વધતી વસતીને કાબૂ કરનાર ચીનની આર્થિક મહત્ત્વકાંક્ષાના માર્ગમાં શું હવે ઘટતી વસતી બનશે અડચણ?

ચીનની વસતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સામંથા ચૈન
    • પદ, બીબીસી ન્યૂઝ, સિંગાપુર
બીબીસી ગુજરાતી
  • ચીનમાં એક સર્વેક્ષણનાં તારણો મુજબ ચીનમાં શહેરોમાં રહેતી 40 ટકાથી વધુ મહિલાઓએ લગ્ન કરવા બાબતે કશું વિચાર્યું નથી
  • આ વલણ માટે તેના માટે કેટલીક હદે, ચીનમાં બાળકોના ઉછેરનો વધતો ખર્ચ અને એક બાળકની નીતિ જવાબદાર છે
  • ચીન માટે આ ચિંતાજનક ટ્રેન્ડ છે, કારણ કે ચીનની વસ્તી ઘટી રહી છે
  • ચીનની સરકારના 2021ના એક સત્તાવાર આકલન અનુસાર, આગામી પાંચ વર્ષમાં ચીનના વર્કિંગ પૉપ્યુલેશનમાં 3.5 કરોડના ઘટાડાનું અનુમાન છે
બીબીસી ગુજરાતી

ચીનની રાજધાની બેઇજિંગમાં રહેતાં 26 વર્ષનાં ક્રિસ્ટલ પોતાનું અસલી નામ જણાવવા રાજી નથી.

ચીનની પાછલી પેઢીની મોટા ભાગની મહિલાઓથી વિપરીત ક્રિસ્ટલે લગ્ન કર્યાં નથી અને હાલ તેમના પર લગ્ન કરવાનું દબાણ પણ નથી.

આવું શા માટે એવા સવાલના જવાબમાં તેમણે હસતાં-હસતાં કહ્યું હતું કે, “તેનું કારણ એ છે કે મારા પરિવારના લોકોએ લગ્ન પણ કર્યાં નથી કે છૂટાછેડા પણ લીધા નથી.”

ચીનમાં શહેરી યુવતીઓમાં આવું વલણ સર્વસામાન્ય જોવા મળી રહ્યું છે. ચીનની કમ્યુનિસ્ટ યૂથ લીગે એક સર્વેક્ષણ કર્યું હતું. તેમાં 18થી 26 વર્ષના લગભગ 3,000 લોકોને આવરી લેવામાં આવ્યા હતા.

એ સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે શહેરોમાં રહેતાં 40 ટકાથી વધુ મહિલાઓએ લગ્ન કરવા બાબતે કશું વિચાર્યું નથી, જ્યારે કે આ સંદર્ભમાં પુરુષોનું પ્રમાણ 25 ટકાથી પણ ઓછું છે.

તેના માટે કેટલીક હદે, ચીનમાં બાળકોના ઉછેરનો વધતો ખર્ચ અને એક બાળકની નીતિ જવાબદાર છે.

વિસ્કૉન્સિન-મેડિસન યુનિવર્સિટીમાં પ્રસૂતિ તથા સ્ત્રીરોગ વિભાગમાં કાર્યરત્ એક વરિષ્ઠ વિજ્ઞાની અને એક બાળકની નીતિના ટીકાકાર યી ફુક્સિયને કહ્યું હતું કે, “ચીનમાં એક જ બાળકને જન્મ આપવો કે કોઈ સંતાન જ ન હોય એ બાબત સામાજિક આદર્શ બની ગઈ છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “અર્થતંત્ર, સામાજિક વાતાવરણ, શિક્ષણ અને લગભગ બધી જ બાબતો એક બાળકની નીતિ સાથે જોડાયેલી છે.”

ગ્રે લાઇન

ચીનની ઘટતી વસ્તી કેમ માઠા સમાચાર છે?

ચીન

ઇમેજ સ્રોત, EPA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચીન માટે આ ચિંતાજનક ટ્રેન્ડ છે, કારણ કે ચીનની વસ્તી ઘટી રહી છે. ચીનમાં જન્મદર ઘણાં વર્ષોથી ધીમો પડ્યો છે, પરંતુ 2022ની વાત કરીએ તો એ વર્ષે ચીનની વસ્તીમાં 60 વર્ષમાં પહેલી વાર ઘટાડો નોંધાયો હતો.

વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર માટે આ માઠા સમાચાર છે. ચીનમાં વર્કફોર્સ અગાઉની સરખામણીએ ઘટી રહ્યો છે અને વૃદ્ધોની વસ્તી સરકારની કલ્યાણ યોજનાઓ પર દબાણ સર્જી રહી છે.

ચીનમાં 16થી 59 વર્ષની વયના 87.5 કરોડ લોકો છે, જે દેશની કુલ વસ્તીના 60 ટકાથી થોડા વધારે છે.

ચીનની સરકારના 2021ના એક સત્તાવાર આકલન અનુસાર, આગામી પાંચ વર્ષમાં ચીનની વર્કિંગ પૉપ્યુલેશન એટલે કે કામ-ધંધો કે નોકરી કરી શકે તે વયજૂથમાં આવતા લોકોની વસતીમાં 3.5 કરોડના ઘટાડાનું અનુમાન છે. તેનો અર્થ એવો થાય કે નિવૃત્ત થનારા લોકોની સંખ્યામાં વધારો થશે.

યી ફુક્સિયને કહ્યું હતું કે, “2018માં ચીનની વસ્તીવિષયક રચના 1992ના જાપાન જેવી હતી અને 2040માં, જાપાનમાં જેવી 2020માં હતી તેવી હશે.”

અર્થશાસ્ત્રીઓ છેલ્લાં ઘણાં વર્ષોથી એવું માનતા રહ્યા હતા કે આ દાયકાના અંત સુધીમાં ચીન વિકાસની બાબતમાં અમેરિકાને પાછળ છોડી દેશે, પરંતુ આવું થવાની શક્યતા ઓછી છે એવું યી ફુક્સિયન માને છે.

તેમણે કહ્યું હતું કે, “2031થી 2035 સુધી ચીન તમામ ડેમોગ્રાફિક મેટ્રિક્સ તથા આર્થિક વિકાસની બાબતોમાં અમેરિકા કરતાં ખરાબ પ્રદર્શન કરશે.”

ગ્રે લાઇન

પેન્શન પ્રણાલી પર બોજ

ચીન

ઇમેજ સ્રોત, AFP

ચીનમાં સરેરાશ વય હવે 38 વર્ષ છે, પરંતુ ચીનમાં જન્મદરમાં ઘટાડો થઈ રહ્યો છે તેમ-તેમ ત્યાં એવી ચિંતા આકાર લઈ રહી છે કે કામ કરતા લોકો એક સમયે રિટાયર થયેલા લોકોનો ખર્ચ ઉઠાવી નહીં શકે.

ચીનમાં પુરુષોની નિવૃત્ત થવાની વય 60 વર્ષ છે, જ્યારે મહિલાઓ માટે તે 55 વર્ષ છે. ચીનમાં હાલ પાંચ ટકા વસ્તી એવા લોકોની છે જેમની વય 60થી વધુ વર્ષની છે.

દુનિયામાં જાપાન જ એક એવો દેશ છે, જ્યાંની વસતીમાં વૃદ્ધોની સંખ્યા સૌથી ઝડપથી વધી રહી છે. જાપાનની એક તૃતિયાંશ વસ્તીની વય 65 કે તેથી વધુ વર્ષની છે.

ઑક્સફર્ડ ઇકૉનૉમિક્સના એક વરિષ્ઠ અર્થશાસ્ત્રી લુઈસ લૂએ કહ્યું હતું કે, "ચીનની વસ્તીમાં વય વધવી એ તેમના માટે નવી વાત નથી, પરંતુ ચીનની પેન્શન સિસ્ટમ પણ દબાણ બહુ વધારે છે."

તેમના કહેવા મુજબ, "ચીનમાં નિવૃત્ત થતા લોકોની સંખ્યા, કામ કરતા લોકોની સંખ્યા કરતાં પહેલેથી જ વધારે છે. તેને લીધે પેન્શન ફંડમાં યોગદાન કરતા લોકોની સંખ્યામાં 2014માં ઘટાડો થયો હતો. "

ચીનમાં પેન્શન ફંડનું કામકાજ પ્રાદેશિક સ્તરે કરવામાં આવે છે. તેમાં કામ મુજબ લોકો ચૂકવણી કરે છે અને એ પૈસામાંથી નિવૃત્ત લોકોને પેન્શન આપવામાં આવે છે.

ચીનની તેની સિસ્ટમમાંની આ ખામીઓ બાબતે ખબર હતી. તેણે 2018માં સમૃદ્ધ પ્રદેશોમાંથી પેન્શન ચૂકવણી ફંડ, ખોટનો સામનો કરતા પ્રદેશોમાં ટ્રાન્સફર કર્યું હતું.

ચાઇનીઝ એકૅડેમી ઑફ સોશિયલ સાયન્સિઝના 2019ના એક રિપોર્ટમાં એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે કામ કરતા લોકોની ઘટતી સંખ્યાને લીધે દેશનું મુખ્ય પેન્શન ફંડ 2035 સુધીમાં ખતમ થઈ જશે.

બીબીસી ગુજરાતી

પ્રાઇવેટ પેન્શન યોજનાનો પ્રારંભ

ચીન

ઇમેજ સ્રોત, Reuters

એ પછી ચીને 2022માં દેશનાં 36 શહેરોમાં સૌપ્રથમ પ્રાઇવેટ પેન્શન યોજના શરૂ કરી હતી. એ યોજના હેઠળ કોઈ પણ વ્યક્તિ બૅન્કમાં રિટાયરમૅન્ટ ઍકાઉન્ટ ખોલી શકે છે અને મ્યુચલ ફંડ જેવી પ્રોડક્ટ ખરીદી શકે છે તથા તેનો ઉપયોગ રિટાયરમૅન્ટ પેન્શન તરીકે બાદમાં કરી શકે છે.

યી ફુક્સિયનના કહેવા મુજબ, આ પ્રકારની યોજનાઓમાં ચીનના લોકો કેટલું રોકાણ કરશે તે હજુ સ્પષ્ટ નથી, કારણ કે અહીંના લોકો પૈસાનું રોકાણ પરંપરાગત રીતે જમીન, મકાનમાં વધારે કરે છે.

આ સમસ્યા માત્ર ચીનમાં જ છે એવું નથી. જાપાન અને દક્ષિણ કોરિયામાં પણ નાગરિકોની વય ઝડપભેર વધી રહી છે તથા યુવા એટલે કે વર્કફોર્સ ઘટી રહ્યો છે.

યી ફુક્સિયને જણાવ્યું હતું કે ચીન બાળકોના ઉછેર પરનો ખર્ચ ઘટાડવા માટે જાપાનની નીતિના અમલ માટે તૈયાર છે.

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે કહ્યું હતું કે, “ચીન શ્રીમંત થાય એ પહેલાં વૃદ્ધ થઈ રહ્યું છે તથા તેની પાસે જાપાનના માર્ગે સારી રીતે આગળ વધવા માટે નાણાકીય સાધનો પણ નથી.”

ચીન માટે માત્ર આ જ ચિંતાજનક બાબત નથી. ચીનનો યુવા વર્ગ ઑનલાઇન આંદોલન કરી રહ્યો છે. કામ કરતા લોકોને તે આંદોલન મારફતે એવું જણાવવામાં આવે છે કે કારકિર્દીમાં સફળતા પાછળ આંધળી દોટ ન મૂકીને પૂંજીવાદી સિસ્ટમમાં કામ કરવાના બોજથી દૂર રહેવાનો પ્રયાસ કરો.

ગત વર્ષે જુલાઈમાં ચીનમાં યુવા બેરોજગારીનો દર તેની ટોચ પર હતો. એ સમયે 15થી 24 વર્ષની વયના 20 ટકા લોકો બેરોજગાર હતા.

યી ફુક્સિયને કહ્યું હતું કે, “લેબર ફોર્સ લોટ છે અને પેન્શન સિસ્ટમ રોટલી બનાવવાની કળા છે. તમે ભલે ગમે તેટલી સારી રોટલી બનાવતા હો, પરંતુ પૂરતા લોટ વિના તમે પૂરતી રોટલી બનાવી શકો નહીં.”

રેડ લાઇન
રેડ લાઇન