35 એવી બેઠકો જ્યાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી, એની શું અસર રહેશે?

અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, @ArvindKejriwal

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક (156 બેઠક) જીત મેળવી છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે.

ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં રાજકીય નિષ્ણાતોનાં 'અનુમાન' પ્રમાણે આમ આદમી પાર્ટીએ પણ હારજીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

આ ચૂંટણીમાં કૉંગ્રેસને 17 સીટ મળી છે, જ્યારે દિલ્હીની આમ આદમી પાર્ટીને પાંચ સીટ મળી છે.

જોકે અહીં નોંધવું જોઈએ કે આપના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી ખંભાળિયા સીટ પરથી હારી ગયા છે, તો આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, યુવા નેતા અલ્પેશ કથીરિયા પણ ચૂંટણી હારી ગયા છે.

આપના દિગ્ગજ ગણાતા અને પ્રભાવશાળી નેતાઓ હારી ગયા છે, પણ પાંચ બેઠકો પર આપે કબજો જમાવ્યો છે.

ચૂંટણી પહેલાં ઘણા રાજકીય નિષ્ણાતોએ કહેલું કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કારણે કૉંગ્રેસના મતનું ધોવાણ થશે અને સ્થિતિ પણ એવી જ દેખાઈ રહી છે.

ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, 182 બેઠકવાળી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 35 જેટલી એવી બેઠકો છે, જેમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી છે. ઘણી સીટ પર તો વિજેતા ઉમેદવારના મત અને આપના ઉમેદવારના મત વચ્ચે અંતર પણ ઓછું રહ્યું છે.

બીબીસી

35 સીટ પર 'આપ' બીજા નંબરે

ઈસુદાન ગઢવી

ઇમેજ સ્રોત, @isudan_gadhvi

ઇમેજ કૅપ્શન, ઈસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને હારી ગયા

35 સીટ એવી છે, જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર બીજા નંબરે રહ્યા છે, એટલે તેમને મળેલા મત વિજેતા ઉમેદવાર પછીના ક્રમે રહ્યા છે.

તો મોટા ભાગની બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ત્રીજા નંબરે છે.

આ ચૂંટણીમાં ભાજપને 52.50 ટકા મત મળ્યા છે, કૉંગ્રેસને 27.28 ટકા અને આમ આદમી પાર્ટીનો વોટ શૅર 12.92 ટકા રહ્યો છે.

સુરતની 16 પૈકી 10 બેઠક એવી છે, જ્યાં આમ આદમી પાર્ટી બીજા નંબરે છે, તો સૌરાષ્ટ્રની 48 બેઠક પૈકીની 14 બેઠક પર આપ બીજા સ્થાને છે.

જ્યારે અમદાવાદની એક નરોડા બેઠક પર આમ આદમી પાર્ટી બીજા સ્થાને છે.

સમગ્ર આંકડાને જોતાં એ સ્પષ્ટ થાય છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આપનો પ્રભાવ જોવા મળ્યો છે.

બીબીસી

આપના દિગ્ગજ નેતાઓ બીજા નંબરે

ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા

ઇમેજ સ્રોત, @Gopal_Italia

ઇમેજ કૅપ્શન, ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કામરેજ વિધાનસભા સીટની વાત કરીએ તો અહીં ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરિયાને સૌથી વધુ (વિજેતા) 1,85,585 મત મળ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામ ધડૂકને બીજા નંબરે 1,10,888 મત મળ્યા છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીને માત્ર 27,511 મત મળ્યા છે.

તો રાજકોટ ગ્રામ્ય બેઠકમાં ભાજપનાં ઉમેદવાર ભાનુબહેન બાબરિયા વિજેતા થયાં છે, તેમને 1,19,695 મત મળ્યા છે. તો આમ આદમી પાર્ટી તરફથી લડેલા વશરામ સાગઠિયાને 71,201 મત મળ્યા છે.

ઈસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને આપના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર હતા. અહીં ભાજપના મૂળુ બેરા (77,834 મત)નો વિજય થયો છે. કૉંગ્રેસના વર્તમાન ધારાસભ્ય વિક્રમ માડમ (44,715 મત) હારી ગયા છે અને મતદાનની ટકાવારીમાં ત્રીજા ક્રમે રહ્યા હતા. ખંભાળિયા બેઠક પર ઈસુદાન ગઢવીને 59,089 મત મળ્યા છે.

એવી જ રીતે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. અહીં ભાજપના ઉમેદવાર વિનોદ મોરડિયાને 1,20,505 મત મળ્યા છે. તો ગોપાલ ઈટાલિયાને 55,878 મત મળ્યા છે. જ્યારે ત્રીજા નંબરે કૉંગ્રેસના કલ્પેશ વરિયાને 26,840 મત મળ્યા છે.

પાટીદાર અનામત આંદોલનના નેતા અને ચૂંટણી પહેલાં આપમાં જોડાયેલા નેતા અલ્પેશ કથીરિયા સુરતની વરાછા રોડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમને અહીં 50,372 મત મળ્યા હતા. આ બેઠક પર ભાજપના ઉમેદવાર કિશોર કાનાણીનો વિજય થયો છે, તેમને 67,206 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર પ્રફુલ તોગડિયાને માત્ર 2,940 મત મળ્યા હતા.

સુરત વિસ્તાર પાટીદારોનો ગઢ ગણાય છે, તેમ છતાં અહીં આપના પાટીદાર નેતાઓ ચૂંટણી જીતી શક્યા નહોતા.

તો સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા બેઠક પર ભાજપના ઉમેદવાર શામજી ચૌહાણનો વિજય થયો છે. આ બેઠક પર કૉંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ઋત્વિક મકવાણાની હાર થઈ છે. અહીં આપના રાજુ કપરાડા (45,397) બીજા નંબરે રહ્યા છે. જ્યારે કૉંગ્રેસના ઋત્વિક મકવાણાને 43,332 મત મળ્યા છે.

બીબીસી

સૌરાષ્ટ્રમાં ચાર અને દક્ષિણમાં એક બેઠક પર 'આપ'નો વિજય

અરવિંદ કેજરીવાલ સાથે ચેતર વસાવા

ઇમેજ સ્રોત, NARENDRA PAPERWALA

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ સાથે ચેતર વસાવા

ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાંચ સીટ મળી છે, જેમાં જામજોધપુર, વીસાવદર, ગારિયાધાર, બોટાદ અને ડેડિયાપાડાનો સમાવેશ થાય છે.

આમાંની ચાર બેઠક સૌરાષ્ટ્રની છે અને એક બેઠક દક્ષિણ ગુજરાતની છે.

જામજોધપુર બેઠક પરથી આપના હેમંત આહીરને 71,397 મત મળ્યા છે, જ્યારે ભાજપના ચીમન સાપરિયાને 60,994 મળ્યા હતા.

વીસાવદર સીટ પરથી આપના ભૂપેન્દ્ર ભાયાણીને 66,210 મત મળ્યા છે. જ્યારે ભાજપના હર્ષદ રીબડિયાને 59,147 મત મળ્યા હતા.

હર્ષદ રીબડિયા વીસાવદરથી કૉંગ્રેસના ધારાસભ્ય હતા અને ચૂંટણી પહેલાં તેમણે રાજીનામું આપી દીધું હતું અને પછી ભાજપમાં જોડાઈને અહીંથી ચૂંટણી લડ્યા હતા.

જોકે આપના ઉમેદવારે અહીં તેમને હરાવી દીધા છે.

ગારિયાધાર બેઠક પરથી આપના ઉમેદવાર સુધીર વાઘાણીને 60,944 મત મળ્યા છે અને તેમનો વિજય થયો છે, તો ભાજપના ઉમેદવાર કેશુ નાકરાણીને 56,125 મત મળ્યા હતા.

બોટાદની વાત કરીએ તો અહીં પણ આપના ઉમેદવાર ઉમેશ મકવાણાને સૌથી વધુ 80,581 મત મળ્યા છે, જ્યારે ભાજપના ઘનશ્યામ વિરાણીને 77,802 મત મળ્યા છે.

જુલાઈ 26મી જુલાઈના રોજ થયેલા લઠ્ઠાકાંડમાં બોટાદ અને અમદાવાદ જિલ્લાનાં કેટલાંક ગામોમાં 40થી વધુ લોકોનાં મોત થયાં હતાં. એ સમયે લઠ્ઠાકાંડનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

અને છેલ્લી બેઠક આપે દક્ષિણ ગુજરાતમાંથી જીતી છે. ડેડિયાપાડામાંથી આપના ઉમેદવાર ચૈતર વસાવાને 1,03,433 મત મળ્યા છે. અહીં બીજા નંબરે રહેલા ભાજપના હિતેશ વસાવાને 63,151 મત મળ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ચૈતર વસાવા તેમના કાર્યકરો સાથે બીટીપીનો સાથ છોડીને આપમાં જોડાઈ ગયા હતા.

ચૈતર વસાવા યુવાઓમાં લોકપ્રિય નેતા ગણાય છે અને તેઓ આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને સતત કાર્યરત રહ્યા છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં આપનું વધતો પ્રભાવ શું સૂચવે છે?

સુરતમાં યોજાયેલી ગોપાલ ઈટાલિયાની સભા

ઇમેજ સ્રોત, @Gopal_Italia

ઇમેજ કૅપ્શન, સુરતમાં યોજાયેલી ગોપાલ ઈટાલિયાની સભા

ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તેનો ફાયદો પણ પાર્ટીને મળ્યો છે.

આપે અહીં ચૂંટણી પહેલાં પણ પોતાની કામગીરી આરંભી દીધી હતી. અહીં એ પણ નોંધવું જોઈએ કે આપના જે ધારાસભ્યો જીત્યા છે, એ આપબળે જીત્યા છે, તેમનો સ્થાનિક લોકોમાં પ્રભાવ રહ્યો છે.

જાણીતા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા પણ આ વાતમાં સૂર પૂરાવે છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "આપનું થોડું ઘણું સંગઠન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઓછી હાજરી છે. એ સંગઠનની અસર થઈ છે. અને આપે જે ઉમેદવારો પસંદ કર્યા છે એ સ્થાનિક વર્ચસ્વવાળા પસંદ કર્યા એનો ફાયદો થયો છે."

"બીજું કે ઈસુદાન ગઢવીને સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી લડાવી એની પણ અસર ગણાય. એ જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ."

તેઓ આમ આદમી પાર્ટીની રણનીતિ અને કૉંગ્રેસને થયેલા નુકસાન અંગે વાત કરતા કહે છે, "આપ (આમ આદમી પાર્ટી)ની આ સ્ટાઇલ છે, એણે દિલ્હીમાં પણ કૉંગ્રેસની મતબૅન્ક તોડી, પંજાબમાં પણ એવું કર્યું."

"એટલે સોફ્ટ ટાર્ગેટ કૉંગ્રેસ છે, એના મતમાં ગાબડું પાડીને પોતાની જગ્યા કરે છે. એને ખબર છે કે ભાજપમાં ગાબડું પાડવું જરા મુશ્કેલ છે. તમે એક વાર અંદર પ્રવેશી જાવ પછી તમે ભાજપ સામે પણ લડી શકો. અને કૉંગ્રેસમાં તકલીફ એ છે કે નેતાગીરીનો અભાવ છે, જે ઉમેદવારો (કૉંગ્રેસ) જીતતા હતા એ એમના સ્થાનિક વર્ચસ્વને કારણે જીતતા હતા, પાર્ટીને કારણે નહીં."

તેમનું પણ માનવું છે કે આ વખતે આપને કારણે એને (કૉંગ્રેસ)ને ઝાઝું નુકસાન થયું છે.

તો વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા બીબીસી સાથે વાત કરતા કહે છે કે "આમ આદમી પાર્ટીને શહેરી વિસ્તારોમાં પણ મત મળ્યા હોય અને બીજા કે ત્રીજા નંબરે આવે એ માની શકાય તેવી વાત છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં (ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં) જે રીતે મત મળ્યા છે એ મને પણ નવાઈ પમાડે તેવા છે."

તેઓ કહે છે કે દક્ષિણ ગુજરાતમાં ડેડિયાપાડાની સીટ આપ માટે અપેક્ષિત હતી.

તેઓ કહે છે, "બીજું કે આમ આદમી પાર્ટીને અર્બન પાર્ટી ગણાવાઈ છે. એનો ગ્રામીણ વિસ્તારમાં પાયો પણ નથી. સુરત જેવા શહેરમાં આમ આદમી પાર્ટી હારે અને ગ્રામીણ વિસ્તારોમાં મત મેળવે એ જરા આશ્ચર્યજનક છે. ગામડાંમાં એનો પ્રભાવિત નહોતો દેખાતો, પાર્ટી પહોંચી નહોતી શકી, આથી આ પરિણામ ચોંકાવનારાં છે."

બીબીસીના સહયોગી નરેન્દ્ર પેપરવાલા કહે છે "અનંત પટેલ પછી આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવા એક ઊભરતો ચહેરો છે."

તેઓ કહે છે કે "ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના બળે નહીં પણ આપબળે ચૂંટણી જીત્યા છે. તેઓ છેલ્લા બે વર્ષથી કાર્યકરોને મળતા રહ્યા છે અને તેમની સમસ્યાને વાચા આપી રહ્યા છે. આથી સ્થાનિક લોકોએ તેમના પર વિશ્વાસ રાખ્યો છે."

"સ્થાનિક મુદ્દાઓ પર તેમની પકડ છે અને આદિવાસીઓની સમસ્યાને લઈને તેઓ કોઈની પણ પરવા કર્યા વિના બોલે છે."

બીબીસીના સહયોગી હનીફ ખોખર કહે છે કે હર્ષદ રીબડિયા કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા એને લીધે કાર્યકરોમાં અસંતોષ પણ હતો અને તેમની સામે 'વેચાઈ ગયા'ના આરોપ પણ લાગ્યા. જોકે બાદમાં અનેક સભાઓમાં તેમણે સ્પષ્ટતા પણ આપી હતી. પણ લોકોએ તેમને સ્વીકાર્યા નહીં.

બીબીસી
બીબીસી