અલ્પેશ ઠાકોર માટે ગાંધીનગર દક્ષિણ બેઠક જીતવી મુશ્કેલ છે?

ઇમેજ સ્રોત, Alpesh Thakor Facebook
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તાર અને ગાંધીનગરના શહેરી વિસ્તાર સહિત 60થી વધુ ગામોને આવતી લેતી ગાંધીનગર વિધાનસભા બેઠક ઉપરનો ચૂંટણી જંગ ભારે રસપ્રદ બન્યો છે.
ભાજપ મોવડી મંડળ દ્વારા આ બેઠક પર અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે તો બીજી તરફ કૉંગ્રેસે હિમાંશુ પટેલને ટિકિટ આપી છે.
છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક ઉપર ભાજપનો કબજો રહ્યો છે, પરંતુ આ વખતે બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
આ બેઠક પર ત્રિપાંખિયા જંગ માટે આમ આદમી પાર્ટીએ દલપત પટેલને મેદાનમાં ઉતાર્યા છે,
ઉત્તર ગુજરાતની બેઠકોમાં મતદારોની સંખ્યાની દૃષ્ટિએ ગાંધીનગર દક્ષિણ સૌથી મોટી બેઠક છે. આ બેઠક ઉપર 3.73 લાખ મતદારો છે.
આ બેઠક પર 95 હજારથી વધુ મતો સાથે ઠાકોર સમાજના મતો સૌથી પ્રભાવી છે, પાટીદાર સમાજના 75 હજારથી વધુ મતો છે અને 45 હજારથી વધુ દલિત મતદારો છે.
આ ઉપરાંત 30 હજાર પરપ્રાંતીય મતદારો અને 10 હજાર મુસ્લિમ મતદારો પણ છે.
આ ચૂંટણીમાં બંને મુખ્ય પક્ષના ઉમેદવાર ઠાકોર અને પટેલ સમાજના છે. જ્યારે આ પહેલા બંને મુખ્ય પાર્ટીઓ ઠાકોર સમાજના ઉમેદવારોને ઉતારતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


ઇમેજ સ્રોત, ANI
અલ્પેશ ઠાકોર 2017માં રાધનપુર બેઠકથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા પછી તેઓ ભાજપમાં જોડાયા હતા. જોકે, રાધનપુર બેઠક પરથી જ પેટાચૂંટણી લડ્યા ત્યારે અલ્પેશ ઠાકોરને કૉંગ્રેસના રઘુ દેસાઈએ હરાવી દીધા હતા.
અલ્પેશ ઠાકોર ભાજપના સ્ટાર પ્રચારક છે, તેઓ પોતાની વિધાનસભા સાથે ઉત્તર ગુજરાતની અન્ય વિધાનસભાઓ બેઠકો માટે પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પરંતુ ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ ગાંધીનગર દક્ષિણ બેઠકથી અલ્પેશ ઠાકોરની પસંદગી કરાઈ હતી, તે વખતે તેમને ‘આયાતી ઉમેદવાર’ તરીકે ગણાવીને તેમની સામે વિરોધ જોવા મળ્યો હતો.
ચિલોડા ખાતે ભાજપના કાર્યકરોએ ‘અલ્પેશ ગો બેક’ના નારા લગાવ્યા હતા. અહીં ભાજપના સ્થાનિક કાર્યકરો અલ્પેશ ઠાકોરની ઉમેદવારીથી નારાજ હોવાનું કહેવાય છે.
આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારની રાજકીય કારકિર્દી જોઈએ તો હિમાંશુ પટેલ મૂળ અડાલજના છે. તેઓ વર્ષોથી કૉંગ્રેસમાં સક્રિય છે. તેઓ વર્ષ 2002માં સરખેજ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ સામે કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે.

શહેરી અને ગ્રામ્ય મતદારો ધરાવતી 'નોલેજ કોરિડોર' બેઠક

ઇમેજ સ્રોત, AFP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી.
નવા સીમાંકન બાદ વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણ બેઠક ભાજપના ઉમેદવાર શંભુજી ઠાકોર જીત્યા હતા પછી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ફરી ભાજપે તેઓને રીપિટ કર્યા હતા અને ફરી તેઓ જીત્યા હતા.
2012ની ચૂંટણીમાં શંભુજીને 87 હજાર 999 મત અને કૉંગ્રેસના ઉમેદવાર જુગાજી ઠાકોરને 79 હજાર 988 મત મળ્યા હતા. શંભુજી ઠાકોરે કૉંગ્રેસના જુગાજી ઠાકોર સામે 8 હજાર 11 મતના તફાવતથી જીત મેળવી હતી.
2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શંભુજી ઠાકોરને 1 લાખ 7 હજાર 480 મત મળ્યા હતા. તેઓની સામે કૉંગ્રેસના ઉમેદવાર ગોવિંદજી સોલંકીને 95 હજાર 942 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર ગોવિંદજી ઠાકોરને 11 હજાર 538 મતોના અંતરથી હરાવીને શંભુજી ઠાકોરે જીત મેળવી હતી.
ગાંધીનગર જિલ્લાની રાજકીય ગતિવિધિઓના અભ્યાસુ વરિષ્ઠ પત્રકાર પ્રકાશ ઝા આ બેઠકનું વિશ્લેષણ કરતા કહે છે, "ગાંધીનગર દક્ષિણ વિધાનસભા 'પાઘડી પનેહ' વિસ્તાર તરીકે ઓળખાય છે. આ વિધાનસભા ગાંધીનગર, અમદાવાદ અને સાબરકાંઠા ત્રણ જિલ્લાની હદને સ્પર્શે છે. આ વિસ્તાર નોલેજ કોરિડોર તરીકે પણ ઓળખાય છે. કારણ કે આ વિસ્તારમાં પીડીપીયુ, જીટીયુ, એસએમએસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, રિલાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી યુનિવર્સિટી, ટીસીએસની ગુજરાતની મુખ્ય કચેરી વગેરે આજ વિસ્તારમાં છે."
તેઓ ઉમેરે છે, "આ વિધાનસભામાં કૉંગ્રેસ અને ‘આપ’ દ્વારા સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ભાજપ દ્વારા આયાતી ઉમેદવાર લાવવામાં આવ્યા હોવાથી ભાજપના કાર્યકરોમાં જ રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર હિમાંશુ પટેલે પરિવર્તન રેલી સમયથી જ પ્રચાર શરૂ કરી દીધો હતો. તેઓ આખો વિસ્તાર લગભગ બે વાર ફરી ચૂક્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની છેલ્લી ઘડીએ ટિકિટ નક્કી થઈ હતી અને બીજી તરફ તેઓ સ્થાનિક ઉમેદવાર ન હોવાથી ભાજપ દ્વારા તેમના માટે પરિચય બેઠક રાખવામાં આવી હતી. ભાજપના કાર્યકરોમાં અલ્પેશ ઠાકોરને લઈને છૂપો રોષ જોવા મળી રહ્યો છે."
"'આપ'ના ઉમેદવાર દલપત પટેલ મોટેરા વિસ્તારના સ્થાનિક છે તેમજ તેમના પિતા સરપંચ રહી ચૂક્યા છે. તેઓ ભાજપના મતોમાં ગાબડું પાડી શકે છે."
આ બેઠકના ગ્રામીણ સમીકરણ અંગે પ્રકાશ ઝા કહે છે, "2017ની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના મતોમાં કૉંગ્રેસના ઉમેદવાર 15 હજાર મતે આગળ હતા પરંતુ શહેરી વિસ્તારના મતોમાં શંભુજી ઠાકોરને 25 હજારની લીડ મળી હતી, જેથી તેઓ 15 હજારની લીડ કાપીને દસ હજાર જેટલા મતથી જીત્યા હતા. આ શહેરી વિસ્તારના મતોમાં જો 'આપ' ગાબડું પાડે તો ભાજપને નુકશાન થઈ શકે છે."
આ બેઠકમાં ઊભા થયેલા નવા પ્રશ્નો અંગે વાત કરતા તેઓ કહે છે, "આ બેઠકના ગ્રામ્ય વિસ્તારો અમદાવાદ મહાનગરપાલિકા અને ગાંધીનગર મહાનગરપાલિકામાં ઉમેરાયા છે. આ વિસ્તારો કુડાસણ, સરગાસણ, કોબા, રાયસણ, ખોરજ વગેરેમાં નવી ઈમારતો બંધાઈ છે, જેના કારણે વસ્તીનું ભારણ વધ્યું છે. આ વિસ્તારોમાં રસ્તા, ગટર તેમજ સ્ટ્રીટ લાઈટ અને જાહેર પરિવહનના નવા પ્રશ્નો ઊભા થયા છે. આ નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોનો અમદાવાદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો પરંતુ તેમાં પશુઓને બાંધવાના વાડાઓ કાયદેસર કરવામાં આવ્યા નથી."
ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં છાલા, ચંદ્રાલા, ચિલોડા, દસેલા, ધણપ, જાખોરા જેવા વિસ્તારોમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. જેમાં ખેતી વપરાશની વીજળી પૂરતા પ્રમાણમાં મળતી નથી. વીજળી અનિયમિત મળતી હોવાના પ્રશ્નો છે. પ્રકાશ ઝા કહે છે, "આ વિસ્તારમાં મોટાભાગે પશુપાલન કરવામાં આવે છે પરંતુ અહીં મોટું પશુ ચિકિત્સાલય નથી. ગિફ્ટ સિટી પણ આ જ વિસ્તારમાં આવે છે પરંતુ અહીંયા રોજગારીની તકો ઊભી થઈ શકી નથી."

સ્થાનિક આગેવાનો શું કહે છે? શું છે આ બેઠકના પ્રશ્નો?

ઇમેજ સ્રોત, RAGHU DESAI FB
આ બેઠકમાં આવતા અમદાવાદના ચાંદખેડા વિસ્તારના રહીશો સાથે બીબીસીએ વાત કરી હતી. ચાંદખેડાના સ્થાનિક રહેવાસી મુકેશ નાયક કહે છે, " અમારા વિસ્તારના ગટર, પાણી અને રસ્તાના પ્રશ્નો તો છે જ, પરંતુ તે બધામાં મોંઘવારીનો પ્રશ્ન ખુબ જ વિકટ છે. ખાનગી શાળાઓમાં શિક્ષણ ખુબ જ મોંઘું છે, જ્યારે સરકારી શાળાઓમાં શિક્ષણ ખાડે ગયું છે."
ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં આવતાં ટીટોડા ગામના પૂર્વ સરપંચ ખોડાજી ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે," અમારા ગામમાં રોડના પ્રશ્નો છે સાથે કાદવની પણ મોટી સમસ્યા છે. આ સિવાય બીજા કોઈ પ્રશ્નો નથી."
ખોડાજીએ અલ્પેશ ઠાકોરની ઉમેદવારી અંગે ટકોર કરતા કહ્યું હતું, " અલ્પેશ ઠાકોર આયાતી ઉમેદવાર હોવાથી લોકોમાં રોષ છે. જેથી મતોમાં કાપ પણ જોવા મળી શકે છે. જ્યારે શંભૂજી ઠાકોર અમારા ગામના જ હતા અને આ વિધાનસભાના લોકલ ઉમેદવાર હોવાનો ફાયદો હતો."
આ બેઠકમાં આવતા દશેલા ગામના પૂર્વ સરપંચ જશુભાઈ ચૌધરી સમસ્યા વિશે કહે છે, "અમારા ગામનો ગીયોડ તરફ જવાનો રસ્તો તેમજ ધણપ તરફ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે. આ અંગે અમે વારંવાર રજૂઆત કરી તેમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી. અમારા ગામમાં આરોગ્ય કેન્દ્ર ન હતું વારંવાર રજૂઆત કર્યા બાદ થોડા સમય પહેલા આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. જોકે હજુ તેનું મકાન બાંધવામાં આવ્યું નથી."
આયાતી ઉમેદવાર અંગે તેમણે કહ્યું, "દરેક પક્ષે સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવી જોઈએ. જેથી વિસ્તારની સમસ્યા અંગે તેમની પાસે રજૂઆત કરી શકાય, આયાતી ઉમેદવાર ચૂંટણી બાદ દેખાતા નથી."
અભિનેતા પરેશ રાવલનું ઉદાહરણ આપતા તેઓ કહે છે, "પરેશ રાવલ અમારા વિસ્તારના સંસદસભ્ય હતા અને તેઓ ચૂંટણી બાદ પાંચ વર્ષમાં એક પણ વાર ડોકાયા નહોતા. આ સ્થિતિમાં અમારા પ્રશ્નો અંગે એમને રજૂઆત કેવી રીતે કરવી? સ્થાનિક ઉમેદવાર હોય તો તે સ્થાનિક પ્રશ્નોને સારી રીતે સમજી શકે છે."
ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી ટિકિટના દાવેદાર મનાતા આઈ બી વાઘેલા કહે છે, "ગાંધીનગર દક્ષિણ બેઠકની ટિકિટ મેળવવા માટે મે દાવેદારી નોંધાવી હતી પણ પાર્ટી વિચારીને જ ટિકિટ આપે છે. અમારા ઉમેદવાર અલ્પેશ ઠાકોર પણ અમારા નજીકના જ વ્યક્તિ છે. હું આ વિધાનસભાનો મુખ્ય એજન્ટ છું અને પ્રચારમાં પણ એમની સાથે જ છું."
ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય અને વર્ષ 2012 અને 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ ઉપર ચૂંટાયેલા શંભૂજી ઠાકોરનો બીબીસી ગુજરાતી દ્વારા વાત કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેઓએ વાત કરવાનું ટાળ્યું હતું.

બેઠકના જ્ઞાતિગત સમીકરણ

ઇમેજ સ્રોત, ALPESH THAKOR FB
ગાંધીનગર દક્ષિણ વિધાનસભા સીટ પર 3.73 લાખ મતદારો છે. ગાંધીનગર દક્ષિણ વિધાનસભા સીટ પર સૌથી વધુ મતો 95 હજાર મતો ઠાકોર સમાજના છે. ત્યાર બાદ પાટીદારો સમાજના 75 હજાર મતો છે. 45 હજાર દલિત મતદારો છે. 30 હજાર પરપ્રાંતીય મતદારો અને 10 હજાર મુસ્લિમ મતદારો છે. ગાંધીનગર દક્ષિણ બેઠકનો વિસ્તાર આ બેઠક હેઠળ આવતા વિસ્તારોમાં અડાલજ, આલમપુર, અંબાપુર, અમીયાપુર, બસં, ભાટ, ભોયાં રાઠોડ, ભુંડિયા, ચાંદખેડા, ચંદ્રાલા, છાલા, ચિલોડા, ચેખલા રાણી, ડભોડા, દાંતલિયા, દશેલા, ધણપ, દોલારાણા, વાસણા, ગલુદન, ગિયોડ, ઇસાનપુર મોટા, જખોરા, જમિયતપુરા, કરાઈ, ખોરજ, કોટેશ્વર, કોબા, કુડાસણ, લવારપુર, લેકાવાડા, લીંબડીયા, મગોડી, મહુન્દ્રા, મેદરા, મોટેરા, નભોઈ, પાલજ, પિરોજપુર, પોર, પ્રાંતીયા, પુન્દ્રાસણ, રાયપુર, રાજપુર, રણાસણ, રાંદેસણ, રતનપુર, રાયસણ, સાદરા, સરગાસણ, શાહપુર, શેરથા, શિહોલીમોટી, સોનારડા, સુઘડ, તારાપુર, ટિટોડા, ઉવારસદ, વડોદરા, વલાદ, વાંકાનેરડા, વાસણા હળમતિયા, વીરા તલાવડી અને ઝુંડાલનો સમાવેશ થાય છે.














