244 વર્ષથી ભારતમાં સ્થાયી થયેલા ચીની લોકો હવે ઘટી કેમ રહ્યા છે?

ભારતમાં રહેતા ચીની લોકો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ચારુકેસી રામાદુરાઈ
    • પદ, બીબીસી સંવાદદાતા

પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક સદીથી પણ વધારે સમયથી હક્કા ચીની લોકોનો એક સમુદાય શાંતિથી જીવી રહ્યો છે.

આ સમુદાયનાં જૅનિસ લી જ્યારે રજાઓ માણવા માટે કોલકાતાથી ચીન ગયાં, તો તેમણે અનુભવ્યું કે તેઓ ત્યાં રજાઓ પૂરી થાય ત્યાં સુધી રાહ જોઈ શકશે નહીં.

એ સમયને યાદ કરતા તેઓ કહે છે, "હું હક્કા ભાષા બોલી શકતી ન હતી, મને ખાવાનું પસંદ નહોતું અને હું એકલતા અનુભવતી હતી."

કોઈ વિદેશી સંસ્કૃતિ કે ત્યાંની રહેણીકરણી કોઈ વ્યક્તિને બંધબેસતી ન રહે એ વાત સામાન્ય હોઈ શકે છે પરંતુ જૅનિસ લી માટે નહીં, કારણ કે તેઓ મૂળ ચીનનાં છે.

તેમણે કહ્યું, "જ્યારે હું પાછી કોલકાતા આવી, ત્યારે મને શાંતિ થઈ."

જૅનિસ હક્કા મૂળના પાંચમી પેઢીનાં ભારતીય ચીની છે. તેઓ પો-ચૉંગ ફૂડ્ઝમાં કામ કરે છે. પો-ચૉંગ ફૂડ્ઝ તેમના દાદાએ 1958માં શરૂ કર્યું હતું. જેના દ્વારા તેઓ કોલકાતામાં રહેતા બાકીના ચીની લોકોને ચીનનાં સૉસ અને નૂડલ્સ સપ્લાય કરતા હતા.

ગ્રે લાઇન

સ્થાનિક સંસ્કૃતિ સાથે તાલમેલ

ભારતમાં રહેતા ચીની લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના પ્રથમ ચીની અપ્રવાસી ટોંગ આહ ચ્યૂ (બ્રિટિશ રૅકોર્ડ અનુસાર અચેવ), 1778માં ચા સાથે કોલકાતા પહોંચ્યા હતા અને શહેર પાસે જ એક પ્રોસેસિંગ મિલ સ્થાપી હતી.

પૂર્વના બંદર તરીકે કોલકાતા ચીન અને પૂર્વ એશિયામાંથી ભારતમાં પ્રવેશ માટે સૌથી નજીકની જગ્યા છે. એટલે જ ત્યાં ભારતનો એકમાત્ર ચીની સમુદાય સ્થાયી થયો.

20મી સદીની શરૂઆતમાં ઘણા ચીની લોકો ગૃહયુદ્ધ અને જાપાન સાથેના સંઘર્ષથી બચવા માટે ભાગીને ભારત આવ્યા હતા. તે સમયે ભારતમાં ચીની લોકોની વસતી 20 હજારથી વધુ થઈ ગઈ હતી.

સમય જતા તેમણે આંતરજાતીય લગ્ન કર્યા, સ્થાનિક લોકો સાથે હળીમળી ગયા અને બંગાળી તેમજ હિંદી બોલવાનું શીખી લીધું.

જૅનિસ લી સમજાવે છે કે ચીનથી આવેલા સૌથી પહેલાં અપ્રવાસી ટોંગ આ ચૂ ખાંડ (જેને હિંદીમાં 'ચીની' કહેવાય છે) પણ લઈને આવ્યા હતા. જેના કારણે ચીનથી આવેલા લોકો માટે 'ચીની' શબ્દ વપરાવાનો શરૂ થયો હતો.

1950ના સમયમાં આપવામાં આવેલા રાજનૈતિક સૂત્ર 'હિંદી, ચીની ભાઈ ભાઈ' પણ તેનું જ ઉદાહરણ છે. અહીં સુધી કે કોલકાતામાં વસેલા ચાઇનાટાઉનને આજે પણ ચીનાપારા કહેવામાં આવે છે.

ગ્રે લાઇન

કોલકાતાનું ચાઇનાટાઉન

ભારતમાં રહેતા ચીની લોકો

ઇમેજ સ્રોત, NEIL MCALLISTER/ALAMY

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાલ કોલકાતામાં ચીન મૂળના માંડ બે હજાર લોકો બચ્યા છે. પરંતુ તેમની સંસ્કૃતિ ટાયરેટા બજાર (જેને ટાયરેટી પણ કહેવાય છે) અને તંગરામાં દરેક જગ્યાએ જોવા મળે છે.

ભલે ત્યાં સ્ટ્રીટફૂડ વિક્રેતા હોય, તાઓવાદી મંદિરો અને સામુદાયિક ક્લબો હોય અથવા તો ચંદ્ર નવવર્ષ માટે વાર્ષિક લાયન ડાન્સનું નૃત્ય હોય. આ વિસ્તારોમાં ચીનની સંસ્કૃતિ ઝળહળે છે.

સૅન ફ્રાન્સિસ્કો અને લંડન જેવા શહેર પોતાનાં ચાઇનાટાઉન માટે જાણીતાં છે, પરંતુ કોલકાતા ધ્યાન ખેંચી શક્યું નથી. ભારતમાં અત્યારે પણ બીજું કોઈ ચાઇનાટાઉન નથી.

કોલકાતા એક નહીં પણ બે ચાઇનાટાઉન માટે જાણીતું છે. ટાયરેટા બજાર કોલકાતાનું મૂળ ચાઇનાટાઉન છે. જે 1800ના દાયકાથી અસ્તિત્ત્વમાં છે. ત્યાર પછી 1900ની શરૂઆતમાં તંગરામાં ચીની લોકો વસ્યા.

કોલકાતામાં ઘણા વર્ષોથી સ્થાનિક વારસાને રજૂ કરતા બ્લૉગર રંગન દત્તા જણાવે છે કે વસતીના એક મોટા ભાગને મુખ્ય શહેરી વિસ્તારની બહાર જવા મજબૂર કરવામાં આવ્યો હતો. ચામડાના ઉદ્યોગના કારણે ફેલાનારી ગંદકીના કારણે તેમને ટાયરેટાથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

રંગન દત્તા કહે છે, "ચીની લોકો પહેલાં બંગાળી અને યુરોપીયન લોકોની વચ્ચેના વિસ્તારમાં જઈને વસ્યા. જ્યાં બીજા વિદેશી લોકો જેવા કે આર્મેનિયન અને યુનાની જેવા લોકો રહેતા હતા. તેમના સિવાય એ વિસ્તારમાં મારવાડી, પારસીઓ જેવા લોકો પણ રહેતા હતા. જે વેપાર માટે કોલકાતા આવ્યા હતા."

ભારતમાં રહેતા ચીની લોકો

વાનગીઓ વડે સ્થાનિક લોકો સાથે મેળાપ

ભારતમાં રહેતા ચીની લોકો

ઇમેજ સ્રોત, CHARUKESI RAMADURAI

કોલકાતામાં ત્રીજી પેઢીના ચીની શૅફ પીટર સૅંગનો ઉછેર એ વિસ્તારની બહાર થયો છે, પરંતુ તેઓ યાદ કરે છે કે તેઓ પોતાના પિતરાઈ ભાઈઓને મળવા માટે ત્યાં જતા હતા.

તેઓ કહે છે, "નિશ્ચિત રૂપે બો બૅરક (જ્યાં ઍંગ્લો-ઇન્ડિયન સમુદાય રહેતું હતું)માં આર્મેનિયન ચર્ચ અને પારસી અગિયારી છે. છતાં આ સમુદાયના તમામ લોકો ટાયરેટા બજારમાં રહેતા નથી."

કોલકાતામાં રહેનારાં સ્વાતિ મિશ્રાનો ઉદ્દેશ ચીની લોકોના સાર્વજનિક સ્થાનોની કાયાકલ્પ કરવા માટે સ્થાનિક ભાગીદારી એકત્ર કરવાનો છે. તેમણે ટાયરેટા બજારમાં કૉમ્યુનિટી આર્ટ પ્રોજૅક્ટની આગેવાની કરી હતી.

તેઓ કહે છે, "એક આદર્શ ચાઇનાટાઉનથી વિપરિત ટાયરેટા બજારમાં એકાંત પસંદ સમુદાય નથી. ચીની લોકો શરૂઆતથી જ બીજા સમુદાયો સાથે સારી રીતે રહેતા આવ્યા છે અને તેમાંથી ઘણા લોકો મારાથી પણ સારી બાંગ્લા ભાષા બોલે છે."

તંગરા વિસ્તારને બાદમાં બનાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં વિશ્વનાં અન્ય ચાઇનાટાઉનોની જેમ જ સજાવટી પ્રવેશદ્વાર બનેલાં છે.

સ્થાનિક લોકો વચ્ચેના અંતરને દૂર કરવા માટે ચીની સમુદાયે ભોજનનો સહારો લીધો.

ભારતમાં પ્રથમ ચીની રૅસ્ટોરાં કોલકાતામાં સ્થાનિક હક્કાની સમુદાયે શરૂ કરી હતી અને સમય સાથે ભારત-ચીની વાનગીઓએ દેશના તમામ ભાગ સુધી પોતાની છાપ છોડવાની શરૂ કરી દીધી હતી.

હાલમાં ચીની ભોજને દેશભરમાં પોતાનું સ્થાન ઊભું કર્યું છે. ચીની વાનગીઓ દેશભરમાં પસંદ કરાઈ રહી છે. તે રોડસાઇડ લારીઓથી લઈને આલિશાન રૅસ્ટોરાં સુધી મળે છે.

ભારતમાં રહેતા ચીની લોકો

ઘણી નવી વાનગીઓ

ભારતમાં રહેતા ચીની લોકો

ઇમેજ સ્રોત, RS STOCK IMAGES/GETTY IMAGES

ઘરે પરંપરાગત હક્કા નૂડલ્સના 'હળવા સ્વાદ'ની મજા લેતાં પીટર સૅંગ કહે છે કે રસોઈયાઓએ ભારતીયોના સ્વાદ અનુસાર સુધારા કરવા પડ્યા.

તેઓ કહે છે, "તમામ લોકોએ પોતાની રીતે મરચું, ડુંગળી, ધાણા પાવડર અને અહીં સુધી કે ગરમ મસાલાનું પ્રમાણ તેમાં ઉમેર્યું."

સ્થાનિક મસાલા અને સૉસના મિશ્રણથી કેટલીક નવી વાનગીઓ બનાવવામાં આવી. જેવી કે ડાર્ક સોયા સૉસના ઉપયોગથી ચિલી ચિકન, કૉર્ન સ્ટાર્ચ અને મસાલામાં તળેલી કોબીજથી ગોબી મંચુરિયન. આ વાનગીઓ ચીનમાં ક્યાંય મળતી નથી.

પો-ચૉન્ગ ફૂડ્ઝે ભારતીય સૉસ જેવા કે ફુદીના, કસુંદી (સરગવાનું બંગાળી સંસ્કરણ) અને ચિલી ચિકન સૉસ બનાવવાની પણ શરૂઆત કરી છે. કોલકાતાના ભારતીયોની સાથેસાથે સ્થાનિક ચીની લોકોને પણ તે ઘણા પસંદ છે.

ટાયરેટા બજારમાં સુન યાત સેન સ્ટ્રીટ પર રવિવારે સવારે ચીની નાશ્તો કરવાનું કોલકાતાના ઘણા સ્થાનિક લોકોને પસંદ છે. આ લોકો અસ્થાયી સ્ટ્રીટ સ્ટૉલ પર પીરસવામાં આવતા પકોડા, વૉન્ટન અને નૂડલ્સ માટે ત્યાં પહોંચે છે.

સવારે સાડા પાંચ વાગ્યા સુધી વિક્રેતાઓ ઍલ્યુમિનિયમ સ્ટીમરમાં ચિકન મોમોઝ, પૉર્ક બન્સ અને ફિશબૉલ સૂપ માટે ત્યાં પહોંચે છે.

તંગરા વિસ્તાર આહ લેઉંગ, બીજિંગ, કિમ લિંગ અને ગોલ્ડન જૉય જેવા ચીની રૅસ્ટોરાં માટે જાણીતો છે.

જૅનિસ લી કહે છે, "કોલકાતાનું ચાઇનીઝ ફૂડ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં સુધી કે ન્યૂયૉર્કમાં પણ એક રૅસ્ટોરાં છે."

જૅનિસ લી જે રૅસ્ટોરાંની વાત કરી રહ્યાં હતાં, તેનું નામ છે 'તંગરા મસાલા'. ન્યૂયૉર્કમાં આવેલું આ રૅસ્ટોરાં પરંપરાગત ચીની ભોજનને ભારતીય અંદાજમાં પીરસે છે.

ભારતમાં રહેતા ચીની લોકો

ચીની સમુદાય ઘટવા પાછળનાં કારણો

ભારતમાં રહેતા ચીની લોકો

ઇમેજ સ્રોત, CHARUKESI RAMADURAI

વિશ્વ સ્મારક કોષ પ્રમાણે એક સદીથી વધારે સમય સુધી ભારતનો ભાગ હોવા છતાં કોલકાતાનો ચીની સમુદાય સતત ઘટી રહ્યો છે અને આવનારા સમયમાં તે સંપૂર્ણપણે નાશ પામે તેવી શક્યતા છે.

જૅનિસ લીએ એવા પડકારો વિશે વાત કરી જે એક વસતી ધરાવતા શહેરની વચ્ચોવચ અચળ સંપત્તિ પર રહેવાથી આવે છે. જેમાં મોટા પાયે 'જમીન હડપવા' અને સંપત્તિની માલિકીને લગતી લડાઈ સામેલ છે.

ચીની લોકોના વસતીઘટાડાની શરૂઆત 1962ના ભારત-ચીન યુદ્ધ સાથે થઈ હતી. તે સમયે પેઢીઓથી ત્યાં રહેનારા લોકોને શંકા અને દુશ્મનીની નજરે જોવામાં આવ્યા હતા.

સેંકડો ચીની અપ્રવાસીઓની કોઈ આધાર પુરાવા વગર અટકાયત કરવામાં આવી હતી અને દેશના બીજા છેડા પર આવેલા રાજસ્થાનમાં નજરકેદ શિબિરોમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમની સાથે આકરું વર્તન કરવામાં આવ્યું હતું.

તે સમયે કોલકાતા પાછા ફર્યા બાદ ઘણા લોકોએ અન્ય દેશોમાં જવાનો નિર્ણય લીધો જ્યાં તેમનો પરિવાર અને મિત્રો હતા.

ત્યાર પછી સરકારી આદેશો પર સેંકડો ચામડાનાં કારખાનાં બંધ કરી દેવામાં આવ્યાં. આજીવિકાના નુક્સાનના કારણે ઘણા લોકો ઑસ્ટ્રેલિયા, કૅનેડા તેમજ અમેરિકા ચાલ્યા ગયા. છેલ્લાં કેટલાક દાયકામાં ભારતના બાકી સમુદાયોની જેમ ભારતીય ચીની યુવાનો સારા શિક્ષણ અને રોજગારીના અવસરોની શોધમાં વિદેશ ચાલ્યા ગયા.

ભારતમાં રહેતા ચીની લોકો

ઇમેજ સ્રોત, SUDIPTA DAS/ALAMY

રંગન દત્ત જણાવે છે કે સ્કૂલના તેમના મોટા ભાગના ચીની મિત્રો હાલ કૅનેડામાં રહે છે. જ્યારે સૅંગનું કહેવું છે કે માત્ર સ્થાપિત વ્યવસાય ધરાવતા ચીની લોકો જ હાલ કોલકાતામાં છે અને તેઓ પણ પોતાનાં બાળકોને વિદેશ મોકલી રહ્યા છે.

જૅનિસ લી ખુદ પોતાના સમુદાયને પડતી તકલીફોમાંથી ગુજર્યાં નથી અને તેઓ અહીં રહીને પોતાનું ભવિષ્ય સારું બનાવવાનો વિકલ્પ પસંદ કરી રહ્યાં છે.

તેઓ કહે છે, "અમે એક નાનકડો હૃષ્ટપુષ્ટ સમુદાય છીએ. અમે હાલ પણ અમારા રીતિ-રિવાજોનું પાલન કરીએ છીએ અને ચીની નવવર્ષ જેવા તહેવારો સાથે ઉજવીએ છીએ."

સેંગ હાલ ચેન્નાઈમાં કામ કરે છે અને ચીની નવવર્ષ નિમિત્તે વર્ષમાં એક વખત કોલકાતા પોતાનાં માતાપિતાને મળવા આવે છે.

તેઓ કહે છે, "જ્યાં સુધી અમારો પરિવાર છે, અમે અમારી સંસ્કૃતિનું પાલન કરતાં રહીશું..."

જૅનિસ લી પ્રમાણે અખંડિતતાનો પ્રયાસ બંને તરફથી થયો છે. બંગાળી વિક્રેતા હક્કામાં બોલવાનું શીખી રહ્યા છે અને બોક ચોય, કૈલાન જેવી ચીની શાકભાજી પણ વેચી રહ્યા છે.

તેઓ હસતાંહસતાં બંગાળી મીઠાઈઓને પોતાના જીવનનો ભાગ ગણાવે છે. તેઓ કહે છે, "હું રસગુલ્લા અને મિષ્ટી દોઈ વગર રહી શકતી નથી."

રેડ લાઇન
રેડ લાઇન