શંકર ચૌધરી : 27 વર્ષની વયે ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા સામે પડવાથી વિધાનસભા અધ્યક્ષ બનવા સુધી

ઇમેજ સ્રોત, FB/Shankar Chaudhary
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી

- ગુજરાત વિધાનસભાની તાજેતરમાં પૂરી થયેલ ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો સાથે ‘મોટી’ જીત હાંસલ થઈ હતી
- પરિણામ આવ્યાં પહેલાં સરકારમાં ‘મોટા નેતા’ શંકર ચૌધરીને મહત્ત્વનું પદ મળે તેવી આશંકાઓ વ્યક્ત કરાઈ રહી હતી
- જોકે, સહકારી ક્ષેત્ર અને ઓબીસી સમાજના મોટા નેતા તરીકેની છબિ ધરાવતા શંકર ચૌધરીને વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરાયા હતા
- આ બાબતને રાજકીય વિશ્લેષકો અલગ અલગ રીતે જોઈ રહ્યા છે
- કેટલાક આને તેમનું ‘અપકર્ષ’ ગણાવી રહ્યા છે તો કેટલાક ‘વચન પાળવા આપેલ પદ’ કહી રહ્યા છે

હાલમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ‘અભૂતપૂર્વ’ વિજય બાદ ભૂપેન્દ્ર પટેલ ફરી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા.
પરંતુ જ્યારે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોનો શપથવિધી સમરોહ યોજાયો ત્યારે થરાદના ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીનો મંત્રીમંડળમાં સમાવેશ ન કરાતા રાજકીય વિશ્લેષકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
પણ હવે તેમને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદે પસંદ કરવામાં આવ્યા છે.
ઉપાધ્યક્ષપદે પંચમહાલ જિલ્લાની શહેરા બેઠકના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પસંદ કરવામાં આવ્યા છે.
ભાજપ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષપદ માટે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષપદ માટે જેઠાભાઈ ભરવાડ ઉમેદવાર છે.
ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, “બંને ભાજપના ઉમેદવારો છે. 20મી ડિસેમ્બરે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી થશે. વિધાનસભામાં ભાજપની બહુમતી છે તેથી બંને ચૂંટાઈ આવશે તેવી તેમને ખાતરી છે.” ભાજપની આ જાહેરાત બાદ શંકર ચૌધરી અને જેઠા ભરવાડને અભિનંદન આપવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો.
ભાજપના સહપ્રવક્તા કિશોર મકવાણાએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

કેમ થઈ શંકર ચૌધરીની અધ્યક્ષપદે પસંદગી?
શંકર ચૌધરીએ હાલની વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 26,506 મતોએ હરાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિષ્ણાતો માને છે કે શંકર ચૌધરી ઉત્તર ગુજરાતમાં ભાજપનો મોટો ઓબીસી ચહેરો છે અને સહકારી ક્ષેત્રમાં તેમનું નામ હોવાથી તેમના નામની પસંદગી થઈ છે.
જોકે કેટલાક જાણકાર કહે છે કે શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ બનાવીને તેમની પાંખ કાપી લેવામાં આવી છે.
વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ જણાવે છે કે, “ શંકર ચૌધરી આનંદીબહેન જૂથના મનાય છે. જ્યારે આનંદીબહેને રાજીનામું આપ્યું હતું તે પહેલાં શંકર ચૌધરી અમિત શાહને મળ્યા હતા પરંતુ કહેવાય છે કે અમિત શાહે તેમની સાથે કોઈ સમાધાન કર્યું હોય તેવું લાગતું નથી અને તેમને મંત્રી ન બનાવીને અધ્યક્ષ બનાવી દેવાયા.”

જ્યારે શંકર ચૌધરીએ શંકરસિંહ વાઘેલાને આપ્યો હતો પડકાર

ઇમેજ સ્રોત, Getty Images
3 ડિસેમ્બર, 1970ના રોજ જન્મેલા શંકર ચૌધરી પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓ વર્ષ 1997માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા સામે રાધનપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.
તે વખતે શંકરસિંહ વાઘેલા 1996ના અંતમાં 11મા મુખ્ય મંત્રી સુરેશ મહેતા સામે બળવો કરીને કૉંગ્રેસનું સમર્થન મેળવીને મુખ્ય મંત્રી બન્યા હતા. શંકરસિંહે રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી હતી. મુખ્ય મંત્રીપદે બની રહેવા માટે તેમને પેટાચૂંટણીમાં ચૂંટાઈને ધારાસભ્ય બનવું જરૂરી હતું.
શંકરસિંહ માટે લવિંગજી ઠાકોરે રાધનપુરની બેઠક ખાલી કરી હતી. શંકરસિંહ રાધનપુરથી પેટા ચૂંટણી લડ્યા હતા.
નિષ્ણાતો માને છે કે શંકરસિંહ સામે ભાજપે રણનીતિ અંતર્ગત શંકર નામના 11 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. અને ભાજપે નવા અને યુવા શંકર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા.
એ પેટાચૂંટણી ભાજપ અને શંકરસિંહ માટે પ્રતિષ્ઠાનો જંગ બની હતી.
જોકે શંકરસિંહ વાઘેલાનો શંકર ચૌધરી સામે 13,894 મતે વિજય થયો હતો.
જ્યારે તેમણે શંકરસિંહ સામે ચૂંટણીમાં ઝંપલાવ્યું ત્યારે તેમની ઉંમર માત્ર 27 વર્ષની હતી.

સહકારી ક્ષેત્રમાં દબદબો

ઇમેજ સ્રોત, Banas Dairy
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આમ તો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં વાવ બેઠક પરથી કૉંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર સામે હારી ગયા હતા.
ત્યારથી તેઓ રાજકીય હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. પરંતુ આ વખતે ભાજપે તેમની બેઠક બદલી.
ભાજપે શંકર ચૌધરીને વાવને બદલે થરાદથી ટિકિટ આપી. અને તેઓ ચૂંટાઈ આવ્યા. જોકે તેઓ સહકારી ક્ષેત્રમાં લગાતાર સક્રિય હતા. તેઓ બનાસકાંઠા જિલ્લા સહકારી મિલ્ક ફેડરેશનના ચૅરમૅનપદે ચૂંટાઈ આવ્યા હતા.
બનાસ ડેરીમાં સતત 24 વર્ષથી એકધારા ચાલતા પર્થી ભટોળના દબદબાનો અંત આણ્યો હતો. આ અગાઉ તેઓ 7 ઑગસ્ટ 2016થી લઈને 26 ડિસેમ્બર સુધી આનંદીબહેન પટેલની સરકારમાં મેડિકલ ઍજ્યુકેશન અને પર્યાવરણ તથા શહેરીવિકાસ મંત્રાલયનું રાજ્ય કક્ષાનું મંત્રીપદ પણ સંભાળી ચૂક્યા છે.
આ સિવાય તેઓ ધ ગુજરાત સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્કના પણ ઉપપ્રમુખ છે.
તેઓ ભાજપમાં પ્રદેશ મહામંત્રીપદ પણ સંભાળી રહ્યા છે.
બીબીસી ગુજરાતીના બનાસકાંઠાના સહયોગી પરેશ પઢિયારના જણાવ્યા અનુસાર તેમની અધ્યક્ષપદે પસંદગી થવા પાછળ તેમની સહકારીતા ક્ષેત્ર પર પકડ છે.
પરેશ પઢિયાર કહે છે કે, “તેમણે બનાસ ડેરીના સદસ્યોને દૂધના સારા ભાવ અપાવડાવ્યા, નવી ગાયો માટે લૉન આપી અને ડેરીનું ઉત્પાદન વધાર્યું જેને કારણે આ ક્ષેત્રમાં તેમનો દબદબો વધ્યો.”

જ્યારે અમિત શાહે તેમના ભાષણમાં કહ્યું, ‘શંકર ચૌધરીને જિતાડો’

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે હાલ સંપન્ન થયેલી ચૂંટણીનો પ્રચાર ચાલતો હતો ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ભાષણમાં કહ્યું હતું કે, “તમે શંકર ચૌધરીને ભારે મતોથી જિતાડો હું તેમને મોટું પદ અપાવડાવીશ.”
જોકે ત્યારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે શંકર ચૌધરીને ભૂપેન્દ્ર સરકારમાં મોટું પદ મળી શકે છે. પણ જ્યારે મંત્રીમંડળે શપથ લીધા ત્યારે શંકર ચૌધરીનું નામ ન હોવાથી રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું હતું.
પણ હવે તેમને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદ માટે પસંદ કરાયા છે.
બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયાર જણાવે છે કે, “તેમને ડર હતો કે તેઓ વાવમાંથી જો ઊભા રહેશે તો ફરી ગનીબહેન ઠાકોર સામે હારી જશે. તેથી તેઓ અંદરખાને ઇચ્છતા હતા કે વાવ સિવાયની બેઠક પરથી ભાજપ તેમને ટિકિટ આપે. કારણકે વાવમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે અને ગેનીબહેન પણ ઠાકોર છે તેથી હારથી બચવા માટે તેમને થરાદથી ટિકિટ આપવામાં આવી. જોકે જીત્યા બાદ લોકોને લાગતું હતું કે તેમને મોટું મંત્રાલય મળશે પણ આમ બન્યું નથી અને માત્ર વિધાનસભાના અધ્યક્ષ બનાવી દેવાયા છે.”
વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ કહે છે કે, “ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં હાલ કોઈ ચૌધરી સમુદાયમાંથી મંત્રી નથી. તેથી ઉત્તર ગુજરાતમાં ચૌધરી મતોને ધ્યાનમાં રાખીને તેમને આ પદ આપવામાં આવ્યું છે.”
દિપીલ પટેલ અનુસાર ચૂંટણીપ્રચાર દરમિયાન અમિત શાહે જે વચન આપ્યું હતું તે પાળવા માટે તેમને આ પદ આપવામાં આવ્યું છે.

જ્યારે PM મોદીના મતવિસ્તાર વારાણસીમાં બનાસ ડેરીનો પ્લાન્ટ નખાયો

ઇમેજ સ્રોત, Banas Dairy
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીમાં બનાસ કાશી સંકુલ ઊભું કરવામાં આવ્યું છે.
બનાસ ડેરીની કમાન શંક ચૌધરીના હાથમાં છે.
30 એકરના પ્રસ્તાવિત પ્લાન્ટ ઊભો કરવા પાછળ 475 કરોડનો ખર્ચો થશે.
આ પ્લાન્ટમાં પાંચ લાખ લિટર દૂધના પ્રોસેસિંગની ક્ષમતા હશે.
જેમાં 50 હજાર લિટર આઇસ્ક્રિમ, 75 હજાર લિટર છાસ, 20 મેટ્રિક ટન પનીર, 50 મેટ્રિક ટન દહીં, 15 હજાર કિલો લસ્સી, અને દસ હજાર કિલો મીઠાઈ બનશે.
આ જ સંકુલમાં અમૂલનો બેકરી પ્લાન્ટ પણ ઊભો કરવામાં આવશે.
નિષ્ણાતો માને છે કે વારાણસીમાં આ પ્રકારનો પ્રોજેક્ટ ઊભો કરીને તેઓ વડા પ્રધાન મોદીની ગુડબુકમાં સામેલ થયા હતા.

વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ‘અરુચિકર ફોટો’ જોવાનો આક્ષેપ
વર્ષ 2012માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન શંકર ચૌધરી અને જેઠા ભરવાડ પર તેમના આઇપૅડમાં ‘અરુચિકર તસવીરો’ જોવાનો આરોપ લાગ્યો હતો.
મામલો તત્કાલીન સ્પીકર ગણપત વસાવાએ વિધાનસભાની વિશેષાધિકાર સમિતિને સોંપવામાં આવ્યો હતો.
તેમના આઇપૅડની ફોરેન્સિક તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા.
જોકે ફોરેન્સિક લૅબે 180 તસવીરો અને 11 વીડિયો તપાસ્યાં હતાં અને તે પૈકીના એક પણ અશ્લીલ ન હોવાનો રિપોર્ટ આપીને બંને ધારાસભ્યોને ક્લીનચિટ આપી હતી.
ક્લીનચિટ મળ્યા બાદ શંકર ચૌધરીએ આખા કાંડને તેમને બદનામ કરવાનું કાવતરું હોવાનો આરોપ લગાવ્યો હતો.
જોકે તે વખતે કૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે તપાસકર્તા એજન્સી પર આરોપ લગાવ્યો હતો કે જે આઇપેડમાં શંકર ચૌધરી તસવીરો જોતા હતા તેને બદલે અન્ય આઇપેડની તપાસ કરાઈ હતી.
કૉંગ્રેસે આ આઇપેડની તપાસ ગુજરાત બહાર કરવવાની માગ કરી હતી જોકે તે સ્વીકારવામાં આવી નહોતી.
સાથે જ ભાજપે કૉંગ્રેસના આ તમામ આરોપોને ફગાવી દીધા હતા.
જોકે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ કહે છે કે, “એ અચરજ પમાડનારું છે કે જેમની સામે વિધાનસભાની ચાલુ કાર્યવાહી દરમિયાન અરુચિકર તસવીરો જોવાનો આરોપ લાગ્યો હતો અને તત્કાલીન અધ્યક્ષે તેમની સામે તપાસના આદેશ આપ્યા હતા તે શંકર ચૌધરી હવે અઘ્યક્ષ બનવા જઈ રહ્યા છે.”

ડિગ્રી વિવાદ

ઇમેજ સ્રોત, Shankar Chaudhary/FB
શંકર ચૌધરી ચૂંટણી લડતી વખતે રજૂ કરેલી ઍફિડેવિટમાં એમબીએની ‘નકલી’ ડિગ્રી રજૂ કરવાનો આરોપ પણ કૉંગ્રેસે લગાવ્યો હતો.
શંકર ચૌધરીએ દાવો કર્યો હતો કે તેમણે તેમની દસમા ધોરણની પરીક્ષા 1987માં પાસ કરી છે જ્યારે કે 12મા ધોરણની પરીક્ષા 2011માં પાસ કરી છે.
તેમજ ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન 2009માં અને એમબીએ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન 2011માં પૂર્ણ કર્યું.
હવે કૉંગ્રેસનો સવાલ એ હતો કે જો શંકર ચૌધરીએ 2011માં બારમું ધોરણ પાસ કર્યું હોય તો તે જ વર્ષમાં તેમણે એમબીએ કઈ રીતે પૂર્ણ કર્યું.
આ મામલો ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો.
જોકે બંને કોર્ટે આ અરજી ફગાવી દીધી.
એક અન્ય અરજીમાં ગુજરાત હાઇકોર્ટે પાટણ પોલીસને તપાસનો હુકમ કર્યો હતો અને પાટણ પોલીસે શંકર ચૌધરીને ક્લીનચિટ આપી હતી. શંકર ચૌધરીનો દાવો હતો કે તેમણે દસમું ધોરણ પાસ કર્યા બાદ ડિપ્લોમાં કર્યું હતું અને ડિપ્લોમા પાસ કર્યા બાદ એમબીએની ડિગ્રી મેળવી હતી.














