પોરબંદરમાં 'બા'નાં પાડોશી 'બાપુ' વિશે કહે છે, "અમારે તેમની સાથે કોઈ લેવાદેવા ન હતી. તેઓ પટેલ હતા"

- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા, પોરબંદર
રાતના નવ વાગ્યા છે. ગુજરાતમાં પોરબંદરના માણેક ચોકના સોની બજાર વિસ્તારમાં જ્વેલરીની દુકાનો ધીરે ધીરે બંધ થઈ રહી છે.
આ દુકાનોની સાંકડી ગલીમાંથી આગળ વધ્યા તો કસ્તુરબા ગાંધીનું ઘર જોવા મળ્યું.
કસ્તૂરબા ગાંધી (બા)નો જન્મ આ ઘરમાં થયો હતો અને અહીં જ તેઓ મોટા થયા હતા. કસ્તૂરબા ગાંધીના ઘરની બાજુમાં બે મહિલાઓ બેઠી છે, એકબીજા સાથે વાતો કરી રહી છે.
મેં તેમને કહ્યું, "હમણા જ ‘બા’ દરવાજો ખોલશે અને તમારા ખબરઅંતર પૂછશે." આ સાંભળીને બંને મહિલાઓ હસવા લાગી.
આમાંની એક મહિલાનું નામ છે પારુલ મહેતા. 'બા' અને પારુલના ઘરને અલગ કરતી દિવાલ એક જ છે. આ વિસ્તારના લગભગ તમામ મકાનો જૂના છે.
પારુલ મહેતા કહે છે, "ઉનાળામાં અમે અગાસી પર સૂઈએ છીએ. 'બા'ના ઘરની અગાસી અને મારી અગાસી બાજુમાં છે. ક્યારેક હસીને કહીએ છીએ કે હમણાં 'બા' આવશે અને કહેશે કે આજે બહુ ગરમી છે.”

કસ્તૂરબા ગાંધીના પાડોશી હોવું એટલે...

મેં પારુલ મહેતાને પૂછ્યું કે બાના પાડોશી હોવાને કારણે તેમને કેવું લાગે છે?
તેઓ કહે છે, "હું આ ઘરમાં છેલ્લા 25 વર્ષથી રહું છું. હું મરાઠી છું. આ ઘર મારા પતિના પૂર્વજોનું છે. દુનિયાભરના લોકો અહીં આવતા રહે છે. મને સારું લાગે છે. અમારું ઘર જૂનું થઈ ગયું છે. દિવાલ પરથી પોપડા ઊખડી રહ્યા છે, દરવાજા પણ હલે છે. પણ સમારકામ માટે ગાંધીનગરની પરવાનગી લેવી પડે છે. તે દૃષ્ટિકોણથી તકલીફ પણ પડી રહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહાત્મા ગાંધીના ઘરની પાછળ જ 'બા'નું ઘર છે. ત્રણ-ચાર ઘર પાછળ. 'બા'ના પિતા ગોકુલદાસ કાપડિયા નગરશેઠ હતા અને ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી રાજકોટના દિવાન હતા. તે સમયની વાત કરીએ તો બંને પરિવારો ખૂબ જ સમૃદ્ધ હતા.
જ્યારે કસ્તૂરબા અને મોહનદાસ કરમચંદ ગાંધીના લગ્ન થયા ત્યારે બંનેની ઉંમર 13 વર્ષની હતી. મોહનદાસને મહાત્મા ગાંધી બનાવવામાં પણ 'બા'ની મહત્ત્વની ભૂમિકા માનવામાં આવે છે.
પારુલ મહેતા કહે છે, "વડા પ્રધાનથી લઈને રાહુલ અને સોનિયા ગાંધી બાપુનું ઘર જોવા આવે છે, પરંતુ તેઓ 'બા'ના ઘરે આવતા નથી. બાનું ઘર ભાગ્યે જ 30 ડગલાં આઘું છે. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી આવે ત્યારે મારા ઘરે આવીને બેસે છે."
કસ્તૂરબા ગાંધીના ઘરની આસપાસ લોહાણા-ઠક્કર અને માછીમારોના ઘર છે. લોહાણા-ઠક્કર વેપારી જ્ઞાતિ છે.


તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મેં પારુલને પૂછ્યું કે તેઓ ગાંધીજી વિશે શું જાણે છે?
તેમનો જવાબ હતો, "અમારે તેમની સાથે કોઈ લેવાદેવા ન હતી. તેઓ પટેલ હતા. અમે લોહાણા-ઠક્કર છીએ. આ સિવાય ગાંધીજી વિશે બીજી કંઈ ખબર નથી."
એ સ્પષ્ટ છે કે મહાત્મા ગાંધીનો જન્મ પટેલ પરિવારમાં નહીં પરંતુ વણિક પરિવારમાં થયો હતો. ગુજરાતમાં ગાંધીજીની જ્ઞાતિને મોઢ-વણિક કહેવામાં આવે છે.
પારુલ 'બા'નાં પાડોશી છે અને તેઓ માને છે કે ગાંધીજી પટેલ જ્ઞાતિના હતા. જોકે પોરબંદરના અન્ય વિસ્તારોમાં આ જ સ્થિતિ છે.
ગાંધીજીના ઘરને છોડી દઈએ તો અહીં તેમની હાજરી ભારતના અન્ય વિસ્તાર કરતાં વધારે નથી. આખા શહેરમાં ફરતાં એવું લાગે છે કે ગાંધીજી પોતે જ કાં તો દૂર જતા રહ્યા છે અથવા તો અહીંના લોકો તેમને ભૂલી ગયા છે.
ગાંધીજી વિશે તેમના પૂર્વજોના ઘરમાં પણ એટલા ખુલ્લી અને વિગતવાર વિગતો મળતી નથી કે તેમને સમજવામાં મદદ મળે. કસ્તુરબા ગાંધીના ઘરની બહાર માત્ર નેમપ્લેટ લગાવેલી છે. કસ્તુરબાની હાજરી પોરબંદરના લોકોના મનમાં એટલી જ છે, જેટલી તેમના પોતાના ઘરની અંદર છે.
'બા' ના ઘરમાં લાકડાના દાદરા, દરવાજા, બંધ બારી અને દીવાલો છે. 'બા' અને બાપુના ઘર વચ્ચેનું અંતર બહુ ઓછું છે, પરંતુ આ બંનેથી શહેરના લોકો વચ્ચેનું અંતર વધી ગયું છે.
સાત વાગતા જ 'બા' અને ગાંધીજીનું ઘર બંધ થઈ જાય છે. ગાંધીજીના ઘરમાં રાત્રે પણ અજવાળું હોય છે, પણ 'બા'નું ઘર જાણે વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગયું હોય એવું ભાસે છે.
'બા' અને બાપુ શાકાહારી હતા, પણ તેમના ઘરમાં દરિયાઈ માછલીની ગંધ કહો કે કે દુર્ગંધ કહો તે પ્રસરેલી છે.
તુષાર ગાંધી કહે છે, 'બા' ઉદાસ થતાં ત્યારે તેમના ઘરની છત પર એકલાં બેસીને કલાકો સુધી દરિયાને જોતા રહેતાં હતાં. આજના પોરબંદરને જોતા લાગે છે કે 'બા' અને બાપુનો વારસો અંતિમ શ્વાસ લઈ રહ્યો છે.

સંક્ષિપ્તમાં
- કસ્તૂરબા ગાંધીના ઘરની બાજુમાં બે મહિલાઓ બેઠી છે, એકબીજા સાથે વાતો કરી રહી છે
- 'બા' અને પારુલના ઘરને અલગ કરતી દિવાલ એક જ છે. આ વિસ્તારના લગભગ તમામ મકાનો જૂના છે
- મેં પારુલ મહેતાને પૂછ્યું કે બાના પાડોશી હોવાને કારણે તેમને કેવું લાગે છે?
- તેઓ કહે છે, "અમારું ઘર જૂનું થઈ ગયું છે. દિવાલ પરથી પોપડા ઊખડી રહ્યા છે, દરવાજા પણ હલે છે. પણ સમારકામ માટે ગાંધીનગરની પરવાનગી લેવી પડે છે"
- તેમનું કહેવું છે કે વડાપ્રધાનથી લઈને રાહુલ અને સોનિયા ગાંધી બાપુનું ઘર જોવા આવે છે, પરંતુ તેઓ 'બા'ના ઘરે આવતા નથી. બાનું ઘર ભાગ્યે જ 30 ડગલાં આઘુ છે
- તુષાર ગાંધીનું કહેવું છે કે 'બા' ઉદાસ થતી ત્યારે તેમના ઘરની છત પર એકલાં બેસીને કલાકો સુધી દરિયાને જોતા રહેતાં હતાં
- આજના પોરબંદરને જોતા લાગે છે કે 'બા' અને બાપુનો વારસો અંતિમ શ્વાસ લઈ રહ્યો છે

ગાંધીજીના વારસાની ઉપેક્ષા

પોરબંદર ગાંધીજીનું જન્મસ્થળ છે અને તેમનું જૂનું ઘર હજુ પણ ત્યાં મોજૂદ છે. આ સિવાય અહીં ગાંધીજી સાથે જોડાયેલું કંઈ નથી.
આ શહેરમાં ગાંધીજી વિશે વાત કરી શકે તેવી વ્યક્તિ શોધતા પણ નહીં મળે. આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે ઘણા લોકોએ નરોત્તમભાઈ પલાણનું નામ લીધું હતું, પરંતુ તેમની ઉંમર 90 વર્ષની થઈ છે અને તેમને વાત કરવામાં પણ તકલીફ પડી રહી છે.
પોરબંદરમાં એવી લાયબ્રેરી પણ નથી કે જ્યાં ગાંધીજીને લગતા દસ્તાવેજ મળી શકે.
અર્જુન મોઢવાડિયા કૉંગ્રેસના નેતા છે અને 10 વર્ષ સુધી અહીંના ધારાસભ્ય રહ્યા છે. તેમને પૂછ્યું કે પોરબંદરમાં કેટલા ગાંધીજી બચ્યા છે? તેમનો જવાબ હતો, “ગાંધીજી તો એ રીતે તો આખા ભારતમાં નથી બચ્યા અને પોરબંદર પણ તેમાં અપવાદ નથી. હિંદુત્વની રાજનીતિએ ગાંધીજીની વિચારધારાને ઘણી નબળી પાડી છે.
તેનો સામનો કરવા માટે અમારી પાસે મજબૂત વ્યૂહરચના હોવી જોઈતી હતી, પરંતુ અમે તે કરી શક્યા નથી. તેઓએ ગાંધીજીને નાના બનાવવા માટે પટેલની ઊંચી પ્રતિમા બનાવી દીધી, જો કે પટેલ પણ એમના ન હતા."

મોઢવાડિયા કહે છે, "મારા માટે પણ એ ચિંતાની વાત છે કે પોરબંદરમાં ગાંધીજીનો વારસો જેટલો સમૃદ્ધ અને સંપન્ન હોવો જોઈએ એટલો બિલકુલ નથી.
મેં એકવાર સોનિયા ગાંધીને પણ કહ્યું હતું કે તમિલનાડુમાં અન્નાદુરાઈ અને પશ્ચિમ બંગાળમાં રવિન્દ્રનાથ ટાગોર જેવો વારસો ગાંધીજીનો નથી. સોનિયા ગાંધીએ પણ આ વાત સાથે સહમતી બતાવી હતી.”
"અમે 2005માં સોનિયા ગાંધીના નેતૃત્વમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી કૂચ કરી હતી. ત્યારબાદ ગાંધીજી સાથે જોડાયેલી ઘણી બાબતોને જમીન પર ઉતારવાની યોજના હતી, પરંતુ ગોપાલકૃષ્ણ ગાંધી ઘણી બાબતો પર અસંમત હતા."
પોરબંદરના યુવાનો સાથે વાત કરો તો એવું લાગે છે કે તેઓ મનઘડંત રીતે ગાંધીજીનું નામ લઈ રહ્યા છે. એવું લાગે છે કે તેમને ગાંધીજી વિશે માહિતગાર કરાયા નથી અથવા ગાંધીજીના પોરબંદરના હોવાથી તેમને કોઈ ફરક નથી પડતો.
ગાંધીજીના ઘરની સામે શાહનવાઝ નામના યુવકને મેં પૂછ્યું, 'શું તેઓ પોતાને ગાંધીજી સાથે કનેક્ટ કરે છે?'
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, "હું તો ક્યારેય ગાંધીજીનું ઘર પણ જોવા ગયો નથી. જોકે વિદેશમાંથી પણ લોકો ગાંધીજીનું ઘર જોવા આવે છે, પરંતુ હું આ શહેરનો હોવા છતાં જોવા ગયો નથી. સમય જ નથી મળતો."
શાહનવાઝ ગાંધીજી વિશે વધુ કહી શક્યા નહોતા, જોકે તેમણે કહ્યું, "પોરબંદરના લોકો સમય મળે ત્યારે ત્રણ જગ્યાએ જાય છે - કમલા બાગ, ચોપાટી (બીચ) અને રિવર ફ્રન્ટ. કોઈની પાસે સમય ગાંધીજીનું ઘર જોવા માટે સમય નથી."

ગાંધીજી અને ભાજપ

તુષાર ગાંધીનું કહેવું છે કે ગાંધીજી પર ઘણા સમયથી પ્રહારો થઈ રહ્યા હતા અને હવે ભાજપ સત્તામાં છે તો તે પોતાની રીતે ગાંધીજીનો દુરુપયોગ કરી રહી છે.
તુષાર ગાંધી કહે છે કે, "કૉંગ્રેસે પણ ગાંધીજીના વારસાના મૂળને મજબૂત કરવા માટે વિશેષ કશું કર્યું નથી અને તેમનું નુકશાન હવે ભોગવવું પડી રહ્યું છે. હું પણ પોરબંદર જતો ત્યારે બાપુના ઘરે જઈને આવી જતો હતો. પાછળથી ખબર પડી કે 'બા'નું ઘર પણ બાજુમાં છે."
ગુજરાતના જાણીતા સમાજ વિજ્ઞાની અચ્યુત યાજ્ઞિક કહે છે, "જેમ ઝીણા પાકિસ્તાન માટે મજબૂરી છે, તેવી જ રીતે ગાંધીજી પણ ભાજપ માટે મજબૂરી છે. ભાજપે બહુ ચાલાકીપૂર્વક ગાંધીજીને અપનાવી લીધા અને પોતાના હિસાબે થોડી દિધા."
તેઓ કહે છે, "જો ગાંધીજીને વિદેશમાં વેચવા માટે ગાંધીજી-ગાંધીજી કરે છે અને દેશમાં હિંદુત્વની રાજનીતિ માટે સાવરકરને આદર્શ માને છે. એ જ રીતે ઝીણાનું વ્યક્તિત્વ કટ્ટરપંથી ઈસ્લામથી તદ્દન ઊલટું હતું. ઝીણા તો ડુક્કરનું માંસ સુદ્ધાં ખાતા હતા. તેઓ સુન્ની પણ નહોતા. પણ તે પાકિસ્તાનના કાયદે આઝમ બન્યા એટલે તેમની મજબૂરી છે."
પરંતુ ભાજપના નેતાઓ આ આરોપોનું ખંડન કરે છે. પોરબંદર શહેરના ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ સાગર મોદી કહે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીના સપનાનું ભારત બનાવવાની કોશિશ કરી છે.
સાગર મોદી કહે છે કે પીએમ મોદીએ સ્વચ્છ ભારતને એક મિશન તરીકે લીધું અને તેમાં ગાંધીજીના ચશ્માને પ્રતીક બનાવ્યું.

પોરબંદર અરબી સમુદ્રના કિનારે આવેલું છે. અરબ સાગરને બંગાળની ખાડી કરતાં શાંત માનવામાં આવે છે. રાત્રીના 12 વાગ્યા છે અને પોરબંદરના લોકો દરિયાના ઉછળતા અને પછડાતા મોજાને નિહાળી રહ્યા છે. સાંજ પડતા જ મોજાંનું દબાણ વધવા લાગે છે અને મોડી રાતે તે ચરમ પર હોય છે.
સવાર પડતા મોજા શાંત થઈ જાય છે. દરરોજ સવારની જેમ આજે પણ વિનોદ 9 વાગે કસ્તુરબા ગાંધીના ઘરનું તાળું ખોલી રહ્યા છે.
વિનોદ આઠ હજાર રૂપિયાના પગારે રોજ આ ઘરમાં આવતા લોકોને 'બા' વિશે જાણકારી આપે છે. આટલા પૈસાથી તેમનું ઘર નથી ચાલતું, પરંતુ પોરબંદર બા અને બાપુને છોડીને આગળ વધી ગયું છે.















