શું ખરેખર સોનિયા ગાંધી પાસે બ્રિટનનાં મહારાણી કરતાં વધુ સંપત્તિ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
ભારતીય જનતા પક્ષના પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાયે 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક જૂના આર્ટિકલની લિંક શૅર કરી હતી જેને હવે સોશિયલ મીડિયા પર ખૂબ શૅર કરવામાં આવી રહી છે.
2013માં છપાયેલા આર્ટિકલ અનુસાર 'કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધી બ્રિટનનાં મહારાણી ઍલિઝાબેથ-II કરતાં પણ વધારે ધનવાન છે.'
આ આર્ટિકલને ટ્વીટ કરતા અશ્વિની ઉપાધ્યાયે લખ્યું, "કૉંગ્રેસનાં ઍલિઝાબેથ બ્રિટનનાં મહારાણીથી અને કૉંગ્રેસના સુલતાન ઓમાનના સુલતાન કરતાં પણ વધારે ધનવાન છે. ભારત સરકારે જલદી કાયદો બનાવી તેમની 100 ટકા બેનામી સંપત્તિને જપ્ત કરી લેવી જોઈએ અને તેમને ઉંમરકેદની સજા આપવી જોઈએ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પોતાના આ ટ્વીટમાં અશ્વિની ઉપાધ્યાયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પીએમઓના અધિકૃત હૅન્ડલને પણ ટેગ કર્યા છે.
ત્રણ હજાર કરતા વધારે લોકો તેમના આ ટ્વીટને લાઇક અને રિ-ટ્વીટ કરી ચૂક્યા છે.
દક્ષિણપંથી વલણ ધરાવતા ફેસબુક ગ્રુપ્સ અને પેજ પર પણ આ આર્ટિકલ શૅર કરવામાં આવી રહ્યો છે. અહીં પણ લોકો કથિત રૂપે સૌથી ધનવાન ભારતીય નેતા સોનિયા ગાંધીની વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
દિલ્હી ભાજપના સોશિયલ મીડિયા અને આઈટી હેડ પુનીત અગ્રવાલે પણ 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના આ આર્ટિકલને શૅર કર્યો છે અને તેને એક ચૂંટણી મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો છે.

ઇમેજ સ્રોત, TWITTER/@PUNITSPEAKS
પુનીત અગ્રવાલે લખ્યું છે, "કેટલી ન્યૂઝ ચેનલ હવે આ મુદ્દા પર ડિબેટ કરશે? ભ્રષ્ટાચાર સિવાય કૉંગ્રેસની આટલી કમાણીનો શું સ્રોત હોઈ શકે?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ બીબીસીએ આ બધા જ દાવાઓ ખોટા સાબિત કર્યા છે કેમ કે જે રિપોર્ટના આધારે 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'નો આ આર્ટિકલ છપાયો હતો, તે રિપોર્ટમાં ત્યારબાદ તથ્યો સંબંધિત ફેરફાર કરવામાં આવ્યા હતા અને સોનિયા ગાંધીનું નામ યાદીમાંથી હટાવી દેવાયું હતું.

આર્ટિકલમાં શું કહેવામાં આવ્યું?

ઇમેજ સ્રોત, TOI NEWS GRAB
2 ડિસેમ્બર 2013ના રોજ છપાયેલા 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના આર્ટિકલમાં લખાયેલું હતું :
'હફિંગ્ટન પોસ્ટ'ના રિપોર્ટ પ્રમાણે સોનિયા ગાંધી દુનિયાનાં 12માં સૌથી ધનવાન નેતા છે.
સોનિયા ગાંધી પાસે આશરે 2 અબજ અમેરિકન ડૉલર જેટલી સંપત્તિ છે.
કહી શકાય છે કે તેમની પાસે જેટલા પૈસા છે, તેના આધારે તેઓ બ્રિટનના મહારાણી, ઓમાનના સુલતાન અને સીરિયાના રાષ્ટ્રપતિ કરતાં પણ વધુ ધનવાન છે.
20 નેતાઓની આ યાદીમાં દુનિયાના સૌથી ધનવાન નેતા મધ્ય- પૂર્વમાંથી છે.
'હફિંગ્ટન પોસ્ટ' પોતાના આ અહેવાલમાં આ નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચ્યું, તેના વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.
ભાજપ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય વર્ષ 2015માં પણ આ આર્ટિકલને એક વખત શૅર કરી ચૂક્યા છે.

ઇમેજ સ્રોત, TWITTER/@ASHWINIBJP
'હફિંગ્ટન પોસ્ટ'ના એ અહેવાલને આધારે આ સમાચાર લખવા વાળી સંસ્થામાં માત્ર 'ટાઇમ્સ'નું નામ નથી.
2013માં આ અહેવાલ સામે આવ્યા બાદ ઘણી ભારતીય મીડિયા સંસ્થાઓએ આ સમાચાર છાપ્યા હતા કે સોનિયા ગાંધીનું નામ દુનિયાના સૌથી ધનવાન નેતાઓની યાદીમાં સામેલ છે.
સોશિયલ મીડિયા સર્ચથી ખબર પડે છે કે 2014ની લોકસભા ચૂંટણી પહેલા પણ આ આર્ટિકલને ખૂબ શૅર કરવામાં આવ્યો હતો અને તેના આધારે લોકોએ સોનિયા ગાંદી પર ભ્રષ્ટ હોવાના આરોપ લગાવ્યા હતા.

'હફિંગ્ટન પોસ્ટ'ના રિપોર્ટમાં ફેરફાર

ઇમેજ સ્રોત, VIRAL IMAGES
અમારી તપાસમાં અમે જાણ્યું કે 29 નવેમ્બર 2013ના રોજ 'હફિંગ્ટન પોસ્ટ'એ સૌથી ધનવાન નેતાઓની એક યાદી છાપી હતી. તેની સાથે ઘણા નેતાઓની તસવીર પણ લગાવાઈ હતી.
તત્કાલીન કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નામ યાદીમાં 12મા નંબર પર હતું, પરંતુ ત્યારબાદ તેમનું નામ તે યાદીમાંથી હટાવી દેવાયું હતું.
એવું શા માટે કરવામાં આવ્યું? તેના જવાબમાં 'હફિંગ્ટન પોસ્ટ'ના એડિટરે સાઇટ પર લાગેલા આ અહેવાલ નીચે એક નોંધ લખી હતી.
આ નોંધ અનુસાર, "સોનિયા ગાંધી અને કતારના શેખ હામિદ બીન ખલિફા અલ થાનીનું નામ યાદીમાંથી હટાવી લેવામાં આવ્યું છે."
"કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીનું નામ લિસ્ટમાં કોઈ થર્ડ પાર્ટી સાઇટના આધારે રાખવામાં આવ્યું હતું, જેના પર પછી સવાલ ઉઠ્યા."
"અમારા એડિટર સોનિયા ગાંધીની સંપત્તિ અંગે પુષ્ટિ કરી શક્યા નથી, એ માટે લિંકને હટાવવી પડી છે. આ ભૂલ માટે અમને ખેદ છે."

ઇમેજ સ્રોત, HUFFPOST.COM
વર્ષ 2014માં લોકસભા ચૂંટણી પહેલા જ્યારે સોનિયા ગાંધીએ રાયબરેલી સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી, તે સમયે તેમણે સોગંદનામામાં લખ્યું હતું કે તેમની પાસે કુલ 10 કરોડની સંપત્તિ છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સહિત કેટલીક ભારતીય ન્યૂઝ સાઇટ્સ છે કે જેમણે 'હફિંગ્ટન પોસ્ટ'ના આ રિપોર્ટમાં થયેલા ફેરફારને પણ છાપ્યો અને તેના વિશે લોકોને સૂચિત કર્યા.
પણ જૂના સમાચારને ઇરાદાપૂર્વક વાયરલ કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર ઘણા એવા ફેસબુક પેજ પણ છે કે જે દાવો કરે છે કે તેઓ 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ને તેમના જૂના સમાચાર અપડેટ કરવાની અપીલ કરી ચૂક્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















