હૈદરાબાદનું નામ ખરેખર વર્ષો પહેલાં ભાગ્યનગર હતું?
- લેેખક, બાલા સતીશ
- પદ, બીબીસી તેલુગુ
છેલ્લા કેટલાક સમયથી હૈદરાબાદનું નામ ભાગ્યનગર કરવાની ચર્ચા વારંવાર થતી આવી છે.
અહીંના ભાગ્યલક્ષ્મી મંદિરની પણ ખૂબ ચર્ચા થતી રહી છે. શનિવારે ભાજપના કેટલાક નેતાઓ અહીં ગયા પણ હતા.
રવિવારે સવારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ મંદિરમાં જઈને દર્શન કર્યા હતા. આ મંદિર ચારમિનાર પાસે આવેલું છે.
લોકોના મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે શું હૈદરાબાદ પહેલાં ભાગ્યનગર તરીકે ઓળખાતું હતું? શું ભાગ્યમતિ નામનાં કોઈ મહિલા હતાં, જેઓ ભાગ્યનગર સાથે સંબંધ ધરાવતાં હતાં?

ઇમેજ સ્રોત, Getty Images
ઇતિહાસનાં ઘણાં પુસ્તકોમાં હૈદરાબાદને ભાગ્યનગર તરીકે ઓળખાવવામાં આવ્યું છે, આ વાત સાચી છે પરંતુ તે સમયે પણ તેને હૈદરાબાદ કહેવામાં આવતું હતું તેવા સંકેતો મોજૂદ છે.
1816માં બ્રિટિશ નાગિરક એરૉન એરો સ્મિથે હૈદરાબાદનો નક્શો તૈયાર કર્યો હતો. તે નક્શામાં હૈદરાબાદનું નામ મોટા અક્ષરોથી લખવામાં આવ્યું હતું, જેના નીચે તેમને ભાગ્યનગર લખ્યું છે અને ગોલકુંડા શબ્દનો પણ ઉપયોગ કર્યો હતો.
એટલે કે તેમણે એ નક્શામાં હૈદરાબાદ માટે ત્રણ શબ્દોનો ઉપયોગ કર્યો હતો - ગોલકુંડા, હૈદરાબાદ અને ભાગ્યનગર. આ નક્શો નાની શેટ્ટી શિરીષના પુસ્તક "ગોલકુંડા, હૈદારાબાદ અને ભાગ્યનગર"માં પણ છાપવામાં આવ્યો છે.
એ જાણવું ખરેખર રસપ્રદ રહેશે કે આખરે આ નામ કઈ રીતે રાખવામાં આવ્યાં હતાં. હાલના સમયે જે દલીલો આપવામાં આવી રહી છે, તેના આધારે આ પ્રશ્નોના જવાબ મેળવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ભાગ્યલક્ષ્મી મંદિરના નામ પરથી ભાગ્યનગર?

ઇમેજ સ્રોત, Getty Images
એવું કહેવામાં આવે છે પરંતુ ઇતિહાસકારો આ દલીલને સાચી માનવા તૈયાર નથી. આ ઇતિહાસકારોના મતે ચારમિનાર પાસે શરૂઆતમાં કોઈ ભાગ્યલક્ષ્મી મંદિર ન હતું.
નામ ન આપવાની શરતે એક વરિષ્ઠ અધિકારી જણાવે છે, ચાર મિનાર પાસે હાલ જે મંદીર છે, તેને બન્યું તેને 30-40 વર્ષ થયાં હશે. તે પહેલાં અહીં કોઈ મંદિર ન હતું.
જૂના જમાનાની તસવીરોથી પણ આ વાત પુરવાર થાય છે. જૂની તસવીરોમાં ચારમિનારની બાજુમાં કોઈ મંદિર હોવાના સંકેત મળતા નથી.
1944માં છાપયેલા હૈદરાબાદ એ સોવેનિયરમાં જે ચારમિનારની તસવીર છે, તેમાં પણ કોઈ મંદિર નથી. હૈદરાબાદમાં જે હિંદુ મંદિરો આવેલાં છે, તેની માહિતી પણ આ પુસ્તકમાં છે. પરંતુ આ પુસ્તકમાં ચારમિનાર પાસે કોઈ મંદિર હોવાનો ઉલ્લેખ નથી.
1922માં પ્રિન્સ ઑફ વેલ્સ જ્યારે હૈદરાબાદ આવ્યા હતા ત્યારે આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જેથી તેઓ હૈદરાબાદના ઇતિહાસ વિશે માહિતી મેળવી શકે. નીચે જે તસવીર આપવામાં આવી છે, તે 1944ના એ પુસ્તકની આવૃતિમાંથી લેવામાં આવી છે.

હૈદરાબાદમાં ઘણા બગીચા છે એટલા માટે બાગનગર?

ઇમેજ સ્રોત, A SOUVENIR / YUNUS Y. LASANIA
ઘણા લોકો તર્ક આપી રહ્યા છે કે શહેરમાં ઘણા બગીચા આવેલા છે અને એટલા માટે તેનું નામ બાગનગર હતું.
જોકે સત્તાવાર રીતે શહેરનું નામ ક્યારેય પણ બાગનગર રહ્યું નથી. પરંતુ ઇતિહાસકાર હારુન ખાન શેરવાની આ દલીલના પક્ષમાં છે. 1967માં તેમણે સૌથી પહેલી વખત આ દલીલ રજૂ કરી હતી.
આ દલીલને સમજવા માટે જીન બૈપ્ટિસ્ટે ટેવર્નિયરે (1605-1689) લખેલું પુસ્તક જોવું પડશે.

ટેવર્નિયર લખે છે કે ગોલકુંડાનું એક નામ બાગનગર પણ હતું. આ શહેર કુલી કુતુબ શાહની પત્નીની ઇચ્છા પ્રમાણે બનાવવામાં આવ્યું હતું, જેનું નામ 'નગર' હતું.
જોકે ટેવર્નિયરે બગીચાનો અર્થ તો સાચો સમજ્યો પરંતુ નગરનો અર્થ સમજવામાં તેમનાથી ભૂલ થઈ ગઈ. આનો ઉલ્લેખ વી બલના એ પુસ્તકમાં પણ મળે છે, જેનો અનુવાદ તેમણે ફ્રેંચ ભાષાથી અંગ્રેજીમાં કર્યો છે.
તેઓ લખે છે કે ટેવર્નિયરથી ચૂક થઈ હશે. હારુન ખાનની દલીલ પાછળનું કારણ ટેવર્નિયર દ્વારા લખવામાં આવેલ તે સંદર્ભ છે, જેમાં તેમણે હૈદરાબાદમાં આવેલા બાગ-બગીચાઓનો ઉલ્લેખ કર્યો હતો.
પરંતુ બીજા ઇતિહાસકાર નરેન્દ્ર લૂથરે (આઈએએસ અધિકારી અને હૈદરાબાદના કલેક્ટર) વિવિધ સંદર્ભોના આધારે આ દલીલને ફગાવી દીધી છે.

ભાગ્યવતીના નામે શહેરનું નામ રાખવામાં આવ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા ઇતિહાસકારો આ તર્ક સાથે સહમત હોય એવું લાગી રહ્યું છે. સલારજંગ મ્યુઝિયમ દ્વારા છાપવામાં આવેલ એક સંશોધન લેખ પણ દલીલની તરફેણ કરવામાં આવી છે.
1992-93માં છાપવામાં આવેલા પોતાના પુસ્તક 'ઑન ધ હિસ્ટ્રી ઑફ ભાગ્યમતી'માં નરેન્દ્ર લૂથર આ વાતનું સમર્થન કરે છે.
ભારતમાં મુસ્લિમ શાસનના ઉદ્ભવ વિશેના પોતાના પુસ્તકમાં ઇતિહાસકાર મોહમ્મદ કાસિમ ફિરિસ્તા લખે છે કે સુલ્તાન રખાત ભાગ્યમતિને પસંદ કરવા લાગ્યા હતા.
પહેલાં તેમને શહેરનું નામ ભાગ્યનગર રાખ્યું અને પાછળથી બદલીને હૈદરાબાદ કર્યું હતું. બીજી બાજુ શેખ એ ફૈઝી લખે છે કે સુલ્તાને શહેરનું નામ એક જૂની ડાયનના નામ પરથી રાખ્યું હતું.
1687માં છાપવામાં આવેલ પુસ્તક 'ધ ટ્રાવેલ્સ ઇન ટુ ધ લિવેંટ'માં ડચ અધિકારી જિન ડે થેવનૉટ લખે છે કે સલ્તનતનું પાટનગર ભાગ્યનગર હતું. ઈરાની લોકો તેને હૈદરાબાદ કહેતા હતા.
17મી સદીમાં ડબ્વ્યૂ. એમ. મરલૅન્ડ દ્વારા સંપાદન કરવામાં આવેલા પુસ્તક 'રિલેશન્સ ઑફ ગોલકુંડા'માં લખવામાં આવ્યું છે કે દરેક એપ્રિલ મહિનામાં અમુક વેશ્યાઓ ભાગ્યનગર જતાં હતાં અને ત્યાંના રાજાના સન્માનમાં નૃત્ય કરતાં હતાં. મને આ બહુ વિચિત્ર લાગતું હતું.
પુસ્તકની ફૂટનોટમાં લખ્યું છે કે ભાગ્યનગર એટલે ગોલકુંડાનું નવું પાટનગર હૈદરાબાદ.
નરેન્દ્ર લૂથર તર્ક આપે છે કે જો બાગ શબ્દનો ઉપયોગ સાચો છે તો શહેરનું નામ બાગનગરમ હોવું જોઈતું હતું.
નરેન્દ્ર લૂથરે પોતાની દલીલમાં 16મી સદીમાં જ્યોતિષ બાબાજી પંથૂલુ દ્વારા લખવામાં આવેલ પુસ્તક રાયવાચકમનો હવાલો આપ્યો છે, જેમાં શહેરે બાગનગરમ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. નરેન્દ્ર લૂથર જણાવે છે કે રાયવાચકમની એક નકલ હજુ પણ તામિલનાડુની પુદુકોટ્ટઈ લાઇબ્રેરીમાં હાજર છે.
તેઓ 1672માં છાપવામાં આવેલ એક સત્તાવાર કાગળને વધુ મહત્ત્વ આપે છે જેમાં જહીરુદ્દીનનો કાઝી, ભાગ્યનગર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભાગ્યનગર ફારસી શબ્દનો અનુવાદ છે?

ઇમેજ સ્રોત, Getty Images
હૈદરાબાદ 1591માં બન્યું. 1596માં આ શહેરનું નામ ફરખુંડા બુનિયાદ રાખવામાં આવ્યું હતું. આ ફાસરી શબ્દનો અર્થ થાય છે લકી સિટી એટલે કે ભાગ્યનગર.
અમુક લોકોની દલીલ છે કે સંસ્કૃત શબ્દ ભાગ્યનો ઉપયોગ ફરખુંડા બુનિયાદ માટે થવા લાગ્યો અને આ કારણોસર ફારસી નામથી સંસ્કૃત-તેલુગુમાં ભાગ્યનગરમ નામ ચલણમાં આવ્યું.
એક પ્રશ્ન એ પણ થાય છે કે શું કોઈ ભાગ્યમતિ હતાં? જો હાં, તો તેઓ કોણ હતાં?
ભાગ્યમતિને લઈને ઇતિહાસના દાવાઓ અને કલ્પના એટલાં હળીમળી ગયાં છે તેમને છૂટાં પાડીને જોઈ શકાય નહીં. પૂરતા પ્રમાણમાં પૂરાવા હાજર છે, જે જણાવે છે કે આવાં મહિલા હતાં, પરંતુ એ સમયે જ આને નકારવાના તમામ દાવાઓ મોજૂદ છે.
ભાગ્યમતિને લઈને સૌથી લોકપ્રિય વાર્તા કંઈક આવી છે, કુતુબશાહી વંશના પાંચમાં રાજા મોહમ્મદ કુલી એક હિંદુ છોકરી ભાગ્યમતિને પ્રેમ કરતા હતા.

ભાગ્યમતિ ચનચલમ નામના ગામમાં રહેતાં હતાં. આ ગામમાં ચારમિનાર છે. મોહમ્મદ કુલી ગોલકુંડા નદી પાર કરીને ભાગ્યમતિને મળવા આવતા હતા.
તેમની યાત્રાઓ અંગે જાણ્યા બાદ તેમના પિતા ઇબ્રાહિમે મૂસી નદી પર 1578માં એક પુલ પણ બનાવડાવ્યો હતો. 1580માં મોહમ્મદ કુલીએ ભાગ્યમતિ સાથે લગ્ન કર્યાં અને તેમણે ભાગ્યમતિનું નામ બદલીને હૈદર મહેલ કરી નાંખ્યું.
આ વાર્તામાં વિચિત્ર પાસું એ છે કે જ્યારે પુલ બનાવવામાં આવ્યો ત્યારે મોહમ્મદ કુલી 13 વર્ષના હતા. એટલા માટે કુલી માટે આ પુલ બનાવવામાં આવ્યો હોય, તે વાત સાચી લાગતી નથી. ભાગ્યમતિ માટે પ્રેમ અને નદી પર પુલ વચ્ચે કોઈ સંબંધ નથી.
આ એ બે વાતો હોઈ શકે, જેમાં બંને વચ્ચે કોઈ મેળ ન હોય. ઇતિહાસકારો જણાવે છે કે ગોલકુંડા કિલ્લાને ઇબ્રાહિમપટ્ન સાથે જોડવા માટે પુલનું બાંધકામ કરવામાં આવ્યું હતું. પરંતુ કોઈક કાણોસર આ પુલ બંનેના પ્રેમ સાથે જોડાઈ ગયો.
પરંતુ આ પ્રેમકહાણીમાં ઘણા પ્રશ્નો છે, જેના જવાબ મળતા નથી. શું ભાગ્યમતિ એક નર્તકી હતાં? અથવા એક સાધારણ મહિલા હતાં? શું તેઓ રખાત હતાં અથવા દેવદાસી?
શું કુલીએ તેમની સાથે લગ્ન કર્યાં હતાં? શું બંને સાથે રહેતાં હતાં? જો આ નામની કોઈ મહિલા ન હોય તો શું આ માત્ર એક કલ્પના હતી? જો તેઓ હતાં, તો શું તેમણે પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો?
શું ધર્મ બદલ્યા બાદ તેમણે પોતાનું નામ હૈદર મહેલ રાખી લીધું હતું? અથવા શું કુલી તેમને પ્રેમથી હૈદર મહેલ કહીને બોલાવતા હતા? મૃત્યુ બાદ તેમની યાદમાં કેમ કોઈ મકબરો બનાવવામાં આવ્યો નથી?

અહીં નોંધવા જેવી બાબત એ છે કે તારામતી માટે એક મકબરો બનાવવામાં આવ્યો છે. આ બધા પ્રશ્નોના જવાબ મળતા નથી.
કુલીના દરબારી રહી ચૂકેલા કવિ મુલ્લા વજહીએ પણ પોતાના પુસ્તક કુતુબ મુશ્તરીમાં ભાગ્યમતિની પ્રેમકહાણીનો ઉલ્લેખ કર્યો છે.
આ વાર્તા મુજબ રાજકુમાર કુલીએ સપનામાં ભાગ્યમતિને જોયાં હતાં. ઊંઘમાંથી જાગીને તેઓ ભાગ્યમતિની શોધમાં નીકળી પડ્યા અને તેમને મળ્યાં પણ ખરાં. એ વાત નક્કી છે કે આવી વાર્તાઓ ઇતિહાસનો ભાગ ન બનીને માત્ર કાલ્પનિક દુનિયાની કહાણીઓ છે.
પ્રોફેસર મસૂદ હુસેન ખાનનો હવાલો આપીને નરેન્દ્ર લૂથર લખે કે કુલીની કવિતાઓમાં અપ્રત્યક્ષ રીતે ભાગ્યમતિનો ઉલ્લેખ જોવા મળે છે.
આ દલીલ પણ આપવામાં આવે છે કે ભાગ્યમતિની મરજી મુજબ હૈદરાબાદ શહેર બનાવવામાં આવ્યું અને તેમના નામે આ શહેરનું નામ પાડવામાં આવ્યું.

નવું શહેર કેમ વસાવવામાં આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ગોલકુંડાનો વિસ્તાર બહુ સાંકળો થઈ ગયો હતો અને એટલા માટે નવા શહેર માટેની દરખાસ્ત મૂકવામાં આવી હતી.
કુલીના પિતા ઇબ્રાહિમે ગોલકુંડા કિલ્લાથી પશ્ચિમ દિશામાં 30 કિલોમિટર આગળ ઇબ્રાહિમપટ્નમ વસાવ્યું અને આજે પણ શહેર આ નામે મોજૂદ છે. પરંતુ બીજું શહેર વસાવવાની જરૂરિયાત કેમ ઊભી થઈ તે વિશે કોઈ માહિતી નથી.
જ્યારે કુલી ગાદી પર બેઠા ત્યારે નવા શહેરનું કામ શરૂ થયું. આ શહેર બનાવવાની જવાબદારી કુલીએ પાતાના પેશવા મીર મોમિનને આપી, જેઓ ઇરાનના ઇસ્પાન શહેરમાં મોટા થયા હતા.
મોમિને પોતાના શહેર જેવું શહેર બનાવવાનો પ્રયાસ કર્યો. તેમણે ઈરાનથી નિષ્ણાતો બોલાવ્યા અને તેમને શહેરનું કામ સોંપ્યું.

ચનચલમ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આજે જ્યાં ચારમિનાર છે તેની નજીક ક્યારેક ચનચલમ નામનું ગામ હતું. આ ગામની આજુબાજુમાં હૈદારાબાદનું નિર્માણ કરવામાં આવ્યું. આજે આ જૂનું હૈદરાબાદ શહેર કહેવાય છે.
જોકે, ઇતિહાસકારોનું માનવું છે કે ખૂબ ઓછા સમય માટે હૈદરાબાદનું નામ ભાગ્યનગર રહ્યું હતું.
શહેરનું નિર્માણ થયું તેનાં 12 વર્ષની અંદર 1603માં નવા સિક્કા ચલણમાં આવ્યા, જેમાં હૈદરાબાદ એકદમ સ્પષ્ટ રીતે અંકિત છે.
તેનાથી એ વાત સાબિત થાય છે કે સત્તાવાર રીતે જો હૈદરાબાદનું નામ ભાગ્યનગર રહ્યું હશે તો એ બહુ ઓછા સમય માટે હશે.

સંક્ષેપમાં : હૈદરાબાદનો ઇતિહાસ

- કુતુબ શાહી સિયા મુસ્લિમ હતા. પૈગંબર મોહમ્મદના જમાઈ અલીનું બીજું નામ હૈદર હતું અને તેમના નામ પર શહેરનું નામ હૈદરાબાદ રાખવામાં આવ્યું હતું. મોટાભાગના ઇતિહાસકારો આ વાતથી સહમત છે.
- એક દલીલ એ પણ છે કે ઇસ્લામ સ્વીકાર્યા બાદ ભાગ્યમતિએ પોતાનું નામ હૈદર મહેલ કરી નાખ્યું હતું અને એટલા માટે શહેરનું નામ હૈદરાબાદ રાખવામાં આવ્યું.
- ભાગ્યમતિ પછાત જાતિનાં એક નર્તકી હતાં અને એટલા માટે કુલી શાહને પોતાના નિર્ણય પર પસ્તાવો થયો અને તેમણે શહેરનું નામ બદલીને હૈદરાબાદ કરી નાખ્યું.
- હિંદુઓ શહેરને ભાગ્યનગર કહેતા રહ્યા અને મુસ્લિમો તેને હૈદરાબાદ કહેતા હતા.
- અમુક લોકોના મતે સિયા અને સુન્ની સમુદાય વચ્ચે ચાલતા સંઘર્ષના કારણે પણ આ શહેરનું નામ હૈદરાબાદ રાખવામાં આવ્યું.
આ પ્રકારની તમામ દલીલ આપવામાં આવે છે પરતું કોઈ સ્પષ્ટ જાણકારી મોજૂદ નથી. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે હૈદરાબાદનું નામ ભાગ્યનગર 15-20 વર્ષથી વધારે સમય સુધી નહીં હોય.
નાની શેટ્ટી શિરીષે કહ્યું, "ગોલકુંડામાં ચાર દરવાજા છે. જેમાં ફતેહ દરવાજાને પહેલાં ભાગ્યનગર દરવાજો કહેવામાં આવતો હતો. ડચ મુસાફર ડેનિયલ હાવૉડે 1692માં આ વિશે લખ્યું છે."
શિરીષ જણાવે છે, "શહેરનું નામ ગોલકુંડા હતું, પછી આ ભાગ્યનગર બન્યું અને પછી હૈદરાબાદ. અગાઉ એક નામ હતું તેના આધારે શહેરનું નામ બદલવાની માંગણી કરવી યોગ્ય નથી. દાખલા તરીકે દિલ્હીનું નામ શાહજહાંનાબાદ હતું અને હવે દિલ્હી છે. કોઈ તેને શાહજહાંનાબાદ કહેતું નથી. થોડાક સમય માટે ભાગ્યનગર નામ જરૂર હતું, 20 વર્ષથી પણ ઓછા સમય માટે. લોકો હવે આને હૈદરાબાદ કહે છે."
(આ અહેવાલ સૌપ્રથમ 8 ડિસેમ્બર 2020માં પ્રકાશિત થયો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













