ગુજરાતના રમખાણપીડિત મુસલમાનોનો ભાજપને સવાલ - 'દાઉદની પુત્રીને ટિકિટ મળી હોત તો?'

- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા, નરોડા પાટિયાથી
વર્ષ 2002નાં ગુજરાતનાં રમખાણો વખતે પાયલ કુકરાણી 8 વર્ષનાં હતાં.
2002નાં રમખાણોમાં પાયલના પિતા મનોજ કુકરાણીને તેમની ભૂમિકા બદલ 2012માં કોર્ટે આજીવન કેદની સજા આપી હતી.
28 ફેબ્રુઆરી 2002માં અમદાવાદના નરોડા પાટિયાની મુસલમાન વસતીમાં 97 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડના ગુનેગારોમાં મનોજ કુકરાણીનો પણ સમાવેશ થાય છે.
લગભગ 20 વર્ષ બાદ આ જ નરોડા પાટિયા વિધાનસભા વિસ્તારમાંથી ભાજપે મનોજ કુકરાણીનાં પુત્રી પાયલને ઉમેદવાર તરીકે ચૂંટ્યાં છે.
મનોજ કુકરાણી હાલ આરોગ્યના કારણોસર જામીન પર બહાર છે અને તેઓ પોતાની પુત્રી માટે ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.
28 ફેબ્રુઆરી 2002માં એક હિંસક ટોળાએ નરોડા પાટિયાના મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તાર પર હુમલો કર્યો હતો, જેમાં 97 લોકો માર્યા ગયા હતા.
આ ઘટનામાં બળાત્કાર અને આગ ચાંપવાના કેટલાક કિસ્સા પણ નોંધાયા હતા. 2002માં ગુજરાતના રમખાણોમાં કોઈ એક જ જગ્યાએ આટલા બધા લોકો ક્યાંય માર્યા ગયા ન હતા.

પીડિત મુસ્લિમ પરિવાર નારાજ

પાયલ કુકરાણીને બીજેપીમાંથી ટિકિટ મળવાથી નરોડા પાટિયાના કેટલાક પીડિત મુસ્લિમ પરિવારો ઘણા નારાજ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તોફાનીઓએ સલીમ શેખનાં બહેનની એક પુત્રી અને તેમનાં બે બાળકોની હત્યા કરી હતી. સલીમ શેખને પૂછવામાં આવ્યું કે, “પાયલ કુકરાણીને બીજેપીમાંથી ટિકિટ મળવાને કયા રૂપે જુઓ છો?”
સલીમ શેખે કહ્યું કે, “હું તો મનોજ સામે સાક્ષી પણ બન્યો હતો. તેમને સજા આપવામાં આવી હતી. હવે તેઓ પોતાની પુત્રી માટે ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. મનોજ કુકરાણી દોષિત છે, તેથી બીજેપી તેમને ટિકિટ આપી શકે નહીં. આવી સ્થિતિમાં બીજેપીએ પરિવારના સભ્યોને ટિકિટ આપી. મનોજ કુકરાણીએ 2002માં ગરીબ મુસલમાનોને મારવા માટે સખત મહેનત કરી હતી. બીજેપી તેને એક ક્રાંતિકારીના રૂપે જુએ છે. બીજેપીએ એટલા માટે જ પ્રોત્સાહન તરીકે મનોજની પુત્રીને ટિકિટ આપી છે.”
સલીમ શેખે કહ્યું હતું કે, “બીજેપીના લોકો સાથે તમારી વાત થાય તો પૂછજો કે, દાઉદ ઇબ્રાહિમની પુત્રીને અહીંની કોઈ પાર્ટી ટિકિટ આપે તો કેવું લાગે?”
સલીમ શેખનો આ સવાલ ભાજપના ગુજરાતના પ્રવક્તા યમલ વ્યાસને પૂછવામાં આવ્યો તો તેમને જવાબ આપ્યો કે, “પાયલ એમડી ડૉક્ટર છે. યુવા છે અને પાર્ટીમાં ઘણી મહેનત કરે છે. પાર્ટીના કાર્યકર છે અને તેમને ટિકિટ આપવામાં આવી છે. આ વિષય ઘણો જૂનો છે અને ગુજરાત તેને ભૂલી ચૂક્યું છે.”
તેમણે કહ્યું હતું કે, “ગુજરાતના બધા લોકો ભૂલી ચૂક્યા છે. 20 વર્ષ થઈ ગયાં છે. હું સમજું છું કે પાયલને ઉમેદવાર બનાવવામાં કોઈ સમસ્યા નથી. કોર્ટે જે પણ પ્રક્રિયા કરવાની હતી એ કરી દીધી છે અને દોષીઓને સજા પણ મળી છે. હવે ગુજરાતના લોકો તેને ભૂલીને આગળ વધી ગયા છે. ગુજરાતે ઘણો વિકાસ કર્યો છે.”
યમલ વ્યાસ કહે છે કે ગુજરાતમાં દરેક સમુદાયમાં ઘણો વિકાસ થયો છે. પરંતુ, તમે નરોડા પાટિયાના 2002ના રમખાણ પ્રભાવિત એ મુસ્લિમ વિસ્તારમાં જાવ તો અહીં વિકાસ દૂર-દૂર સુધી થયો નથી.
આજે પણ આ વિસ્તાર ઝૂંપડપટ્ટી જેવો છે. યમલ વ્યાસને પૂછવામાં આવ્યું કે, “તેમણે ક્યારેય નરોડા પાટિયાની મુસ્લિમ વસાહતની મુલાકાત લીધી છે કે કેટલો વિકાસ થયો છે?”
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, “જુઓ આ તમારો વિચાર હોઈ શકે છે, પરંતુ ગુજરાતના લોકો અમને જે રીતે આશીર્વાદ આપી રહ્યા છે, તે માત્ર વિકાસના કારણે જ છે. સમગ્ર ગુજરાતનો વિકાસ થયો છે. ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારની પસંદગી એક પ્રક્રિયાના આધારે કરે છે.”


‘આ ન્યાય નથી’

આ જ વિસ્તારનાં 70 વર્ષીય ફાતિમાબીબી જણાવે છે કે, “મારા કુલ 19 સંબંધીઓ માર્યા ગયા છે. ગુનેગારને ટિકિટ આપવામાં આવી રહી છે. આ કેવો ન્યાય છે? જેમણે ગુનો કર્યો, તેમને ઇનામ આપવામાં આવી રહ્યું છે.”
“તેમને માત્ર ગુનો કરનારની પુત્રી જ દેખાય છે. જેમની સામે અન્યાય થયો, તેમના ઘરના લોકો માટે તેમને કંઈ જ દેખાતું નથી? આ કયો આંધળો કાયદો છે. તેઓ અમારા જખમ પર મીઠું ભભરાવી રહ્યા છે.”
આ બધી વાત કરતાં ફાતિમાબીબી રડવા લાગે છે.
તેઓ રડતાં-રડતાં કહે છે કે, “લોકો જાનવરોને મારવાનો વિચાર કરે છે. પરંતુ તેમણે તો મનુષ્યને માર્યા છે. તેમણે બાળકોને જીવતા બાળી દીધાં છે. હજુ પણ અમને રાત્રે કેટલીક વાર ઊંઘ આવતી નથી. ક્યાં ગોધરા અને ક્યાં નરોડા પાટિયા. અમે તો આજ સુધી ગોધરા ગયા પણ નથી. ખબર પણ નથી કે કયા વિસ્તારમાં છે.”
આ વિસ્તારના જુલેખાબાનો કહે છે કે, “નરોડા પાટિયામાં હું 50 વર્ષથી રહું છું. અમે મદદ માટે ઘણી વિનંતી કરી હતી. જેમને હાલ ટિકિટ આપવામાં આવી છે, તેમના પિતાને રમખાણોમાં અમે જોયા છે. એ લોકો કહી રહ્યા હતા કે પાકિસ્તાન ભાગો હવે અહીં રહેવાનો કોઈ અધિકાર નથી. શું અમે હિન્દુસ્તાનની નારી નથી? હિન્દુસ્તાનને આઝાદી અપાવવામાં અમે શું ઓછી કુરબાની આપી છે? અમે એ દૃશ્ય જોયાં છે, જે હજુ પણ અંધકારમાં લઈ જાય છે.”
જુલેખા કહે છે કે “ભાજપ આવે કે કૉંગ્રેસ અમને કોઈ પાસે કોઈ અપેક્ષા નથી. શું અમારા લોકોને ટિકિટ નહીં મળી શકે. પીડિતોને ટિકિટ નહીં મળે? શું અહીં અત્યાચારીઓ જ રહી શકે?”
પાટિયા વિસ્તારના જ બાબુ સૈયદ કહે છે કે, “ગુજરાતનાં રમખાણો સમયે હું 20 વર્ષનો હતો. મારો નાનો ભાઈ ત્યારે સ્કૂલમાં ભણતો હતો અને તે વિકલાંગ હતો. તોફાનીઓએ તેને પણ છોડ્યો ન હતો. મનોજ કુકરાણી જેવા લોકો ભાજપના સૈનિક છે. ભલે એ બીજા લોકો માટે ખરાબ હોય પરંતુ ભાજપ માટે તો તેમણે સારું કામ કર્યું છે. તેથી તેમને ઇનામ તો આપવામાં આવશે જ.”
2002નાં રમખાણોમાં નરોડા પાટિયાના મુસલમાનોની આજીવિકાને પણ નિશાન બનાવવામાં આવી હતી.
બાબુ સૈયદ ત્યારે એક હોટલ ચલાવતા હતા અને તેમની હોટલમાં પણ આગ લગાવવામાં આવી હતી. હવે છેલ્લાં 10 વર્ષથી તેઓ એક નાની લારી ચલાવી રહ્યા છે.
નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં કુલ 32 લોકોને અમદાવાદની વિશેષ કોર્ટે દોષી ઠેરવ્યા હતા, જેમાં રાજ્યના નરેન્દ્ર મોદી સરકારના મંત્રી માયા કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગી પણ સામેલ હતાં.


ભાજપ મુસલમાનોને શું સંદેશ આપવા માગે છે

ગયા અઠવાડિયે કૉંગ્રેસે શીખવિરોધી 1984નાં રમખાણોના આરોપી જગદીશ ટાઇટલરને દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારને લઈને નિર્ણય કરનારી સમિતિમાં રાખ્યા, તો બીજેપીએ કહ્યું કે, આ શીખોના જખ્મો પર મીઠું ભભરાવા જેવું છે.
પરંતુ હવે બીજેપી મનોજ કુકરાણીની પુત્રીને ટિકિટ આપવાના નિર્ણયને યોગ્ય ઠેરવી રહી છે.
મનોજ કુકરાણીની પુત્રીને ટિકિટ આપીને બીજેપી શું સંદેશો આપવા માગે છે?
ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટના નિર્દેશક ડૉ. હરિ દેસાઈ કહે છે કે, “સરદાર પટેલ કહેતા હતા કે હિન્દુ રાષ્ટ્રનો વિચાર પાગલોનો છે. પાયલ કુકરાણીને ટિકિટ આપીને ભાજપ સ્પષ્ટ સંદેશો આપી રહ્યો છે કે એ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. બિલકિસબાનોના બળાત્કારીઓને છોડવાનું સમર્થન તેમણે આ જ રીતે કર્યું. એ સ્પષ્ટ સંદેશ આપે છે કે આ દેશમાં વ્યવસ્થા માત્ર તેમના વફાદારો માટે જ છે. જે લોકો તેમના વફાદાર નથી, તેમણે અલગ રહેવું પડશે.”
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાજપ મુસલમાનોને ટિકિટ આપતો નથી. ભાજપે 1980થી 1998 સુધીમાં માત્ર એક મુસલમાન ઉમેદવારને ટિકિટ આપી હતી.
ગુજરાતમાં મુસલમાનોની વસતી 9.97 ટકા છે. જો આપણે વસતીના પ્રમાણ પર નજર કરીએ તો ઓછામાં ઓછા 18 મુસલમાન ધારાસભ્ય હોવા જોઈએ જે ક્યારેય થયું નથી.
ગુજરાતમાં 1980માં સૌથી વધુ 12 મુસલમાન ધારાસભ્ય ચૂંટાયા હતા. ગુજરાતની 182 સીટોવાળી વિધાનસભામાં 25 એવા વિધાનસભા વિસ્તાર છે, જ્યાં મુસલમાન મતદાર સારી સંખ્યામાં છે.
ગુજરાતમાં નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રી બન્યા બાદ મુસલમાનોને લઘુમતી તરીકે જોવામાં આવ્યા નથી.
મોદીએ રાજ્યમાં લઘુમતી વિભાગ પણ બનાવ્યો ન હતો. આ વખતે પણ બીજેપીએ અત્યારસુધી એક પણ મુસલમાનને ટિકિટ આપી નથી.














