ગુજરાત ચૂંટણી : હાર્દિક પટેલ માટે વીરમગામનો ગઢ જીતવો કેટલો સહેલો, કેટલો મુશ્કેલ?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થતાં સ્પષ્ટ થઈ જશે કે ભાજપ ગુજરાતના ગઢને સાચવી શક્યો કે પછી કૉંગ્રેસ અને આપ ‘સત્તાવિરોધી લહેર’નો લાભ લઈ ગયા.
ભાજપ, આપ અને કૉંગ્રેસ વિધાનસભા ચૂંટણી માટે મોટા ભાગના ઉમેદવારોનાં નામ જાહેર કરી ચૂક્યાં છે.
રાજકીય અને જાતિગત સમીકરણો ગોઠવાઈ ચૂક્યાં છે. પાર્ટીની સાથેસાથે નેતાઓએ પણ પોતાનાં સમીકરણ ગોઠવી લીધાં છે.
કૉંગ્રેસમાંથી ભાજપમાં અને ભાજપમાંથી કૉંગ્રેસમાં જોડાયેલા કેટલાક આગેવાનો પર પણ ‘પસંદગીનો કળશ’ ઢોળાયો છે. આવા જ એક નેતા છે પાટીદાર અનામત આંદોલનથી ગુજરાત અને સમગ્ર દેશમાં ચમકી ગયેલા હાર્દિક પટેલ.
આંદોલનકારી બાદ રાજનેતા બનવાના ‘અભરખા’ તેમને પહેલાં કૉંગ્રેસ અને પછી અંતે ભાજપમાં લઈ આવ્યા.
‘પક્ષ બદલવાની’ આ વ્યૂહરચના પ્રથમ દૃષ્ટિએ તેમને ફળી હોય તેવું પણ લાગી રહ્યું છે.

ઇમેજ સ્રોત, ANI
ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદીમાં વીરમગામ બેઠકની ટિકિટ તેમને ફાળવી છે.
હવે તેઓ ધારાસભ્ય બનવા માટે પોતાનું પૂરું જોર લગાવી રહ્યા છે. વિશ્લેષકોના મતે વીરમગામ બેઠક પર જીત મેળવવી તેમના માટે ‘મુશ્કેલ’ સાબિત થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પડકારના કારણે હાર્દિક ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે.
હાર્દિક પટેલ મૂળ વીરમગામના વતની છે.
હજુ સુધી કૉંગ્રેસે પોતાના સત્તાવાર ઉમેદવારની જાહેરાત કરી નથી પણ કૉંગ્રેસ દ્વારા ફરી વર્તમાન ધારાસભ્ય એવા લાખાભાઈ ભરવાડને ટિકિટ આપવામાં આવશે કે પછી નવો ચહેરો મેદાનમાં ઉતારવામાં આવશે તેની ચર્ચા ચાલી રહી છે. જોકે, આ વખતે હાર્દિક પટેલની ઉમેદવારીને લીધે વીરમગામ વિધાનસભા બેઠક હાઇપ્રોફાઇલ જરૂર થઈ ગઈ છે.
છેલ્લા એક દાયકાથી કૉંગ્રેસનો ગઢ બનીને સામે આવેલ વીરમગામ વિધાનસભા બેઠકના મતદારોનો મૂડ ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.
નોંધનીય છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર ડૉ. તેજશ્રીબહેન પટેલ ચૂંટણી હારી ગયાં હતાં. તેઓ કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયાં હતાં. આ વખત હાર્દિક પટેલને તેમના સ્થાને તક અપાઈ છે.



શું કહે છે વિશ્લેષકો?

વીરમગામ વિધાનસભા બેઠક પર હાર્દિક પટેલ અને ભાજપના કૉમ્બિનેશન માટે જીત મેળવવું કેટલું સરળ કે કપરું હશે?
આ પ્રશ્નના જવાબમાં રાજકીય વિશ્લેષક ડૉ. હરિ દેસાઈ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "વીરમગામ વિધાનસભા બેઠક પર હાર્દિક પટેલનું પોતાનું ગામ પણ આવે છે. હાર્દિક પટેલનું પાટીદારો સમાજમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. આવી જ રીતે પૂર્વ ધારાસભ્ય ડૉક્ટર તેજશ્રીબેન પટેલનો પણ વીરમગામમાં વિરોધ જોવા મળ્યો હતો. વીરમગામ બેઠક પર તેમને હરાવવામાં આવ્યાં હતાં.”
તેઓ બેઠકનાં જ્ઞાતિગત સમીકરણ અંગે વાત કરતાં કહે છે કે, “વીરમગામ બેઠક પર પાટીદાર સિવાય ઠાકોર, કોળી, લઘુમતી સમાજના મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર છે. જેથી માત્ર પાટીદાર ફૅક્ટરના આધારે વીરમગામ વિધાનસભા સીટ હાર્દિક જીતી શકે નહીં પરંતુ હવે તે ભારતીય જનતા પાર્ટીમાં છે. દરેક સમાજને સાથે લઈને ભારતીય જનતા પાર્ટીના જોરે તે કદાચ જીતી શકે છે. હાર્દિક પટેલ માટે વીરમગામ બેઠક જીતવી અઘરી તો છે."

ઇમેજ સ્રોત, ANI


તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વીરમગામ બેઠક પર હાર્દિક અને જીત વચ્ચે રહેલા પડકારો અંગે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "હાર્દિક પટેલ માટે કૉંગ્રેસ સામે લડવા કરતાં ભાજપના નારાજ કાર્યકરો અંગેનો પડકાર મોટો છે. હાર્દિક પટેલ જ્યારે કૉંગ્રેસમાં હતા ત્યારે તેના વિરોધી કૉંગ્રેસ પાર્ટીમાં પણ હતા પરંતુ ભાજપ પાર્ટીમાં જોડાયા બાદ ભાજપના કાર્યકરોમાં હાર્દિક સામે વિરોધ છે. વીરમગામ વિધાનસભામાં વર્ષોથી ભાજપ માટે કામ કરી રહેલા કાર્યકરોનો પણ હાર્દિક સામે વિરોધ છે.”
તેઓ આગળ જણાવે છે કે, “પાટીદાર આંદોલન સમયે હાર્દિકને વીરમગામમાંથી સારો સહયોગ મળ્યો હતો અને હવે ફરીથી તે ચૂંટણી લડવા માટે પોતાના વતન વીરમગામ ગયા છે તે સારી વાત છે પરંતુ વીરમગામમાં પણ કેટલાક પાટીદારો પણ હાર્દિકના વિરોધમાં છે.”
“વીરમગામનાં પૂર્વ ધારાસભ્ય ડૉ. તેજશ્રીબહેન પટેલની વાત કરીએ તો તેઓ ખૂબ સારાં વક્તા હતાં. સામાજિક કાર્યકર હતાં પરંતુ પક્ષપલટો કર્યા બાદ વીરમગામ વિધાનસભાના લોકોએ તેમને સ્વીકાર્યાં ન હતાં. હાર્દિક પટેલે પણ હવે પક્ષપલટો કર્યો છે."
"વીરમગામના લોકો પક્ષપલટો કરનાર ઉમેદવારોનો સ્વીકાર કરતા નથી ત્યારે હવે કૉંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવનાર હાર્દિક પટેલને વીરમગામના લોકો સ્વીકારે છે કે નહીં, તે જોવાનું રહેશે. હાર્દિકની છાપમાં પણ ભૂતકાળમાં લાંછન લાગેલ છે.”
દીપલ ત્રિવેદી હાર્દિક પટેલ સામેના પડકાર અંગે વાત કરતાં કહે છે કે, “હાર્દિકે પોતાની પર થયેલા કેસ પાછા ખેંચાય તે માટે તેમણે પક્ષપલટો કર્યો હોવાનું દેખાઈ રહ્યું છે. હાર્દિક સામે ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા રાજદ્રોહનો કેસ કરાયો હતો. જે લોકો હાર્દિકને દેશદ્રોહી કહેતા હતા હવે તેને વેલકમ કરવાથી તેઓ દૂર રહી રહ્યા છે. તેનો વિરોધ કરી રહ્યા છે. હાર્દિક પટેલ હારી જ જશે તેવું કહેવું પૉલિટિકલી કરેક્ટ ન ગણાય પરંતુ હાર્દિક પટેલ માટે વીરમગામ વિધાનસભા સીટ જીતવી મુશ્કેલ તો રહેશે."

વીરમગામ વિધાનસભા બેઠકની સમસ્યાઓ

ઇમેજ સ્રોત, @HARDIK PATEL
વીરમગામ વિધાનસભા ક્ષેત્રની સ્થાનિક સમસ્યાઓ વિશે જાણવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક સ્થાનિકો સાથે વાતચીત કરી હતી.
સ્થાનિકોના મતે આ મુદ્દા આ વખતની ચૂંટણીમાં મહત્ત્વના રહેશે.
વીરમગામમાં ફરસાણની દુકાન ચલાવનાર સુરેશભાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતમાં જણાવ્યું હતું કે, "વીરમગામમાં ગટરની સમસ્યા છે. ગટરોમાં વારંવાર પાણી ઉભરાય છે. જેના કારણે ગંદકી ફેલાય છે. વીરમગામના રસ્તાઓ ખૂબ જ ખરાબ છે."
સ્થાનિક લલિતભાઈએ જણાવ્યું હતું કે, "વીરમગામમાં પીવાના પાણીની સમસ્યા છે. વીરમગામમાં નર્મદાના પાણી માટે નળ કનેક્શન તો આપવામાં આવ્યાં છે પરંતુ આજ દિન સુધી વીરમગામમાં નર્મદાનું પાણી આપવામાં આવ્યું નથી."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "કડી અને વીરમગામ સાથે તાલુકા બન્યા હતા. કડીનો વિકાસ થયો છે પરંતુ વીરમગામ તાલુકાનું હજુ પણ વિકાસ થયો નથી. વીરમગામમાં જીઆઇડીસી બને તેમજ સ્થાનિક લોકોને નોકરી આપવામાં આવે તેવી અમારી માંગ છે. અમે કંપનીઓને જમીન આપીએ છીએ પરંતુ તેના બદલામાં અમારા સ્થાનિક લોકોને નોકરી મળતી નથી."
આ ઉપરાંત સ્થાનિકો સાથેની વાતચીતમાંથી વિસ્તારની અમુક સમસ્યાઓ સામે આવી હતી.
- વીરમગામ તાલુકાના ગ્રામ્ય અને ખાસ નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડની ખરાબ સ્થિતિ
- વીરમગામ તાલુકા અને નળકાંઠામાં કુલ 32 ગામોને સિંચાઈના પાણીનો અભાવ, નર્મદાની મેઇન કૅનાલમાંથી ઘોડા ફીડરમાં પાણી છોડવાની મોટી માંગ
- વીરમગામ તાલુકામાં કોઈ મોટું ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટ ન હોવાથી રોજગારીની અછત
- વીરમગામ તાલુકો ખેતીક્ષેત્ર આધારિત છે, માટે ખાતરની તંગીનો મુદ્દો પણ સળગતો છે.
- જર્જરીત કૅનાલોમાં પાણી છોડાતાં ખેતીને નુકસાન થાય છે
- વીરમગામ તાલુકાના ખેડુતો છેલ્લાં કેટલાંક વર્ષોથી પાકવીમાથી વંચિત
- વીરમગામ તાલુકામાં અતિવૃષ્ટિ કે અન્ય કૅનાલના પાણી ભરાવાથી ખેતી ક્ષેત્રને નુકસાનનું આજદીન સુધી વળતર મળ્યું નથી
- ગત વર્ષે પણ વીરમગામ તાલુકાનું અતિવૃષ્ટિના પૅકેજમા સમાવેશ નહોતો કરાયો
- વીરમગામ નગરપાલિકામાં વિસ્તારમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓથી શહેરીજનો પરેશાન
- વીરમગામ શહેરના વિવિઘ વોર્ડમાં ઉભરાતી ગટરો, પ્રદૂષિત પાણીના મુદ્દા
- શહેરમાં ઉદ્યાન કે બગીચા નથી, શહીદબાગ જર્જરિત, જાહેર શૌચાલયનો અભાવ
- ઐતિહાસિક મુનસર તળાવ બિસમાર સ્થિતિમાં
- ગંદકી અને કચરાના ઢગલા, સ્ટ્રીટ લાઇટની સમસ્યા, રખડતાં ઢોરની સમસ્યા

હાર્દિક પટેલ માટે વીરમગામ જીતવું કેટલું સરળ કેટલુ કપરું?
- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વીરમગામ વિધાનસભા બેઠક પરથી હાર્દિક પટેલને ઉમેદવાર બનાવ્યા છે
- હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનથી એક મોટું નામ બનીને સામે આવ્યા હતા
- આંદોલનકારીમાંથી રાજકારણી બની પહેલાં ગુજરાત કૉંગ્રેસમાં સામેલ થયા ત્યાર બાદ પક્ષપલટો કરી ભાજપમાંથી ચૂંટણીમાં ઝંપલાવ્યું
- ઐતિહાસિકપણે વીરમગામ બેઠકની જનતા પક્ષપલટો કરીને આવેલા ઉમેદવારોને સમર્થન આપતી નથી
- પાછલા એક દાયકાથી કૉંગ્રેસનો ગઢ મનાતી આ બેઠક જીતવી હાર્દિક પટેલ માટે કેટલી પડકારજનક સાબિત થશે?
- શું છે અહીંના સ્થાનિકોની સમસ્યાઓ અને શું આ સમસ્યાઓ હાર્દિકની મુશ્કેલીમાં વધારો કરી શકશે?

વીરમગામનાં મતદાન અને જ્ઞાતિ સમીકરણો

ઇમેજ સ્રોત, Getty Images
વીરમગામ વિધાનસભા મત વિસ્તારના કુલ મતદારો 3.02 લાખ છે.
પુરુષ અને મહિલા મતદારોની સંખ્યા અનુક્રમે 1.55 લાખ અને 1.46 લાખ છે.
વીરમગામ બેઠકના જ્ઞાતિને લગતાં સમીકરણ જોઈએ તો, ઠાકોર મતદારોની સંખ્યા 95 હજારથી વધુ છે. જે સૌથી વધુ છે.
પાટીદાર મતદારોની સંખ્યા 38 હજારની આસપાસ છે. દલિત સમાજના મતદારો 28 હજાર, કોળી પટેલ સમાજના મતદારો 21 હજાર, પાલવી ઠાકોર સમાજના મતદારો 21 હજારની આસપાસ છે.
મુસ્લિમ સમાજ લગભગ 22 હજાર, દરબાર સમાજના પાંચ હજાર, ભરવાડ સમાજના 11 હજાર મતદારો છે.
આ સિવાય રબારી સમાજના પાંચ હજાર, બ્રાહ્મણ સમાજના ચાર હજાર, પ્રજાપતિ સમાજના 4,500 અને દલવાડી સમાજના પાંચ હજારથી વધુ મતદારો છે.
આ સિવાય અન્ય સમાજના મતદારો છે.

ઇમેજ સ્રોત, ANI
વીરમગામ બેઠક ઉપર 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 1,40,925 પુરુષ મતદારોમાંથી 1 લાખ 311 મતદારોએ મતદાન કર્યું હતું.
તેમજ 1,30,235 સ્ત્રી મતદારો માંથી 83 હજાર 281 મતદારોએ મતદાન કર્યું હતું.
વીરમગામ વિધાનસભા બેઠક પર કુલ 68.19 ટકા મતદાન થયું હતું.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વીરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર ડૉ. તેજશ્રીબહેન પટેલને 69,630 મત મળ્યા હતા, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ ભરવાડને 76,178 મત મળ્યા હતા.
તેમજ ત્રીજા નંબર પર અપક્ષ ઉમેદવાર ધ્રુવ જાદવને 12,098 મત મળ્યા હતા.
2017 માં કૉંગ્રેસ ઉમેદવાર લાખા ભરવાડનો 6,548 મતોથી વિજય મેળવ્યો હતો.
આ પહેલાં વર્ષ 2012માં આ બેઠક કૉંગ્રેસના ડૉ. તેજશ્રીબહેન પટેલ જીત્યાં હતાં, તેઓ 2017ની ચૂંટણી પહેલાં તેઓ કૉંગ્રેસ છોડી ભાજપમાં જતાં રહ્યાં હતાં.
આ વખતે પણ કંઈક એવું છે કે, કૉંગ્રેસ છોડીને આવેલા ઉમેદવાર હાર્દિક પટેલને ભાજપે ટિકિટ આપી છે. જોકે, 2017ની ચૂંટણીમાં પક્ષપલટો કરનારા ઉમેદવાર જીત્યા ન હતા. આ વખતે સ્થિતિમાં ફેર પડે છે કે નહીં તેના ઉપર સૌની નજર રહેશે.














