સોનિયા ગાંધીએ કર્યો 'કારકિર્દી પૂર્ણ'નો ઉલ્લેખ અને તેમની નિવૃત્તિને લઈને છેડાઈ ચર્ચા

સોનિયા ગાંધી સંન્યાસ

ઇમેજ સ્રોત, ALOK PUTUL/BBC

    • લેેખક, આલોક પ્રકાશ પુતુલ
    • પદ, રાયપુરથી બીબીસી હિંદી માટે
લાઇન
  • સોનિયા ગાંધીએ છત્તીસગઢમાં ચાલી રહેલા કૉંગ્રેસ અધિવેશનમાં સંન્યાસ લેવા તરફ કર્યો હતો ઈશારો
  • તેમના આ નિવેદન બાદ જાતભાતની અટકળો વહેતી થઈ છે.
  • પાર્ટીના કેટલાક નેતાઓનું માનવું છે કે તેઓ 'ઍક્ટિવ પૉલિટિક્સ'માંથી લેશે વિદાય
  • કેટલાકનું માનવું છે કે તેઓ હજી પણ પોતાનું માર્ગદર્શન આપતા રહેશે
  • સોનિયા ગાંધીના નિવેદનનો અર્થ અને કૉંગ્રેસમાં તેમની ભૂમિકા અંગે જાણવા માટે વાંચો આ અહેવાલ
લાઇન

એક 2017ની ઘટના છે, જ્યારે કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષપદે રાહુલ ગાંધીની વરણી થવાની હતી.

ઠીક એક દિવસ પહેલાં સંસદભવન બહાર પત્રકારોએ સોનિયા ગાંધીને પૂછ્યું કે હવે જ્યારે રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ હશે તો તમારી ભૂમિકા શું રહેશે?

સોનિયા ગાંધીએ જવાબ આપ્યો, "હું રિટાયર થઈ રહી છું."

આ ઘટનાના પાંચ વર્ષ બાદ ફરી એક વખત સોનિયા ગાંધીનું 'રિટાયરમૅન્ટ' ચર્ચામાં છે.

શનિવારે રાયપુરમાં કૉંગ્રેસ પાર્ટીના 85મા અધિવેશનમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે આ મારા માટે સન્માનની વાત હતી કે મેં વર્ષ 1998થી કૉંગ્રેસ અધ્યક્ષપદ સંભાળ્યું. 25 વર્ષોમાં પાર્ટીએ ઘણી મોટી સિદ્ધીઓ હાંસલ કરી અને નિરાશા પણ હાથે લાગી.

સોનિયા ગાંધીએ કહ્યું કે 2004 અને 2009માં અમારી જીતની સાથેસાથે ડૉ. મનમોહનસિંહના કુશળ નેતૃત્વએ મને વ્યક્તિગત સંતુષ્ટિ આપી, પણ મને વધુ ખુશી એ વાતની છે કે મારી યાત્રા 'ભારત જોડો યાત્રા' સાથે સમાપ્ત થઈ, જે કૉંગ્રેસ માટે એક મહત્ત્વપૂર્ણ વળાંક સાબિત થઈ.

સોનિયા ગાંધીના આ ભાષણ સિવાય અધિવેશન સ્થળ પર તેમના કાર્યકાળને લઈને એક ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.

એ વાત સાચી છે કે શનિવારે કૉંગ્રેસના અધિવેશનમાં સોનિયા ગાંધીએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની સત્તાવાર જાહેરાત કરી નથી.

તેમણે કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહીને પોતાની અંતિમ જાહેરાત 'ભારત જોડો યાત્રા'ના સંદર્ભમાં પોતાની વાત કહી છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

પણ કૉંગ્રેસ પાર્ટીના અધિવેશનમાં તેમના ભાષણની રાયપુરથી લઈને દિલ્હી સુધી ચર્ચા થઈ રહી છે.

રાયપુરના વરિષ્ઠ પત્રકાર સુનીલ કુમાર કહે છે, "કૉંગ્રેસીઓનું મને ભલે તેને સ્વીકારે નહીં પણ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષનું પદ છોડીને અને મલ્લિકાર્જુન ખડગેના પાર્ટી અધ્યક્ષ બન્યાં બાદ સોનિયા ગાંધી પોતાની ઇનિંગ પૂર્ણ કરીને રિટાયર થઈ ચૂક્યાં છે. તેઓ પાર્ટીના સર્વમાન્ય નેતા રહ્યાં છે, જેમણે ગરિમા જાળવીને તમામ નિર્ણયો લીધા છે. તેમનું ભાષણ તેમના રિટાયરમૅન્ટની સાર્વજનિક જાહેરાત જ હતી."

line

સૌથી લાંબો કાર્યકાળ

સોનિયા ગાંધી સંન્યાસ

ઇમેજ સ્રોત, ALOK PUTUL/BBC

સોનિયા ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે આ વર્ષે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી અને દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

એવામાં આવનારા દિવસોમાં તેમની ભૂમિકાને લઈને સ્વાભાવિક રીતે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

કૉંગ્રેસના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી (19 વર્ષ) કૉંગ્રેસ અધ્યક્ષપદ સંભાળનારા સોનિયા ગાંધીએ 2004માં પોતાની જગ્યાએ મનમોહનસિંહને વડા પ્રધાન બનાવવાની પહેલ કરી અને પાર્ટીના એ નિર્ણયોને પોતાની સરકારમાં લાગુ કરવાનું કામ કર્યું. જે આજે પણ ઐતિહાસિક માનવામાં આવે છે.

તેમના અધ્યક્ષપદે રોજગાર ગૅરંટી યોજના, ભોજનનો અધિકાર, શિક્ષણનો અધિકાર, સૂચનાનો અધિકાર જેવા નિર્ણયો લેવામાં આવ્યા. જેણે ભારતીય રાજનીતિને એક નવી દિશા અપાવી.

સાથે જ તેમનાં અધ્યક્ષપદે દેશમાં પહેલી વખત મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ અને લોકસભાના પ્રથમ દલિત મહિલા અધ્યક્ષ મીરા કુમાર આવ્યાં હતાં.

મહિલાઓ માટે આરક્ષણનું બિલ પણ તેમના કાર્યકાળમાં રજૂ થયું હતું.

76 વર્ષીય સોનિયા ગાંધીની ઉંમર અને સ્વાસ્થ્યના કારણે તેમની સક્રિયતા છેલ્લાં કેટલાક વર્ષોમાં ઘટી ગઈ હતી.

સોનિયા ગાંધી સંન્યાસ

ઇમેજ સ્રોત, ALOK PUTUL/BBC

જોકે, તાજેતરનાં ભાષણ બાદ રાજનૈતિક ચર્ચા થઈ રહી છે કે સોનિયા ગાંધી એક તરફ કૉંગ્રેસ પાર્ટીને પોતાના પડછાયામાંથી મુક્ત કરવા માગે છે. આ ઉપરાંત ઉંમરલાયક કૉંગ્રેસીઓને પણ તેઓ સંકેત આપવા માગે છે.

શનિવારે જ છત્તીસગઢમાં ચાલી રહેલા અધિવેશનમાં કૉંગ્રેસે પોતાના બંધારણમાં મોટો સુધાર કર્યો છે. પાર્ટીએ નિર્ણય લીધો છે કે કૉંગ્રેસ કાર્યસમિતિના સભ્યોમાં 50 ટકા પદોની ભરતી આરક્ષણ મારફતે થશે.

કૉંગ્રેસે એસસી-એસટી, ઓબીસી, મહિલા અને યુવાનોને 50 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય લીધો છે અને કહ્યું છે કે પાર્ટીમાં 50 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા લોકોની ભાગીદારી વધારવામાં આવશે.

રાજનૈતિક વિશ્લેષકોનું માનવું છે કે રાહુલ ગાંધી સમયાંતરે 'યુવા કૉંગ્રેસ'નું જે સૂત્ર આપે છે, સોનિયા ગાંધીએ પોતાની વિદાયનો સંકેત આપતા ખુદ એ પહેલ કરી છે.

કૉંગ્રેસના કેટલાક નેતાઓ પણ માને છે કે સોનિયા ગાંધીનું તાજેતરનું નિવેદન તેમની સક્રિય રાજનીતિમાંથી વિદાયનો સંકેત છે.

કૉંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતનું માનવું છે કે સોનિયા ગાંધીએ 'ઍક્ટિવ પૉલિટિક્સ'માંથી અલગ થવાનો સંકેત આપ્યો છે.

તેમણે કહ્યું, "સંગઠનની જવાબદારીઓ અને પાર્ટીના રોજિંદા કામથી અલગ થવાની વાત તેમણે કહી છે. જોકે, કોઈ પણ અનુભવી નેતાની જે બીજી ભૂમિકા હોય છે, જેમ કે સલાહ આપવાની, વિપક્ષી એકતા અને પાર્ટીના આંતરિક મુદ્દાને દૂર કરવાની બાબતો માટે તેઓ કદાચ સક્રિય રહેશે."

line

સંન્યાસથી ઇનકાર

સોનિયા ગાંધી સંન્યાસ

ઇમેજ સ્રોત, ALOK PUTUL/BBC

બીજી તરફ કૉંગ્રેસ પાર્ટીના ઘણા નેતા માને છે કે સોનિયા ગાંધીએ જે કહ્યું તેને તેમના રાજકીય સંન્યાસ સાથે કોઈ લેવાદેવા નથી.

કૉંગ્રેસ નેતા અખિલેશ પ્રતાપ સિંહ સોનિયા ગાંધીની સક્રિય રાજનિતીમાંથી સંન્યાસ લેવાની વાતને રદિયો આપે છે.

તેઓ કહે છે, "આજે જ પાર્ટીના બંધારણમાં એક સુધારો કરવામાં આવ્યો છે કે અમારી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ તેમજ પૂર્વ વડા પ્રધાન વર્કિંગ કમિટીમાં રહેશે. સોનિયાજી રાષ્ટ્રીય અધ્યક્ષ હતાં એટલે તેઓ વર્કિંગ કમિટીમાં પણ હશે જ. એવામાં તેમના સંન્યાસની વાત વિચિત્ર છે. તેમણે અધ્યક્ષ તરીકેના કાર્યકાળની વાત કરી હતી."

કૉંગ્રેસ નેતા અને છત્તીસગઢના કૉંગ્રેસ પ્રભારી કુમારી શૈલજા પણ સોનિયા ગાંધીના તાજેતરના ભાષણને તેમના સંન્યાસ સાથે જોડવાના પક્ષમાં નથી.

તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, "તમારે એને યોગ્ય સંદર્ભમાં જોવું પડશે. સોનિયાજી અમારા અધ્યક્ષ હતાં, આજે અમારી પાસે નવા અધ્યક્ષ છે. સોનિયાજીએ પોતાના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ વિશે વાત કરી હતી. નવા અધ્યક્ષે પણ કહ્યું છે કે અમારે સોનિયાજીના માર્ગદર્શનની જરૂર છે. તો પછી મને નથી લાગતું કે તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવું જોઈએ."

સોનિયા ગાંધીના નિવેદનનો રાજકીય અર્થ ભલે ગમે તે નીકળે પણ શનિવારે તેમના ભાષણ બાદ અનુમાન લગાવાઈ રહ્યું છે કે તેમની ભૂમિકા હવે બદલાવાની છે.

ભારતીય રાજનીતિમાં સંન્યાસની કોઈ પરંપરા નથી. એવામાં સોનિયા ગાંધીની કૉંગ્રેસ પાર્ટી અને ભારતીય રાજનીતિમાં કેવી ભૂમિકા રહેશે, એ જોવું રસપ્રદ રહેશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન