે બિહારમાં નીતીશ પછી કોણ? આવી વાત કોઈ વિચારી પણ ન શકે."
"આ ઉપરાંત પાર્ટીમાં ફેરફારો જોઈએ તો આ રીતે એક કાયસ્થને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, કારણ કે તેઓ ભાજપના ચુસ્ત મતદારો છે અને ઘણી વખત સવાલ ઉઠાવે છે કે શું કાયસ્થ માત્ર વોટ આપવા માટે છે."
બ્રજેશ શુક્લ માને છે કે ભાજપ હાલમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે નીતિન નબીનને પરખશે અને પૂરી ખાતરી થાય પછી લગભગ દોઢ મહિના પછી કાયમી અધ્યક્ષ તરીકે તેમનું નામ જાહેર કરશે.
નીતિન નબીન માટે ભલે ગમે તે દાવા કરવામાં આવતા હોય, પરંતુ તેમની સામે પડકારો છે. ખાસ કરીને જ્યારે ભાજપ અનેક મોરચા પર લડે છે, જેમાં વિપક્ષના આરોપ અને આગામી સમયમાં ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ સામેલ છે.
તેમની સામે હાલમાં સૌથી મોટો પડકાર એ છે કે તેઓ ઘણા નેતાઓની તુલનામાં જુનિયર છે.
ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીની વાત કરીએ તો તેઓ સંઘના ભરોસાપાત્ર હતા અને ઉંમરની દૃષ્ટિએ ભાજપના ઘણા નેતાઓ કરતા સિનિયર હતા.
જ્યારે નીતિન નબીન બિહારના રાજકારણમાં સક્રિય રહ્યા છે અને વરિષ્ઠ નેતાઓ સાથે તેમનો તાલમેલ પણ મહત્ત્વનો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












