ગુજરાતની એ ચાર બેઠકો જેને જીતવા માટે ભાજપને 55 વર્ષ લાગ્યાં

ભાજપની ગુજરાત ચૂંટણીમાં જીત

ઇમેજ સ્રોત, Getty Images

2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતનો નવો રૅકોર્ડ બનાવ્યો છે.

ભાજપે 156 બેઠકો પર જીત મેળવીને કૉંગ્રેસ નેતા માધવસિંહ સોલંકીનો 149 બેઠકો જીતવાનો રૅકોર્ડ તોડ્યો છે. જ્યારે કૉંગ્રેસે માત્ર 17 બેઠકો મેળવી છે.

આ વખતે પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પાંચ બેઠકો મેળવવામાં સફળ રહી છે.

આ ચૂંટણી ભાજપના ઉત્કૃષ્ટ પ્રદર્શનના નામે રહી છે. તો વર્ષ 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસે પણ એક રૅકૉર્ડ બનાવ્યો હતો. આ રેકૉર્ડ હતો ગુજરાતમાં સત્તા ગુમાવ્યા બાદ સૌથી વધુ બેઠકો મેળવવાનો.

વર્ષ 1962થી અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીઓમાં ઘણા રૅકોર્ડ બન્યા અને તૂટ્યા. પણ કૉંગ્રેસ પાસેની એવી સાત બેઠકો હતી. જે ભાજપ ક્યારેય જીતી શક્યો ન હતો.

પંરતુ આ ચૂંટણીમાં ભાજપ એ સાતમાંથી ચાર બેઠકો જીતી ગયો છે. આ પાછળ કયાં કારણો હોઈ શકે?

ગ્રે લાઇન

બોરસદ

ગુજરાત ચૂંટણી ભાજપ

ઇમેજ સ્રોત, TWITTER@INCINDIA

ઇમેજ કૅપ્શન, પૂર્વમુખ્ય મંત્રી માધવસિંહ સોલંકી 1990માં બોરસદ બેઠક પરથી ચૂંટાયા હતા

1967થી બોરસદમાં કૉંગ્રેસ અવિરતપણે જીતતી આવી છે.

1960માં બૉમ્બે સ્ટેટમાંથી અલગ થઈને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ભાજપ અહીં વિજયનું ખાતું ખોલાવી શક્યો નથી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પૂર્વ મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકી 1990માં આ બેઠક પરથી ચૂંટાયા હતા.

1995થી 2002 સુધીની ત્રણ વિધાનસભા ચૂંટણીમાં માધવસિંહના પુત્ર તેમજ ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અહીંથી ચૂંટાયા હતા.

કૉંગ્રેસના અન્ય પૂર્વ પ્રમુખ અમિત ચાવડા બે વખત(2004ની પેટાચૂંટણી અને 2007ની ચૂંટણીમાં) આ બેઠક પરથી ચૂંટાયા હતા.

કૉંગ્રેસના ઉમેદવાર ઉમેદ ગોહેલ સૌથી વધુ 4 વખત આ બેઠક પરથી ચૂંટાયા છે.

અત્યાર સુધી એક વખત ભાજપને તક ન આપનારી આ બેઠક પર બોરસદ બેઠક પર ભાજપનો 11,165 મતોની સરસાઈથી વિજય થયો છે.

આ વખતે ભાજપના ઉમેદવાર રમણ સોલંકીને 91,320 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારને 80,061 મત મળ્યા હતા.

લાંબા સમયથી ગુજરાતના રાજકીય પ્રવાહનો અભ્યાસ કરનારા સરદાર પટેલ યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સ વિભાગના અધ્યાપક ડૉ. બળદેવ આગજાનું કહેવું છે કે આ બેઠક છેલ્લાં 55 વર્ષથી કૉંગ્રેસના કબજામાં હતી.

તેઓ આગળ કહે છે, "આ ગઢ તૂટવા પાછળ પીએમ મોદીનો વાવાઝોડા જેવો પ્રચાર, હિંદુત્ત્વનો મુદ્દો અને ગુજરાતમાં કૉંગ્રેસના ઉચ્ચ નેતૃત્વનો અભાવ જવાબદાર છે. આ ઉપરાંત ગુજરાતમાં એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું કે કૉંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. જેના કારણે તેમને નુક્સાન થયું છે."

ગ્રે લાઇન

વ્યારા

ગુજરાત ચૂંટણી ભાજપ

ઇમેજ સ્રોત, SHAHID KHAN

ઇમેજ કૅપ્શન, વ્યારા બેઠક પર આદિવાસી મતદારોની બહુમતિ છે

આદિવાસી બહુમતી ધરાવતી બારડોલી જિલ્લાની વ્યારા બેઠક પર પણ કૉંગ્રેસનો દબદબો હતો.

અલબત્ત, 1990 અને 1995માં અપક્ષ ઉમેદવારો વિજેતા થયા પણ ભાજપ કે જનતાદળ જેવી પાર્ટી વિજય નોંધાવી શકી નથી.

પૂર્વ મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરી આ બેઠક પરથી સતત ચાર વખત ચૂંટાયા હતા. 2002માં તેમના પુત્ર તુષાર ચૌધરી પણ આ બેઠક પરથી ચૂંટાયા હતા.

2017માં કૉંગ્રેસના પુનાભાઈ ગામીત આ બેઠક પરથી ચૂંટાયા હતા. તેઓ સતત ત્રણ ટર્મથી ચૂંટાતા આવ્યા છે.

પાર તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો જે વિરોધ થયો હતો તેનું કેન્દ્રબિંદુ વ્યારા હતું.

જોકે, આ વખતે વ્યારા બેઠક પર ભાજપનો 22,120 મતોથી વિજય થયો છે. ચોંકાવનારી બાબત એ છે કે કૉંગ્રેસ વર્ષોથી આ બેઠક પર દબદબો ધરાવતી હોવા છતાં તેનો ઉમેદવાર ત્રીજા નંબરે આવ્યો હતો.

ભાજપના ઉમેદવાર મોહન કોકણીને 69,633 મત મળ્યા છે. જ્યારે બીજા નંબર પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બિપિનચંદ્ર ગામિતને 46,264 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર પુનાભાઈ ગામિતને 45,224 મત મળ્યા હતા.

આંકડા પરથી સ્પષ્ટપણે કહી શકાય કે બીજા અને ત્રીજા નંબરના ઉમેદવારો વચ્ચે ખુબ જ નજીવી સરસાઈ હતી.

ક્યારેય ન જીતી શકનારી બેઠક પર ભાજપની જીત અંગે નરેશ વરિયા જણાવે છે, "વ્યારામાં ખ્રિસ્તી મતદારો નિર્ણાયક છે અને ભાજપે પહેલી વખત પોતાની વિચારધારાથી વિપરિત જઈને એક ખ્રિસ્તી ઉમેદવારને ટિકિટ આપી હતી. જેના કારણે તેમને ફાયદો થયો હોઈ શકે છે."

આ સિવાય આમ આદમી પાર્ટીના ફૅક્ટરને પણ તેઓ જવાબદાર માને છે. તેમના કહેવા પ્રમાણે, "વ્યારા બેઠક પર ભાજપના ઉમેદવાર બાદ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર બીજા નંબરે છે. જ્યારે વર્ષોથી જે પાર્ટીનું આ બેઠક પર વર્ચસ્વ છે, એ પાર્ટી ત્રીજા ક્રમાંકે ધકેલાઈ ગઈ છે. મતોની સરસાઈ પરથી ખ્યાલ આવેછે કે ત્રીજા મોરચાને કારણે જ કૉંગ્રેસે આ બેઠક ગુમાવી છે."

બીબીસી ગુજરાતી

મહુધા

ગુજરાત ચૂંટણીનું પરિણામ

ઇમેજ સ્રોત, Getty Images

બોરસદની જેમ ખેડા જિલ્લાની મહુધા પણ એવી બેઠક છે, જે ભાજપ ક્યારેય જીત્યું નથી અને કૉંગ્રેસ 1975થી સતત જીતતી આવી છે.

1967માં અહીં સ્વતંત્રતા પાર્ટીના વી.બી. વાઘેલા અને 1975ની ચૂંટણીમાં એનસીઓ પાર્ટીનાં હરમન પટેલનો વિજય થયો હતો. ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ ઑર્ગનાઇઝેશનું ટૂંકું નામ એનસીઓ હતું, જેને કૉંગ્રેસ-ઓ પણ કહેતા હતા.

આ બે અપવાદોને બાદ કરીએ તો એ પછી કૉંગ્રેસ જ અહીંથી જીતતી આવી છે.

કૉંગ્રેસના નટવરસિંહ ઠાકોર આ બેઠક પરથી 6 વખત ચૂંટાયા હતા. એ અગાઉ કૉંગ્રેસના બળવંતસિંહ સોઢા 3 વખત આ બેઠક પરથી ચૂંટાયા હતા.

2017માં કૉંગ્રેસના ઈન્દ્રજીતસિંહ પરમાર આ બેઠક પરથી ચૂંટાયા હતા.

આ વખતે ભાજપે કૉંગ્રેસનો આ ગઢ પણ સર કર્યો છે. ભાજપે આ બેઠક 25,689 મતોથી જીતી છે.

ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહીડાને 91,453 મત મળ્યા હતા. બીજા નંબરે કૉંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રજિતસિંહ પરમારને 65,824 મત મળ્યા હતા. જ્યારે ત્રીજા નંબરે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાવજી વાઘેલાને 11,960 મત મળ્યા હતા.

ડૉ. બળદેવ આગજા પ્રમાણે, આમ થવા પાછળનું કારણ છે કે એકાદ વર્ષ પહેલાં જ મહુધામાંથી કૉંગ્રેસના 200 જેટલાં ચુસ્ત નેતાઓ અને કાર્યકરો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. તે દિવસથી જ અંદાજ આવવા લાગ્યો હતો કે આ બેઠક કૉંગ્રેસના હાથમાંથી જવાની છે.

બીબીસી ગુજરાતી

ઝઘડિયા

ગુજરાત ચૂંટણી ભાજપ

ઇમેજ સ્રોત, @AAPGUJARAT

આદિવાસી પટ્ટામાં પેઠ મેળવવા અને જાળવવા માટે રાજકીય પક્ષો છોટુ વસાવા તરફ નજર દોડાવે છે અને ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક છોટુ વસાવાનો ગઢ માનવામાં આવતો હતો.

1945માં જન્મેલા વસાવા 1985માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા, પરંતુ 1990માં જનતા દળની ટિકિટ પર પ્રથમ વખત જીત્યા હતા. ત્યારથી આજદિવસ સુધી સાત વખત તેઓ ઝઘડિયા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે.

એક-બે (1995, 2017) અપવાદને બાદ કરતાં અહીં મોટા ભાગે છોટુ વસાવા તથા કૉંગ્રેસના ઉમેદવાર વચ્ચે મુકાબલો રહ્યો છે અને ભાજપ ત્રીજા ક્રમે રહ્યો છે.

આ બેઠકના ઇતિહાસની વાત કરીએ તો અહીં વર્ષ 1962થી 1990 સુધી કૉંગ્રેસ અને વર્ષ 1980માં એક વખત આઈએનસી (આઈ) જીત્યું છે.

ગુજરાત અસ્તિત્ત્વમાં આવ્યું ત્યારથી ભાજપે આ બેઠક પોતાને નામ કરી ન હતી. પણ આ વખતે ભાજપ છોટુ વસાવાનો આ ગઢ પોતાને નામ કરી ગયો છે.

આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રિતેષકુમાર વસાવાએ 89,933 મત મેળવ્યા હતા. બીજા નંબરે છોટુ વસાવાએ 66,185 મત મેળવ્યા હતા.

જ્યારે ત્રીજા નંબરે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઊર્મિલાબહેન ભગતને 19,722 મત અને ચોથા નંબરે કૉંગ્રેસના ઉમેદવાર ફતેસિંહ વસાવાને 15,219 મત મળ્યા હતા.

વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયાના જણાવ્યા પ્રમાણે અહીંથી ભાજપના જીતવા પાછળ આમ આદમી પાર્ટી ફૅક્ટર જ જવાબદાર છે.

તેઓ કહે છે, "ગત ચૂંટણીમાં છોટુ વસાવાની બીટીપી અને કૉંગ્રેસનું ગઠબંધન થયું હતું. જેના કારણે કૉંગ્રેસે ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો. જ્યારે આ વખતે અહીં છોટુ વસાવાની સામે ભાજપ, કૉંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાને હતા."

તેમણે આગળ કહ્યું, "આ ખરેખર ભાજપની જીત પણ નથી. આમ આદમી પાર્ટીએ જે વાયદા કર્યા હતા. તેનાથી અહીંના મતદારો પ્રભાવિત થયા હતા અને સરકારવિરોધી જે મતો હતા તે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં વિભાજીત થયા છે. જેનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે."

રેડ લાઇન
રેડ લાઇન