‘એક પુલ મળે તો અમારો ધરમ ધક્કો ઘટે’, ગુજરાતનાં આ ગામોમાં ‘શૂન્ય ટકા’ મતદાન કેમ થયું?

મતદાન મથક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં કુલ 63 ટકાથી વધુ મતદાન નોંધાયું (સાંકેતિક તસવીર)
    • લેેખક, બાદલ દરજી
    • પદ, બીબીસી ગુજરાતી

“આમ જોઈએ તો ઇટકલા અમારે ત્યાંથી અડધો કિલોમિટર દૂર થાય પણ એક પુલ ન હોવાને કારણે અમારે વીસેક કિલોમિટરનો ફેરો ખાવો પડે છે.”

“પાંચમા ધોરણ પછીના અભ્યાસ માટે બાળકોને ઇટકલા મોકલવાં પડે છે. અમે સામાન્ય દિવસોમાં જે રસ્તાનો ઉપયોગ કરીએ છીએ, ચોમાસામાં તે રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને બાળકો બે-બે મહિના સુધી શાળાએ જઈ શકતાં નથી.”

“જો અમને એક પુલ મળે તો અમારો ધરમધક્કો ઘટી જાય તેમ છે અને તમામ પાયાની સુવિધાઓ સુધી અમે સરળતાથી પહોંચી શકીએ પણ આ લોકો દર વખતે વાયદા કરીને જતા રહે છે અને એક નાનકડો કૉઝ-વે પણ બનાવી આપતા નથી. જેથી ગામના લોકોએ મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે.”

આ શબ્દો છે છેલ્લાં પાંચ વર્ષમાં ચોથી ચૂંટણીનો બહિષ્કાર કરનારા ભરૂચ જિલ્લાના કેસર ગામના રહેવાસી પંડિત વસાવાના.

જોકે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 63 ટકાથી વધુ મતદાન થયું હતું.

પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં આ ગામમાંથી એક પણ મતદાર મત આપવા નહોતો ગયો.

આ ગામના લોકોએ અગાઉ લોકસભા, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

ગુજરાતમાં ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરનારું માત્ર આ એક જ ગામ નથી. પ્રથમ તબક્કાની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં ચાર એવાં ગામો હતાં જ્યાં મતદાન પૂર્ણ થતાં સુધીમાં એક પણ મત પડ્યો ન હતો.

પોતાની વિવિધ માગ વર્ષોથી ન સંતોષાતા આ ગામલોકોએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો.

તેમને મનાવવા માટે ચૂંટણી અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. જોકે તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા.

ગ્રે લાઇન

‘ઍમ્બ્યુલન્સ મોડી પડતાં બે પ્રસૂતાઓનાં મૃત્યુ થયાં, ત્યારથી મતદાન કરતા નથી’

ગુજરાતનું એ ગામ જ્યાં એક પણ મત પડ્યો નથી

ઇમેજ સ્રોત, Sajid Patel

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેસર ગામ ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠક વિસ્તારમાં આવતું ગામ છે. અહીં શૂન્ય ટકા મતદાન થયું હોવાની પુષ્ટિ ઝઘડિયાના પ્રાંત અધિકારી ડી. એસ. બારીયાએ કરી હતી અને તેમણે કહ્યું હતું કે તેમની માગને કારણે તેઓ ઘણા સમયથી ચૂંટણીઓનો બહિષ્કાર કરતા આવ્યા છે.

કેસર ગામના પંડિત વસાવા કહે છે, “દર ચોમાસામાં અમારાં બાળકો અભ્યાસથી વંચિત રહે છે. અમારે બૅન્કનું કામ હોય, દૂધ ભરવા ડેરીએ જવાનું હોય કે પછી નાનું મોટું કોઈ પણ કામ હોય, એ કરવા માટે ઓછામાં ઓછા 20 કિલોમિટરની મુસાફરી કરવી પડે છે.”

“વર્ષોથી અમારી એક જ માગ છે કે અમને કીમ નદી પર પુલ બનાવી આપો. તાજેતરમાં જ અમારા સાંસદ મનસુખભાઈ વસાવા આવ્યા હતા અને તેમણે સોગંધ ખાઈને કહ્યું હતું કે આ વખતે મત આપજો, પુલ ચોક્કસ બનાવી આપીશું.”

કેસર ગામના પૂર્વ સરપંચ નરેશભાઈ વસાવા કહે છે કે, “ચૂંટણી પહેલાં મતદાન કરવા માટે પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ સમજાવવા આવ્યા હતા પણ લોકો પોતાની માગ પર અડગ છે.“

આ વિશે તેઓ કહે છે, “ગામમાં એવી બે ઘટનાઓ બની હતી, જ્યારે બે પ્રસૂતાઓનું ઍમ્બ્યુલન્સ મોડી આવવાના કારણે મૃત્યુ થયું હતું. જો કેસર અને ઇટકલાને જોડતો પુલ હોત તો ઍમ્બ્યુલન્સ પણ ગણતરીની મિનિટોમાં આવી શકે પણ પુલ ન હોવાથી ગામમાં ઇમરજન્સી સમયે ઍમ્બ્યુલન્સ આવતા પણ મોડું થાય છે.”

નરેશભાઈ વસાવા આગળ કહે છે, “એક સરપંચ પાસે પાંચ લાખ સુધીનું કામ કરવાની સત્તા હોય છે. પુલ બનાવવામાં તેનાથી વધારે ખર્ચો થઈ શકે છે. જેના માટે સરકારે જ કાંઈ કરવું પડે.”

“હું જ્યારે સરપંચ હતો ત્યારે અમે તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ તેની રજૂઆત કરી હતી પણ હજી સુધી કંઈ કામ થયું નથી.”

કેસર ગામના લોકોએ તમામ પાયાની સુવિધાઓ માટે રોજ વીસેક કિલોમિટર ફરીને જવું પડે છે. આ વીસેક કિલોમિટર ઘટીને એક કિલોમિટરનો થઈ શકે છે. જો તેમને એક પુલ બનાવી આપવામાં આવે અને તેમનું કહેવું છે કે જ્યાં સુધી આ પુલ નહીં બને ત્યાં સુધી તેઓ મતદાનથી અળગા રહેશે.

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો પર મતદાન યોજાયું હતું. ચૂંટણીપંચના આંકડા પ્રમાણે સાંજે પાંચ વાગ્યા સુધીમાં જિલ્લામાં 66.31 ટકા મતદાન નોંધાયું હતું.

જિલ્લામાં કેસર સિવાય આસપાસના કેટલાંક ગામના લોકોએ પણ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના જણાવ્યા પ્રમાણે ઉચ્ચ અધિકારીઓની એક ટીમ આ ગામોમાં ગઈ હતી અને તેમણે ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી અને શક્ય બાંહેધરી આપી હતી. બાદમાં અન્ય ગામોમાં મતદાન શરૂ થઈ ગયું હતું પરંતુ કેસર ગામમાં મતદાન થયું ન હતું.

ગ્રે લાઇન

‘પુલ નહીં તો મત નહીં’

ગુજરાતનું એ ગામ જ્યાં એક પણ મત ન પડ્યો
ઇમેજ કૅપ્શન, વાટી ગામમાં તૈયાર કરાયેલું મતદાનમથક

ડાંગ અને નવસારી જિલ્લાની બૉર્ડર પર આવેલા વાટી ગામ પાસેથી પસાર થતી અંબિકા નદી પર પુલ ન હોવાથી ગામમાંથી એક પણ વ્યક્તિએ મતદાન કર્યું ન હતું.

વાટી ગામના સરપંચ બાલુભાઈ પડવીના જણાવ્યા પ્રમાણે વાટી અને કારંબા ગામ વચ્ચે અંબિકા નદી પર પુલ ન હોવાને કારણે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.

તેઓ કહે છે, “અમે અનેક વખત આ અંગે જિલ્લા કક્ષાથી લઈને રાજ્યકક્ષા સુધી રજૂઆતો કરી છે પણ અમને નદીનો પટ રેતાળ હોવાથી અહીં પુલ બનવો શક્ય ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.”

“મોટો પુલ બનવો શક્ય ન હોવાથી અમે નાનકડા કૉઝવે બ્રિજની માગ કરી હતી. જે પણ પૂર્ણ થઈ નથી. આ કારણથી ગામલોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.”

ગ્રામજનોની આ માગ અને મતદાન કરાવવાના પ્રયાસો અંગે નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે બીબીસી સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું, “આ ગામના લોકોની પુલની માગ હતી અને તે અંગે તેમને કોઈ ગજગ્રાહ હોઈ શકે છે પણ તેમણે અમારા સમક્ષ આ મુદ્દો મતદાનના વીસેક દિવસ પહેલાં મૂક્યો અને તે સમયે આચારસંહિતાને કારણે અમે કોઈ વાયદો કરી શકીએ તેમ નહોતા.”

“અમે લોકો ગ્રામજનોને મળ્યા હતા. તેમની રજૂઆતો સાંભળી હતી અને ચૂંટણી પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે તેમની આ માગને આગળ રજૂ કરીને કામગીરી કરવાની બાંહેધરી આપી હતી પરંતુ તેમણે આ રસ્તો પસંદ કર્યો હતો.”

ચૂંટણીપંચ મુજબ નવસારી જિલ્લામાં 71.06 ટકા મતદાન નોંધાયું હતું.

બીબીસી ગુજરાતી

મહિલાઓ માટે અલગ મતદાનમથક ન હોવાથી સમગ્ર ગામે મત ન આપ્યો

એ ગામ જ્યાં એક પણ મત ન પડ્યો

ઇમેજ સ્રોત, Darshan Thakkar

ઇમેજ કૅપ્શન, જામનગરના ધ્રાફા ગામે આવેલું મતદાનમથક

 જામનગરના જામજોધપુર વિધાનસભા મતક્ષેત્રમાં આવતા ધ્રાફા ગામમાંથી પણ એકેય વ્યક્તિએ મતદાન કર્યું ન હતું. કારણ કે પહેલી વખત અહીં મહિલાઓ માટે અલગ મતદાનમથક ઊભું કરાયું ન હતું.

ગ્રામજનોનું કહેવું છે કે જ્યારથી ચૂંટણી શરૂ થઈ ત્યારથી ગામમાં પુરુષ અને મહિલાઓ માટે અલગઅલગ વોટિંગ બૂથની વ્યવસ્થા હતી. જેના કારણે મહિલાઓને મતદાન કરવામાં સરળતા રહેતી હતી.

જોકે, આ વખતે એક જ મતદાનમથ હોવાથી ગ્રામજનોમાં નારાજગી વ્યાપી ગઈ હતી.

આ મામલે ધ્રાફા ગ્રામ પંચાયતનાં સરપંચ દુર્ગાબા જાડેજાએ કલેક્ટરને પત્ર લખીને મહિલા બૂથને ફરીથી શરૂ કરવા માટે માગ કરી હતી. આ સિવાય ગ્રામજનોએ ચૂંટણીપંચને પણ આ અંગે રજૂઆત કરી હતી.

તેમ છતાં મતદાનમથક શરૂ ન કરાતાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો હતો.

જામનગર જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ ધ્રાફા ગામમાંથી એક પણ મત ન પડ્યો હોવાની વાતની પુષ્ટિ કરી હતી.

તેમણે જણાવ્યું, “ધ્રાફા ગામના લોકોની મહિલા અને પુરુષો માટે અલગઅલગ મતદાનમથકની માગ હતી. જોકે, નિયમ પ્રમાણે તે શક્ય નથી. જે અંગે અમે તેમને સમજાવ્યા પણ ખરા. છતાંય તેઓ માન્યા નહીં.”

ગ્રામજનોના દાવા મુજબ અહીં વર્ષોથી મહિલા અને પુરુષ મતદારો માટે અલગઅલગ બૂથ હતા. તો આ વખતે કેમ નહીં? આ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું, “’ટૅકનિકલી અલગઅલગ મતદાનમથક રાખવાની જોગવાઈ નથી. જેથી આ વખતે અમે એક જ મતદાનમથક રાખ્યું હતું.”

તેમણે આગળ કહ્યું, “અમે એ લોકોની માગ અનુસાર મહિલા અને પુરુષો અલગઅલગ સમયે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાની પણ બાંહેધરી આપી. છતાંય તેઓ ન માન્યા.”

ચૂંટણીપંચના આંકડા પ્રમાણે જામનગર જિલ્લામાં 58.42 ટકા મતદાન થયું હતું.

બીબીસી ગુજરાતી

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન અહીં, પણ આ ગામમાં એકેય મત ન પડ્યો

ગુજરાતનું એ ગામ જ્યાં એક પણ મત ન પડ્યો

ઇમેજ સ્રોત, Narendra Paperwala

ઇમેજ કૅપ્શન, સામોટ ગામમાં આ પ્રકારના બૅનર્સ લાગ્યા હતા

નર્મદા જિલ્લાની ડેડીયાપાડા બેઠક અંતર્ગત આવતા સામોટ ગામમાં પણ એકેય મતદાર મતદાનમથક સુધી પહોંચ્યો ન હતો.

આ પાછળનું કારણ છે જમીનને લઈને વિરોધ. અહીં સૌથી વધુ આદિવાસી લોકો રહે છે અને તેમની માગ છે કે તેઓ દાયકાઓથી જે જગ્યા પર રહે છે અને ખેડી રહ્યા છે, તે તેમના નામે કરાઈ નથી અને આ કારણથી તેઓ છેલ્લા ઘણા સમયથી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે.

 આ ઉપરાંત તેમનો દાવો છે કે તેમની જમીન હાઉસિંગવાળાઓએ કબજે કરી લીધી છે અને તેમને હઠાવવાનો પ્રયાસ પણ કરાઈ રહ્યો છે.

તેમણે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી ગામમાં ચૂંટણી બહિષ્કારના હોર્ડિંગ્સ પણ લગાવ્યા હતા.

આ મામલે નર્મદા જિલ્લાના કલેક્ટર શ્વેતા તેવટિયાએ કહ્યું, “પ્રથમ તબક્કામાં નર્મદા જિલ્લામાં સૌથી વધુ 78.24 ટકા મતદાન થયું છે. જે પૈકી સામોટ ગામ જે બેઠકમાં આવે છે એ ડેડીયાપાડા બેઠક પર સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે મતદાન નોંધાયું છે.”

સામોટ ગામના લોકોના મુદ્દા અંગે તેમણે જણાવ્યું, “એ લોકોના રૅવેન્યુને લગતા મુદ્દા હતા. આ મુદ્દા ઘણા સમયથી ચાલતા આવે છે. જોકે, અમારા સિનિયર અધિકારીઓ તેમને સમજાવવા માટે ગયા હતા પણ છેલ્લે ગામમાંથી એક પણ મત ન પડ્યો.”

રેડ લાઇન
રેડ લાઇન